યોહાન
૭ એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરવાનું* ચાલુ રાખ્યું. તે યહૂદિયામાં મુસાફરી કરવા ચાહતા ન હતા, કારણ કે યહૂદીઓ તેમને મારી નાખવાની તક શોધતા હતા.+ ૨ એ વખતે યહૂદીઓનો માંડવાનો તહેવાર*+ પાસે હતો. ૩ ઈસુના ભાઈઓએ+ તેમને કહ્યું: “અહીંથી નીકળીને યહૂદિયા જા, જેથી તું જે કામો કરે છે એ તારા શિષ્યો પણ જુએ. ૪ જે કોઈ માણસ લોકોમાં જાણીતો થવા માંગે છે, તે છાની રીતે કંઈ કરતો નથી. તું આ બધું કરે છે, એ લોકો આગળ કરી બતાવ.” ૫ તેમના ભાઈઓ તેમનામાં શ્રદ્ધા રાખતા ન હતા.+ ૬ ઈસુએ તેઓને કહ્યું: “મારો સમય હજુ આવ્યો નથી,+ જ્યારે કે તમે તો ચાહો એ સમયે જઈ શકો છો. ૭ દુનિયા પાસે તમને નફરત કરવાનું કોઈ કારણ નથી. જ્યારે કે દુનિયા મને નફરત કરે છે, કેમ કે એનાં કામો દુષ્ટ છે એવી હું સાક્ષી આપું છું.+ ૮ તમે તહેવારમાં જાઓ. હું આ તહેવારમાં હમણાં જવાનો નથી, કારણ કે મારો સમય હજુ આવ્યો નથી.”+ ૯ તેઓને આ બધું જણાવ્યા પછી તે ગાલીલમાં જ રહ્યા.
૧૦ તેમના ભાઈઓ તહેવારમાં ગયા. એ પછી ઈસુ જાહેરમાં તો નહિ, પણ છાની રીતે ત્યાં ગયા. ૧૧ તહેવારના સમયે યહૂદીઓ તેમની શોધ કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા: “તે માણસ ક્યાં છે?” ૧૨ તેમના વિશે ટોળામાં ઘણી ગુસપુસ થતી હતી. અમુક કહેતા હતા કે “તે સારો માણસ છે.” પણ બીજાઓ કહેતા હતા કે “તે સારો માણસ નથી. તે તો ટોળાને ખોટે માર્ગે લઈ જાય છે.”+ ૧૩ પણ યહૂદીઓની બીકને લીધે કોઈ તેમના વિશે જાહેરમાં કંઈ કહેતું નહિ.+
૧૪ તહેવારના અડધા દિવસો પસાર થઈ ગયા પછી, ઈસુ મંદિરમાં ગયા અને શીખવવા લાગ્યા. ૧૫ યહૂદીઓ નવાઈ પામ્યા અને કહ્યું: “આ માણસ શાળાઓમાં* ભણ્યો નથી+ તો તેની પાસે શાસ્ત્રનું*+ આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?” ૧૬ ઈસુએ જવાબ આપ્યો: “હું જે શીખવું છું એ મારી પાસેથી નથી, પણ મને મોકલનાર પાસેથી છે.+ ૧૭ જે કોઈ તેમની ઇચ્છા પ્રમાણે કરવા ચાહે છે, તે જાણશે કે હું જે શીખવું છું એ ઈશ્વર પાસેથી છે+ કે મારી પોતાની પાસેથી છે. ૧૮ જે કોઈ પોતાનું શિક્ષણ આપે છે, તે પોતાને ગૌરવ મળે એવું ચાહે છે. પણ જે કોઈ પોતાને મોકલનારને ગૌરવ મળે એવું ચાહે છે,+ તે સાચો છે અને તેનામાં કંઈ કપટ નથી. ૧૯ મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું હતું,+ ખરું ને? પણ તમારામાંનો એક પણ એ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને કેમ મારી નાખવા માંગો છો?”+ ૨૦ ટોળાએ જવાબ આપ્યો: “તારામાં દુષ્ટ દૂત* છે. તને કોણ મારી નાખવા માંગે છે?” ૨૧ ઈસુએ તેઓને કહ્યું: “મેં એક કામ કર્યું અને તમે બધા નવાઈ પામો છો. ૨૨ પણ આનો વિચાર કરો: મૂસાએ તમને સુન્નતનો* નિયમ આપ્યો.+ એ મૂસા પાસેથી તો નહિ, પણ બાપદાદાઓ પાસેથી છે.+ તમે સાબ્બાથના દિવસે માણસની સુન્નત કરો છો. ૨૩ મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ ન થાય એ માટે સાબ્બાથના દિવસે માણસની સુન્નત કરી શકાય છે. તો પછી મેં સાબ્બાથના દિવસે એક માણસને પૂરેપૂરો સાજો કર્યો, એમાં તમે કેમ ગુસ્સાથી ભડકી ઊઠો છો?+ ૨૪ બહારનો દેખાવ જોઈને ન્યાય કરવાનું બંધ કરો, પણ સાચી રીતે ન્યાય કરો.”+
૨૫ પછી યરૂશાલેમના અમુક લોકો કહેવા લાગ્યા: “શું આ એ જ માણસ નથી, જેને તેઓ મારી નાખવા માંગે છે?+ ૨૬ પણ જુઓ! તે જાહેરમાં બોલે છે અને તેઓ તેને કંઈ કહેતા નથી. એવું તો નથી ને કે આ જ ખ્રિસ્ત છે, એવી આગેવાનોને પાકી ખાતરી થઈ છે? ૨૭ આપણે તો જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી છે.+ પણ જ્યારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણતું નહિ હોય કે તે ક્યાંથી છે.” ૨૮ પછી ઈસુએ મંદિરમાં શીખવતી વખતે ઊંચા અવાજે કહ્યું: “તમે મને ઓળખો છો અને હું ક્યાંથી છું એ તમે જાણો છો. હું મારી પોતાની મરજીથી આવ્યો નથી.+ મને મોકલનાર હકીકતમાં છે અને તમે તેમને ઓળખતા નથી.+ ૨૯ હું તેમને ઓળખું છું,+ કારણ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.” ૩૦ એટલે તેઓ ઈસુને પકડવાની તક શોધવા લાગ્યા.+ પણ કોઈ તેમને હાથ લગાડી શક્યું નહિ, કેમ કે તેમનો સમય હજુ આવ્યો ન હતો.+ ૩૧ પણ ટોળામાંથી ઘણાએ તેમનામાં શ્રદ્ધા મૂકી.+ તેઓ કહેતા હતા: “શું ખ્રિસ્ત આવશે ત્યારે, આ માણસે કર્યા છે એના કરતાં વધારે ચમત્કારો કરશે?”
