લેવીય
૧૮ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહે, ‘હું યહોવા તમારો ઈશ્વર છું.+ ૩ જે ઇજિપ્ત દેશમાં તમે રહેતા હતા, ત્યાંના લોકોની જેમ વર્તશો નહિ. જે કનાન દેશમાં હું તમને લઈ જઈ રહ્યો છું,+ ત્યાંના લોકોના જેવાં કામો પણ કરશો નહિ. તમે તેઓના રીતરિવાજો પાળશો નહિ. ૪ તમે મારા કાયદા-કાનૂન પાળો. મારા નિયમોનું પાલન કરો અને એ પ્રમાણે ચાલો.+ હું યહોવા તમારો ઈશ્વર છું. ૫ તમે મારા કાયદા-કાનૂન અને નિયમો પાળો. જે કોઈ એ પાળશે, એ જીવતો રહેશે.+ હું યહોવા છું.
૬ “‘તમારામાંથી કોઈ પણ પોતાના નજીકના સગા સાથે જાતીય સંબંધ ન બાંધે.*+ હું યહોવા છું. ૭ તમે તમારા પિતા સાથે અથવા તમારી માતા સાથે જાતીય સંબંધ ન બાંધો. તે તમારી માતા છે, એટલે તેની સાથે જાતીય સંબંધ ન બાંધો.
૮ “‘તમે તમારી સાવકી મા* સાથે જાતીય સંબંધ ન બાંધો.+ એવું કરવાથી તમારા પિતાનું અપમાન થાય છે.*
૯ “‘તમે તમારી સગી બહેન સાથે જાતીય સંબંધ ન બાંધો. તેમ જ, તમારા પિતાની દીકરી* કે તમારી માતાની દીકરી* સાથે પણ જાતીય સંબંધ ન બાંધો, પછી ભલે એ તમારા કુટુંબમાં કે બીજા કુટુંબમાં જન્મી હોય.+
૧૦ “‘તમે તમારા દીકરાની દીકરી સાથે અથવા દીકરીની દીકરી સાથે જાતીય સંબંધ ન બાંધો. એવું કરવાથી તમારું પોતાનું અપમાન થાય છે.
૧૧ “‘તમે તમારી સાવકી માની* દીકરી સાથે જાતીય સંબંધ ન બાંધો. તે તમારા પિતાનું સંતાન અને તમારી બહેન છે.
૧૨ “‘તમે તમારી ફોઈ સાથે જાતીય સંબંધ ન બાંધો. તે તમારા પિતાની નજીકની સગી છે.+
૧૩ “‘તમે તમારી માસી સાથે જાતીય સંબંધ ન બાંધો. તે તમારી માતાની નજીકની સગી છે.
૧૪ “‘તમે તમારી કાકી સાથે જાતીય સંબંધ બાંધીને તમારા કાકાનું અપમાન ન કરો.* તે તમારી કાકી છે.+
૧૫ “‘તમે તમારી પુત્રવધૂ સાથે જાતીય સંબંધ ન બાંધો.+ તે તમારા દીકરાની પત્ની છે. તમે તેની સાથે જાતીય સંબંધ ન બાંધો.
૧૬ “‘તમે તમારી ભાભી સાથે જાતીય સંબંધ ન બાંધો.+ એવું કરવાથી તમારા ભાઈનું અપમાન થાય છે.*
૧૭ “‘તમે કોઈ સ્ત્રીને પરણો તો, તેની દીકરી સાથે જાતીય સંબંધ ન બાંધો.+ તમે એ સ્ત્રીના દીકરાની દીકરી સાથે અને તેની દીકરીની દીકરી સાથે પણ જાતીય સંબંધ ન બાંધો. એ તેનાં નજીકનાં સગાં છે. એ અશ્લીલ કામ* છે.
૧૮ “‘જ્યાં સુધી તમારી પત્ની જીવતી હોય, ત્યાં સુધી તેની બહેન સાથે લગ્ન ન કરો*+ અને તેની સાથે જાતીય સંબંધ પણ ન બાંધો.
૧૯ “‘જ્યારે તમારી પત્ની માસિક સ્રાવને લીધે અશુદ્ધ હોય, ત્યારે તમે તેની સાથે જાતીય સંબંધ ન બાંધો.+
૨૦ “‘તમે બીજા કોઈ માણસની* પત્ની સાથે જાતીય સંબંધ ન બાંધો. એમ કરીને પોતાને અશુદ્ધ ન કરો.+
૨૧ “‘તમે તમારું કોઈ પણ બાળક મોલેખને* ન ચઢાવો.*+ એમ કરીને તમારા ઈશ્વરના નામનું અપમાન ન કરો.+ હું યહોવા છું.
૨૨ “‘કોઈ પુરુષ જેમ સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધે છે, એમ બીજા પુરુષ સાથે જાતીય સંબંધ ન બાંધે.+ એ ધિક્કારને લાયક કામ છે.
૨૩ “‘કોઈ પુરુષ જાનવર સાથે જાતીય સંબંધ બાંધીને પોતાને અશુદ્ધ ન કરે. તેમ જ, કોઈ સ્ત્રી જાનવર સાથે જાતીય સંબંધ બાંધવાના ઇરાદાથી એની પાસે ન જાય.+ એ સૃષ્ટિ વિરુદ્ધનું કામ છે.
૨૪ “‘એવું એક પણ કામ કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે જે પ્રજાઓને હું તમારી આગળથી કાઢી મૂકું છું, તેઓએ એવાં જ કામો કરીને પોતાને અશુદ્ધ કરી છે.+ ૨૫ એટલે, દેશ અશુદ્ધ થયો છે. હું એના અપરાધોની સજા કરીશ અને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢશે.+ ૨૬ પણ તમે મારા નિયમો અને કાયદા-કાનૂન પાળો.+ તમારામાંનું કોઈ પણ એવાં અધમ કામો ન કરે, પછી ભલે એ ઇઝરાયેલી હોય કે તમારી વચ્ચે રહેતો કોઈ પરદેશી હોય.+ ૨૭ કેમ કે એ દેશમાં તમારા પહેલાં રહેતા લોકોએ એવાં અધમ કામો કર્યાં હતાં+ અને એના લીધે દેશ અશુદ્ધ થયો છે. ૨૮ તમે એવાં કામો કરીને દેશને ભ્રષ્ટ ન કરો. નહિતર, એ તમારી અગાઉની પ્રજાઓની જેમ તમને ઓકી કાઢશે. ૨૯ જો કોઈ માણસ એવું એક પણ અધમ કામ કરે, તો તેને મારી નાખો. ૩૦ તમારી અગાઉની પ્રજાઓના ધિક્કારપાત્ર રિવાજો પાળીને પોતાને અશુદ્ધ ન કરો.+ એવાં કામોથી દૂર રહીને તમે મારી આજ્ઞાઓ પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.’”