બીજો કાળવૃત્તાંત
૬ એ જોઈને સુલેમાને કહ્યું: “યહોવાએ જણાવ્યું હતું કે પોતે કાળાં વાદળોમાં રહેશે.+ ૨ મેં તમારા માટે ભવ્ય મંદિર બાંધ્યું છે, જેમાં તમે કાયમ રહી શકો.”+
૩ પછી રાજા બધા ઇઝરાયેલીઓ* તરફ ફર્યો અને તેઓને આશીર્વાદ આપવા લાગ્યો. બધા ઇઝરાયેલીઓ ત્યાં ઊભા હતા.+ ૪ તેણે કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ. તેમણે પોતે મારા પિતા દાઉદને વચન આપ્યું હતું અને પોતાના હાથે એ પૂરું કર્યું. તેમણે કહ્યું હતું: ૫ ‘હું મારા ઇઝરાયેલી લોકોને ઇજિપ્તમાંથી બહાર લાવ્યો ત્યારથી ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી મેં એકેય શહેર પસંદ કર્યું નથી, જેમાં તેઓ મારા નામને મહિમા આપવા મંદિર બાંધે.+ મેં મારા ઇઝરાયેલી લોકો પર આગેવાન થવા કોઈ માણસને પસંદ કર્યો નથી. ૬ પણ મારા નામને મહિમા આપવા મેં યરૂશાલેમ પસંદ કર્યું છે+ અને મારા ઇઝરાયેલી લોકો પર રાજ કરવા મેં દાઉદને પસંદ કર્યો છે.’+ ૭ મારા પિતા દાઉદની ઇચ્છા હતી કે ઇઝરાયેલના ઈશ્વર યહોવાના નામને મહિમા આપવા તે એક મંદિર બાંધે.+ ૮ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા દિલમાં મારા નામને મહિમા આપવા મંદિર બાંધવાની ઇચ્છા છે, એ સારી વાત કહેવાય. ૯ પણ તું મારા માટે મંદિર નહિ બાંધે. તને જે દીકરો થશે, તે મારા નામને મહિમા આપવા મંદિર બાંધશે.’+ ૧૦ યહોવાએ પોતાનું વચન પૂરું કર્યું છે. યહોવાના વચન પ્રમાણે,+ હું મારા પિતા દાઉદની જગ્યાએ આવ્યો છું અને ઇઝરાયેલની રાજગાદીએ બેઠો છું.+ ઇઝરાયેલના ઈશ્વર યહોવાના નામને મહિમા આપવા મેં એક મંદિર પણ બાંધ્યું છે. ૧૧ ત્યાં મેં કરારકોશ મૂક્યો છે.+ એમાં એ કરાર છે, જે યહોવાએ ઇઝરાયેલી લોકો સાથે કર્યો હતો.”
૧૨ પછી સુલેમાન બધા ઇઝરાયેલી લોકો* સામે યહોવાની વેદી આગળ ઊભો રહ્યો. તેણે આકાશ તરફ પોતાના હાથ ફેલાવ્યા.+ ૧૩ (સુલેમાને આંગણાની+ વચ્ચે તાંબાનો મંચ બનાવ્યો હતો. એ પાંચ હાથ* લાંબો, પાંચ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંચો હતો. તે એના પર ઊભો રહ્યો.) તે બધા ઇઝરાયેલીઓના દેખતાં ઘૂંટણિયે પડ્યો. તેણે આકાશ તરફ પોતાના હાથ ફેલાવ્યા+ ૧૪ અને કહ્યું: “હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, આકાશમાં કે પૃથ્વી પર તમારા જેવો બીજો કોઈ ઈશ્વર નથી. તમે તમારો કરાર પાળો છો. જેઓ પૂરા દિલથી તમારા માર્ગે ચાલે છે, તેઓ પર અતૂટ પ્રેમ* બતાવો છો.+ ૧૫ તમે તમારા સેવક દાઉદ, મારા પિતાને આપેલું વચન પાળ્યું છે.+ તમે પોતે વચન આપ્યું હતું અને આજે તમારા પોતાના હાથે એ પૂરું કર્યું છે.+ ૧૬ હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, તમે તમારા સેવક દાઉદ, મારા પિતાને આપેલું આ વચન પણ પૂરું કરજો: ‘જેમ તું મારા માર્ગમાં વફાદારીથી ચાલ્યો છે,+ તેમ જો તારા દીકરાઓ મારા માર્ગે ચાલતા રહેશે, તો તારા વંશમાંથી ઇઝરાયેલની રાજગાદીએ બેસનાર માણસની કદી ખોટ પડશે નહિ.’+ ૧૭ હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, કૃપા કરીને તમારા સેવક દાઉદ, મારા પિતાને આપેલું વચન પૂરું કરજો.
