હઝકિયેલ
૫ “હે માણસના દીકરા, તું ધારદાર તલવાર લે અને એને હજામના અસ્ત્રાની જેમ ચલાવ. તારું માથું અને દાઢી મૂંડી નાખ. પછી એ વાળને ત્રાજવામાં તોળીને એના ત્રણ ભાગ કર. ૨ ઘેરાના દિવસો પૂરા થાય ત્યારે+ એ વાળનો એક ભાગ શહેરની અંદર આગમાં બાળજે. બીજો ભાગ શહેર ફરતે નાખીને એના પર તલવાર ચલાવજે.+ ત્રીજા ભાગને હવામાં ઉડાવજે અને હું તલવાર લઈને એનો પીછો કરીશ.+
૩ “એ ત્રીજા ભાગમાંથી તું અમુક વાળ લેજે અને તારા કપડામાં વીંટાળી લેજે. ૪ એમાંથી તું બીજા થોડા વાળ લેજે અને આગમાં બાળી નાખજે. એ આગ ઇઝરાયેલના બધા લોકોમાં ફેલાઈ જશે.+
૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘આ યરૂશાલેમ શહેર છે. મેં એને બધી પ્રજાઓની વચ્ચે રાખ્યું છે અને એની ચારે તરફ બીજા દેશો છે. ૬ પણ એણે મારા કાયદા-કાનૂન અને નિયમો સામે બંડ પોકાર્યું છે. એની આસપાસની પ્રજાઓ અને દેશો કરતાં એણે વધારે દુષ્ટ કામો કર્યાં છે.+ એના લોકોએ મારા કાયદા-કાનૂન પાળ્યા નથી અને મારા નિયમો પ્રમાણે ચાલ્યા નથી.’
૭ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે લોકોએ આસપાસની પ્રજાઓ કરતાં વધારે મુશ્કેલીઓ ઊભી કરી છે. તમે મારા નિયમો પ્રમાણે ચાલ્યા નથી અને કાયદા-કાનૂન પાળ્યા નથી. એના બદલે, તમે તમારી આસપાસની પ્રજાઓના કાયદા-કાનૂન પાળ્યા છે.+ ૮ વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ શહેર, હું તારી સામે ઊભો થયો છું.+ બીજી પ્રજાઓના દેખતાં હું પોતે તને સજા કરીશ.+ ૯ તેં નીચ કામો કર્યાં હોવાથી, હું તારા એવા હાલ કરીશ, જેવા અગાઉ કર્યા નથી અને ફરી કદી કરીશ પણ નહિ.+
૧૦ “‘“તારામાં રહેતા પિતા પોતાના દીકરાને ખાશે+ અને દીકરો પોતાના પિતાને ખાશે. હું તારા લોકોને સજા કરીશ અને બચી ગયેલાઓને ચારેય દિશામાં વિખેરી નાખીશ.”’+
૧૧ “વિશ્વના માલિક યહોવા કહે છે, ‘ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓથી અને નીચ કામોથી તેં મારું મંદિર* અશુદ્ધ કર્યું છે.+ એટલે હું મારા સમ* ખાઈને કહું છું કે હું તને ત્યજી દઈશ. હું તારા પર રહેમ કરીશ નહિ.* હું તારા પર જરાય દયા* બતાવીશ નહિ.+ ૧૨ તારામાંથી એક ભાગ રોગચાળાથી* અથવા દુકાળથી માર્યો જશે. બીજો ભાગ તારી ફરતે તલવારથી માર્યો જશે.+ ત્રીજા ભાગને હું ચારેય દિશામાં વિખેરી નાખીશ અને તલવાર લઈને તેઓનો પીછો કરીશ.+ ૧૩ પછી મારો ગુસ્સો શમી જશે, તેઓ પરનો મારો ક્રોધ ઠંડો પડશે, મને શાંતિ વળશે+ અને હું તેઓ પર મારો કોપ રેડવાનું બંધ કરીશ. હું ચાહું છું કે તેઓ ફક્ત મારી જ ભક્તિ કરે.+ તેઓએ સ્વીકારવું પડશે કે મેં, હા, મેં યહોવાએ તેઓને એ જણાવ્યું હતું.
૧૪ “‘હું તને ઉજ્જડ કરી નાખીશ. આસપાસની પ્રજાઓ અને ત્યાંથી પસાર થનાર દરેક માણસ તારી મજાક ઉડાવશે.+ ૧૫ જ્યારે હું ગુસ્સે અને ક્રોધે ભરાઈને તારા પર ન્યાયચુકાદો લાવીશ અને તને ભારે સજા કરીશ, ત્યારે લોકો તારી મજાક ઉડાવશે, તારી મશ્કરી કરશે.+ લોકો માટે તું ચેતવણી બની જશે અને તારી આસપાસની પ્રજાઓ થરથર કાંપશે. હું યહોવા એવું બોલ્યો છું.
૧૬ “‘તારો નાશ કરવા હું તારી વિરુદ્ધ દુકાળ મોકલીશ, જે ખતરનાક તીર જેવો હશે. મેં મોકલેલાં તીરથી તારો વિનાશ થશે.+ હું ખોરાકની એવી અછત લાવીશ* કે દુકાળ હજુ વધારે આકરો લાગશે.+ ૧૭ હું તારી સામે દુકાળ અને ખૂંખાર જાનવરો મોકલીશ.+ તેઓ તારાં બાળકોને મારી નાખશે. રોગચાળો અને ખૂનખરાબી તને બરબાદ કરી નાખશે. હું તારી સામે તલવાર લાવીશ.+ હું યહોવા એવું બોલ્યો છું.’”