રોમનો
૭ ભાઈઓ (નિયમ જાણનારાઓ સાથે હું વાત કરું છું), શું તમે જાણતા નથી કે માણસ જીવે ત્યાં સુધી, નિયમશાસ્ત્ર તેના પર અધિકાર ચલાવે છે? ૨ દાખલા તરીકે, એક પરણેલી સ્ત્રી પોતાનો પતિ જીવતો હોય ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ ગુજરી જાય, તો તેના પતિના નિયમથી તે મુક્ત થાય છે. ૩ એટલે, જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી તે કોઈ બીજા માણસની થાય તો તેને વ્યભિચાર* કરનારી કહેવાય. પરંતુ, જો તેનો પતિ ગુજરી જાય, તો તે તેના નિયમથી મુક્ત થાય છે અને જો તે બીજા માણસને પરણે, તો તે વ્યભિચાર* કરનારી નથી.
૪ તેથી, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીર દ્વારા નિયમશાસ્ત્રમાં મરણ પામ્યા છો, જેથી તમે તેમના થાઓ, જેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે; આમ, આપણે ઈશ્વર માટે ફળ પેદા કરી શકીએ છીએ. ૫ કેમ કે આપણે શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવતા હતા ત્યારે, નિયમશાસ્ત્ર દ્વારા જાણી શક્યા કે પાપી લાલસાઓ આપણા શરીરોમાં* કામ કરીને એ ફળ ઉત્પન્ન કરતી હતી, જે મરણ તરફ દોરી જાય છે. ૬ પરંતુ, હવે આપણને નિયમશાસ્ત્રથી મુક્ત કરવામાં આવ્યા છે, કેમ કે આપણે એના બંધનમાં હતા પણ હવે એના માટે મરણ પામ્યા છીએ, જેથી લેખિત નિયમની જૂની રીતે નહિ, પણ પવિત્ર શક્તિથી નવી રીતે દાસ થઈએ.
૭ તો પછી, આપણે શું કહીએ? શું નિયમશાસ્ત્રમાં ખોટ* છે? જરાય નહિ! હકીકતમાં, જો નિયમશાસ્ત્ર ન હોત તો મને પાપ વિશે ખબર પડી ન હોત. દાખલા તરીકે, જો નિયમશાસ્ત્રમાં જણાવ્યું ન હોત કે, “તું લોભ ન કર,” તો લોભ વિશે મેં જાણ્યું ન હોત. ૮ પરંતુ, નિયમશાસ્ત્રની એ આજ્ઞાને લીધે પાપે તક શોધીને મારામાં દરેક પ્રકારનો લોભ પેદા કર્યો, કેમ કે નિયમ આવ્યો એ પહેલાં પાપ મરેલું હતું. ૯ હકીકતમાં, નિયમ આવ્યો એ પહેલાં હું જીવતો હતો. પરંતુ, એ આજ્ઞા આવી ત્યારે, પાપ ફરીથી જીવતું થયું પણ હું મરણ પામ્યો. ૧૦ અને મને ખ્યાલ આવ્યો કે જે આજ્ઞા જીવન તરફ દોરી જવાની હતી, એ તો મરણ તરફ દોરી ગઈ. ૧૧ કેમ કે પાપે તક શોધીને નિયમશાસ્ત્રની એ આજ્ઞા પ્રમાણે મને છેતર્યો અને મને એના દ્વારા મારી નાખ્યો. ૧૨ આમ, નિયમશાસ્ત્ર પોતે પવિત્ર છે અને એની આજ્ઞા પવિત્ર, ન્યાયી અને સારી છે.
૧૩ તેથી, જે સારું છે એનાથી શું મારું મરણ આવ્યું? ના, એવું નથી! પરંતુ, પાપથી મારું મરણ આવ્યું, જેથી જે સારું છે એના દ્વારા પાપ મારા પર મરણ લાવીને બતાવે કે પાપ શું છે. આમ, આજ્ઞા દ્વારા પાપ વધુને વધુ પાપી બનતું જાય છે. ૧૪ આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર ઈશ્વરથી છે; પરંતુ, હું પાપી છું અને પાપને વેચાયેલો છું. ૧૫ હું સમજતો નથી કે હું શું કરી રહ્યો છું. કેમ કે હું જે ચાહું છું એ કરતો નથી, પણ જે ધિક્કારું છું એ કરું છું. ૧૬ હું જે ચાહતો નથી એ કરું છું તો, હું કબૂલ કરું છું કે નિયમશાસ્ત્ર સારું છે. ૧૭ પરંતુ, હવેથી હું એ કરતો નથી, પણ મારામાં રહેલું પાપ એ કરે છે. ૧૮ હું જાણું છું કે મારામાં, એટલે કે મારા શરીરમાં કંઈ જ સારું નથી, કેમ કે સારું કરવાની મને ઇચ્છા તો છે, પણ હું એમ કરી શકતો નથી. ૧૯ જે સારું કરવાનું હું ચાહું છું એ હું કરતો નથી, પણ જે ખરાબ કરવાનું હું ચાહતો નથી એ હું કર્યા કરું છું. ૨૦ તો પછી, હું જે ચાહતો નથી એ કરું છું, તો હવે એ કરનાર હું નથી પણ મારામાં રહેલું પાપ છે.
૨૧ એટલે, મારા કિસ્સામાં આ નિયમ મને જોવા મળે છે: હું સારું કરવા ચાહું છું ત્યારે, જે ખરાબ છે એ મારામાં હાજર હોય છે. ૨૨ મારા દિલમાં ઈશ્વરના નિયમથી સાચે જ ખુશી થાય છે. ૨૩ પરંતુ, મારા શરીરમાં* હું બીજો એક નિયમ જોઉં છું, જે મારા મનના નિયમ સામે લડે છે અને મારા શરીરમાં* રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. ૨૪ હું કેવો લાચાર માણસ છું! મરણ તરફ લઈ જતા આ શરીરથી મને કોણ બચાવશે? ૨૫ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ઈશ્વરનો આભાર માનું છું! આમ, મનથી હું પોતે ઈશ્વરના નિયમનો દાસ છું, પણ મારા શરીરથી પાપના નિયમનો દાસ છું.