યોહાનનો પહેલો પત્ર
૫ જેઓ માને છે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, તેઓ ઈશ્વરનાં બાળકો છે+ અને જેઓ પિતાને પ્રેમ કરે છે, તેઓ તેમનાં બાળકોને પણ પ્રેમ કરે છે. ૨ જ્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે ખબર પડે છે કે આપણે ઈશ્વરનાં બાળકોને પણ પ્રેમ કરીએ છીએ.+ ૩ ઈશ્વર પરનો પ્રેમ તો એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ+ અને તેમની આજ્ઞાઓ ભારે નથી.+ ૪ કેમ કે ઈશ્વરનાં બધાં બાળકો દુનિયા પર જીત મેળવે છે.+ આપણી શ્રદ્ધાથી આપણે દુનિયાને હરાવી છે.+
૫ દુનિયા પર કોણ જીત મેળવી શકે?+ એ જ, જેને શ્રદ્ધા છે કે ઈસુ જ ઈશ્વરના દીકરા છે.+ ૬ ઈસુ ખ્રિસ્ત પાણી અને લોહી સાથે આવ્યા. તે ફક્ત પાણી સાથે નહિ,+ પણ પાણી અને લોહી સાથે આવ્યા.+ અને પવિત્ર શક્તિ સાક્ષી આપે છે,+ કેમ કે એ શક્તિ સાચી છે. ૭ આમ સાક્ષી આપનાર ત્રણ છે: ૮ પવિત્ર શક્તિ,+ પાણી+ અને લોહી.+ આ ત્રણેય એકસરખી સાક્ષી આપે છે.
૯ જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ, તો ઈશ્વરની સાક્ષી એના કરતાં પણ ચઢિયાતી છે. કેમ કે ઈશ્વર પોતે તેમના દીકરા વિશે સાક્ષી આપે છે. ૧૦ જે માણસ ઈશ્વરના દીકરામાં શ્રદ્ધા રાખે છે, તેણે પોતાના દિલમાં એ સાક્ષી સ્વીકારી છે, જે ઈશ્વરે તેને આપી છે. જે માણસને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે તેમને જૂઠા ઠરાવે છે,+ કેમ કે ઈશ્વરે પોતાના દીકરા વિશે જે સાક્ષી આપી, એમાં તે શ્રદ્ધા રાખતો નથી. ૧૧ આ સાક્ષી એ છે કે ઈશ્વરે આપણને હંમેશ માટેનું જીવન આપ્યું છે+ અને એ જીવન તેમના દીકરા તરફથી છે.+ ૧૨ જે કોઈ દીકરાને સ્વીકારે છે, તે એ જીવન મેળવે છે. જે કોઈ ઈશ્વરના દીકરાને સ્વીકારતો નથી, તે એ જીવન મેળવતો નથી.+
૧૩ હું તમને આ બધું લખું છું, જેથી તમે જાણો કે તમારી પાસે હંમેશ માટેનું જીવન છે,+ કેમ કે તમે ઈશ્વરના દીકરાના નામમાં શ્રદ્ધા મૂકો છો.+ ૧૪ આપણને ભરોસો છે*+ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.+ ૧૫ આપણે જાણીએ છીએ કે ભલે આપણે કંઈ પણ માંગીએ, તે આપણું સાંભળે છે, એટલે આપણને પૂરો ભરોસો છે કે આપણે તેમની પાસે જે કંઈ માંગીશું, એ તે આપણને જરૂર આપશે.+
૧૬ જો કોઈ માણસ પોતાના ભાઈને એવું પાપ કરતા જુએ, જેનું પરિણામ મરણ નથી, તો તેણે પોતાના ભાઈ માટે પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને જીવન આપશે.+ આ તેઓને જ લાગુ પડે છે, જેઓનાં પાપનું પરિણામ મરણ નથી. એવું પણ પાપ છે, જેનું પરિણામ મરણ છે.+ પણ એવું પાપ કરનાર માટે પ્રાર્થના કરવાનું હું કહેતો નથી. ૧૭ બધાં ખોટાં કામો પાપ છે.+ જોકે, એવું પણ પાપ છે, જેનું પરિણામ મરણ નથી.
૧૮ આપણે જાણીએ છીએ કે ઈશ્વરનાં બાળકો પાપ કર્યાં કરતાં નથી અને ઈશ્વરનો દીકરો* તેઓનું રક્ષણ કરે છે એટલે શેતાન* તેઓને કંઈ કરી શકતો નથી.*+ ૧૯ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વર પાસેથી છીએ, પણ આખી દુનિયા શેતાનના* કાબૂમાં* છે.+ ૨૦ આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વરના દીકરાએ આવીને+ આપણને ઊંડી સમજણ* આપી, જેથી આપણને સાચા ઈશ્વરનું* જ્ઞાન મળે. આપણે સાચા ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથે એકતામાં છીએ.+ હા, તે જ સાચા ઈશ્વર અને હંમેશ માટેનું જીવન આપનાર છે.+ ૨૧ વહાલાં બાળકો, મૂર્તિઓથી દૂર રહો.+