બીજો શમુએલ
૨ પછી દાઉદે યહોવાને પૂછ્યું:+ “શું હું યહૂદાના કોઈ શહેરમાં જાઉં?” યહોવાએ તેને કહ્યું: “જા.” દાઉદે પૂછ્યું: “હું ક્યાં જાઉં?” તેમણે જવાબ આપ્યો: “હેબ્રોન+ શહેર જા.” ૨ તેથી દાઉદ ત્યાં ગયો. તે પોતાની બંને પત્નીઓને પણ સાથે લઈ ગયો, એટલે કે યિઝ્રએલની અહીનોઆમ+ અને કાર્મેલની અબીગાઈલ,+ જે નાબાલની વિધવા હતી. ૩ દાઉદ પોતાની સાથેના માણસોને પણ ત્યાં લઈ ગયો.+ તેઓ દરેક પોતપોતાનાં કુટુંબો સાથે હેબ્રોનની આસપાસનાં શહેરોમાં રહેવા લાગ્યા. ૪ પછી યહૂદાના માણસો ત્યાં આવ્યા અને યહૂદા કુળ પર રાજા તરીકે દાઉદનો અભિષેક કર્યો.+
તેઓએ દાઉદને જણાવ્યું: “યાબેશ-ગિલયાદના માણસોએ શાઉલને દફનાવ્યો હતો.” ૫ એટલે દાઉદે યાબેશ-ગિલયાદના માણસોને સંદેશો મોકલ્યો: “યહોવા તમને આશીર્વાદ આપે, કારણ કે તમે તમારા રાજા શાઉલને દફનાવીને તેમના પર અતૂટ પ્રેમ* બતાવ્યો છે.+ ૬ યહોવા તમને અતૂટ પ્રેમ અને વફાદારી બતાવે. તમે એ કામ કર્યું હોવાથી, હું પણ તમને કૃપા બતાવીશ.+ ૭ તમે બહાદુર બનો અને હિંમત રાખો. તમારા રાજા શાઉલનું મરણ થયું છે અને યહૂદા કુળે પોતાના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે.”
૮ પણ નેરનો દીકરો આબ્નેર+ જે શાઉલના લશ્કરનો સેનાપતિ હતો, તે શાઉલના દીકરા ઈશ-બોશેથને+ લઈને માહનાઈમ+ જતો રહ્યો. ૯ આબ્નેરે તેને ગિલયાદ,+ આશેરીઓ, યિઝ્રએલ,+ એફ્રાઈમ,+ બિન્યામીન અને આખા ઇઝરાયેલ પર રાજા બનાવ્યો. ૧૦ શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો ત્યારે, તે ૪૦ વર્ષનો હતો અને તેણે બે વર્ષ રાજ કર્યું. પણ યહૂદા કુળે દાઉદને સાથ આપ્યો.+ ૧૧ દાઉદે હેબ્રોનમાંથી યહૂદા કુળ પર સાડા સાત વર્ષ રાજ કર્યું.+
૧૨ થોડા સમય પછી, નેરનો દીકરો આબ્નેર અને શાઉલના દીકરા ઈશ-બોશેથના સેવકો માહનાઈમથી+ ગિબયોન+ ગયા. ૧૩ સરૂયાનો+ દીકરો યોઆબ+ અને દાઉદના સેવકો પણ ત્યાં ગયા અને ગિબયોનની વાવ આગળ તેઓને મળ્યા. એક ટુકડી વાવની આ બાજુ અને બીજી પેલી બાજુ બેઠી. ૧૪ આખરે આબ્નેરે યોઆબને કહ્યું: “ચાલ, આપણા યુવાનોને આપણી આગળ સામસામે લડવા દઈએ.”* યોઆબે કહ્યું: “સારું, લડવા દઈએ.” ૧૫ એટલે શાઉલના દીકરા ઈશ-બોશેથની ટુકડીમાંથી બિન્યામીનના ૧૨ માણસો અને દાઉદના ૧૨ માણસો ઊભા થયા અને આગળ આવ્યા. ૧૬ તેઓ દરેકે એકબીજાનું માથું પકડ્યું અને વિરોધીના પડખામાં તલવાર ભોંકી દીધી. તેઓ બધા એકસાથે ઢળી પડ્યા. તેથી ગિબયોનમાં આવેલી એ જગ્યાનું નામ હેલ્કાથ-હાસ્સુરીમ પડ્યું.
