એઝરા
૮ રાજા આર્તાહશાસ્તાના+ રાજમાં મારી સાથે બાબેલોનથી આવનાર પિતાનાં કુટુંબોના વડાઓની અને તેઓની વંશાવળીની નોંધ આ પ્રમાણે છે: ૨ ફીનહાસના+ દીકરાઓમાંથી* ગેર્શોમ; ઇથામારના+ દીકરાઓમાંથી દાનિયેલ; દાઉદના દીકરાઓમાંથી હાટુશ; ૩ શખાન્યાના દીકરાઓમાંથી, હા, પારોશના દીકરાઓમાંથી ઝખાર્યા અને તેની સાથે નોંધાયેલા ૧૫૦ માણસો; ૪ પાહાથ-મોઆબના+ દીકરાઓમાંથી ઝરાયાનો દીકરો એલ્યહોએનાય અને તેની સાથે ૨૦૦ માણસો; ૫ ઝાત્તુના દીકરાઓમાંથી+ યાહઝીએલનો દીકરો શખાન્યા અને તેની સાથે ૩૦૦ માણસો; ૬ આદીનના દીકરાઓમાંથી+ યોનાથાનનો દીકરો એબેદ અને તેની સાથે ૫૦ માણસો; ૭ એલામના દીકરાઓમાંથી+ અથાલ્યાનો દીકરો યેશાયાહ અને તેની સાથે ૭૦ માણસો; ૮ શફાટિયાના દીકરાઓમાંથી+ મિખાયેલનો દીકરો ઝબાદ્યા અને તેની સાથે ૮૦ માણસો; ૯ યોઆબના દીકરાઓમાંથી યહીએલનો દીકરો ઓબાદ્યા અને તેની સાથે ૨૧૮ માણસો; ૧૦ બાનીના દીકરાઓમાંથી યોસિફિયાનો દીકરો શલોમીથ અને તેની સાથે ૧૬૦ માણસો; ૧૧ બેબાયના દીકરાઓમાંથી+ ઝખાર્યા, જે બેબાયનો દીકરો હતો અને તેની સાથે ૨૮ માણસો; ૧૨ આઝ્ગાદના દીકરાઓમાંથી+ હાક્કાટાનનો દીકરો યોહાનાન અને તેની સાથે ૧૧૦ માણસો; ૧૩ અદોનીકામના દીકરાઓમાંથી+ છેલ્લે આવેલાઓનાં નામ આ છે: અલીફેલેટ, યેઈએલ, શમાયા અને તેઓની સાથે ૬૦ માણસો; ૧૪ બિગ્વાયના દીકરાઓમાંથી+ ઉથાય, ઝાબ્બૂદ અને તેઓની સાથે ૭૦ માણસો.
૧૫ મેં તેઓને આહવા પાસેની નદીએ ભેગા કર્યા.+ અમે ત્યાં ત્રણ દિવસ પડાવ નાખ્યો. લોકો અને યાજકોમાં મેં તપાસ કરી ત્યારે મને એક પણ લેવી* મળ્યો નહિ. ૧૬ મેં આ આગેવાનોને બોલાવ્યા: એલીએઝર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, એલ્નાથાન, નાથાન, ઝખાર્યા અને મશુલ્લામ. મેં આ શિક્ષકોને બોલાવ્યા: યોયારીબ અને એલ્નાથાન. ૧૭ મેં તેઓને કાસિફિયાના આગેવાન ઈદ્દો પાસે જવાની આજ્ઞા કરી. મેં તેઓને કહ્યું કે ઈદ્દો અને તેના ભાઈઓને, એટલે કે કાસિફિયામાં રહેતા મંદિરના સેવકોને* તેઓ જણાવે કે અમારા ઈશ્વરના મંદિર માટે સેવકો મોકલે. ૧૮ અમારા પર ઈશ્વરનો હાથ હોવાથી, તેઓએ માહલીના+ દીકરાઓમાંથી એક સમજદાર માણસ મોકલી આપ્યો. તે ઇઝરાયેલના દીકરા લેવીનો પૌત્ર શેરેબ્યા+ હતો. તેના દીકરાઓ અને ભાઈઓને પણ તેની સાથે મોકલ્યા. બધા મળીને ૧૮ માણસો હતા. ૧૯ તેઓએ હશાબ્યા અને તેની સાથે મરારીઓમાંથી+ યેશાયાહ, તેના ભાઈઓ અને દીકરાઓ, કુલ ૨૦ માણસો મોકલી આપ્યા. ૨૦ એ સિવાય મંદિરના સેવકોમાંથી* ૨૨૦ માણસો પણ મોકલ્યા, જેઓનાં નામોની નોંધણી થયેલી હતી. દાઉદ અને તેના આગેવાનોએ લેવીઓને મદદ કરવા મંદિરના સેવકો પસંદ કર્યા હતા.
