પહેલો શમુએલ
૧૬ આખરે યહોવાએ શમુએલને કહ્યું: “મેં શાઉલને ઇઝરાયેલના રાજા તરીકે નાપસંદ કર્યો છે.+ તો પછી તું ક્યાં સુધી શાઉલ માટે શોક પાળતો રહીશ?+ શિંગમાં તેલ ભર+ અને જા. હું તને બેથલેહેમના યિશાઈ પાસે મોકલું છું.+ મેં તેના દીકરાઓમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”+ ૨ પણ શમુએલે કહ્યું: “હું કઈ રીતે જાઉં? શાઉલ એ સાંભળશે તો મને મારી નાખશે.”+ યહોવાએ જવાબ આપ્યો: “તારી સાથે એક વાછરડી લઈ જા અને કહેજે કે, ‘હું યહોવા આગળ બલિદાન ચઢાવવા આવ્યો છું.’ ૩ બલિદાન ચઢાવવાની જગ્યાએ તું યિશાઈને બોલાવજે. પછી હું જણાવીશ કે તારે શું કરવું. હું જેને પસંદ કરું, તેનો તારે અભિષેક કરવો.”+
૪ શમુએલે યહોવાના કહેવા પ્રમાણે કર્યું. તે બેથલેહેમ પહોંચ્યો ત્યારે,+ શહેરના વડીલો ધ્રૂજતાં ધ્રૂજતાં તેને મળવા આવ્યા. તેઓએ પૂછ્યું: “બધું બરાબર છે ને?” ૫ શમુએલે જવાબ આપ્યો: “બધું બરાબર છે. હું યહોવા આગળ બલિદાન ચઢાવવા આવ્યો છું. તમે પોતાને પવિત્ર કરીને મારી સાથે બલિદાન ચઢાવવા આવો.” પછી તેણે યિશાઈ અને તેના દીકરાઓને પવિત્ર કર્યા અને બલિદાન કરવાની જગ્યાએ તેઓને બોલાવ્યા. ૬ તેઓ આવ્યા ત્યારે, શમુએલે અલીઆબને+ જોઈને વિચાર્યું: “ચોક્કસ, યહોવાનો અભિષિક્ત તેમની આગળ ઊભો છે.” ૭ પણ યહોવાએ શમુએલને કહ્યું: “તેનો દેખાવ અને તેની ઊંચાઈ ન જો,+ કેમ કે મેં તેને પસંદ કર્યો નથી. માણસની જેમ ઈશ્વર જોતા નથી. માણસ તો બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા દિલ જુએ છે.”+ ૮ પછી યિશાઈએ અબીનાદાબને+ બોલાવ્યો અને તેને શમુએલ આગળ લાવ્યો. પણ શમુએલે કહ્યું: “યહોવાએ આને પણ પસંદ કર્યો નથી.” ૯ યિશાઈએ શામ્માહને+ બોલાવ્યો ત્યારે, શમુએલે કહ્યું: “યહોવાએ આને પણ પસંદ કર્યો નથી.” ૧૦ યિશાઈ પોતાના સાત દીકરાઓ શમુએલ આગળ લાવ્યો. પણ શમુએલે યિશાઈને કહ્યું: “યહોવાએ તેઓમાંથી કોઈને પસંદ કર્યો નથી.”
૧૧ શમુએલે યિશાઈને પૂછ્યું: “શું તારા બધા દીકરાઓ આવી ગયા?” યિશાઈએ કહ્યું: “ના, સૌથી નાનો+ હજુ બાકી છે. તે ઘેટાં ચરાવવાં ગયો છે.”+ શમુએલે કહ્યું: “તેને બોલાવ, કેમ કે તે નહિ આવે ત્યાં સુધી આપણે જમવા નહિ બેસીએ.” ૧૨ યિશાઈએ તેને બોલાવવા કોઈકને મોકલ્યો અને તેને શમુએલ આગળ લાવ્યો. તે છોકરો દેખાવે રૂપાળો અને લાલચોળ હતો. તેની આંખો સુંદર હતી.+ યહોવાએ શમુએલને કહ્યું: “ઊભો થા, તેનો અભિષેક કર, કેમ કે મેં તેને પસંદ કર્યો છે.”+ ૧૩ શમુએલે તેલનું શિંગ લીધું+ અને તેના ભાઈઓની હાજરીમાં તેનો અભિષેક કર્યો. એ દિવસથી યહોવાની શક્તિ દાઉદ પર કામ કરવા લાગી.+ ત્યાર બાદ શમુએલ ઊઠીને રામા ગયો.+
૧૪ યહોવાએ શાઉલ પરથી પોતાની શક્તિ લઈ લીધી+ અને યહોવાએ શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દીધો.+ ૧૫ શાઉલના ચાકરોએ તેને કહ્યું: “જુઓ, ઈશ્વર તમારા ખરાબ વિચારોથી તમને હેરાન-પરેશાન થવા દે છે. ૧૬ હે માલિક, તમારા ચાકરોને હુકમ આપો કે તેઓ એવા માણસને શોધી લાવે જે વીણા વગાડવામાં કુશળ હોય.+ જ્યારે ઈશ્વર તમારા ખરાબ વિચારોથી તમને હેરાન-પરેશાન થવા દે, ત્યારે એ માણસ વીણા વગાડશે અને તમને રાહત મળશે.” ૧૭ શાઉલે પોતાના ચાકરોને કહ્યું: “વીણા વગાડવામાં કુશળ હોય, એવા માણસને મારા માટે શોધી લાવો.”
૧૮ શાઉલના એક ચાકરે કહ્યું: “મને ખબર છે કે બેથલેહેમના યિશાઈનો એક દીકરો મન મોહી લે એવી વીણા વગાડે છે. તે બહાદુર ને શૂરવીર લડવૈયો છે.+ તે બોલવામાં ચપળ અને દેખાવે સુંદર છે.+ એટલું જ નહિ, યહોવા તેની સાથે છે.”+ ૧૯ પછી શાઉલે યિશાઈને આ સંદેશો મોકલ્યો: “તારા દીકરા દાઉદને મારી પાસે મોકલ, જે ઘેટાં ચરાવે છે.”+ ૨૦ યિશાઈએ રોટલીઓ, દ્રાક્ષદારૂની મશક* અને બકરીનું બચ્ચું એક ગધેડા પર મૂક્યાં અને પોતાના દીકરા દાઉદ સાથે એ શાઉલને મોકલી આપ્યાં. ૨૧ દાઉદ શાઉલની પાસે આવ્યો અને તેની સેવા કરવા લાગ્યો.+ શાઉલને તેની માયા લાગી ગઈ અને તે શાઉલનાં હથિયાર ઊંચકનાર બન્યો. ૨૨ શાઉલે યિશાઈને આ સંદેશો મોકલ્યો: “દાઉદ મારી નજરમાં કૃપા પામ્યો છે. તેને મારી સેવા કરવા અહીં રહેવા દે.” ૨૩ ઈશ્વર જ્યારે જ્યારે શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દેતા, ત્યારે ત્યારે દાઉદ વીણા વગાડતો. એનાથી શાઉલને રાહત મળતી, તેનું મન શાંત થતું. તેના મનમાંથી ખરાબ વિચારો નીકળી જતા.+