પહેલો રાજાઓ
૩ સુલેમાને ઇજિપ્તના* રાજા ફારુનની* દીકરી સાથે લગ્ન કરીને ફારુન સાથે કરાર કર્યો.+ તે તેને દાઉદનગરમાં+ લઈ આવ્યો. સુલેમાને પોતાનો મહેલ,+ યહોવાનું મંદિર+ તથા યરૂશાલેમ ફરતે કોટ+ બાંધી ન લીધો ત્યાં સુધી તેને દાઉદનગરમાં જ રાખી. ૨ લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ* બલિદાનો ચઢાવતા હતા,+ કેમ કે યહોવાના નામને મહિમા આપવા માટે હજુ મંદિર બંધાયું ન હતું.+ ૩ સુલેમાન પોતાના પિતા દાઉદે આપેલા નીતિ-નિયમો પ્રમાણે ચાલીને યહોવાને પ્રેમ કરતો રહ્યો. પણ તે ભક્તિ-સ્થળોમાં બલિદાનો અને અગ્નિ-અર્પણો* ચઢાવતો હતો.+
૪ રાજા બલિદાનો ચઢાવવા ગિબયોન ગયો, કેમ કે ત્યાં જાણીતું* ભક્તિ-સ્થળ હતું.+ સુલેમાને એ વેદી પર ૧,૦૦૦ અગ્નિ-અર્પણો ચઢાવ્યાં.+ ૫ ગિબયોનમાં રાતે સુલેમાનને સપનામાં યહોવાના દર્શન થયા. ઈશ્વરે કહ્યું: “માંગ, માંગ, તું જે માંગીશ એ આપીશ!”+ ૬ સુલેમાને કહ્યું: “મારા પિતા દાઉદ પૂરી વફાદારીથી, સચ્ચાઈથી અને સાફ દિલથી તમારા માર્ગમાં ચાલ્યા હતા. તમે તમારા સેવક, મારા પિતા દાઉદ પર અતૂટ પ્રેમ બતાવ્યો છે. રાજગાદી પર બેસવા તેમને દીકરો આપીને છેક આજ સુધી તમે તેમના પર પુષ્કળ પ્રેમ બતાવ્યો છે.+ ૭ હે મારા ઈશ્વર યહોવા, હું તો હજી છોકરો છું અને મને રાજ કરવાનો કોઈ અનુભવ નથી.+ તોપણ તમે મારા પિતા દાઉદની જગ્યાએ તમારા આ સેવકને રાજા બનાવ્યો છે. ૮ તમારા પસંદ કરેલા લોકો પર તમારો આ સેવક રાજ કરે છે,+ જેઓની ગણતરી કરવી અશક્ય છે. ૯ તમારા લોકોનો ન્યાય કરવા અને ભલા-ભૂંડા વચ્ચેનો ફરક પારખવા+ તમારા આ સેવકને એવું હૃદય આપો,+ જે હંમેશાં તમારી આજ્ઞાઓ પાળે. નહિ તો તમારા આ અસંખ્ય* લોકોનો ન્યાય કોણ કરી શકે?”
૧૦ સુલેમાનની એ માંગણીથી યહોવા બહુ ખુશ થયા.+ ૧૧ તેમણે તેને કહ્યું: “તેં પોતાના માટે લાંબું આયુષ્ય કે ધનદોલત કે દુશ્મનોનાં મોત માંગ્યાં નથી, પણ લોકોનો ન્યાય કરવા સમજણ માંગી છે.+ ૧૨ તેં જે માંગ્યું છે એ હું આપીશ.+ હું તને બુદ્ધિ અને સમજણથી ભરપૂર હૃદય આપીશ.+ આજ સુધી તારા જેવું કોઈ થયું નથી અને ભાવિમાં ક્યારેય થશે પણ નહિ.+ ૧૩ તેં જે નથી માંગ્યું એ પણ હું આપીશ.+ હું તને ખૂબ ધનદોલત અને માન-મહિમા આપીશ.+ તારા જીવનકાળમાં તારા જેવો બીજો કોઈ રાજા થશે નહિ.+ ૧૪ તારા પિતા દાઉદની જેમ જો તું મારા નિયમો અને મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગે ચાલીશ,+ તો હું તને લાંબું આયુષ્ય પણ આપીશ.”+
૧૫ સુલેમાન જાગ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે એ તો સપનું હતું. પછી તે યરૂશાલેમ ગયો. તેણે યહોવાના કરારકોશ આગળ ઊભા રહીને અગ્નિ-અર્પણો અને શાંતિ-અર્પણો* ચઢાવ્યાં.+ તેણે પોતાના બધા સેવકો માટે મિજબાની રાખી.
