માથ્થી
૯ એટલે, ઈસુ હોડીમાં બેસીને પેલે પાર પોતાના શહેરમાં* ગયા. ૨ અને જુઓ! લકવો થયેલા માણસને અમુક લોકો પથારીમાં તેમની પાસે લઈ આવ્યા. ઈસુએ તેઓની શ્રદ્ધા જોઈને લકવો થયેલા માણસને કહ્યું: “દીકરા, હિંમત રાખ! તારાં પાપ માફ થયાં છે.” ૩ હવે, કેટલાક શાસ્ત્રીઓ અંદરોઅંદર કહેવા લાગ્યા: “આ માણસ તો ઈશ્વરની નિંદા કરે છે.” ૪ ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું: “તમારા હૃદયોમાં તમે કેમ ખરાબ વાતો વિચારો છો? ૫ ખરું જોતાં, શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે’ એ કે પછી ‘ઊભો થા અને ચાલ’? ૬ પણ, માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એની તમને ખબર પડે એટલા માટે . . .” પછી, તેમણે લકવો થયેલા માણસને કહ્યું: “ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.” ૭ ત્યારે તે ઊભો થયો અને પોતાના ઘરે ગયો. ૮ એ જોઈને ટોળામાં ભયનું મોજું છવાઈ ગયું અને માણસને આવો અધિકાર આપનાર ઈશ્વરને તેઓએ મહિમા આપ્યો.
૯ પછી ત્યાંથી આગળ જતાં, ઈસુએ માથ્થી નામના માણસને કર ભરવાની કચેરીમાં બેઠેલો જોઈને કહ્યું: “મારો શિષ્ય થા.” ત્યારે તે ઊભો થયો અને તેમની પાછળ ગયો. ૧૦ પછી, માથ્થીના ઘરમાં તે જમવા બેઠા હતા* ત્યારે, જુઓ! ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપીઓ આવ્યા. તેઓ ઈસુ અને તેમના શિષ્યો સાથે જમવા બેઠા.* ૧૧ પણ, એ જોઈને ફરોશીઓએ તેમના શિષ્યોને કહ્યું: “તમારા ગુરુ કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાય છે?” ૧૨ એ સાંભળીને ઈસુએ કહ્યું: “વૈદની જરૂર સાજા લોકોને નથી હોતી, પણ જેઓ માંદા છે તેઓને હોય છે. ૧૩ એટલે જાઓ અને આ વાતનો અર્થ જાણો: ‘હું દયા ઇચ્છું છું, બલિદાન નહિ,’ કેમ કે હું નેક લોકોને નહિ પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”
૧૪ પછી, યોહાનના શિષ્યોએ ઈસુ પાસે આવીને પૂછ્યું: “અમે અને ફરોશીઓ ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો કેમ ઉપવાસ નથી કરતા?” ૧૫ ત્યારે ઈસુએ તેઓને કહ્યું: “જ્યાં સુધી વરરાજા સાથે હોય છે ત્યાં સુધી તેના મિત્રોએ શોક કરવાની શી જરૂર છે? પણ, એવા દિવસો આવશે જ્યારે વરરાજાને તેઓ પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે. ૧૬ જૂના કપડા પર કોઈ નવા કપડાનું થીંગડું મારતું નથી, કારણ કે એ થીંગડું તો સંકોચાઈને જૂના કપડાને ફાડશે અને એ વધારે ફાટશે. ૧૭ વળી, જૂની મશકોમાં* લોકો નવો દ્રાક્ષદારૂ ભરતા નથી. જો તેઓ એમ કરે, તો મશકો ફાટી જશે અને દ્રાક્ષદારૂ ઢોળાઈ જશે અને મશકો નાશ પામશે. પણ, લોકો નવો દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરે છે અને એનાથી બંને સચવાય છે.”
૧૮ ઈસુ હજી તેઓને આ વાતો કહેતા હતા એવામાં જુઓ! એક અધિકારી તેમની પાસે આવ્યો અને ઘૂંટણે પડીને કહેવા લાગ્યો: “હવે તો મારી દીકરી મરી ગઈ હશે, પણ તમે આવીને તેના પર હાથ મૂકો એટલે તે જીવતી થશે.”
