પહેલો રાજાઓ
૨ દાઉદના મરણનો સમય નજીક આવ્યો ત્યારે, તેણે પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી: ૨ “હું મરવાની અણીએ છું. પણ તું બળવાન+ અને હિંમતવાન થજે.+ ૩ તું તારા ઈશ્વર યહોવાનું કહેવું માનજે. મૂસાના નિયમશાસ્ત્રમાં*+ લખેલાં તેમનાં નીતિ-નિયમો, ન્યાયચુકાદાઓ, સૂચનો અને તેમની આજ્ઞાઓ પાળજે. એમ કરીશ તો જ તું તારાં સર્વ કામોમાં અને જ્યાં જઈશ ત્યાં સફળ થઈશ.* ૪ યહોવા મારા વિશે આપેલું આ વચન પૂરું કરશે: ‘જો તારા દીકરાઓ મારા માર્ગે ચાલતા રહેશે અને પૂરા દિલથી ને પૂરા જીવથી મને વફાદાર રહેશે,+ તો તારા વંશમાંથી ઇઝરાયેલની રાજગાદીએ બેસનાર માણસની કદી ખોટ પડશે નહિ.’+
૫ “તું એ પણ સારી રીતે જાણે છે કે સરૂયાના દીકરા યોઆબે મારી સાથે શું કર્યું હતું. તેણે ઇઝરાયેલી સૈન્યના બે સેનાપતિઓ સાથે જે કર્યું એ પણ તું જાણે છે. લડાઈ ચાલતી ન હોવા છતાં, તેણે નેરના દીકરા આબ્નેરને+ અને યેથેરના દીકરા અમાસાને+ મારી નાખ્યા. તેણે શાંતિના સમયે નિર્દોષ લોહી વહેવડાવીને+ પોતાનાં કમરપટ્ટા અને જોડાને કલંક લગાડ્યું. ૬ તું સમજદારીથી વર્તજે અને તેને ઘડપણમાં કુદરતી મોતે મરવા દેતો નહિ.+
૭ “પણ ગિલયાદી બાર્ઝિલ્લાયના+ દીકરાઓને તું અતૂટ પ્રેમ બતાવજે. તેઓ તારી મેજ પરથી ભોજન ખાય. હું તારા ભાઈ આબ્શાલોમથી નાસતો-ફરતો હતો ત્યારે,+ તેઓએ મારી કાળજી લીધી હતી અને મને સાથ આપ્યો હતો.+
૮ “તારી નજીક બાહૂરીમનો શિમઈ પણ રહે છે, જે બિન્યામીન કુળના ગેરાનો દીકરો છે. હું માહનાઈમ+ જતો હતો એ દિવસે શિમઈએ મને ભારે શ્રાપ આપ્યો હતો.+ પણ તે મને યર્દન નદી પાસે મળવા આવ્યો ત્યારે, મેં યહોવાના સમ ખાઈને તેને કહ્યું હતું: ‘હું તને તલવારથી મારી નહિ નાખું.’+ ૯ પણ તું તેને સજા કર્યા વગર છોડતો નહિ.+ તું સમજુ છે અને તને ખબર છે કે તેનું શું કરવું. તેને ઘડપણમાં કુદરતી મોતે મરવા દેતો નહિ.”+
૧૦ પછી દાઉદ મરણ પામ્યો.* તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+ ૧૧ દાઉદે ઇઝરાયેલ પર ૪૦ વર્ષ રાજ કર્યું, હેબ્રોનમાંથી+ ૭ વર્ષ અને યરૂશાલેમમાંથી ૩૩ વર્ષ.+
૧૨ ત્યાર બાદ સુલેમાન પોતાના પિતા દાઉદની રાજગાદીએ બેઠો. તેનું રાજ્ય ધીરે ધીરે મજબૂત બનતું ગયું.+
૧૩ સમય જતાં, હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની માતા બાથ-શેબા પાસે આવ્યો. બાથ-શેબાએ પૂછ્યું: “શું તું સારા ઇરાદાથી આવ્યો છે?” તેણે કહ્યું: “હા.” ૧૪ પછી તેણે કહ્યું: “મારે તમને કંઈક કહેવું છે.” બાથ-શેબાએ કહ્યું: “બોલ.” ૧૫ અદોનિયાએ કહ્યું: “તમે સારી રીતે જાણો છો કે રાજગાદી મને મળવાની હતી, ઇઝરાયેલીઓ મને રાજા બનાવવાના હતા.+ પણ રાજગાદી મારા હાથમાંથી સરકી ગઈ અને મારા ભાઈને મળી, કેમ કે યહોવાની એવી ઇચ્છા હતી.+ ૧૬ પણ હું તમને એક વિનંતી કરું છું, ના પાડશો નહિ.” બાથ-શેબાએ કહ્યું: “બોલ.” ૧૭ પછી અદોનિયાએ કહ્યું: “કૃપા કરીને રાજા સુલેમાનને કહો કે મને શૂનેમની અબીશાગ+ સાથે લગ્ન કરવા દે. તે તમને ના પાડશે નહિ.” ૧૮ બાથ-શેબાએ કહ્યું: “સારું, હું તારા વિશે રાજાને વાત કરીશ.”
