૧ કોરીંથીઓ
૭ હવે, તમે જે સવાલો લખ્યા છે, એના જવાબમાં હું જણાવું છું: કોઈ માણસ સ્ત્રીને અડકે નહિ* એ સારું કહેવાય; ૨ પણ વ્યભિચાર* વધી ગયો હોવાથી, દરેક માણસને પોતાની પત્ની હોય અને દરેક સ્ત્રીને પોતાનો પતિ હોય. ૩ પતિએ પોતાની પત્નીને તેનો હક આપવો* અને પત્નીએ પણ પોતાના પતિ સાથે એ જ રીતે વર્તવું. ૪ પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ તેના પતિને છે; એ જ રીતે, પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ તેની પત્નીને છે. ૫ તમે એકબીજાને એ હક ભોગવતા અટકાવશો નહિ. જો પ્રાર્થના માટે અલગ થાઓ, તો એકબીજાની સંમતિથી થોડા સમય માટે જ અલગ થાઓ. પછી, પાછા ભેગા થઈ જાઓ, જેથી તમારા સંયમની ખામીનો ફાયદો ઉઠાવીને શેતાન તમને લલચાવતો ન રહે. ૬ જોકે, હું તમને આ વાત આજ્ઞા તરીકે નહિ, પણ સલાહ તરીકે પાળવા કહું છું. ૭ પરંતુ, હું ચાહું છું કે બધા માણસો મારા જેવા હોય. તેમ છતાં, ઈશ્વર પાસેથી દરેકને પોતાની ભેટ મળી છે, એકને આ રીતે, તો બીજાને બીજી રીતે.
૮ હવે, કુંવારા લોકોને અને વિધવાઓને હું કહું છું કે તેઓ મારા જેવા રહે, એ તેઓ માટે વધારે સારું છે. ૯ પણ, જો તેઓમાં સંયમ ન હોય તો તેઓ પરણે, કેમ કે જાતીય ઇચ્છામાં બળવા કરતાં લગ્ન કરી લેવા વધારે સારું છે.
૧૦ પરણેલા લોકોને હું શિખામણ આપું છું, હું નહિ પણ પ્રભુ આપે છે કે પત્નીએ પોતાના પતિથી જુદા ન થવું. ૧૧ પણ, જો તે જુદી થાય તો તેણે ફરીથી લગ્ન કરવા નહિ અથવા તેણે પોતાના પતિ સાથે સુલેહ કરી લેવી; અને પતિએ પોતાની પત્નીને છોડી દેવી નહિ.
૧૨ પરંતુ, બીજાઓને તો હું કહું છું, હા, પ્રભુ નહિ પણ હું કહું છું: જો કોઈ ભાઈને શ્રદ્ધા ન રાખનારી પત્ની હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય, તો તે ભાઈએ તેને છોડી દેવી નહિ; ૧૩ જો કોઈ સ્ત્રીને શ્રદ્ધા ન રાખનાર પતિ હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય, તો તે સ્ત્રીએ પોતાના પતિને છોડી દેવો નહિ. ૧૪ કેમ કે શ્રદ્ધા ન રાખનાર પતિ પોતાની પત્ની સાથેના સંબંધને લીધે પવિત્ર ગણાય છે; અને શ્રદ્ધા ન રાખનારી પત્ની પોતાના પતિ સાથેના સંબંધને લીધે પવિત્ર ગણાય છે; નહિતર, તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે. ૧૫ પરંતુ, જો શ્રદ્ધા ન રાખનાર સાથી જુદા પડવાનું* પસંદ કરે, તો તેને જુદા પડવા દો; આવા સંજોગોમાં કોઈ ભાઈ કે કોઈ બહેન બંધાયેલા નથી, પણ ઈશ્વરે તમને શાંતિથી રહેવા બોલાવ્યા છે. ૧૬ પત્ની, તને શું ખબર કે તું તારા પતિને બચાવી શકીશ કે નહિ? અથવા પતિ, તને શું ખબર કે તું તારી પત્નીને બચાવી શકીશ કે નહિ?
૧૭ તેમ છતાં, યહોવાએ* દરેકને જીવનમાં જે આપ્યું છે અને તેમણે જે માટે બોલાવ્યા છે, એ પ્રમાણે તેણે ચાલવું. એટલે, હું આ નિયમ બધાં મંડળોમાં આપું છું. ૧૮ કોઈ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે, શું તેની સુન્નત* થઈ ચૂકી હતી? તો તેણે એવા જ રહેવું. કોઈ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે, શું તે સુન્નત થયા વગરનો હતો? તો તેણે સુન્નત ન કરાવવી. ૧૯ સુન્નત થવી કે સુન્નત ન થવી મહત્ત્વનું નથી; મહત્ત્વનું તો એ છે કે ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં આવે. ૨૦ દરેક માણસને જે સ્થિતિમાં બોલાવવામાં આવ્યો હોય, એ જ સ્થિતિમાં તેણે રહેવું. ૨૧ શું તું ગુલામ હતો ત્યારે બોલાવવામાં આવ્યો હતો? તો એની ચિંતા ન કર; પણ જો તું આઝાદ થઈ શકતો હોય, તો એ તક જતી ન કર. ૨૨ કેમ કે જો કોઈ ગુલામ માણસને પ્રભુમાં બોલાવવામાં આવ્યો હોય, તો તે પ્રભુમાં આઝાદ બને છે; એ જ રીતે, જો કોઈ આઝાદ માણસને બોલાવવામાં આવ્યો હોય, તો તે ખ્રિસ્તનો ગુલામ બને છે. ૨૩ કિંમત ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે; માણસના ગુલામ બનવાનું બંધ કરો. ૨૪ ભાઈઓ, દરેક માણસને જે સ્થિતિમાં બોલાવવામાં આવ્યો હોય, એ જ સ્થિતિમાં તેણે ઈશ્વર આગળ રહેવું.