૧૮ “શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર લોકો સાથે રહેશે?+ આકાશો, અરે આકાશોનાં આકાશો પણ તમને સમાવી શકતાં નથી.+ તો પછી મેં બાંધેલું આ મંદિર તમને ક્યાંથી સમાવી શકે?+ ૧૯ હે યહોવા મારા ઈશ્વર, તમારા આ સેવકની પ્રાર્થના સાંભળો અને અરજને ધ્યાન આપો. તમારી આગળ તમારો સેવક મદદ માટે પોકાર કરે છે, તમને પ્રાર્થના અને આજીજી કરે છે, એ સાંભળો. ૨૦ આ જગ્યા વિશે તમે કહ્યું હતું કે તમારું નામ ત્યાં રાખશો.+ આ મંદિર પર તમારી નજર રાત-દિવસ રહે, જેથી આ જગ્યા તરફ ફરીને તમારો ભક્ત પ્રાર્થના કરે ત્યારે, તમે તેની વિનંતી સાંભળો. ૨૧ આ જગ્યા તરફ ફરીને તમારો ભક્ત મદદ માટે પોકારે અને તમારા ઇઝરાયેલી લોકો પ્રાર્થના કરે ત્યારે, તેઓની અરજ તમે કાને ધરજો.+ સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તેઓને સાંભળજો;+ હા, તમે સાંભળજો અને તેઓને માફી આપજો.+
૨૨ “જ્યારે એક માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે અને બીજો માણસ તેને સમ ખવડાવે* તથા જે માણસે સમ ખાધા છે, તે આ મંદિરમાં તમારી વેદી આગળ આવે,+ ૨૩ ત્યારે તમે સ્વર્ગમાંથી સાંભળજો. તમે પગલાં ભરજો અને તમારા સેવકોને ન્યાય આપજો. દુષ્ટ માણસને તેનાં કામોની સજા આપજો અને તેનાં કામોનો બદલો તેના માથે લાવજો.+ સાચા માર્ગે ચાલનાર માણસને નિર્દોષ ઠરાવજો અને તેની સચ્ચાઈનું ઇનામ આપજો.+
૨૪ “કદાચ એવું પણ બને કે તમારા ઇઝરાયેલી લોકો તમારી વિરુદ્ધ પાપ કરતા હોવાથી દુશ્મનો સામે હારી જાય.+ પણ પછી તેઓ ફરે અને તમારા નામને મહિમા આપે.+ તેઓ તમારી કૃપા મેળવવા આ મંદિરમાં તમારી આગળ પ્રાર્થના+ કરીને કાલાવાલા કરે.+ ૨૫ એવું થાય ત્યારે તમે સ્વર્ગમાંથી સાંભળજો.+ તમારા ઇઝરાયેલી લોકોનાં પાપ માફ કરજો. તમે તેઓને અને તેઓના બાપદાદાઓને જે દેશ આપ્યો હતો, એમાં તેઓને પાછા લઈ આવજો.+
૨૬ “કદાચ એવું પણ બને કે તેઓ તમારી વિરુદ્ધ પાપ કરતા હોવાથી+ તમે આકાશના દરવાજા બંધ કરી દો અને વરસાદ રોકી દો.+ પછી તમે તેઓને નમ્રતાનો પાઠ ભણાવ્યો* હોવાથી તેઓ આ જગ્યા તરફ ફરીને પ્રાર્થના કરે, તમારા નામને મહિમા આપે અને પાપથી પાછા ફરે.+ ૨૭ એવું થાય ત્યારે તમે સ્વર્ગમાંથી સાંભળજો. તમારા સેવકો, તમારા ઇઝરાયેલી લોકોનાં પાપ માફ કરજો. તેઓએ જે સારા માર્ગે ચાલવું જોઈએ, એ વિશે તમે તેઓને શીખવજો.+ તમારા લોકોને જે દેશ તમે વારસામાં આપ્યો છે, એના પર વરસાદ વરસાવજો.+
૨૮ “કદાચ એવું પણ બને કે દેશમાં દુકાળ પડે+ અથવા રોગચાળો ફાટી નીકળે,+ લૂ વાય, ફૂગ ચઢે,+ તીડોનાં ટોળેટોળાં+ કે ખાઉધરા તીતીઘોડાને લીધે પાક નાશ પામે. દેશના કોઈ પણ શહેરમાં દુશ્મનો તેઓને ઘેરી લે+ અથવા કોઈ આફત કે બીમારી તેઓ પર આવી પડે.+ ૨૯ એવું થાય ત્યારે જો કોઈ માણસ કે તમારા ઇઝરાયેલીઓ કૃપા મેળવવા પ્રાર્થના કરે,+ આજીજી કરે+ (કેમ કે દરેક પોતાની વેદના અને પોતાનું દુઃખ જાણે છે)+ અને આ મંદિર તરફ પોતાના હાથ ફેલાવે,+ ૩૦ તો સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તમે તેઓનું સાંભળજો.+ તમે તેઓને માફ કરજો.+ તમે દરેકનું દિલ સારી રીતે જાણો છો (કેમ કે દરેક માણસના દિલમાં શું છે એ તમે જ જાણો છો).+ દરેકનાં કામો પ્રમાણે તમે બદલો આપજો, ૩૧ જેથી અમારા બાપદાદાઓને તમે જે દેશ આપ્યો હતો, એમાં તેઓ જીવે ત્યાં સુધી તમારા માર્ગોમાં ચાલીને તમારો ડર રાખે.
