લૂક
૨૦ એક દિવસે ઈસુ મંદિરમાં લોકોને શીખવતા હતા અને ખુશખબર જણાવતા હતા. વડીલો સાથે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ત્યાં આવ્યા. ૨ તેઓએ પૂછ્યું: “અમને જણાવ, તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? એ અધિકાર તને કોણે આપ્યો?”+ ૩ તેમણે તેઓને જવાબ આપ્યો: “હું પણ તમને એક સવાલ પૂછું છું. તમે મને જવાબ આપો: ૪ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો એ ઈશ્વર તરફથી* હતું કે માણસો તરફથી?” ૫ તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ કે ‘ઈશ્વર તરફથી,’ તો તે કહેશે કે ‘તમે કેમ તેનું માન્યું નહિ?’ ૬ જો આપણે કહીએ કે ‘માણસો તરફથી,’ તો બધા લોકો આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.”+ ૭ તેઓએ જવાબ આપ્યો કે તેઓને ખબર નથી કે યોહાનને એ અધિકાર ક્યાંથી મળ્યો હતો. ૮ ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને નથી જણાવતો કે હું કયા અધિકારથી આ કામો કરું છું.”
૯ તે લોકોને આ ઉદાહરણ કહેવા લાગ્યા: “એક માણસે દ્રાક્ષાવાડી કરી+ અને ખેડૂતોને ભાગે આપી. તે લાંબા સમય માટે પરદેશ ગયો.+ ૧૦ દ્રાક્ષની કાપણીની મોસમમાં તેણે પોતાના ચાકરને ખેડૂતો પાસે મોકલ્યો, જેથી તેઓ દ્રાક્ષાવાડીની પેદાશમાંથી તેનો ભાગ આપે. પણ ખેડૂતોએ ચાકરને માર્યો અને ખાલી હાથે પાછો મોકલી દીધો.+ ૧૧ ફરીથી માલિકે બીજા એક ચાકરને મોકલ્યો. તેઓએ તેને પણ માર્યો અને અપમાન કર્યું.* તેને ખાલી હાથે પાછો મોકલી દીધો. ૧૨ માલિકે ત્રીજાને મોકલ્યો. તેને પણ તેઓએ ઘાયલ કરીને બહાર ફેંકી દીધો. ૧૩ દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું: ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ.+ કદાચ તેઓ તેનું માન રાખે.’ ૧૪ તેણે પોતાના દીકરાને મોકલ્યો. ખેડૂતોની નજર તેના પર પડી. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: ‘આ તો વારસદાર છે. ચાલો તેને મારી નાખીએ, જેથી તેનો વારસો આપણો થઈ જાય.’ ૧૫ તેઓ તેને દ્રાક્ષાવાડીની બહાર ઘસડી ગયા અને તેને મારી નાખ્યો.+ તો હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓનું શું કરશે? ૧૬ તે આવશે અને આ ખેડૂતોને મારી નાખશે. તે દ્રાક્ષાવાડી બીજાઓને સોંપશે.”
આ સાંભળીને લોકોએ કહ્યું: “એવું કદી ન થાઓ!” ૧૭ તેમણે સીધું તેઓની સામે જોયું અને કહ્યું: “તો પછી આ શાસ્ત્રવચનનો અર્થ શું થાય: ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે’?+ ૧૮ આ પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે-ટુકડા થઈ જશે.+ એ પથ્થર જેના પર પડશે તેનો ભૂકો થઈ જશે.”
૧૯ શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો ઈસુને એ જ ઘડીએ પકડવા ઇચ્છતા હતા. તેઓ સમજી ગયા કે તેમણે તેઓને ધ્યાનમાં રાખીને આ ઉદાહરણ કહ્યું છે. પણ તેઓ લોકોથી ગભરાતા હતા.+ ૨૦ તેઓએ ઈસુ પર નજર રાખી. પછી તેમને શાસક અને રાજ્યપાલની સત્તાને સોંપવા માટે તેઓએ માણસો મોકલ્યા. એ લોકોને તેઓએ પૈસા આપીને ખાનગીમાં રોક્યા હતા, જેથી તેઓ ધાર્મિક હોવાનો ઢોંગ કરીને ઈસુને તેમની જ વાતોમાં ફસાવી શકે.+ ૨૧ તેઓએ આમ કહ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય બોલો છો અને શીખવો છો. તમે કોઈ ભેદભાવ રાખતા નથી. પણ તમે સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. ૨૨ અમને જણાવો કે શું સમ્રાટને* કર* આપવો યોગ્ય છે?” ૨૩ પણ ઈસુએ તેઓની ચાલાકી પારખીને તેઓને કહ્યું: ૨૪ “મને દીનાર* બતાવો. એના પર કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” તેઓએ કહ્યું: “સમ્રાટનાં.” ૨૫ ઈસુએ કહ્યું: “તો પછી જે સમ્રાટનું છે એ સમ્રાટને+ અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”+ ૨૬ તેઓ લોકો આગળ તેમને વાતોમાં ફસાવી શક્યા નહિ. પણ તેમના જવાબથી નવાઈ પામીને તેઓ ચૂપ થઈ ગયા.