૨૫ હવે, કુંવારા લોકો* વિશે તો પ્રભુ પાસેથી મને કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુએ મારા પર દયા બતાવી હોવાથી, તેમના વિશ્વાસુ માણસ તરીકે હું મારો વિચાર જણાવું છું. ૨૬ અત્યારની મુશ્કેલ હાલત જોતા મને લાગે છે કે માણસ જેવો છે એવો જ રહે, એ તેના માટે વધારે સારું છે. ૨૭ શું તારી પત્ની છે? તો તું જુદા થવાનો પ્રયત્ન ન કર. શું તારી પત્ની નથી? તો પત્ની શોધવાનો પ્રયત્ન ન કર. ૨૮ પરંતુ, જો તું પરણે તો પાપ કરતો નથી. જો કોઈ કુંવારો પરણે તો તે પણ પાપ કરતો નથી. તોપણ, જેઓ પરણે છે તેઓના જીવનમાં તકલીફો* આવશે જ. પણ હું તમને એનાથી બચાવવાની કોશિશ કરું છું.
૨૯ ભાઈઓ, આનો પણ વિચાર કરો કે થોડો જ સમય બાકી છે. હવેથી, જેઓને પત્ની છે, તેઓ જાણે પત્ની ન હોય એવા બને. ૩૦ જેઓ રડે છે તેઓ ન રડનારા જેવા બને; જેઓ ખુશી મનાવે છે તેઓ ખુશી ન મનાવનારા જેવા બને; અને જેઓ વેચાતું લે છે તેઓ પોતાની પાસે એ ન હોય એવા બને. ૩૧ જેઓ આ દુનિયાથી લાભ મેળવે છે, તેઓ એનો પૂરો લાભ ન મેળવનારા જેવા થાય; કેમ કે આ દુનિયાનું દૃશ્ય* બદલાઈ રહ્યું છે. ૩૨ હું સાચે જ ચાહું છું કે તમે ચિંતાથી મુક્ત થાઓ. કુંવારો માણસ પ્રભુની વાતોની ચિંતા કરે છે કે કઈ રીતે પ્રભુને ખુશ કરવા. ૩૩ પરંતુ, પરણેલો માણસ ઘરસંસારની ચિંતા કરે છે કે કઈ રીતે પોતાની પત્નીને ખુશ કરવી. ૩૪ આમ, તેનું મન બે બાજુ વહેંચાયેલું છે. વધુમાં, અપરિણીત સ્ત્રી અને કુંવારી સ્ત્રી* પ્રભુની વાતોની ચિંતા કરે છે, જેથી તે પોતાના શરીર અને મનથી* પવિત્ર થાય. જોકે, પરણેલી સ્ત્રી ઘરસંસારની ચિંતા કરે છે કે કઈ રીતે પોતાના પતિને ખુશ કરવો. ૩૫ પરંતુ, હું તમારા લાભ માટે એ કહું છું. હું તમારા પર મર્યાદા મૂકવા* નહિ, પણ જે યોગ્ય છે અને પ્રભુની સતત ભક્તિ કરવાથી તમારું ધ્યાન ન ફંટાવે, એ કરવા તમને પ્રેરણા આપું છું.
૩૬ પણ, જો કોઈ પોતાની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખી શકતો ન હોય* અને જો તેણે યુવાનીનો જોશ* પસાર કરી દીધો હોય, તો તેણે આમ કરવું: તે ચાહે એમ કરે, તે પાપ કરતો નથી. તેને લગ્ન કરવા દો. ૩૭ પરંતુ, જો કોઈએ પોતાના દિલમાં નક્કી કરી લીધું હોય અને તેને લગ્ન કરવાની જરૂર લાગતી ન હોય, પણ પોતાની ઇચ્છા પર કાબૂ રાખતો હોય અને પોતે કુંવારા રહેવાનો મનમાં નિર્ણય કરી લીધો હોય, તો તે સારું કરે છે. ૩૮ તેથી, જે કોઈ પરણે છે તે સારું કરે છે, પણ જે કોઈ પરણતો નથી, તે વધારે સારું કરે છે.
૩૯ પત્ની પોતાનો પતિ જીવે ત્યાં સુધી બંધાયેલી છે. પરંતુ, જો તેનો પતિ મરણ પામે, તો તેને ઇચ્છા હોય એની સાથે પરણવાની છૂટ છે, પણ ફક્ત પ્રભુમાં.* ૪૦ પરંતુ, મને લાગે છે કે તે જેવી છે એવી જ રહેશે તો વધારે સુખી રહેશે; અને હું ચોક્કસ માનું છું કે મારી પાસે પણ ઈશ્વરની શક્તિ છે.