૩૨ “જે પરદેશીઓ તમારા ઇઝરાયેલી લોકોનો ભાગ નથી અને જેઓ તમારા મહાન નામ* વિશે, તમારા શક્તિશાળી અને બળવાન હાથ વિશે સાંભળીને દૂર દેશમાંથી આવ્યા છે,+ તેઓ જો આ મંદિર તરફ ફરીને પ્રાર્થના કરે,+ ૩૩ તો સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તમે સાંભળજો. પરદેશીઓ જે કંઈ માંગે એ આપજો, જેથી તમારા ઇઝરાયેલી લોકોની જેમ ધરતીના બધા લોકો તમારું નામ જાણે+ અને તમારો ડર રાખે. તેઓ જાણે કે મેં બાંધેલું આ મંદિર તમારા નામે ઓળખાય છે.
૩૪ “કદાચ એવું પણ બને કે તમે તમારા લોકોને પોતાના વેરીઓ સામે કોઈ પણ જગ્યાએ લડવા મોકલો+ અને તમે જે શહેર પસંદ કર્યું છે ને તમારા નામને લીધે મેં જે મંદિર બાંધ્યું છે,+ એ દિશામાં ફરીને તેઓ પ્રાર્થના કરે.+ ૩૫ એવું થાય ત્યારે તમે સ્વર્ગમાંથી તેઓની પ્રાર્થના સાંભળજો. કૃપા માટેની તેઓની આજીજી સાંભળજો અને તેઓ માટે લડજો.*+
૩૬ “કદાચ એવું પણ બને કે તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે (કેમ કે એવો કોઈ માણસ નથી જે પાપ ન કરે)+ અને તમારો ગુસ્સો તેઓ પર ભડકી ઊઠે. તમે તેઓને ત્યજીને દુશ્મનોના હાથમાં સોંપી દો અને દુશ્મનો તેઓને ગુલામ બનાવીને નજીક કે દૂર આવેલા દેશમાં લઈ જાય.+ ૩૭ પછી જે દેશમાં તેઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેઓને પોતાની ભૂલ સમજાય. તેઓ તમારી પાસે પાછા આવે અને દુશ્મનોના દેશમાં તમારી કૃપા મેળવવા કાલાવાલા કરે. તેઓ તમને કહે કે, ‘અમે પાપ કર્યું છે, અમે ભૂલ કરી છે, અમે દુષ્ટતા કરી છે.’+ ૩૮ કદાચ એવું બને કે દુશ્મનો જે દેશમાં તેઓને ગુલામ બનાવીને+ લઈ ગયા હતા, ત્યાં તેઓ પૂરા દિલથી અને પૂરા જીવથી તમારી પાસે પાછા ફરે.+ તેઓના બાપદાદાઓને તમે જે દેશ આપ્યો છે, તમે જે શહેર પસંદ કર્યું છે અને તમારા નામને લીધે મેં જે મંદિર બાંધ્યું છે, એ દિશામાં ફરીને તેઓ પ્રાર્થના કરે.+ ૩૯ એવું થાય ત્યારે સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તમે તેઓની પ્રાર્થના સાંભળજો. તમે કૃપા માટેની તેઓની આજીજી સાંભળજો અને તેઓને છોડાવજો.*+ તમારી વિરુદ્ધ પાપ કરનારા તમારા લોકોને માફ કરજો.
૪૦ “હવે હે મારા ઈશ્વર, કૃપા કરીને આ જગ્યાએ થતી પ્રાર્થનાઓ તમે ધ્યાનથી સાંભળજો અને તમારી આંખો ખુલ્લી રાખજો.+ ૪૧ હે યહોવા ઈશ્વર, તમે તમારા રહેઠાણમાં પધારો.+ તમારી તાકાત બતાવતો કરારકોશ પણ તમારી સાથે આવે. હે યહોવા ઈશ્વર, તમારા યાજકો બતાવે કે તમે તમારા લોકોનો ઉદ્ધાર કરો છો.* તમારા વફાદાર ભક્તો તમારી ભલાઈને લીધે આનંદ કરે.+ ૪૨ હે યહોવા ઈશ્વર, તમારા અભિષિક્તને* ક્યારેય ત્યજી દેતા નહિ.+ તમારા ભક્ત દાઉદ પરનો અતૂટ પ્રેમ કાયમ યાદ રાખજો.”+