થેસ્સાલોનિકીઓને બીજો પત્ર
૩ છેવટે ભાઈઓ, અમારા માટે પ્રાર્થના કરતા રહો+ કે યહોવાનો* સંદેશો ઝડપથી ફેલાતો જાય+ અને જેમ તમારે ત્યાં થઈ રહ્યું છે તેમ એ સંદેશો મહિમા મેળવતો રહે. ૨ એવી પણ પ્રાર્થના કરો કે ક્રૂર અને દુષ્ટ લોકોથી અમારો બચાવ થાય,+ કેમ કે બધા લોકોમાં શ્રદ્ધા હોતી નથી.+ ૩ પણ આપણા માલિક ઈસુ ભરોસાપાત્ર છે અને તે તમને દૃઢ કરશે અને શેતાનથી* તમારું રક્ષણ કરશે. ૪ ઉપરાંત, ઈસુના શિષ્યો તરીકે અમને તમારા પર પૂરો ભરોસો છે કે તમે અમારી આજ્ઞાઓ પાળો છો અને પાળતા રહેશો. ૫ આપણા માલિક ઈસુ તમારાં દિલોને માર્ગદર્શન આપતા રહે, જેથી તમે ઈશ્વરને પ્રેમ કરો+ અને ખ્રિસ્ત માટે ધીરજ બતાવો.+
૬ ભાઈઓ, અમે તમને માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં સલાહ આપીએ છીએ કે એવા દરેક ભાઈથી દૂર રહો, જે મનમાની કરે છે*+ અને અમે શીખવેલી વાતો* પ્રમાણે ચાલતો નથી.+ ૭ પણ તમે પોતે જાણો છો કે તમારે કઈ રીતે અમારું અનુકરણ કરવું જોઈએ,+ કેમ કે અમે તમારી સાથે મનમાની કરી નથી ૮ અથવા તમારામાંથી કોઈનો ખોરાક મફત* ખાધો નથી.+ પણ અમે રાત-દિવસ સખત મહેનત અને મજૂરી કરી, જેથી તમારામાંથી કોઈના પર બોજ ન બનીએ.+ ૯ એવું નથી કે અમારી પાસે અધિકાર નથી,+ પણ તમે અનુકરણ કરી શકો માટે અમે દાખલો બેસાડવા માંગતા હતા.+ ૧૦ હકીકતમાં, અમે તમારી સાથે હતા ત્યારે, તમને આ આજ્ઞા આપતા હતા: “જો કોઈ માણસ કામ કરવા માંગતો ન હોય, તો તેને ખાવાનું આપવું નહિ.”+ ૧૧ કેમ કે અમારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાંથી અમુક લોકો મનમાની કરે છે+ અને કંઈ કામ કરતા નથી. તેઓને જે વાતો લાગતી-વળગતી નથી, એમાં તેઓ માથું માર્યા કરે છે.+ ૧૨ અમે એવા લોકોને માલિક ઈસુ ખ્રિસ્તના નામમાં હુકમ કરીએ છીએ અને સલાહ આપીએ છીએ કે તેઓ શાંતિથી કામ કરે અને પોતે કમાઈને ખાય.+
૧૩ ભાઈઓ, તમે ભલું કરવાનું છોડશો નહિ. ૧૪ પણ જો આ પત્રમાં લખેલી અમારી આજ્ઞા કોઈ ન પાળે, તો તેની નોંધ રાખજો* અને તેની સંગત રાખશો નહિ,+ જેથી તેને શરમ આવે. ૧૫ જોકે, તેને દુશ્મન ગણશો નહિ, પણ ભાઈ તરીકે તેને સલાહ આપતા રહેજો.+
૧૬ શાંતિના ઈશ્વર તમને દરેક રીતે શાંતિ આપતા રહે.+ ઈશ્વર તમારા બધાની સાથે રહે.
૧૭ હું પાઉલ મારા હાથે તમને સલામ લખું છું,+ જે મારા દરેક પત્રમાં હોય છે. હું આ રીતે જ પત્ર લખું છું.
૧૮ આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા તમારા બધા પર રહે.