પિતરનો પહેલો પત્ર
૪ ખ્રિસ્તે મનુષ્ય તરીકે દુઃખ વેઠ્યું છે,+ એટલે તમે પણ તેમના જેવું મન રાખીને* તૈયાર થાઓ. કેમ કે જે માણસ દુઃખ વેઠે છે, તેણે પાપ કરવાનું છોડી દીધું છે,+ ૨ જેથી તે પોતાનું બાકીનું જીવન માણસોની ઇચ્છા પૂરી કરવા નહિ,+ પણ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા જીવે.+ ૩ કેમ કે દુનિયાના લોકોની ઇચ્છા પ્રમાણે જીવવા તમે જે સમય વિતાવ્યો છે એ પૂરતો છે.+ એ સમયે તમે બેશરમ કામો,* બેકાબૂ વાસના, વધુ પડતો દારૂ, બેફામ મિજબાનીઓ,* દારૂની મહેફિલો અને ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં ડૂબેલા હતા.+ ૪ હવે તમે એ લોકો સાથે બરબાદી તરફ લઈ જતા રસ્તે ચાલતા નથી, એટલે તેઓ મૂંઝવણમાં છે અને તમારા વિશે ખોટી વાતો કરે છે.+ ૫ પણ એ લોકોએ ખ્રિસ્તને હિસાબ આપવો પડશે, જે મરેલા અને જીવતાનો ન્યાય કરવા તૈયાર છે.+ ૬ હકીકતમાં, આ જ કારણે મરી ગયેલા લોકોને* પણ ખુશખબર જણાવવામાં આવી,+ જેથી તેઓ ઈશ્વરની પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે જીવી શકે, પછી ભલે તેઓનો ન્યાય પણ બીજા માણસોની જેમ કરવામાં આવ્યો હોય.
૭ પણ બધાનો અંત પાસે આવ્યો છે. તેથી સમજુ બનો+ અને પ્રાર્થના કરવા હંમેશાં તૈયાર રહો.*+ ૮ ખાસ કરીને, એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો,+ કેમ કે પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.+ ૯ કચકચ કર્યા વગર એકબીજાને મહેમાનગતિ બતાવો.+ ૧૦ ઈશ્વરે અનેક રીતે અપાર કૃપા બતાવીને દરેકને જુદી જુદી ભેટ આપી છે. એ માટે ઈશ્વરના સારા કારભારીઓ તરીકે એકબીજાની સેવા કરવા એ ભેટનો ઉપયોગ કરો.+ ૧૧ જો કોઈ વાત કરે, તો તેણે ઈશ્વરના સંદેશા વિશે વાત કરવી. જો કોઈ સેવા કરે, તો તેણે એ માટે ઈશ્વર તરફથી મળતી તાકાત પર આધાર રાખવો,+ જેથી બધામાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનો મહિમા થાય.+ મહિમા અને શક્તિ સદાને માટે ઈશ્વરનાં છે. આમેન.*
૧૨ વહાલા ભાઈઓ, કસોટીઓની જે આગમાંથી તમે પસાર થઈ રહ્યા છો, એનાથી નવાઈ ન પામો,+ જાણે તમારી સાથે કંઈક અજુગતું થઈ રહ્યું હોય. ૧૩ એના બદલે, ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર બન્યા છો+ એટલે આનંદ કરતા રહો,+ જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે આનંદ કરી શકો અને તમારી ખુશીનો કોઈ પાર ન રહે.+ ૧૪ જો ખ્રિસ્તના નામને લીધે તમારું અપમાન* થાય, તો તમે સુખી છો,+ કેમ કે ઈશ્વરની પવિત્ર શક્તિ અને એનો મહિમા તમારા પર રહે છે.
૧૫ હું નથી ચાહતો કે તમારામાંથી કોઈને પણ ખૂની, ચોર, ખોટું કરનાર કે બીજાના જીવનમાં માથું મારનાર તરીકે સહેવું પડે.+ ૧૬ પણ જો ખ્રિસ્તી હોવાને લીધે કોઈને સહેવું પડે, તો તેણે શરમાવું નહિ.+ તેણે ખ્રિસ્તી તરીકે જીવીને ઈશ્વરને મહિમા આપતા રહેવું. ૧૭ કેમ કે ન્યાય કરવા માટે નક્કી કરેલો સમય આવી ગયો છે અને એ ઈશ્વરના મંડળથી*+ શરૂ થાય છે. જો એ ન્યાય આપણાથી શરૂ થયો હોય,+ તો જેઓ ઈશ્વરની ખુશખબર પ્રમાણે જીવવાની ના પાડે છે તેઓની હાલત કેવી થશે?+ ૧૮ “અને જો નેક માણસનો બચાવ મુશ્કેલીથી થતો હોય, તો અધર્મી અને પાપી લોકોનું શું થશે?”+ ૧૯ એટલે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા સહન કરે છે, તેઓ સારું કરતા રહીને પોતાને વિશ્વાસુ સર્જનહારના હાથમાં સોંપી દે.*+