૨૧ મેં આહવા નદી પાસે ઉપવાસનો ઢંઢેરો પિટાવ્યો, જેથી અમે અમારા ઈશ્વર આગળ નમ્ર બનીએ. અમે પ્રાર્થના કરીએ કે તે અમને માર્ગદર્શન આપે; મુસાફરીમાં અમને, અમારાં બાળકોને અને અમારી ચીજવસ્તુઓને સલામત રાખે. ૨૨ રસ્તામાં દુશ્મનો સામે રક્ષણ મેળવવા રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારો માંગતા મને શરમ આવતી હતી. અમે તો રાજાને કહ્યું હતું કે “જેઓ અમારા ઈશ્વર પર ભરોસો રાખે છે, તેઓ બધા પર તેમનો હાથ છે.+ જેઓ તેમને છોડી દે છે, તેઓ પર તેમનો ભારે કોપ રહે છે.”+ ૨૩ એટલે અમે ઉપવાસ કર્યો અને રક્ષણ માટે અમારા ઈશ્વરને કાલાવાલા કર્યા અને તેમણે અમારી અરજો સાંભળી.+
૨૪ પછી મેં યાજકોના ૧૨ આગેવાનોને, એટલે કે શેરેબ્યા, હશાબ્યા+ અને તેઓના દસ ભાઈઓને પસંદ કર્યા. ૨૫ મેં તેઓને સોનું, ચાંદી અને વાસણો તોળી આપ્યાં. એ બધું રાજાએ, તેમના સલાહકારોએ, તેમના આગેવાનોએ અને ત્યાં હાજર બધા ઇઝરાયેલીઓએ અમારા ઈશ્વરના મંદિર માટે દાન કર્યું હતું.+ ૨૬ મેં આ બધું તોળીને તેઓના હાથમાં સોંપ્યું: ૬૫૦ તાલંત* ચાંદી, ૨ તાલંત વજનના ચાંદીનાં ૧૦૦ વાસણો, ૧૦૦ તાલંત સોનું, ૨૭ સોનાના ૨૦ વાટકા, જેની કિંમત ૧,૦૦૦ દારીક* હતી અને ચળકતાં તાંબાનાં ૨ વાસણો, જે સોના જેટલાં કીમતી હતાં.
૨૮ મેં તેઓને કહ્યું: “તમે યહોવા માટે પવિત્ર છો+ અને આ વાસણો પણ પવિત્ર છે. આ સોનું-ચાંદી તમારા બાપદાદાના ઈશ્વર યહોવા માટે સ્વેચ્છા-અર્પણ છે. ૨૯ તમે યરૂશાલેમ પહોંચો ત્યાં સુધી એ સંભાળી રાખજો. પછી, યહોવાના મંદિરના ઓરડાઓમાં* લેવીઓ અને યાજકોના આગેવાનોને તથા ઇઝરાયેલનાં કુટુંબોના મુખીઓને એ બધું તોળી આપજો.”+ ૩૦ પછી યાજકો અને લેવીઓએ તોળીને આપવામાં આવેલાં ચાંદી, સોનું અને વાસણો લીધાં, જેથી તેઓ યરૂશાલેમમાં અમારા ઈશ્વરના મંદિરમાં લઈ આવે.
૩૧ આખરે અમે પહેલા મહિનાના+ ૧૨મા દિવસે યરૂશાલેમ જવા આહવા નદીથી આગળ વધ્યા.+ અમારા ઈશ્વરનો હાથ અમારા પર હતો. તેમણે અમને રસ્તામાં દુશ્મનોથી અને ચોર-લુટારાઓથી બચાવ્યા. ૩૨ અમે યરૂશાલેમ આવી પહોંચ્યા+ અને ત્રણ દિવસ રહ્યા. ૩૩ ચોથા દિવસે અમે ચાંદી, સોનું અને વાસણો ઈશ્વરના મંદિરમાં ઉરિયાહના દીકરા મરેમોથ+ યાજકને તોળી આપ્યાં.+ તેની સાથે ફીનહાસનો દીકરો એલઆઝાર, લેવીઓમાંથી યેશૂઆનો દીકરો યોઝાબાદ+ અને બિન્નૂઈનો+ દીકરો નોઆદ્યા પણ હતા. ૩૪ બધું ગણી ગણીને તોળી આપવામાં આવ્યું અને બધાનું વજન લખી લેવામાં આવ્યું. ૩૫ જેઓ ગુલામીમાંથી પાછા ફર્યા હતા, તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને અગ્નિ-અર્પણો ચઢાવ્યાં. તેઓએ આખા ઇઝરાયેલ માટે ૧૨ આખલા,+ ૯૬ નર ઘેટા,+ ઘેટાંના ૭૭ નર બચ્ચા અને ૧૨ બકરા+ પાપ-અર્પણ તરીકે ચઢાવ્યાં. આ બધું યહોવા માટે અગ્નિ-અર્પણ હતું.+
૩૬ પછી નદીની પેલે પારના વિસ્તારોમાં*+ રહેતા રાજાના સૂબાઓને* અને રાજ્યપાલોને અમે રાજાનું ફરમાન આપ્યું.+ તેઓએ લોકોને સાથ આપ્યો અને સાચા ઈશ્વરના મંદિર માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડી.+