દાનિયેલ
૭ બાબેલોનના રાજા બેલ્શાસ્સારના+ રાજના પહેલા વર્ષે દાનિયેલે એક સપનું જોયું. તે પલંગ પર સૂતો હતો ત્યારે તેણે દર્શનો જોયાં.+ તેણે એ સપનું લખી લીધું.+ તેણે જે કંઈ જોયું હતું એ બધાનો અહેવાલ નોંધી લીધો. ૨ દાનિયેલે કહ્યું:
“હું દર્શનો જોતો હતો એવામાં જુઓ! આકાશની ચાર દિશાઓથી ભારે પવન ફૂંકાયો અને* વિશાળ સમુદ્રને હચમચાવી નાખ્યો.+ ૩ સમુદ્રમાંથી ચાર કદાવર જાનવરો+ બહાર આવ્યાં. તેઓ એકબીજા કરતાં એકદમ અલગ હતાં.
૪ “પહેલું જાનવર સિંહ જેવું હતું.+ તેને ગરુડના જેવી પાંખો હતી.+ હું જોતો હતો એવામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી. તેને પૃથ્વી પરથી ઊંચકવામાં આવ્યું અને માણસની જેમ બે પગ પર ઊભું રાખવામાં આવ્યું. તેને માણસના જેવું હૃદય આપવામાં આવ્યું.
૫ “પછી મને બીજું એક જાનવર દેખાયું. તે રીંછ જેવું હતું.+ તેનો એક પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો. તેના દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું: ‘ઊભું થા, પુષ્કળ માંસ ખા.’+
૬ “હું જોતો હતો એવામાં મને ત્રીજું જાનવર દેખાયું. તે દીપડા જેવું હતું.+ તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી. તેને ચાર માથાં હતાં+ અને તેને રાજ કરવાનો અધિકાર આપવામાં આવ્યો.
૭ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં મને ચોથું જાનવર દેખાયું. તે ખૂબ ડરામણું, ભયાનક અને અતિશય શક્તિશાળી હતું. તેને લોખંડના મોટા મોટા દાંત હતા. તે પોતાની આસપાસનું બધું ફાડી ખાતું અને કચડી નાખતું અને બાકીનું બધું પગ નીચે ખૂંદી નાખતું.+ તે અગાઉનાં બધાં જાનવરો કરતાં એકદમ અલગ હતું. તેને દસ શિંગડાં હતાં. ૮ હું એ શિંગડાં જોઈને એના પર વિચાર કરતો હતો એવામાં તેઓની વચ્ચે એક નાનું શિંગડું+ ફૂટી નીકળ્યું. એની માટે જગ્યા કરવા પહેલાંનાં શિંગડાંમાંથી ત્રણ શિંગડાં પાડી નાખવામાં આવ્યાં. એ નાના શિંગડાને માણસના જેવી આંખો હતી અને એનું મોં ઘમંડથી વાતો કરતું હતું.*+
૯ “હું જોતો હતો એવામાં રાજગાદીઓ ગોઠવવામાં આવી અને એક વયોવૃદ્ધ*+ બિરાજમાન થયા.+ તેમનાં કપડાં હિમ જેવા ઊજળાં હતાં.+ તેમના માથાના વાળ ઊન જેવા સફેદ હતા. તેમની રાજગાદી આગની જ્વાળાઓ જેવી હતી અને એનાં પૈડાં સળગતી આગ જેવાં હતાં.+ ૧૦ આગની ધારા નીકળીને તેમની આગળ વહેતી હતી.+ હજારો ને હજારો* તેમની સેવા કરતા હતા અને લાખો ને લાખો* તેમની આગળ ઊભા હતા.+ અદાલત+ ભરાઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં.
૧૧ “એ શિંગડું ઘમંડી* વાતો+ કરતું હતું, એ હું જોતો રહ્યો. હું જોતો હતો એવામાં એ જાનવરને મારી નાખવામાં આવ્યું. તેનો નાશ કરવામાં આવ્યો અને તેની લાશ આગમાં બાળી નાખવામાં આવી. ૧૨ પછી બાકીનાં જાનવરો+ પાસેથી અધિકાર છીનવી લેવામાં આવ્યો. તેઓને એક સમય અને એક ૠતુ માટે જીવતા રાખવામાં આવ્યાં.
