હઝકિયેલ
૬ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારું મોં ઇઝરાયેલના પર્વતો તરફ ફેરવ અને તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ૩ તારે આમ કહેવું: ‘ઓ ઇઝરાયેલના પર્વતો, વિશ્વના માલિક યહોવાનો સંદેશો સાંભળો! વિશ્વના માલિક યહોવા પર્વતોને, ડુંગરોને, ઝરણાઓને અને ખીણોને આવું કહે છે: “જુઓ, હું તમારી વિરુદ્ધ તલવાર લાવીશ અને તમારાં ભક્તિ-સ્થળોનો* નાશ કરીશ. ૪ તમારી વેદીઓ* તોડી પાડવામાં આવશે અને ધૂપદાનીઓ ભાંગી નાખવામાં આવશે.+ હું કતલ થયેલા લોકોને તમારી ધિક્કારપાત્ર મૂર્તિઓ* આગળ નાખી દઈશ.+ ૫ હું ઇઝરાયેલીઓનાં મડદાં તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓ આગળ નાખી દઈશ. તમારાં હાડકાં તમારી વેદીઓ ફરતે વિખેરી નાખીશ.+ ૬ તમે રહો છો એ બધી જગ્યાઓ, એ બધાં શહેરો ઉજ્જડ કરી નાખવામાં આવશે.+ ભક્તિ-સ્થળો તોડી પાડવામાં આવશે અને એ ઉજ્જડ પડી રહેશે.+ તમારી વેદીઓને ભાંગીને ભૂકો કરી નાખવામાં આવશે. તમારી ધિક્કારપાત્ર મૂર્તિઓ ધૂળમાં મળી જશે અને ધૂપદાનીઓ કાપી નાખવામાં આવશે. તમારાં બધાં કામો મિટાવી દેવામાં આવશે. ૭ જ્યારે કતલ થયેલાઓ તમારી વચ્ચે પડશે,+ ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+
૮ “‘“પણ હું અમુકને જીવતા રહેવા દઈશ. તમે બીજા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે, તમારામાંથી અમુક લોકો તલવારથી બચી જશે.+ ૯ જેઓ બચી જશે તેઓને ગુલામીમાં લઈ જવામાં આવશે. ત્યાં બીજા દેશોમાં તેઓને યાદ આવશે+ કે જ્યારે તેઓનું દિલ બેવફા* બનીને મારાથી ફરી ગયું+ અને તેઓની આંખો ધિક્કારપાત્ર મૂર્તિઓ પાછળ મોહી પડી,*+ ત્યારે મને કેટલું દુઃખ થયું હશે! તેઓનાં નીચ અને દુષ્ટ કામોને લીધે તેઓને શરમ આવશે અને તેઓએ નીચું જોવું પડશે.+ ૧૦ તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું અને તેઓ પર આ આફત લાવવા વિશે મેં ફોકટ કહ્યું ન હતું.”’+
૧૧ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું દુઃખને લીધે હાથ અફાળ, પગ પછાડ અને નિસાસા નાખ. ઇઝરાયેલી લોકોનાં નીચ અને દુષ્ટ કામોને લીધે વિલાપ કર, કેમ કે તેઓ તલવારથી, દુકાળથી અને રોગચાળાથી માર્યા જશે.+ ૧૨ જે દૂર છે એ રોગચાળાથી માર્યો જશે અને જે પાસે છે એ તલવારથી માર્યો જશે. એમાંથી છટકીને જે જીવતો રહી જશે એ દુકાળથી માર્યો જશે. હું મારો કોપ તેઓ પર પૂરેપૂરો રેડી દઈશ.+ ૧૩ ધિક્કારપાત્ર મૂર્તિઓને ખુશ કરવા જ્યાં જ્યાં તેઓ સુગંધી અર્પણો* ચઢાવતા હતા,+ ત્યાં ત્યાં તેઓનાં મડદાં રઝળશે. તેઓની મૂર્તિઓ આગળ, વેદીઓની આસપાસ,+ દરેક ઊંચા ડુંગર પર, પહાડોના દરેક શિખર પર, ઘટાદાર વૃક્ષો નીચે અને મોટાં મોટાં ઝાડની ડાળીઓ નીચે તેઓનાં મડદાં પડ્યાં રહેશે. તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+ ૧૪ હું તેઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને તેઓનો દેશ ઉજ્જડ કરી નાખીશ. દીબ્લાહ પાસે આવેલા વેરાન પ્રદેશ કરતાં પણ તેઓનાં ઘરો વધારે ઉજ્જડ થઈ જશે. તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”