૧૯ પછી, ઈસુ ઊઠ્યા અને પોતાના શિષ્યો સાથે તેની પાછળ ગયા. ૨૦ અને જુઓ! ૧૨ વર્ષથી લોહીવાથી* પીડાતી એક સ્ત્રી પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાની કોરને અડકી, ૨૧ કેમ કે તે મનમાં ને મનમાં કહેતી હતી: “જો હું ફક્ત તેમના ઝભ્ભાને અડકીશ, તો હું સાજી થઈ જઈશ.” ૨૨ ઈસુ પાછળ ફર્યા અને તેને જોઈને કહ્યું: “દીકરી, હિંમત રાખ! તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે.” એ જ ઘડીએ તે સ્ત્રી સાજી થઈ.
૨૩ હવે, તે અધિકારીના ઘરે આવ્યા ત્યારે, તેમણે શોકમાં વાંસળી વગાડનારાઓને અને લોકોને ઘોંઘાટ કરતા જોયા. ૨૪ એટલે ઈસુએ કહ્યું: “અહીંથી નીકળી જાઓ, કેમ કે છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.” એ સાંભળીને તેઓ મશ્કરી કરતા તેમના પર હસવા લાગ્યા. ૨૫ લોકોને બહાર મોકલી દીધા પછી, તરત જ ઈસુ અંદર ગયા અને છોકરીનો હાથ પકડ્યો અને તે ઊઠી. ૨૬ આ વાત એ આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ.
૨૭ ઈસુ ત્યાંથી આગળ જતા હતા ત્યારે, બે આંધળા માણસો તેમની પાછળ પાછળ જઈને મોટેથી પોકારવા લાગ્યા: “ઓ દાઊદના દીકરા, અમારા પર દયા કરો.” ૨૮ ઈસુ એક ઘરમાં ગયા ત્યારે એ આંધળા માણસો તેમની પાસે આવ્યા અને તેમણે તેઓને પૂછ્યું: “શું તમને શ્રદ્ધા છે કે હું આમ કરી શકું છું?” તેઓએ જવાબ આપ્યો: “હા, પ્રભુ.” ૨૯ ત્યારે ઈસુ તેઓની આંખોને અડક્યા અને કહ્યું: “તમારી શ્રદ્ધા પ્રમાણે તમને થાઓ.” ૩૦ અને તેઓની આંખો ઊઘડી ગઈ. પછી, ઈસુએ તેઓને કડક ચેતવણી આપતા કહ્યું: “કોઈને જાણ ન થાય એનું ધ્યાન રાખજો.” ૩૧ પણ તેઓએ બહાર જઈને એ આખા વિસ્તારમાં તેમના વિશે વાત ફેલાવી દીધી.
૩૨ એ માણસો ત્યાંથી નીકળતા હતા ત્યારે, જુઓ! દુષ્ટ દૂત વળગેલા એક મૂંગા માણસને લોકો ઈસુ પાસે લઈ આવ્યા ૩૩ અને દુષ્ટ દૂતને કાઢતા જ મૂંગો માણસ બોલતો થયો. એ જોઈને ટોળું અચંબો પામ્યું અને કહેવા લાગ્યું: “ઇઝરાયેલમાં આવું કદી જોયું નથી.” ૩૪ પણ ફરોશીઓ કહેતા હતા: “તે તો દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતોને કાઢે છે.”
૩૫ ઈસુ બધાં શહેરોમાં તથા ગામોમાં ગયા અને લોકોનાં સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો; તેમણે રાજ્યની ખુશખબર જણાવી, બધી જાતના રોગ મટાડ્યા અને સર્વ પ્રકારની માંદગી દૂર કરી. ૩૬ લોકોનાં ટોળાં જોઈને ઈસુને કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ સતાવાયેલા અને નિરાધાર હતા. ૩૭ અને તેમણે શિષ્યોને કહ્યું: “સાચે જ ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે. ૩૮ એ માટે ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.”