૧૭ એ દિવસે ભારે યુદ્ધ મચ્યું. આખરે આબ્નેર અને ઇઝરાયેલના માણસોએ દાઉદના સેવકોના હાથે સખત હાર ખાધી. ૧૮ સરૂયાના+ ત્રણ દીકરાઓ યોઆબ,+ અબીશાય+ અને અસાહેલ+ ત્યાં હતા. અસાહેલ દોડવામાં જંગલી હરણ જેવો હતો. ૧૯ અસાહેલે આબ્નેરનો પીછો કર્યો. આબ્નેરની પાછળ દોડતાં દોડતાં તે ન જમણે વળતો, ન ડાબે. ૨૦ આબ્નેરે પાછળ જોયું અને પૂછ્યું: “શું એ તું છે અસાહેલ?” તેણે જવાબ આપ્યો: “હા, એ હું છું.” ૨૧ આબ્નેરે તેને કહ્યું: “તારી જમણે કે ડાબે વળી જા અને કોઈક યુવાનને પકડી લે. તેની પાસેથી જે કંઈ મળે એ લૂંટી લે.” પણ અસાહેલ તેનો પીછો છોડવાનું નામ લેતો ન હતો. ૨૨ આબ્નેરે અસાહેલને ફરીથી કહ્યું: “મારો પીછો ન કર. તું કેમ મારા હાથે મોત માંગે છે? એમ થાય તો, હું તારા ભાઈ યોઆબને શું મોઢું બતાવીશ?” ૨૩ અસાહેલ ટસનો મસ ન થયો. આબ્નેરે પોતાના ભાલાનો પાછલો છેડો અસાહેલના પેટમાં એવો જોરથી માર્યો કે ભાલો તેની આરપાર નીકળી ગયો.+ અસાહેલ ઢળી પડ્યો અને ત્યાં ને ત્યાં જ મરણ પામ્યો. એ જગ્યાએ આવનાર દરેક માણસ ત્યાં જ ઊભો રહી જતો.
૨૪ પછી યોઆબ અને અબીશાયે આબ્નેરનો પીછો કર્યો. સૂર્ય ઢળ્યો ત્યારે, તેઓ ગિબયોનના વેરાન પ્રદેશના રસ્તે આવેલા ગીઆહની સામે આમ્માહ ડુંગર પાસે આવી પહોંચ્યા. ૨૫ બિન્યામીનના માણસો આબ્નેરની પાછળ ભેગા થયા અને એક થઈને કોઈક ડુંગરની ટોચ પર ઊભા રહ્યા. ૨૬ આબ્નેરે યોઆબને બૂમ પાડી: “આપણે ક્યાં સુધી એકબીજા સાથે તલવારથી લડતા રહીશું? શું તું નથી જાણતો કે આનાથી તો વેરઝેર વધશે? તો પછી તારા માણસોને તું ક્યારે આજ્ઞા કરીશ કે તેઓ પોતાના ભાઈઓનો પીછો કરવાનું છોડી દે?” ૨૭ એ સાંભળીને યોઆબે કહ્યું: “સાચા ઈશ્વરના* સમ કે જો તું બોલ્યો ન હોત, તો છેક સવાર સુધી મારા માણસોએ પોતાના ભાઈઓનો પીછો કરવાનું છોડ્યું ન હોત.” ૨૮ યોઆબે રણશિંગડું વગાડ્યું. એટલે તેના માણસોએ ઇઝરાયેલનો પીછો કરવાનું પડતું મૂક્યું અને લડાઈ બંધ થઈ.
૨૯ આબ્નેર અને તેના માણસોએ આખી રાત ચાલીને અરાબાહનો+ વિસ્તાર પસાર કર્યો. તેઓ યર્દન નદી ઓળંગી ગયા અને સાંકડી ખીણમાંથી* ચાલતાં ચાલતાં છેવટે માહનાઈમ+ આવી પહોંચ્યા. ૩૦ આબ્નેરનો પીછો કરવાનું પડતું મૂક્યા પછી, યોઆબે પોતાના બધા માણસોને ભેગા કર્યા. દાઉદના સેવકોમાંથી અસાહેલ ઉપરાંત ૧૯ માણસો ઓછા હતા. ૩૧ દાઉદના સેવકોએ બિન્યામીન અને આબ્નેરના માણસોને હરાવી દીધા હતા અને તેઓના ૩૬૦ માણસોને મારી નાખ્યા હતા. ૩૨ યોઆબ અને તેના માણસોએ અસાહેલને+ બેથલેહેમમાં+ આવેલી તેના પિતાની કબરમાં દફનાવ્યો. પછી તેઓ આખી રાત ચાલ્યા અને વહેલી સવારે હેબ્રોન+ પહોંચ્યા.