સભાશિક્ષક
૭ કીમતી અત્તર કરતાં સારું નામ* વધારે સારું.+ જન્મના દિવસ કરતાં મરણનો દિવસ વધારે સારો. ૨ મિજબાનીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું વધારે સારું,+ કેમ કે મરણ દરેક માણસનો અંત છે અને એ વાત જીવતા માણસોએ દિલમાં ઠસાવી રાખવી જોઈએ. ૩ હાસ્ય કરતાં ઉદાસી વધારે સારી,+ કેમ કે ચહેરાની ઉદાસી મનને સારું કરે છે.+ ૪ બુદ્ધિમાનનું મન શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખનું મન મિજબાનીના* ઘરમાં હોય છે.+
૫ મૂર્ખના મોંએ પ્રશંસા* સાંભળવા કરતાં બુદ્ધિમાનનો ઠપકો સાંભળવો વધારે સારું.+ ૬ જેમ હાંડલા નીચે બળતા ઝાંખરાંમાંથી તડતડ અવાજ આવે છે, એવું મૂર્ખનું હસવું છે.+ એ પણ નકામું છે. ૭ જુલમને લીધે સમજુ માણસ મૂર્ખ બને છે અને લાંચને લીધે તેનું મન ભ્રષ્ટ થાય છે.+
૮ કોઈ વાતની શરૂઆત કરતાં એનો અંત વધારે સારો. ઘમંડી બનવા કરતાં ધીરજ ધરવી વધારે સારું.+ ૯ ગુસ્સો કરવામાં* ઉતાવળો ન થા,+ ગુસ્સો તો મૂર્ખના હૃદયમાં વસે છે.*+
૧૦ તું એવું ન કહે, “હાલના કરતાં અગાઉના દિવસો વધારે સારા હતા.” એવું કહેવામાં સમજદારી નથી.+
૧૧ બુદ્ધિની સાથે સાથે વારસો મળે તો એ સારી વાત છે. બુદ્ધિથી એ બધાને ફાયદો થાય છે, જેઓ દિવસનો પ્રકાશ જુએ* છે. ૧૨ જેમ પૈસા રક્ષણ આપે છે,+ તેમ બુદ્ધિ પણ રક્ષણ આપે છે.+ પણ જ્ઞાન અને બુદ્ધિનો ફાયદો એ છે કે તેઓ પોતાના માલિકનો જીવ બચાવે છે.+
૧૩ સાચા ઈશ્વરનાં કામોનો વિચાર કર. તેમણે જેને વાંકું બનાવ્યું છે એને કોણ સીધું કરી શકે?+ ૧૪ તારો દિવસ સારો વીતે તો સારાં કામ કર,+ પણ મુસીબતના દિવસે આનો વિચાર કર: સાચા ઈશ્વરે સારા અને ખરાબ દિવસોને ચાલવા દીધા છે,+ જેથી કાલે શું થશે એ કોઈ જાણી ન શકે.+
૧૫ મારા ટૂંકા* જીવન+ દરમિયાન મેં બધું જોયું. નેક* માણસ નેક કામો કરવા છતાં મરી જાય છે+ અને દુષ્ટ માણસ દુષ્ટ કામો કરવા છતાં લાંબું જીવે છે.+
૧૬ વધુ પડતો નેક ન થા+ અને દોઢડાહ્યો પણ ન થા.+ તું કેમ પોતાનો જ નાશ કરવા ચાહે છે?+ ૧૭ વધુ પડતો દુષ્ટ ન થા અને મૂર્ખ પણ ન થા.+ તું કેમ અકાળે મરવા ચાહે છે?+ ૧૮ તું પહેલી ચેતવણી* માને અને બીજીને* કાન ધરે એ સારું છે.+ ઈશ્વરનો ડર રાખનાર માણસ એ બંને ચેતવણી સાંભળશે.
૧૯ ડહાપણ બુદ્ધિમાન માણસને શક્તિશાળી બનાવે છે, હા, શહેરના દસ બળવાન માણસો કરતાં પણ વધારે શક્તિશાળી બનાવે છે.+ ૨૦ પણ આખી પૃથ્વી પર એવો એકેય નેક* માણસ નથી, જે હંમેશાં ભલું કરે અને કદી પાપ ન કરે.+
૨૧ લોકોએ કહેલી દરેક વાત દિલ પર ન લે,+ નહિતર તું તારા ચાકરને તારી બૂરાઈ કરતા* સાંભળીશ. ૨૨ તારું દિલ સારી રીતે જાણે છે કે તેં પણ ઘણી વાર બીજાઓની બૂરાઈ કરી છે.*+
૨૩ મેં બુદ્ધિથી એ બધાની પરખ કરી અને કહ્યું: “હું બુદ્ધિમાન બનીશ.” પણ એ મારી પહોંચ બહાર હતું. ૨૪ જે થઈ ગયું છે એ મારી સમજ બહાર છે. એ ખૂબ ઊંડું છે, એને કોણ સમજી શકે?+ ૨૫ બુદ્ધિને શોધવા અને સમજવા મેં મારું મન લગાડ્યું. બધી વસ્તુઓ પાછળનું કારણ તપાસવા મથામણ કરી. મારે જાણવું હતું કે દુષ્ટતા કેમ મૂર્ખાઈ છે અને ગાંડપણ કેમ મૂર્ખતા છે.+ ૨૬ પછી મને આ જાણવા મળ્યું: એક એવી સ્ત્રી છે, જે મોત કરતાં પણ વધારે દુઃખ આપે છે. તે શિકારીની જાળ જેવી છે. તેનું હૃદય મોટી જાળ જેવું છે. તેના હાથ કેદીની બેડીઓ જેવા છે. સાચા ઈશ્વરને ખુશ કરનાર માણસ તેની જાળમાંથી બચી જાય છે,+ પણ પાપી એમાં ફસાઈ જાય છે.+
૨૭ ઉપદેશક+ કહે છે, “જો, મને શું મળી આવ્યું! મેં એક પછી એક બધી વસ્તુઓની પરખ કરી, જેથી કોઈ તારણ પર આવી શકું. ૨૮ પણ હું જે શોધવા મથતો હતો, એ ન મળ્યું. હજાર લોકોમાંથી મને એક નેક માણસ મળ્યો, પણ એકેય નેક સ્ત્રી ન મળી. ૨૯ મને આટલું જ જાણવા મળ્યું: સાચા ઈશ્વરે માણસને નેક બનાવ્યો છે,+ પણ માણસે પોતાના માટે બીજો રસ્તો શોધી કાઢ્યો છે.”+