લૂક
૧૭ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “શ્રદ્ધાના માર્ગમાં નડતર ન આવે એવું બની જ ન શકે. પણ જે નડતર ઊભી કરે છે તેને અફસોસ! ૨ આ બાળકો જેવા એકની શ્રદ્ધા તે કમજોર કરે, એના કરતાં તેના ગળામાં ઘંટીનો પથ્થર બાંધીને તેને દરિયામાં નાખી દેવામાં આવે, એ તેના માટે સારું કહેવાશે.+ ૩ પોતાના પર ધ્યાન આપો. જો તમારો ભાઈ* તમારી વિરુદ્ધ પાપ કરે તો તેને ઠપકો આપો.+ જો તે પસ્તાવો કરે તો તેને માફી આપો.+ ૪ અરે, જો તે દિવસમાં સાત વાર તમારી વિરુદ્ધ પાપ કરે અને સાત વાર પાછો આવીને કહે કે ‘હું પસ્તાવો કરું છું,’ તો તમારે તેને માફ કરવો.”+
૫ પ્રેરિતોએ માલિક ઈસુને કહ્યું: “અમારી શ્રદ્ધા વધારો.”+ ૬ માલિક ઈસુએ કહ્યું: “જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે શેતૂરના ઝાડને કહો કે ‘અહીંથી ઊખડીને દરિયામાં રોપાઈ જા!’ તો એમ થઈ જશે.+
૭ “ધારો કે તમારામાંથી એકની પાસે ચાકર છે, જે ખેતર ખેડતો હોય કે ઘેટાં-બકરાં સાચવતો હોય. તે ખેતરમાંથી પાછો આવે ત્યારે શું તમે કહેશો, ‘જલદી અહીં આવ અને જમવા બેસ’? ૮ એના બદલે તમે ચાકરને કહેશો, ‘કપડાં બદલીને મારા માટે સાંજનું ભોજન બનાવ. હું ખાઈ-પી લઉં ત્યાં સુધી મારી સેવા કર. પછી તું ખાજે-પીજે.’ ૯ ચાકરને સોંપાયેલું કામ તેણે કર્યું હોવાથી, શું માલિક તેનો આભાર માનશે? ના. ૧૦ તમને સોંપાયેલું કામ પૂરું કરો ત્યારે તમે પણ કહો: ‘અમે તો નકામા ચાકરો છીએ. અમારે જે કરવું જોઈએ, એ જ અમે કર્યું છે.’”+
૧૧ તે યરૂશાલેમ જતા હતા ત્યારે, સમરૂન અને ગાલીલની હદ પાસેથી પસાર થયા. ૧૨ તે એક ગામમાં જતા હતા ત્યારે, રક્તપિત્ત* થયેલા દસ માણસો તેમને સામે મળ્યા. પણ તેઓ દૂર ઊભા રહ્યા.+ ૧૩ તેઓએ ઊંચા અવાજે કહ્યું: “ઈસુ, ગુરુજી, અમારા પર દયા કરો!” ૧૪ તેમણે તેઓને જોઈને કહ્યું: “જાઓ અને યાજકોની પાસે જઈને બતાવો.”+ તેઓ જતા હતા ત્યારે તેઓ શુદ્ધ થયા.+ ૧૫ તેઓમાંથી એકે જોયું કે પોતે સાજો થયો છે. તે પાછો ફર્યો અને મોટા અવાજે ઈશ્વરને મહિમા આપવા લાગ્યો. ૧૬ તે ઈસુના પગ આગળ ભૂમિ સુધી માથું નમાવીને આભાર માનવા લાગ્યો. તે એક સમરૂની હતો.+ ૧૭ ઈસુએ કહ્યું: “શું દસેદસને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? તો પછી બાકીના નવ ક્યાં છે? ૧૮ ઈશ્વરને મહિમા આપવા બીજી પ્રજાના આ માણસ સિવાય બીજો કોઈ પાછો ન ફર્યો?” ૧૯ તેમણે તેને કહ્યું: “ઊભો થા અને તારા માર્ગે જા. તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”+
૨૦ ફરોશીઓએ પૂછ્યું કે ઈશ્વરનું રાજ્ય ક્યારે આવે છે.+ તેમણે કહ્યું: “ઈશ્વરનું રાજ્ય એ રીતે નહિ આવે કે બધાને ખબર પડે. ૨૧ લોકો એમ નહિ કહે કે ‘જુઓ, એ અહીં છે!’ અથવા ‘એ ત્યાં છે!’ પણ ઈશ્વરનું રાજ્ય તો તમારી વચ્ચે છે.”+
૨૨ પછી તેમણે શિષ્યોને કહ્યું: “એવા દિવસો આવશે કે જ્યારે તમે માણસના દીકરાને જોવા ચાહશો, પણ તમે તેને જોઈ શકશો નહિ. ૨૩ લોકો તમને કહેશે, ‘ત્યાં જુઓ!’ અથવા ‘અહીં જુઓ!’ પણ જતા નહિ કે તેઓની પાછળ દોડતા નહિ.+ ૨૪ જેમ વીજળી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ચમકે છે, તેમ એ* દિવસે માણસનો દીકરો+ પ્રગટ થશે.+ ૨૫ પણ પહેલા તેણે ઘણી સતાવણી સહેવી પડશે. આ પેઢી તેનો ત્યાગ કરશે.+ ૨૬ જેવું નૂહના દિવસોમાં+ થયું હતું, એવું જ માણસના દીકરાના દિવસોમાં થશે:+ ૨૭ નૂહ વહાણની* અંદર ગયા+ એ દિવસ સુધી, લોકો ખાતાં-પીતાં અને પરણતાં-પરણાવતાં હતા. પૂર આવ્યું અને એ બધાનો નાશ કર્યો.+ ૨૮ એવું જ લોતના દિવસોમાં પણ થયું હતું:+ તેઓ ખાતાં-પીતાં, ખરીદતાં-વેચતાં, રોપતાં અને બાંધતાં હતા. ૨૯ પણ લોત સદોમથી બહાર નીકળ્યા એ દિવસે આકાશમાંથી આગ ને ગંધક વરસ્યાં અને બધાનો નાશ કર્યો.+ ૩૦ માણસનો દીકરો પ્રગટ થશે એ દિવસે એવું જ થશે.+
૩૧ “એ દિવસે જે માણસ ધાબા પર હોય અને તેનો સામાન ઘરમાં હોય, તેણે એ લેવા નીચે ન ઊતરવું. જે માણસ ખેતરમાં હોય તેણે પોતાની વસ્તુઓ લેવા પાછા ન જવું. ૩૨ લોતની પત્નીને યાદ રાખો.+ ૩૩ જે કોઈ પોતાનું જીવન બચાવવા માંગે છે તે એને ગુમાવશે. જે કોઈ એને ગુમાવે છે તે એને બચાવશે.+ ૩૪ હું તમને જણાવું છું કે એ રાતે બે જણ પલંગ પર હશે. એક લેવાશે પણ બીજો પડતો મુકાશે.+ ૩૫ બે સ્ત્રીઓ એક જ ઘંટીએ દળતી હશે. એક લેવાશે પણ બીજી પડતી મુકાશે.” ૩૬ *— ૩૭ તેઓએ તેમને પૂછ્યું: “ક્યાં માલિક?” તેમણે કહ્યું: “જ્યાં મડદું છે, ત્યાં ગરુડો ભેગા થશે.”+