પહેલો રાજાઓ
૧૩ યરોબઆમ વેદી પાસે+ આગમાં બલિદાનો ચઢાવવા ઊભો હતો. એવામાં યહોવાની આજ્ઞાથી એક ઈશ્વરભક્ત+ યહૂદાથી બેથેલ આવી પહોંચ્યો. ૨ યહોવાના હુકમથી તેણે મોટા અવાજે વેદીને કહ્યું: “વેદી રે વેદી! યહોવા આમ કહે છે, ‘જુઓ, દાઉદના વંશમાં એક દીકરાનો જન્મ થશે, જેનું નામ યોશિયા+ હશે. હમણાં તો ભક્તિ-સ્થળોના યાજકો તારા પર આગમાં બલિદાનો ચઢાવે છે. પણ આવનાર દીકરો તારા પર એ યાજકોનાં બલિદાન ચઢાવશે અને માણસોનાં હાડકાં બાળશે.’”+ ૩ એ દિવસે તેણે નિશાની આપતા કહ્યું: “યહોવાએ આ નિશાની આપી છે, જુઓ, વેદી ફાટી જશે! એના પરની રાખ* વેરાઈ જશે!”
૪ બેથેલની વેદી સામે ઈશ્વરભક્તે કહેલા શબ્દો રાજા યરોબઆમે સાંભળ્યા. તરત જ વેદી પાસેથી રાજાએ પોતાનો હાથ તેની તરફ લંબાવીને કહ્યું: “તેને પકડો!”+ પણ રાજાએ લંબાવેલો હાથ તરત સુકાઈ ગયો* અને તે પોતાનો હાથ પાછો ખેંચી શક્યો નહિ.+ ૫ પછી વેદી ફાટી ગઈ અને વેદી પરની રાખ વેરાઈ ગઈ! યહોવાની આજ્ઞાથી ઈશ્વરભક્તે જે નિશાની આપી હતી એમ જ થયું.
૬ રાજાએ ઈશ્વરભક્તને કહ્યું: “કૃપા કરીને યહોવા તમારા ઈશ્વર પાસે દયાની ભીખ માંગો. મારા માટે પ્રાર્થના કરો કે મારો હાથ સાજો થઈ જાય.”+ ઈશ્વરભક્તે યહોવા પાસે દયાની ભીખ માંગી. રાજાનો હાથ અગાઉ હતો એવો થઈ ગયો. ૭ રાજાએ ઈશ્વરભક્તને કહ્યું: “મારી સાથે ઘરે પધારો. ભોજન લો અને મારી ભેટ સ્વીકારો.” ૮ ઈશ્વરભક્તે રાજાને કહ્યું: “તમે મને તમારો અડધો મહેલ આપી દો, તોય હું તમારી સાથે નહિ આવું. હું આ જગ્યાએ ન તો રોટલી ખાઈશ, ન તો પાણી પીશ. ૯ યહોવાએ મને હુકમ આપ્યો છે: ‘ત્યાં તારે ન તો રોટલી ખાવી, ન તો પાણી પીવું. તું જે રસ્તે જાય એ રસ્તે તારે પાછા ન આવવું.’” ૧૦ તેથી જે રસ્તે તે બેથેલ આવ્યો હતો એ રસ્તે નહિ, પણ બીજા રસ્તે પાછો વળ્યો.
૧૧ બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો. તેના દીકરાઓએ ઘરે આવીને તેને જણાવ્યું કે ઈશ્વરભક્તે એ દિવસે બેથેલમાં કેવાં કેવાં કામો કર્યાં હતાં. ઈશ્વરભક્તે રાજાને જે કહ્યું હતું, એ પણ તેઓએ પોતાના પિતાને જણાવ્યું. ૧૨ એ સાંભળીને તેઓના પિતાએ પૂછ્યું: “તે કયા રસ્તે ગયા?” યહૂદાનો ઈશ્વરભક્ત જે તરફ ગયો હતો, એ રસ્તો દીકરાઓએ બતાવ્યો. ૧૩ તેણે દીકરાઓને કહ્યું: “મારા માટે ગધેડા પર જીન બાંધો.” તેઓએ ગધેડા પર જીન બાંધ્યું અને તે એના પર બેસીને નીકળી પડ્યો.
૧૪ ઈશ્વરભક્તને શોધતો શોધતો તે એક મોટા ઝાડ પાસે આવી પહોંચ્યો. એ ઝાડ નીચે ઈશ્વરભક્ત બેઠેલો હતો. વૃદ્ધ પ્રબોધકે તેને પૂછ્યું: “યહૂદાથી આવેલા ઈશ્વરભક્ત તમે જ છો?”+ તેણે જવાબ આપ્યો: “હા, હું જ છું.” ૧૫ તેણે ઈશ્વરભક્તને કહ્યું: “મારી સાથે ઘરે ચાલો અને ભોજન લો.” ૧૬ ઈશ્વરભક્તે કહ્યું: “હું તમારી સાથે તમારા ઘરે આવી શકતો નથી. હું આ જગ્યાએ ન તો રોટલી ખાઈશ, ન તો પાણી પીશ. ૧૭ યહોવાએ મને હુકમ આપ્યો હતો: ‘ત્યાં તારે ન તો રોટલી ખાવી, ન તો પાણી પીવું. તું જે રસ્તે જાય એ રસ્તે તારે પાછા ન આવવું.’” ૧૮ એ સાંભળીને વૃદ્ધ પ્રબોધકે તેને કહ્યું: “તમારી જેમ હું પણ પ્રબોધક છું. યહોવાએ એક દૂત મોકલીને મને જણાવ્યું કે ‘તેને તારા ઘરે લઈ આવ, જેથી તે રોટલી ખાય અને પાણી પીએ.’” (આમ તેણે ઈશ્વરભક્તને છેતર્યો.) ૧૯ ઈશ્વરભક્ત રોટલી ખાવા અને પાણી પીવા તેની સાથે તેના ઘરે ગયો.
