દાનિયેલ
૮ રાજા બેલ્શાસ્સારના+ રાજના ત્રીજા વર્ષે મેં દાનિયેલે, બીજું એક દર્શન જોયું.+ ૨ હું એલામ+ પ્રાંતના શુશાન*+ કિલ્લામાં* હતો. મને ઉલાય નદી* પાસે દર્શન થયું. ૩ મેં નજર ઊંચી કરીને જોયું તો જુઓ! નદી પાસે એક નર ઘેટો+ ઊભો હતો. તેને બે શિંગડાં હતાં.+ બંને શિંગડાં ઊંચાં હતાં, પણ એક શિંગડું વધારે ઊંચું હતું, જે પછીથી આવ્યું હતું.+ ૪ મેં જોયું કે એ ઘેટો પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ શિંગડાં મારતો હતો. તેની સામે એકેય જાનવર ઊભું રહી શકતું નહિ. તેના હાથમાંથી* કોઈ પોતાને બચાવી શકતું નહિ.+ તે પોતાની મરજી પ્રમાણે વર્તતો અને બડાઈ હાંકતો હતો.
૫ હું જોતો હતો એવામાં મને પશ્ચિમથી* એક બકરો+ આવતો દેખાયો. તે એટલી ઝડપે આખી પૃથ્વી ફરી વળ્યો કે તેનો પગ પણ જમીનને અડકતો ન હતો. એ બકરાને આંખોની વચ્ચે એક બહુ મોટું* શિંગડું હતું.+ ૬ એ બકરો બે શિંગડાંવાળા ઘેટા તરફ આવી રહ્યો હતો, જેને મેં નદી પાસે જોયો હતો. બકરો ખૂબ ગુસ્સામાં ઘેટા પાસે ધસી આવતો હતો.
૭ મેં જોયું કે તે ઘેટાની પાસે જઈ રહ્યો હતો અને ખૂબ જ ગુસ્સે ભરાયેલો હતો. તેણે ઘેટા પર હુમલો કર્યો અને તેનાં બંને શિંગડાં ભાંગી નાખ્યાં. તેનો સામનો કરવાની ઘેટામાં તાકાત ન હતી. બકરાએ ઘેટાને જમીન પર પછાડ્યો અને તેને કચડી નાખ્યો. બકરાના હાથમાંથી* ઘેટાને છોડાવનાર કોઈ ન હતું.
૮ બકરાએ ખૂબ જ બડાઈઓ હાંકી. પણ તે બળવાન થયો કે તરત તેનું મોટું શિંગડું તૂટી ગયું. એ શિંગડાની જગ્યાએ ચાર મોટાં શિંગડાં ફૂટી નીકળ્યાં. એ ચાર શિંગડાં આકાશની ચાર દિશાઓમાં* ફૂટી નીકળ્યાં.+
૯ એ ચારમાંના એક શિંગડાંમાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. એ શિંગડું દક્ષિણ તરફ, પૂર્વ* તરફ અને સુંદર દેશ*+ તરફ ખૂબ મોટું થયું. ૧૦ એ ખૂબ મોટું થયું ને છેક આકાશના સૈન્ય સુધી પહોંચ્યું. તેણે સૈન્યમાંથી અમુકને અને કેટલાક તારાને પૃથ્વી પર પાડી નાખ્યા. તેણે તેઓને કચડી નાખ્યા. ૧૧ એ શિંગડું સૈન્યના આગેવાન સામે પણ ઘમંડથી વર્ત્યું. આગેવાન પાસેથી દરરોજનું અર્પણ છીનવી લેવામાં આવ્યું અને તેણે ઠરાવેલી પવિત્ર જગ્યા* પાડી નાખવામાં આવી.+ ૧૨ અપરાધને લીધે એક સૈન્ય અને દરરોજનું અર્પણ એ શિંગડાના હાથમાં સોંપવામાં આવ્યું. એ શિંગડું સત્યને પૃથ્વી પર ફેંકતું રહ્યું. એ પોતાની મરજી પ્રમાણે વર્ત્યું અને સફળ થયું.
