રોમનોને પત્ર
૩ તો પછી યહૂદી હોવાનો શો ફાયદો અથવા સુન્નતથી શો ફાયદો? ૨ એના ઘણા ફાયદા છે. સૌથી પહેલા તો, ઈશ્વરે યહૂદીઓને પવિત્ર સંદેશો આપ્યો હતો.+ ૩ પણ અમુક યહૂદીઓ બેવફા બન્યા તો શું થયું? તેઓમાં શ્રદ્ધાની ખામી હતી, તો શું એનો એવો અર્થ થાય કે ઈશ્વર બેવફા છે? ૪ એવું જરાય નથી! ભલે દરેક માણસ જૂઠો સાબિત થાય,+ ઈશ્વર સાચા સાબિત થશે,+ જેમ લખેલું છે: “તમારા શબ્દો સાચા પડશે* અને તમારા પર આરોપ મૂકવામાં આવે ત્યારે તમે તેઓને જૂઠા સાબિત કરશો.”*+ ૫ આપણે દુષ્ટ કામો કરીએ છીએ ત્યારે, જાહેર થાય છે કે ઈશ્વર ખરા છે. જો એ વાત સાચી હોય, તો શું આપણને સજા કરીને ઈશ્વર કોઈ અન્યાય કરે છે? (મને ખબર છે કેટલાક લોકો આવું વિચારે છે.) ૬ ના, ઈશ્વર ખોટા નથી! જો એમ હોય તો તે દુનિયાનો ન્યાય કઈ રીતે કરશે?+
૭ જો મારા જૂઠાણાથી દેખાઈ આવે કે ઈશ્વરની વાતો સાચી છે અને લોકો તેમનો મહિમા કરે, તો અમુક લોકો કહેશે, “ઈશ્વર મને કેમ પાપી ઠરાવે છે?” ૮ જો એમ હોય, તો આપણે પણ કહીએ: “ચાલો આપણે ખરાબ કામ કરીએ, જેથી સારું પરિણામ આવે.” એમ પણ અમુક લોકો દાવો કરે છે કે અમે એવું શીખવીએ છીએ. તેઓ પર આવતો ન્યાયચુકાદો વાજબી છે.+
૯ શું આપણે યહૂદીઓ બીજાઓ કરતાં ચઢિયાતા છીએ? જરાય નહિ! અમે અગાઉ જણાવ્યું છે કે યહૂદીઓ અને ગ્રીકો પાપની સત્તા નીચે છે.+ ૧૦ એ વિશે શાસ્ત્રમાં લખેલું છે, “કોઈ માણસ ન્યાયી* નથી, એક પણ નથી.+ ૧૧ એવો એકેય માણસ નથી જેનામાં સમજણ હોય. એવો કોઈ નથી જે ઈશ્વરની શોધ કરતો હોય. ૧૨ બધા માણસો ઈશ્વરના માર્ગથી ભટકી ગયા છે. તેઓ બધા નકામા થઈ ગયા છે. એવો કોઈ નથી જે ભલાઈ કરતો હોય, એવો એક પણ માણસ નથી.”+ ૧૩ “તેઓનું મોં ખુલ્લી કબર જેવું છે, તેઓએ પોતાની જીભથી કપટ કર્યું છે.”+ “તેઓનું બોલવું સાપના ઝેર જેવું ખતરનાક છે.”+ ૧૪ “તેઓનું મોં શ્રાપ અને કડવાશથી ભરેલું છે.”+ ૧૫ “તેઓના પગ ખૂન કરવા ઉતાવળા છે.”+ ૧૬ “તેઓના માર્ગોમાં બરબાદી અને મુસીબતો છે. ૧૭ તેઓના માર્ગમાં જરાય શાંતિ નથી.”+ ૧૮ “તેઓને ભગવાનનો જરાય ડર નથી.”+
૧૯ આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર એ લોકોને લાગુ પડે છે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે. એનો હેતુ લોકોને બહાનાં કાઢવાથી અટકાવવાનો અને એ બતાવવાનો છે કે ઈશ્વર આગળ આખી દુનિયા દોષિત છે અને સજાને લાયક છે.+ ૨૦ એટલે નિયમશાસ્ત્રનાં કામો પ્રમાણે ચાલીને ઈશ્વર આગળ કોઈ પણ નેક ઠરશે નહિ,+ કેમ કે નિયમશાસ્ત્ર તો પાપનું પૂરું ભાન કરાવે છે.+
૨૧ પણ હવે નિયમશાસ્ત્ર વગર ઈશ્વરની નજરે ન્યાયી* સાબિત થવાનો માર્ગ ખુલ્લો થયો છે,+ જેની નિયમશાસ્ત્ર અને પ્રબોધકો સાક્ષી આપે છે.+ ૨૨ હા, ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાથી ઈશ્વરની નજરે ન્યાયી સાબિત થઈ શકાય છે. શ્રદ્ધા મૂકનારા સર્વ માટે આ શક્ય છે. આમાં કોઈ ભેદભાવ નથી.+ ૨૩ કેમ કે બધાએ પાપ કર્યું છે અને તેઓ ઈશ્વરના મહાન ગુણો પૂરી રીતે બતાવી શકતા નથી.*+ ૨૪ પણ ખ્રિસ્ત ઈસુના બલિદાનથી છુટકારાની કિંમત* ચૂકવીને+ ઈશ્વરે તેઓ પર અપાર કૃપા બતાવી છે. એના આધારે તે તેઓને નેક ગણે છે.+ એ અપાર કૃપા ઈશ્વર તરફથી એક ભેટ છે.+ ૨૫ ઈશ્વરે અર્પણ તરીકે ઈસુને રજૂ કર્યા,+ જેથી તેમના લોહીમાં વિશ્વાસ મૂકીને મનુષ્યો ઈશ્વર સાથે સુલેહ* કરે.+ ઈશ્વર બતાવવા માંગતા હતા કે પોતે ન્યાયી છે. અગાઉના સમયમાં થયેલાં પાપને માફ કરીને તેમણે ધીરજ* બતાવી. ૨૬ એટલું જ નહિ, આજે ઈસુ પર વિશ્વાસ કરનારને નેક ગણીને+ ઈશ્વર પોતાને નેક સાબિત કરે છે.+
૨૭ તો શું આપણી પાસે બડાઈ કરવાનું કોઈ કારણ છે? ના. શું નિયમ પાળવા વિશે અભિમાન કરવું જોઈએ?+ ના, પણ શ્રદ્ધાનો નિયમ પાળવા વિશે અભિમાન કરવું જોઈએ. ૨૮ આપણે જાણીએ છીએ કે શ્રદ્ધાથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે, નિયમશાસ્ત્ર પ્રમાણેનાં કામોથી નહિ.+ ૨૯ શું ઈશ્વર ફક્ત યહૂદીઓના જ ઈશ્વર છે?+ શું તે બીજી પ્રજાઓના પણ ઈશ્વર નથી?+ હા, તે બીજી પ્રજાઓના પણ ઈશ્વર છે.+ ૩૦ ઈશ્વર એક જ છે,+ એટલે તે સુન્નત કરાવેલા+ અને સુન્નત ન કરાવેલા લોકોને તેઓની શ્રદ્ધાને લીધે ન્યાયી ઠરાવશે.+ ૩૧ તો શું આપણે શ્રદ્ધાથી નિયમશાસ્ત્રને નકામું ઠરાવીએ છીએ? ના, જરાય નહિ! આપણે તો નિયમશાસ્ત્રને ટેકો આપીએ છીએ.+