૧૬ એ પછી બે વેશ્યાઓ રાજા આગળ આવીને ઊભી રહી. ૧૭ પહેલી સ્ત્રીએ કહ્યું: “મારા માલિક, આ સ્ત્રી અને હું એક જ ઘરમાં રહીએ છીએ. તે ઘરમાં હતી ત્યારે, મેં એક બાળકને જન્મ આપ્યો. ૧૮ મેં બાળકને જન્મ આપ્યો એને ત્રીજે દિવસે આ સ્ત્રીએ પણ બાળકને જન્મ આપ્યો. ઘરમાં અમે બે જ હતા અને અમારી સાથે બીજું કોઈ ન હતું. ૧૯ પણ રાતે ઊંઘમાં તે અજાણતાં પોતાના દીકરા પર સૂઈ ગઈ અને તે દબાઈને મરી ગયો. ૨૦ તમારી આ દાસી સૂતી હતી ત્યારે, તેણે મધરાતે ઊઠીને મારી પાસેથી મારો દીકરો તેની ગોદમાં* લઈ લીધો અને તેનો મરેલો દીકરો મારી ગોદમાં મૂકી દીધો. ૨૧ હું મારા દીકરાને ધવડાવવા સવારે ઊઠી ત્યારે, મેં જોયું કે એ તો મરેલો હતો. મેં તેને ધ્યાનથી જોયો ત્યારે ખબર પડી કે એ મારા પેટે જન્મેલો દીકરો ન હતો.” ૨૨ બીજી સ્ત્રીએ કહ્યું: “ના, જીવતો દીકરો મારો છે અને મરેલો તારો છે.” પહેલી સ્ત્રીએ કહ્યું: “ના, મરેલો તારો છે અને જીવતો મારો છે.” તેઓ રાજા આગળ ઝઘડવા લાગી.
૨૩ આખરે રાજાએ કહ્યું: “આ સ્ત્રી કહે છે, ‘જીવતો એ મારો દીકરો છે અને મરેલો એ તારો છે.’ પેલી સ્ત્રી કહે છે, ‘ના, મરેલો તારો છે અને જીવતો મારો છે.’” ૨૪ રાજાએ કહ્યું: “તલવાર લાવો!” રાજાના સેવકો તલવાર લઈ આવ્યા. ૨૫ રાજાએ કહ્યું: “આ જીવતા બાળકના બે ટુકડા કરો. એક ટુકડો એક સ્ત્રીને અને બીજો ટુકડો બીજી સ્ત્રીને આપો.” ૨૬ એ સાંભળતાં જ જીવતા દીકરાની સાચી માના દિલમાં મમતા* જાગી ઊઠી. તેણે રાજાને કાલાવાલા કરતા કહ્યું: “હે મારા માલિક, કૃપા કરીને જીવતો છોકરો પેલી સ્ત્રીને આપી દો! તેને મારી ન નાખશો.” બીજી સ્ત્રી કહેતી હતી: “તે મારો નહિ થાય અને તારો પણ નહિ થાય! તેના બે ભાગ કરો!” ૨૭ એટલે રાજાએ કહ્યું: “જીવતું બાળક પહેલી સ્ત્રીને આપો! તે જ તેની મા છે, બાળકને મારી નાખશો નહિ.”
૨૮ રાજાએ આપેલા ન્યાયચુકાદા વિશે આખા ઇઝરાયેલે સાંભળ્યું. જ્યારે તેઓએ જોયું કે ઇન્સાફ કરવા ઈશ્વરે રાજાને બુદ્ધિ આપી છે,+ ત્યારે તેઓનાં મનમાં રાજા માટે આદરભાવ જાગ્યો.*+