પ્રેરિતોનાં કાર્યો
૯ પણ શાઉલ હજુ આપણા માલિક ઈસુના શિષ્યો માટે ખતરો હતો અને તેઓને મારી નાખવાનું ઝનૂન તેના પર સવાર હતું.+ તે પ્રમુખ યાજક પાસે ગયો. ૨ તેણે તેની પાસેથી દમસ્કનાં સભાસ્થાનોમાં બતાવવા પત્રો માંગ્યા, જેથી સત્યના માર્ગે* ચાલનાર જે કોઈ મળે તેને બાંધીને તે યરૂશાલેમ લઈ આવે,+ પછી ભલે એ પુરુષ હોય કે સ્ત્રી.
૩ તે મુસાફરી કરીને દમસ્ક પાસે પહોંચ્યો. એવામાં અચાનક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝળહળી ઊઠ્યો.+ ૪ તે જમીન પર પડ્યો અને તેને એક અવાજ સંભળાયો: “શાઉલ, શાઉલ, તું શા માટે મારા પર જુલમ કરે છે?” ૫ શાઉલે પૂછ્યું: “માલિક, તમે કોણ છો?” તેમણે કહ્યું: “હું ઈસુ છું,+ જેના પર તું જુલમ કરી રહ્યો છે.+ ૬ પણ તું ઊભો થઈને શહેરમાં જા અને તારે શું કરવું એ વિશે તને જણાવવામાં આવશે.” ૭ તેની સાથે જે માણસો મુસાફરી કરતા હતા, તેઓ એટલા દંગ રહી ગયા કે કંઈ બોલી શક્યા નહિ. તેઓને કંઈક અવાજ તો સંભળાયો, પણ કોઈ દેખાયું નહિ.+ ૮ પછી શાઉલ જમીન પરથી ઊઠ્યો. ખરું કે તેની આંખો ખુલ્લી હતી, પણ તેને કંઈ દેખાતું ન હતું. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્ક લઈ ગયા. ૯ ત્રણ દિવસ સુધી તેને કંઈ દેખાયું નહિ+ અને તેણે કંઈ ખાધું-પીધું નહિ.
૧૦ દમસ્કમાં અનાન્યા નામનો શિષ્ય હતો.+ આપણા માલિક ઈસુએ તેને દર્શનમાં કહ્યું: “અનાન્યા!” તેણે કહ્યું: “માલિક, હું આ રહ્યો.” ૧૧ ઈસુએ તેને કહ્યું: “ઊઠ અને સીધી નામે ઓળખાતી શેરીમાં જા. ત્યાં યહૂદાના ઘરે જજે અને તાર્સસના શાઉલ નામના માણસને મળજે.+ કેમ કે આ ઘડીએ તે પ્રાર્થના કરી રહ્યો છે. ૧૨ તેણે દર્શનમાં જોયું છે કે અનાન્યા નામનો માણસ આવે છે અને તેના પર હાથ મૂકે છે, જેથી તે પાછો દેખતો થાય.”+ ૧૩ પણ અનાન્યાએ જવાબ આપ્યો: “મારા માલિક, આ માણસે યરૂશાલેમમાં તમારા પવિત્ર લોકોને કેટલા હેરાન કર્યા છે, એ વિશે મેં ઘણા પાસેથી સાંભળ્યું છે. ૧૪ જેઓ તમારા નામે પોકાર કરે છે, તેઓ બધાને પકડવા* તે મુખ્ય યાજકો પાસેથી અધિકાર લઈને અહીં આવ્યો છે.”+ ૧૫ પણ માલિકે તેને કહ્યું: “તું ત્યાં જા, કેમ કે આ માણસને મેં પસંદ કર્યો છે.*+ તે બીજી પ્રજાઓ, રાજાઓ+ અને ઇઝરાયેલના દીકરાઓ આગળ મારું નામ પ્રગટ કરશે.+ ૧૬ હું તેને સાફ સાફ બતાવીશ કે મારા નામને લીધે તેણે કેટલું બધું સહેવું પડશે.”+
૧૭ તેથી અનાન્યા ત્યાં ગયો અને ઘરમાં પ્રવેશ્યો. તેણે શાઉલ પર પોતાના હાથ મૂકીને કહ્યું: “મારા ભાઈ શાઉલ, તું રસ્તે આવતો હતો ત્યારે માલિક ઈસુએ તને દર્શન આપ્યું હતું. તેમણે જ મને મોકલ્યો છે, જેથી તું ફરી દેખતો થાય અને પવિત્ર શક્તિથી ભરપૂર થાય.”+ ૧૮ તરત જ, તેની આંખો પરથી ભીંગડાં જેવું કંઈક ખરી પડ્યું અને તે ફરીથી જોવા લાગ્યો. પછી તે ઊઠ્યો અને તેણે બાપ્તિસ્મા લીધું. ૧૯ પછી તેણે થોડું ખાધું, એટલે તેનામાં તાકાત આવી.
