યોહાન
૧૭ એ વાતો કહ્યા પછી, ઈસુએ આકાશ તરફ નજર કરીને કહ્યું: “હે પિતા, સમય આવી ગયો છે. તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી તમારો દીકરો તમને મહિમાવાન કરે. ૨ તમે દીકરાને બધા લોકો* પર અધિકાર આપ્યો છે, જેથી તમે તેને સોંપેલા બધા લોકોને તે હંમેશ માટેનું જીવન આપે. ૩ હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.* ૪ તમે મને સોંપેલું કામ પૂરું કરીને, મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે. ૫ એટલે હવે, હે પિતા, દુનિયાની શરૂઆત પહેલાં, મારો જે મહિમા તમારી સાથે હતો, એનાથી મને તમારી સાથે ફરી મહિમાવાન કરો.
૬ “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે.* તેઓ તમારા હતા અને તમે જ તેઓને મને સોંપ્યા અને તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે. ૭ હવે, તેઓ જાણે છે કે તમે જે બધું મને આપ્યું છે, એ તમારી પાસેથી છે; ૮ કેમ કે તમે જે વાતો મને જણાવી, એ મેં તેઓને જણાવી છે અને તેઓએ એનો સ્વીકાર કર્યો છે; તેઓ ચોક્કસ જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું અને તેઓ માને છે કે તમે મને મોકલ્યો છે. ૯ હું તેઓ માટે વિનંતી કરું છું; હું દુનિયા માટે નહિ, પણ તમે મને જેઓ આપ્યા છે, તેઓ માટે વિનંતી કરું છું, કારણ કે તેઓ તમારા છે; ૧૦ મારું બધું એ તમારું છે, તમારું એ મારું છે અને તેઓ દ્વારા મને મહિમા મળ્યો છે.
૧૧ “હવે, હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પણ તેઓ દુનિયામાં રહેવાના છે. હે પવિત્ર પિતા, તમે મને આપેલા તમારા નામને* લીધે તેઓનું ધ્યાન રાખજો, જેથી જેમ આપણે એક* છીએ તેમ તેઓ પણ એક* થાય. ૧૨ હું તેઓની સાથે હતો ત્યાં સુધી, તમે મને આપેલા તમારા નામને લીધે મેં તેઓનું ધ્યાન રાખ્યું હતું; મેં તેઓનું રક્ષણ કર્યું છે અને તેઓમાંથી એકનો પણ નાશ થયો નથી, સિવાય કે વિનાશના દીકરાનો, જેથી શાસ્ત્રવચન પૂરું થાય. ૧૩ પરંતુ, હવે હું તમારી પાસે આવું છું અને હું હજુ આ દુનિયામાં છું ત્યારે આ બધું કહું છું, જેથી મારા આનંદથી તેઓ ભરપૂર થાય. ૧૪ મેં તેઓને તમારો સંદેશો જણાવ્યો છે, પણ દુનિયા તેઓને ધિક્કારે છે, કારણ કે જેમ હું દુનિયાનો ભાગ નથી તેમ તેઓ પણ દુનિયાનો ભાગ નથી.
૧૫ “દુનિયામાંથી તેઓને લઈ લેવાની હું તમને વિનંતી કરતો નથી, પણ દુષ્ટથી* તેઓનું રક્ષણ કરવાની વિનંતી કરું છું. ૧૬ જેમ હું દુનિયાનો ભાગ નથી, તેમ તેઓ પણ દુનિયાનો ભાગ નથી. ૧૭ સત્ય દ્વારા તેઓને પવિત્ર કરો;* તમારો સંદેશો સત્ય છે. ૧૮ જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે. ૧૯ અને હું તેઓને માટે પોતાને પવિત્ર રાખું છું, જેથી તેઓ પણ સત્ય દ્વારા પવિત્ર થાય.
૨૦ “હું ફક્ત આ લોકો માટે જ વિનંતી કરતો નથી, પણ તેઓના સંદેશા દ્વારા જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે, તેઓ માટે પણ વિનંતી કરું છું. ૨૧ આમ, તેઓ બધા એક થાય, હે પિતા, તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું; એ જ રીતે, તેઓ પણ આપણી સાથે એકતામાં રહે, જેથી દુનિયા માને કે તમે મને મોકલ્યો છે. ૨૨ તમે મને જે મહિમા આપ્યો છે એ મેં તેઓને આપ્યો છે, જેથી આપણે જેમ એક છીએ તેમ તેઓ પણ એક થાય. ૨૩ હું તેઓ સાથે એકતામાં છું અને તમે મારી સાથે એકતામાં છો, જેથી તેઓ પૂરેપૂરી રીતે એક થાય.* આમ, દુનિયાને ખબર પડે કે તમે મને મોકલ્યો છે અને તમે જેમ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓ પર પ્રેમ રાખ્યો છે. ૨૪ હે પિતા, હું ચાહું છું કે તમે મને જે લોકો આપ્યા છે, તેઓ જ્યાં હું હોઉં ત્યાં મારી સાથે હોય; એ માટે કે તમે જે મહિમા મને આપ્યો છે, એ તેઓ જુએ, કારણ કે દુનિયાનો પાયો નંખાયો* એના પહેલાંથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે. ૨૫ હે ન્યાયી પિતા, દુનિયા ખરેખર તમને ઓળખતી નથી, પણ હું તમને ઓળખું છું અને આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે. ૨૬ મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવતો રહીશ, જેથી જેવો પ્રેમ તમે મારા પર રાખ્યો છે, એવો પ્રેમ તેઓમાં પણ રહે અને હું તેઓની સાથે એકતામાં રહું.”