૨૭ પછી અમુક સાદુકીઓ* ઈસુ પાસે આવ્યા. તેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકોને જીવતા કરાશે.+ તેઓએ ઈસુને કહ્યું:+ ૨૮ “ઉપદેશક, મૂસાએ લખ્યું હતું કે ‘જો કોઈ માણસ મરી જાય અને પાછળ પત્ની મૂકી જાય પણ તેને બાળક ન હોય, તો એ માણસનો ભાઈ તેની પત્ની સાથે લગ્ન કરે. તે પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.’+ ૨૯ એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. પહેલાએ પત્ની કરી પણ બાળક વગર ગુજરી ગયો. ૩૦ બીજા ભાઈનું પણ એવું જ થયું. ૩૧ પછી ત્રીજા ભાઈએ તેની પત્ની સાથે લગ્ન કર્યા. એવી જ રીતે, સાતેય ભાઈઓનું થયું. તેઓ મરણ પામ્યા અને એકેયને બાળકો ન હતાં. ૩૨ છેવટે પેલી સ્ત્રી પણ મરણ પામી. ૩૩ તે સાતેયની પત્ની બની હતી. તો પછી મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, તે કોની પત્ની બનશે?”
૩૪ ઈસુએ તેઓને કહ્યું: “આ દુનિયાના માણસો અને સ્ત્રીઓ લગ્ન કરે છે. ૩૫ પણ જેઓને આવનાર દુનિયા મેળવવા અને મરણમાંથી જીવતા કરવા લાયક ગણવામાં આવ્યા છે, તેઓ લગ્ન કરશે નહિ.+ ૩૬ તેઓ હવેથી મરશે નહિ, કેમ કે તેઓ દૂતો જેવા હશે. તેઓને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોવાથી તેઓ ઈશ્વરનાં બાળકો બનશે. ૩૭ મરણ પામેલાઓને ઉઠાડવામાં આવે છે, એ વિશે મૂસાએ પણ ઝાડવાના અહેવાલમાં જણાવ્યું હતું. એ અહેવાલમાં તે યહોવાને* ‘ઇબ્રાહિમના ઈશ્વર અને ઇસહાકના ઈશ્વર અને યાકૂબના ઈશ્વર’ કહે છે.+ ૩૮ તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તેમની નજરમાં તેઓ બધા જીવે છે.”+ ૩૯ અમુક શાસ્ત્રીઓએ કહ્યું: “શિક્ષક, તમે બરાબર કહો છો.” ૪૦ એના પછી એક પણ સવાલ પૂછવાની તેઓએ હિંમત ન કરી.
૪૧ ઈસુએ પૂછ્યું: “લોકો એવું કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?+ ૪૨ દાઉદ પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં કહે છે કે ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: ૪૩ “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’+ ૪૪ અહીં દાઉદ તેને માલિક કહે છે, તો પછી તે કઈ રીતે તેમનો દીકરો થાય?”
૪૫ બધા લોકોના સાંભળતા તેમણે શિષ્યોને કહ્યું: ૪૬ “શાસ્ત્રીઓથી સાવધ રહો! તેઓને લાંબા ઝભ્ભા પહેરીને ફરવાનું પસંદ છે. તેઓને બજારોમાં લોકો સલામો ભરે એવું ગમે છે. તેઓને સભાસ્થાનોમાં આગળની* બેઠકો અને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યાઓ ગમે છે.+ ૪૭ તેઓ વિધવાઓનાં ઘર* પચાવી પાડે છે અને દેખાડો કરવા લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓને આકરી સજા થશે.”