૧૯ બાથ-શેબા અદોનિયા વિશે વાત કરવા રાજા સુલેમાન પાસે ગઈ. તેને મળવા રાજા તરત ઊભો થયો અને નમન કર્યું. તે પોતાની રાજગાદી પર પાછો બેઠો. તેણે રાજમાતા માટે પણ આસન મુકાવ્યું, જેથી બાથ-શેબા તેની જમણી તરફ બેસે. ૨૦ બાથ-શેબાએ કહ્યું: “હું તને એક નાની વિનંતી કરું છું. મને ના પાડીશ નહિ.” રાજાએ તેને કહ્યું: “કહો રાજમાતા, હું ના નહિ પાડું.” ૨૧ તેણે કહ્યું: “તારા ભાઈ અદોનિયાને શૂનેમની અબીશાગ સાથે લગ્ન કરવા દે.” ૨૨ એ સાંભળીને રાજા સુલેમાને માતાને જવાબ આપ્યો: “તમે અદોનિયા માટે શૂનેમની અબીશાગ જ કેમ માંગો છો? તેના માટે આખું રાજપાટ માંગી લો ને!+ આમ પણ તે મારો મોટો ભાઈ છે.+ અબ્યાથાર યાજક અને સરૂયાનો+ દીકરો યોઆબ+ પણ તેને જ ટેકો આપે છે.”
૨૩ સુલેમાન રાજાએ યહોવાના સમ ખાધા: “આવી માંગણી કરવા બદલ જો અદોનિયા માર્યો ન જાય, તો ઈશ્વર મને આકરી સજા કરો. ૨૪ તેમણે પોતાના વચન પ્રમાણે મારા પિતા દાઉદની રાજગાદી પર મને બેસાડ્યો, મારું રાજ્ય મજબૂત કર્યું+ અને મને તથા મારા વંશજોને આ રાજ્ય આપ્યું.*+ એ યહોવાના સમ* ખાઈને હું કહું છું કે અદોનિયા આજે માર્યો જશે.”+ ૨૫ સુલેમાન રાજાએ તરત જ યહોયાદાના દીકરા બનાયાને+ મોકલ્યો. તેણે અદોનિયા પર હુમલો કરીને તેને મારી નાખ્યો.
૨૬ રાજાએ અબ્યાથાર+ યાજકને કહ્યું: “તું તારા વતન અનાથોથ+ ચાલ્યો જા! તું મોતને લાયક છે. પણ હું તને આજે મારી નાખીશ નહિ, કેમ કે મારા પિતા દાઉદ+ આગળ તેં વિશ્વના માલિક* યહોવાનો કરારકોશ* ઊંચક્યો હતો. તેં મારા પિતાનાં દુઃખોમાં તેમને સાથ આપ્યો હતો.”+ ૨૭ સુલેમાને અબ્યાથારને યહોવાના યાજકપદેથી ઉતારી મૂક્યો, જેથી શીલોહમાં+ એલીના ઘર+ વિશે યહોવાએ જે કહ્યું હતું એ પૂરું થાય.