૩૨ ફરોશીઓએ ટોળાને તેમના વિશે અંદરોઅંદર આવી વાતો કરતા સાંભળ્યા. મુખ્ય યાજકો* અને ફરોશીઓએ તેમને પકડી લાવવા સિપાઈઓ મોકલ્યા. ૩૩ ઈસુએ કહ્યું: “હું તમારી સાથે હજુ થોડી વાર છું. પછી મને મોકલનાર પાસે હું પાછો જઈશ.+ ૩૪ તમે મને શોધશો, પણ હું મળીશ નહિ. હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.”+ ૩૫ યહૂદીઓ એકબીજાને કહેવા લાગ્યા: “આ માણસનો ઇરાદો ક્યાં જવાનો છે કે તે આપણને મળશે નહિ? શું તે ગ્રીક લોકોમાં વિખેરાઈ ગયેલા યહૂદીઓ પાસે જવા ચાહે છે? શું તે ગ્રીક લોકોને શીખવવા માંગે છે? ૩૬ તેણે આમ કેમ કહ્યું કે ‘તમે મને શોધશો, પણ હું મળીશ નહિ અને હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી’?”
૩૭ તહેવારનો છેલ્લો દિવસ, મોટો દિવસ હતો.+ એ દિવસે ઈસુ ઊભા થઈને પોકારી ઊઠ્યા: “જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પાણી પીએ.+ ૩૮ જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે, ‘તેના અંતરના ઊંડાણમાંથી જીવન આપનાર પાણીનાં ઝરણાં વહેશે,’ જેમ શાસ્ત્રવચનો કહે છે.”+ ૩૯ આવું તેમણે પવિત્ર શક્તિ વિશે કહ્યું હતું. એ શક્તિ તેમના પર શ્રદ્ધા રાખનારાઓને જલદી જ મળવાની હતી. તેઓને એ પવિત્ર શક્તિ હજુ મળી ન હતી,+ કારણ કે ઈસુને હજુ મહિમા આપવામાં આવ્યો ન હતો.+ ૪૦ એ સાંભળીને ટોળામાંથી અમુક કહેવા લાગ્યા: “તે સાચે જ પ્રબોધક છે.”+ ૪૧ બીજાઓએ કહ્યું, “આ તો ખ્રિસ્ત છે.”+ કેટલાકે કહ્યું: “શું ખ્રિસ્ત ગાલીલમાંથી આવવાના છે?+ ૪૨ શું શાસ્ત્ર નથી કહેતું કે ખ્રિસ્ત દાઉદના વંશમાંથી+ અને દાઉદના ગામ,+ બેથલેહેમમાંથી+ આવશે?” ૪૩ આમ ઈસુ વિશે ટોળામાં અંદરોઅંદર ફૂટ પડી ગઈ. ૪૪ તેઓમાંથી અમુક તેમને પકડવા માંગતા હતા, પણ કોઈ તેમને હાથ લગાડી શક્યું નહિ.
૪૫ સિપાઈઓ પાછા આવ્યા ત્યારે, મુખ્ય યાજકો અને ફરોશીઓએ પૂછ્યું: “તમે તેને કેમ પકડી લાવ્યા નહિ?” ૪૬ સિપાઈઓએ જવાબ આપ્યો: “તેના જેવું કોઈ કદી બોલ્યું નથી.”+ ૪૭ ફરોશીઓએ કહ્યું: “શું તમે પણ તેની વાતોમાં આવી ગયા? ૪૮ શું એક પણ અધિકારીએ કે ફરોશીએ તેનામાં શ્રદ્ધા મૂકી છે?+ ૪૯ પણ આ ટોળું તો નિયમશાસ્ત્ર જાણતું નથી અને શ્રાપિત છે.” ૫૦ ત્યાં નિકોદેમસ હતો જે ફરોશીઓમાંનો એક હતો અને પહેલાં ઈસુ પાસે આવ્યો હતો. તેણે તેઓને કહ્યું: ૫૧ “કોઈ માણસની વાત સાંભળ્યા વગર અને તે જે કરે છે એ જાણ્યા વગર, આપણું નિયમશાસ્ત્ર તેને દોષિત ઠરાવતું નથી, ખરું ને?”+ ૫૨ તેઓએ તેને કહ્યું: “શું તું પણ ગાલીલનો છે? તપાસ કર અને જો, ગાલીલમાંથી કોઈ પ્રબોધક ઊભો થવાનો નથી.”*