૧૩ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં જુઓ! આકાશનાં વાદળો સાથે માણસના દીકરા+ જેવા કોઈકને મેં આવતા જોયો. તેને વયોવૃદ્ધ+ પાસે જવાની મંજૂરી મળી. તેઓ તેને વયોવૃદ્ધ આગળ લાવ્યા. ૧૪ તેને સત્તા,+ માન+ અને રાજ્ય આપવામાં આવ્યું, જેથી બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો તેની સેવા કરે.+ તેની સત્તા કાયમ માટે છે, એનો કદી અંત નહિ આવે અને તેના રાજ્યનો કદી નાશ નહિ થાય.+
૧૫ “એ દર્શનોને લીધે હું ખૂબ ગભરાઈ ગયો, મારો જીવ ઊંચો-નીચો થઈ ગયો.+ ૧૬ ત્યાં ઊભેલા દૂતોમાંથી એકને મેં એ બધાનો અર્થ પૂછ્યો. એટલે તેણે મને એનો અર્થ જણાવ્યો.
૧૭ “‘એ ચાર કદાવર જાનવરો+ ચાર રાજાઓ છે, જેઓ પૃથ્વી પરથી ઊભા થશે.+ ૧૮ પણ સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનો+ રાજ્ય* મેળવશે.+ એ રાજ્ય યુગોના યુગો માટે, હા, સદાને માટે તેઓનું જ રહેશે.’+
૧૯ “મારે પેલા ચોથા જાનવર વિશે વધારે જાણવું હતું, જે બધાં કરતાં એકદમ અલગ હતું. તે ખૂબ ભયાનક હતું. તેને લોખંડના દાંત અને તાંબાના પંજા હતા. તે પોતાની આસપાસનું બધું ફાડી ખાતું અને કચડી નાખતું અને બાકીનું પગ નીચે ખૂંદી નાખતું.+ ૨૦ મારે તેના માથાનાં દસ શિંગડાં+ વિશે જાણવું હતું. મારે પેલા શિંગડા વિશે પણ જાણવું હતું, જેની આગળ ત્રણ શિંગડાં પડી ગયાં.+ એ શિંગડાને આંખો હતી અને એનું મોં ઘમંડથી વાતો કરતું હતું.* એ શિંગડું બીજાઓ કરતાં મોટું દેખાતું હતું.
૨૧ “હું જોતો હતો એવામાં એ શિંગડાએ પવિત્ર જનો સામે યુદ્ધ કર્યું. એ ત્યાં સુધી તેઓ પર જીત મેળવતું રહ્યું,+ ૨૨ જ્યાં સુધી વયોવૃદ્ધે+ આવીને સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોના+ પક્ષમાં ચુકાદો ન આપ્યો અને પવિત્ર જનો માટે રાજ્ય મેળવવાનો ઠરાવેલો સમય ન આવ્યો.+
૨૩ “દૂતે મને કહ્યું: ‘ચોથું જાનવર તો ચોથું રાજ્ય છે, જે આ પૃથ્વી પર ઊભું થશે. તે બીજાં બધાં રાજ્યો કરતાં એકદમ અલગ હશે. તે આખી પૃથ્વીને ફાડી ખાશે, એને કચડી નાખશે અને ખૂંદી નાખશે.+ ૨૪ દસ શિંગડાં દસ રાજાઓ છે, જેઓ એ રાજ્યમાંથી ઊભા થશે. તેઓ પછી બીજો એક રાજા આવશે. તે પહેલાંના બધા રાજાઓ કરતાં એકદમ અલગ હશે. તે ત્રણ રાજાઓનું અપમાન કરશે.+ ૨૫ તે સર્વોચ્ચ ઈશ્વર વિરુદ્ધ બડાઈ હાંકશે.+ તે સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોને સતાવતો રહેશે. તે સમયો અને નિયમ બદલવાની કોશિશ કરશે. સમય, સમયો અને અડધા સમય* સુધી પવિત્ર જનોને તેના હાથમાં સોંપવામાં આવશે.+ ૨૬ પણ અદાલત ભરવામાં આવી. તેઓએ તેનો અધિકાર છીનવી લીધો, જેથી તેને જડમૂળથી ઉખેડી નાખવામાં આવે અને તેનો સર્વનાશ કરવામાં આવે.+
૨૭ “‘પછી રાજ્ય, સત્તા અને આકાશ નીચેનાં બધાં રાજ્યોનો વૈભવ સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોને સોંપવામાં આવ્યો.+ તેઓનું રાજ્ય કાયમ માટે છે.+ બધી સત્તાઓ તેઓની સેવા કરશે અને તેઓને આધીન રહેશે.’
૨૮ “મેં જોયેલાં દર્શનોનો અહેવાલ અહીં પૂરો થાય છે. મારા મનના વિચારોથી હું ખૂબ ગભરાઈ ગયો, મારો ચહેરો ફિક્કો પડી ગયો. પણ મેં એ બધી વાતો મારા દિલમાં રાખી.”