૨૮ યોઆબને એ સમાચાર મળતા જ તે યહોવાના મંડપમાં નાસી ગયો+ અને વેદીનાં શિંગડાં પકડી લીધાં. ખરું કે તેણે આબ્શાલોમને ટેકો આપ્યો ન હતો,+ પણ અદોનિયાને ટેકો આપ્યો હતો.+ ૨૯ સુલેમાન રાજાને જણાવવામાં આવ્યું: “યોઆબ યહોવાના મંડપમાં નાસી ગયો છે અને વેદી પાસે છે.” સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને ત્યાં મોકલતા કહ્યું: “જા, તેને મારી નાખ!” ૩૦ બનાયાએ યહોવાના મંડપમાં જઈને યોઆબને કહ્યું: “રાજાનો હુકમ છે, ‘બહાર આવ!’” પણ યોઆબે કહ્યું: “ના! હું અહીં જ મરીશ.” બનાયા પાછો રાજા પાસે ગયો અને યોઆબે જે કહ્યું હતું એ જણાવ્યું. ૩૧ રાજાએ તેને કહ્યું: “યોઆબના કહેવા પ્રમાણે જ કર. તેને મારીને દફનાવી દે. તેણે નિર્દોષ લોહી વહેવડાવ્યું હતું.+ મારા અને મારા પિતાના ઘર પરથી એનો દોષ દૂર કર. ૩૨ યહોવા તેની પાસેથી લોહીનું વેર વાળશે. મારા પિતા દાઉદની જાણ બહાર તેણે બે માણસોને તલવારથી મારી નાખ્યા હતા. આ બંને માણસો તેના કરતાં વધારે નેક* અને સારા હતા: નેરનો દીકરો આબ્નેર,+ જે ઇઝરાયેલના સૈન્યનો સેનાપતિ હતો;+ યેથેરનો દીકરો અમાસા,+ જે યહૂદાના સૈન્યનો સેનાપતિ હતો.+ ૩૩ તેઓના લોહીનો દોષ યોઆબ અને તેના વંશજોને માથે સદા રહે.+ પણ દાઉદને, તેના વંશજોને, તેના ઘરને અને તેની રાજગાદીને યહોવા કાયમ શાંતિ આપે.” ૩૪ યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો. તેને વેરાન પ્રદેશમાં તેના ઘર પાસે દફનાવવામાં આવ્યો. ૩૫ રાજાએ તેની જગ્યાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાપતિ બનાવ્યો+ અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યાજક નીમ્યો.+
૩૬ પછી રાજાએ શિમઈને+ બોલાવીને કહ્યું: “તું યરૂશાલેમમાં ઘર બાંધીને રહેજે. ત્યાંથી બીજી કોઈ જગ્યાએ જતો નહિ. ૩૭ જે દિવસે તું ત્યાંથી નીકળીને કિદ્રોન ખીણ+ પાર કરીશ, એ દિવસે તું ચોક્કસ માર્યો જઈશ. તારું લોહી તારે માથે રહેશે.” ૩૮ શિમઈએ રાજાને કહ્યું: “તમે બરાબર કહો છો. મારા રાજા, મારા માલિકના કહેવા પ્રમાણે જ તમારો સેવક કરશે.” શિમઈ લાંબા સમય સુધી યરૂશાલેમમાં જ રહ્યો.
૩૯ ત્રણ વર્ષ પછી શિમઈના બે ચાકરો ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા,+ જે માખાહનો દીકરો હતો. શિમઈને કહેવામાં આવ્યું, “જો, તારા ચાકરો ગાથમાં છે.” ૪૦ શિમઈએ તરત ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો. શિમઈ બે ચાકરો લઈને ગાથથી પાછો ફર્યો ત્યારે, ૪૧ સુલેમાનને કહેવામાં આવ્યું: “શિમઈ યરૂશાલેમની બહાર ગાથ ગયો હતો અને હવે પાછો ફર્યો છે.” ૪૨ રાજાએ શિમઈને બોલાવીને કહ્યું: “મેં તને યહોવાના સમ આપ્યા હતા કે, ‘જે દિવસે તું અહીંથી નીકળીને બીજી કોઈ જગ્યાએ જઈશ, એ દિવસે તું ચોક્કસ માર્યો જઈશ.’ તેં મને કહ્યું હતું કે, ‘સારું, હું એમ જ કરીશ.’+ ૪૩ તો પછી તેં કેમ યહોવાને આપેલું વચન પાળ્યું નહિ? તેં કેમ મારી આજ્ઞા તોડી?” ૪૪ રાજાએ શિમઈને કહ્યું: “તું સારી રીતે જાણે છે કે તેં મારા પિતા દાઉદ સાથે કેવો ખરાબ વ્યવહાર કર્યો હતો.+ યહોવા તને એ બૂરાઈનો બદલો આપશે.+ ૪૫ યહોવા સુલેમાન રાજાને આશીર્વાદ આપશે+ અને દાઉદના રાજ્યાસનને સદા માટે ટકાવી રાખશે.” ૪૬ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા કરી કે શિમઈને મારી નાખે. તેણે શિમઈ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો.+
આમ સુલેમાનના હાથમાં રાજ્ય સ્થિર થયું.+