થોડા દિવસ શાઉલ દમસ્કમાં શિષ્યો સાથે રહ્યો+ ૨૦ અને તરત તે સભાસ્થાનોમાં પ્રચાર કરવા લાગ્યો કે ઈસુ એ ઈશ્વરના દીકરા છે. ૨૧ પણ તેની વાતો સાંભળીને બધા દંગ રહી ગયા અને કહેવા લાગ્યા: “શું આ એ માણસ નથી, જે યરૂશાલેમમાં આ નામ લેનારાઓ પર ભારે ત્રાસ ગુજારતો હતો?+ શું તે તેઓને પકડીને મુખ્ય યાજકો પાસે લઈ જવાના* ઇરાદાથી અહીં આવ્યો ન હતો?”+ ૨૨ પણ શાઉલ પ્રચારમાં ઘણો ઉત્સાહી બનતો ગયો અને ઈસુ એ જ ખ્રિસ્ત છે, એવી સાબિતીઓ આપીને તેણે દમસ્કમાં રહેતા યહૂદીઓનાં મોં બંધ કરી દીધાં.+
૨૩ ઘણા દિવસો પસાર થઈ ગયા પછી, યહૂદીઓએ ભેગા મળીને તેને મારી નાખવાનું કાવતરું રચ્યું.+ ૨૪ પણ શાઉલને તેઓના કાવતરાની ખબર પડી ગઈ. તેઓ તેને મારી નાખવા શહેરના દરવાજાઓ પર રાત-દિવસ નજર રાખતા હતા. ૨૫ તેથી શાઉલના શિષ્યો તેને લઈ ગયા. તેઓએ રાતે તેને મોટા ટોપલામાં બેસાડીને શહેરની દીવાલની બારીમાંથી નીચે ઉતારી દીધો.+
૨૬ યરૂશાલેમ પહોંચીને+ શાઉલે શિષ્યો સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓ બધા તેનાથી ડરતા હતા, કેમ કે તેઓને વિશ્વાસ બેસતો ન હતો કે તે ઈસુનો શિષ્ય બની ગયો છે. ૨૭ તેથી બાર્નાબાસ+ તેની મદદે આવ્યો અને તેને પ્રેરિતો પાસે લઈ ગયો. બાર્નાબાસે તેઓને વિગતવાર જણાવ્યું કે કઈ રીતે રસ્તામાં શાઉલને આપણા માલિક ઈસુ દેખાયા+ અને કઈ રીતે તેમણે તેની સાથે વાત કરી અને કઈ રીતે દમસ્કમાં તેણે હિંમતથી ઈસુના નામમાં સંદેશો જણાવ્યો.+ ૨૮ ત્યાર પછી શાઉલ તેઓ સાથે રહ્યો. તે યરૂશાલેમમાં છૂટથી ફરતો* અને ઈસુના નામમાં હિંમતથી સંદેશો જણાવતો. ૨૯ તે ગ્રીક બોલતા યહૂદીઓ સાથે વાતચીત કરતો અને દલીલ કરતો. પણ તેઓ તેને મારી નાખવાના પ્રયત્નો કરતા.+ ૩૦ આ વિશે ભાઈઓને ખબર પડી ત્યારે, તેઓ તેને કાઈસારીઆ લઈ ગયા અને ત્યાંથી તેને તાર્સસ મોકલી દીધો.+
૩૧ એ પછી, આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના+ મંડળ* માટે શાંતિનો સમયગાળો શરૂ થયો અને મંડળ દૃઢ થતું ગયું. આખું મંડળ યહોવાનો* ડર* રાખતું અને પવિત્ર શક્તિથી+ મળતો દિલાસો મેળવતું રહ્યું અને મંડળમાં વધારો થતો ગયો.
૩૨ હવે પિતર આખા પ્રદેશમાં મુસાફરી કરતો હતો. તે લુદામાં રહેતા પવિત્ર જનો પાસે આવ્યો.+ ૩૩ ત્યાં તેણે એનિયાસ નામના એક માણસને જોયો. તેને લકવો થયો હતો અને તે આઠ વર્ષથી પથારીવશ હતો. ૩૪ પિતરે તેને કહ્યું: “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે.+ ઊભો થા અને તારી પથારી સરખી કર.”+ તે તરત ઊભો થયો. ૩૫ લુદામાં અને શારોનના મેદાની પ્રદેશમાં રહેતા બધાએ તેને જોયો ત્યારે, તેઓ માલિકના શિષ્યો બન્યા.
૩૬ હવે યાફામાં એક શિષ્યા હતી. તેનું નામ ટબીથા હતું, જેનું ગ્રીકમાં ભાષાંતર “દોરકસ”* થાય છે. તે ઘણાં સારાં કામ કરતી હતી* અને ગરીબોને મદદ કરતી હતી. ૩૭ પણ એ દિવસોમાં તે બીમાર પડી અને મરી ગઈ. પછી તેઓએ તેને નવડાવી અને ઉપરના ઓરડામાં રાખી. ૩૮ હવે લુદા શહેર યાફાની નજીક હતું. એટલે જ્યારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર એ શહેરમાં છે, ત્યારે તેઓએ બે માણસો મોકલીને તેને અરજ કરી: “મોડું કર્યા વગર અમારી પાસે આવ.” ૩૯ પછી પિતર ઊઠીને એ માણસોની સાથે ગયો. તે આવી પહોંચ્યો ત્યારે, તેઓ તેને ઉપરના ઓરડામાં લઈ ગયા. બધી વિધવાઓ રડતી રડતી તેની પાસે આવી અને દોરકસે બનાવેલાં કપડાં અને ઝભ્ભા બતાવવા લાગી. ૪૦ પછી પિતરે બધાને બહાર મોકલી દીધા+ અને ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી. ત્યાર બાદ, શબ તરફ ફરીને તેણે કહ્યું: “ટબીથા, ઊભી થા!” તેણે આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થઈ.+ ૪૧ પિતરે તેનો હાથ પકડીને તેને ઊભી કરી. તેણે પવિત્ર લોકો અને વિધવાઓને બોલાવીને દેખાડ્યું કે ટબીથા જીવે છે.+ ૪૨ આખા યાફામાં એ વાતની જાણ થઈ અને ઘણા લોકોએ આપણા માલિકમાં શ્રદ્ધા મૂકી.+ ૪૩ ઘણા દિવસો સુધી પિતર યાફામાં સિમોનના ઘરે રહ્યો, જે ચામડાનું કામ કરતો* હતો.+