હાગ્ગાય
૨ સાતમા મહિનાના ૨૧મા દિવસે યહોવાનો આ સંદેશો હાગ્ગાય+ પ્રબોધકને મળ્યો: ૨ “શઆલ્તીએલના દીકરા યહૂદાના+ રાજ્યપાલ ઝરુબ્બાબેલને,+ યહોસાદાકના+ દીકરા પ્રમુખ યાજક યહોશુઆને+ અને બાકીના લોકોને પૂછ, ૩ ‘શું તમારામાંથી એવું કોઈ છે, જેણે અગાઉના ઘરની* જાહોજલાલી જોઈ હોય?+ અત્યારે આ ઘર કેવું લાગે છે? શું તમને એવું નથી લાગતું કે અગાઉની સરખામણીમાં તો આ કંઈ જ નથી?’+
૪ “યહોવા કહે છે: ‘ઝરુબ્બાબેલ, મજબૂત થા. યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆ, બળવાન થા.’
“યહોવા કહે છે: ‘દેશના બધા લોકો, હિંમતવાન થાઓ+ અને કામ કરો.’
“‘કેમ કે હું તમારી સાથે છું,’+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. ૫ ‘તમે ઇજિપ્તમાંથી* બહાર આવ્યા+ ત્યારે મેં તમને જે વચન આપ્યું હતું એ યાદ કરો. હું હજી પણ મારી શક્તિથી તમને દોરું છું.+ તમે ડરશો નહિ.’”+
૬ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘ફરી એક વાર, બસ થોડી જ વારમાં હું આકાશોને, પૃથ્વીને, સમુદ્રને અને કોરી જમીનને હલાવી નાખીશ.’+
૭ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું બધી પ્રજાઓને હલાવી નાખીશ. એની કીમતી* વસ્તુઓ મારા ઘરમાં આવશે+ અને હું મારા ઘરને ગૌરવથી ભરી દઈશ.’+
૮ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘ચાંદી મારી છે અને સોનું પણ મારું છે.’
૯ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘આ ઘરના પહેલાંના વૈભવ કરતાં પછીનો વૈભવ વધારે થશે.’+
“‘અને આ જગ્યાએ હું તમને શાંતિ આપીશ,’+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”
૧૦ રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના નવમા મહિનાના ૨૪મા દિવસે હાગ્ગાય+ પ્રબોધકને યહોવાનો આ સંદેશો મળ્યો: ૧૧ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘યાજકોને નિયમશાસ્ત્ર* વિશે પૂછ:+ ૧૨ “જો કોઈ માણસ પોતાના વસ્ત્રમાં પવિત્ર માંસ લઈને જતો હોય અને તેનું વસ્ત્ર રોટલી કે શાક કે દ્રાક્ષદારૂ કે તેલ કે કોઈ પણ પ્રકારના ખોરાકને અડકે, તો શું એ ખોરાક પવિત્ર થઈ જશે?”’”
યાજકોએ કહ્યું: “ના!”
૧૩ પછી હાગ્ગાયે પૂછ્યું: “જો કોઈ માણસ શબને* અડકવાથી અશુદ્ધ થયો હોય અને તે એ બધામાંથી કશાને અડકે, તો શું એ ખોરાક અશુદ્ધ થઈ જશે?”+
યાજકોએ કહ્યું: “હા, એ અશુદ્ધ થઈ જશે.”
૧૪ એટલે હાગ્ગાયે કહ્યું: “યહોવા જણાવે છે, ‘આ દેશ, આ લોકો અને તેઓના હાથનાં બધાં કામ મારી નજરમાં એવાં જ છે. તેઓ જે કંઈ મને ચઢાવે છે, એ બધું જ અશુદ્ધ છે.’
૧૫ “‘પણ આજથી આના પર ધ્યાન આપો: યહોવાનું મંદિર ફરી બંધાવાનું શરૂ થયું* એ પહેલાં+ ૧૬ તમારી હાલત કેવી હતી? જ્યારે કોઈ માણસ અનાજના ઢગલા પાસે ૨૦ માપ અનાજ લેવા આવતો, ત્યારે તેને ફક્ત ૧૦ માપ અનાજ મળતું. જ્યારે કોઈ માણસ દ્રાક્ષાકુંડ પાસે ૫૦ માપ દ્રાક્ષદારૂ કાઢવા આવતો, ત્યારે તેને ફક્ત ૨૦ માપ દ્રાક્ષદારૂ મળતો.+ ૧૭ મેં તમારી ફસલનો, તમારી મહેનતનો નાશ કર્યો. ગરમ લૂ, ફૂગ+ અને કરાથી નાશ કર્યો, તોપણ તમારામાંથી કોઈ મારા તરફ પાછું ફર્યું નહિ,’ એવું યહોવા કહે છે.
૧૮ “‘પણ આજથી, નવમા મહિનાના ૨૪મા દિવસથી, એટલે કે યહોવાના મંદિરનો પાયો નંખાયો+ એ દિવસથી તમે આના પર ધ્યાન આપો:* ૧૯ શું કોઠારમાં હજી બી પડ્યાં છે?+ શું દ્રાક્ષાવેલા, અંજીરી, દાડમડી અને જૈતૂનનાં ઝાડ પર ફળ આવ્યાં છે? આજથી હું એ બધા પર આશીર્વાદ મોકલીશ.’”+
૨૦ નવમા મહિનાના ૨૪મા દિવસે યહોવાનો સંદેશો બીજી વાર હાગ્ગાયને મળ્યો:+ ૨૧ “યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને કહે, ‘હું આકાશોને અને પૃથ્વીને હલાવવાનો છું.+ ૨૨ હું રાજાઓનાં રાજ્યાસનો ઊથલાવી નાખીશ. પ્રજાઓની હિંમત ભાંગી નાખીશ.+ રથો અને એના સવારોને ઊંધા પાડી દઈશ. ઘોડાઓ અને એના સવારો એકબીજાની તલવારથી માર્યા જશે.’”+
૨૩ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એ દિવસે હું મારા સેવક ઝરુબ્બાબેલનો+ ઉપયોગ કરીશ, જે શઆલ્તીએલનો દીકરો છે.’+ યહોવા કહે છે, ‘હું તને મહોર કરવાની વીંટી* બનાવીશ, કેમ કે મેં તને પસંદ કર્યો છે,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”