૨૦ તેઓ ભોજન કરવા બેઠા એવામાં યહોવાનો સંદેશો વૃદ્ધ પ્રબોધક પાસે આવ્યો. ૨૧ યહૂદાથી આવેલા ઈશ્વરભક્તને તેણે મોટે સાદે કહ્યું: “યહોવા જણાવે છે કે ‘તેં યહોવાના હુકમ સામે બળવો પોકાર્યો છે. યહોવા તારા ઈશ્વરે આપેલી આજ્ઞા તેં પાળી નથી. ૨૨ તને કહેવામાં આવ્યું હતું કે એ જગ્યાએ “તારે ન તો રોટલી ખાવી, ન તો પાણી પીવું.” પણ તું રોટલી ખાવા ને પાણી પીવા ત્યાં પાછો ગયો. એટલે તારી લાશ તારા બાપદાદાઓની કબરમાં પહોંચવા પામશે નહિ.’”+
૨૩ ઈશ્વરભક્તે ખાઈ-પી લીધું પછી, તેના માટે વૃદ્ધ પ્રબોધકે ગધેડા પર જીન બાંધ્યું. ૨૪ ઈશ્વરભક્તે ત્યાંથી વિદાય લીધી. રસ્તામાં તેને સિંહ મળ્યો અને સિંહે તેને મારી નાખ્યો.+ તેની લાશ રસ્તા પર પડી હતી અને ગધેડો એની પાસે ઊભો હતો. સિંહ પણ લાશની પાસે ઊભો હતો. ૨૫ ત્યાંથી અવર-જવર કરનારા લોકોએ રસ્તા પર પડેલી લાશ જોઈ અને એની બાજુમાં ઊભેલા સિંહને પણ જોયો. વૃદ્ધ પ્રબોધક જે શહેરમાં રહેતો હતો, ત્યાં આવીને તેઓએ એની ખબર આપી.
૨૬ એ સાંભળીને વૃદ્ધ પ્રબોધક તરત બોલી ઊઠ્યો: “એ તો પેલા ઈશ્વરભક્ત છે, જેમણે યહોવાના હુકમ સામે બળવો પોકાર્યો હતો.+ યહોવાએ તેમને સંદેશો આપ્યો હતો એ જ પ્રમાણે થયું.+ યહોવાએ તેમને સિંહને હવાલે કરી દીધા, જેથી એ તેમના પર હુમલો કરીને મારી નાખે.” ૨૭ તેણે પોતાના દીકરાઓને કહ્યું: “મારા માટે ગધેડા પર જીન બાંધો.” તેઓએ ગધેડા પર જીન બાંધ્યું. ૨૮ વૃદ્ધ પ્રબોધક નીકળી પડ્યો. રસ્તા પર તેને લાશ મળી આવી, જેની પાસે ગધેડો અને સિંહ ઊભા હતા. સિંહે ન તો લાશ ખાધી હતી, ન તો ગધેડાને ફાડી ખાધો હતો. ૨૯ વૃદ્ધ પ્રબોધકે ઈશ્વરભક્તની લાશ ઉપાડી અને ગધેડા પર મૂકી. તે એને પોતાના શહેરમાં લઈ આવ્યો, જેથી શોક પાળે અને તેને દફનાવે. ૩૦ તેણે લાશને પોતાની કબરમાં દફનાવી. તેઓ જોરજોરથી વિલાપ કરવા લાગ્યા: “હાય રે મારા ભાઈ!” ૩૧ તેને દફનાવી દીધા પછી, વૃદ્ધ પ્રબોધકે પોતાના દીકરાઓને કહ્યું: “હું મરી જાઉં ત્યારે, જ્યાં ઈશ્વરભક્તને દફનાવ્યા છે ત્યાં જ મને દફનાવજો. મારાં હાડકાં તેમનાં હાડકાંની બાજુમાં મૂકજો.+ ૩૨ યહોવાની આજ્ઞાથી એ ઈશ્વરભક્ત બેથેલની વેદી વિરુદ્ધ બોલ્યા હતા; તે સમરૂનનાં શહેરોનાં ભક્તિ-સ્થળોએ+ આવેલાં બધાં મંદિરો વિરુદ્ધ બોલ્યા હતા; એ બધું ચોક્કસ પૂરું થશે.”+
૩૩ આટલું બધું થયા પછી પણ, યરોબઆમે પોતાનાં ખોટાં કામો છોડ્યાં નહિ. પણ ભક્તિ-સ્થળો માટે તેણે મામૂલી લોકોમાંથી યાજકો બનાવ્યા.+ જે કોઈ યાજક બનવા ચાહે તેને તે યાજક બનાવી દેતો અને આમ કહેતો: “ભક્તિ-સ્થળો માટે તેને પણ યાજક બનવા દો.”+ ૩૪ આ પાપ યરોબઆમના+ ઘરનાઓને વિનાશ તરફ દોરી ગયું. પૃથ્વી પરથી તેઓનું નામનિશાન મિટાવી દેવામાં આવ્યું.+