કોરીંથીઓને બીજો પત્ર
૫ અમે જાણીએ છીએ કે પૃથ્વી પરનું અમારું આ ઘર,* એટલે કે મંડપ પાડી નાખવામાં આવશે+ અને સ્વર્ગમાં ઈશ્વર અમને કાયમ ટકી રહે એવું ઘર આપશે, જે માણસના હાથે બંધાયેલું નથી.+ ૨ પૃથ્વી પરના આ ઘરમાં અમે ખરેખર નિસાસા નાખીએ છીએ અને સ્વર્ગનું ઘર* મેળવવા આતુર છીએ, જે કપડાંની જેમ અમને ઢાંકી દેશે.+ ૩ એટલે જ્યારે અમે એ પહેરી લઈશું ત્યારે અમે નગ્ન દેખાઈશું નહિ. ૪ અમે આ મંડપમાં રહેનારા અને ભારથી લદાયેલા છીએ, એટલે અમે નિસાસા નાખીએ છીએ. એવું નથી કે અમે આ મંડપને કપડાંની જેમ કાઢી નાખવા માંગીએ છીએ, પણ અમે તો સ્વર્ગનું ઘર મેળવવા ચાહીએ છીએ,+ જેથી નાશવંત જીવનનું સ્થાન હંમેશ માટેનું જીવન લે.+ ૫ હવે એના માટે અમને તૈયાર કરનાર તો ઈશ્વર છે+ અને તેમણે આવનાર આશીર્વાદોની સાબિતી* તરીકે અમને પવિત્ર શક્તિ આપી છે.+
૬ તેથી આપણે હંમેશાં હિંમત રાખીએ છીએ અને જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે આ ઘર જેવા શરીરમાં છીએ, ત્યાં સુધી આપણા માલિકથી દૂર છીએ.+ ૭ કેમ કે આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ, જે નજરે પડે છે એનાથી નહિ. ૮ આપણે હિંમત રાખીએ છીએ અને એવું ચાહીએ છીએ કે આ શરીરથી દૂર રહીએ અને આપણા માલિકની સાથે જીવીએ.+ ૯ ભલે આપણે તેમની સાથે જીવીએ કે તેમનાથી દૂર રહીએ, આપણો એક જ ધ્યેય છે કે તેમને ખુશ કરીએ. ૧૦ કેમ કે આપણે બધાએ ખ્રિસ્તના ન્યાયાસન આગળ હાજર થવું પડશે,* જેથી આ શરીરમાં રહીને જે સારાં કે ખરાબ કામો કર્યાં હોય, એનો બદલો દરેકને મળે.+
૧૧ અમે જાણીએ છીએ કે અમારે માલિક ઈસુનો ડર રાખવો જોઈએ, એટલે અમે લોકોને અમારી વાત માનવા સમજાવીએ છીએ, પણ ઈશ્વર અમારા વિશે સારી રીતે જાણે છે. હું આશા રાખું છું કે તમે* પણ અમારા વિશે સારી રીતે જાણતા હશો. ૧૨ અમે તમારી આગળ ફરીથી પોતાની ભલામણ કરતા નથી, પણ તમને અમારા વિશે અભિમાન કરવાની તક આપીએ છીએ. એ માટે કે જેઓ દિલને બદલે બહારનો દેખાવ જોઈને બડાઈ મારે છે,+ તેઓને તમે જવાબ આપી શકો. ૧૩ જો અમે પાગલ થયા હોઈએ+ તો એ ઈશ્વર માટે છે. જો અમે સમજુ બન્યા હોઈએ તો એ તમારા માટે છે. ૧૪ ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે, કેમ કે અમે આ તારણ પર આવ્યા છીએ: બધા લોકો પહેલેથી મરી ચૂક્યા હતા, એટલે એ જરૂરી હતું કે એક માણસ બધા માટે મરે.+ ૧૫ ખ્રિસ્ત બધા માટે મરી ગયા, એટલે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે ન જીવે,+ પણ જે તેઓ માટે મરી ગયા અને જીવતા થયા તેમના માટે જીવે.
૧૬ એ માટે, હવેથી અમે કોઈને માણસોની નજરે જોતા નથી.+ ખરું કે એક સમયે અમે ખ્રિસ્તને માણસોની નજરે જોતા હતા, પણ હવેથી અમે તેમને એ રીતે જોતા નથી.+ ૧૭ જો કોઈ ખ્રિસ્ત સાથે એકતામાં હોય, તો તે નવું સર્જન છે.+ જે જૂનું છે, એ જતું રહ્યું છે. જુઓ! નવું આવ્યું છે. ૧૮ પણ બધું જ ઈશ્વર પાસેથી છે, જેમણે ખ્રિસ્ત દ્વારા અમારી સાથે સુલેહ કરી છે.+ તેમણે અમને સુલેહ કરાવવાનું કામ સોંપ્યું છે,+ ૧૯ એટલે કે ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પોતાની સાથે દુનિયાની સુલેહ કરાવે છે+ અને લોકોના ગુનાઓનો તે હિસાબ રાખતા નથી.+ તેમણે સુલેહનો સંદેશો અમને સોંપ્યો છે.+
૨૦ આમ, અમે ખ્રિસ્ત વતી રાજદૂતો તરીકે કામ કરતા હોવાથી+ ઈશ્વર જાણે અમારા દ્વારા અરજ કરે છે. અમે રાજદૂતો તરીકે આજીજી કરીએ છીએ: “ઈશ્વર સાથે સુલેહ કરો.” ૨૧ ખ્રિસ્ત, જેમણે કદી પાપ કર્યું ન હતું,+ તેમને ઈશ્વરે અમારા માટે પાપ-અર્પણ* બનાવ્યા, જેથી તેમના દ્વારા અમે ઈશ્વર આગળ નેક ઠરીએ.+