૧૩ પછી મેં એક પવિત્ર દૂતને વાત કરતા સાંભળ્યો. બીજા એક પવિત્ર દૂતે તેને પૂછ્યું: “દરરોજના અર્પણનું અને અપરાધને લીધે થતા વિનાશનું દર્શન ક્યાં સુધી ચાલશે?+ ક્યાં સુધી પવિત્ર જગ્યાને અને સૈન્યને ખૂંદવામાં આવશે?” ૧૪ તેણે મને કહ્યું: “૨,૩૦૦ સાંજ અને સવાર સુધી એ પ્રમાણે ચાલશે. પછી પવિત્ર જગ્યા એની ખરી હાલતમાં પાછી સ્થપાશે.”
૧૫ હું દર્શન જોતો હતો અને સમજવાની કોશિશ કરતો હતો, એવામાં માણસ જેવું કોઈક અચાનક મારી સામે ઊભું રહ્યું. ૧૬ પછી મેં ઉલાય નદીની+ વચ્ચે ઊભેલા માણસનો અવાજ સાંભળ્યો. તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું: “ગાબ્રિયેલ,+ તેણે જે જોયું છે એનો અર્થ બતાવ.”+ ૧૭ હું જ્યાં ઊભો હતો ત્યાં ગાબ્રિયેલ આવ્યો. તે મારી પાસે આવ્યો ત્યારે હું એટલો ગભરાયેલો હતો કે હું ઊંધા મોઢે જમીન પર પડી ગયો. તેણે મને કહ્યું: “હે માણસના દીકરા, એ દર્શન અંતના સમય માટે છે,+ એ તું સમજી લે.” ૧૮ પણ તે વાત કરતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભરઊંઘમાં સરી ગયો. એટલે તે મને અડક્યો અને મને ફરી ઊભો કર્યો.+ ૧૯ તેણે મને કહ્યું: “ઈશ્વરના ક્રોધના અંત ભાગમાં જે થવાનું છે એ હું તને જણાવીશ. કેમ કે એ દર્શન ઠરાવેલા સમય, એટલે કે અંતના સમય માટે છે.+
૨૦ “તેં જોયેલો બે શિંગડાંવાળો ઘેટો માદાય અને ઈરાનના રાજાઓને બતાવે છે.+ ૨૧ રુવાંટીવાળો બકરો ગ્રીસના રાજાને બતાવે છે.+ તેની આંખો વચ્ચે ફૂટી નીકળેલું મોટું શિંગડું પહેલા રાજાને બતાવે છે.+ ૨૨ એ શિંગડું તૂટી ગયું અને એની જગ્યાએ ચાર શિંગડાં ફૂટી નીકળ્યાં,+ એ બતાવે છે કે તેની પ્રજામાંથી ચાર રાજ્યો ઊભાં થશે, પણ તેઓ એ રાજા જેટલા શક્તિશાળી નહિ હોય.
૨૩ “તેઓના રાજ્યના અંત ભાગમાં જ્યારે અપરાધીઓ હદ બહાર ગુના કરશે, ત્યારે એક ખૂંખાર રાજા ઊભો થશે. એ રાજા કાવાદાવા કરવામાં પાકો હશે.* ૨૪ તે ખૂબ શક્તિશાળી થશે, પણ પોતાની તાકાતથી નહિ. તે એટલો ભયાનક વિનાશ કરશે કે લોકો એ જોઈને દંગ રહી જશે. તે જે કંઈ કરશે એમાં સફળ થશે. તે બળવાન લોકોનો અને પવિત્ર જનોનો નાશ કરશે.+ ૨૫ તે સફળ થવા પોતાની ચાલાકીઓથી બીજાઓને છેતરશે. તે દિલમાં પોતાને મહાન ગણશે. સલામતીના સમયમાં* તે ઘણાનો નાશ કરશે. તે આગેવાનોના આગેવાન વિરુદ્ધ પણ ઊભો થશે, પણ કોઈ માણસનો હાથ લગાડ્યા વગર તેને તોડી પાડવામાં આવશે.
૨૬ “સાંજ અને સવારના દર્શન વિશે જે કહેવામાં આવ્યું છે, એ ખરું છે. પણ તું એ દર્શન ગુપ્ત રાખજે, કેમ કે એ ઘણા દિવસો પછી પૂરું થશે.”*+
૨૭ હું દાનિયેલ, ખૂબ થાકી ગયો અને કેટલાક દિવસો સુધી બીમાર રહ્યો.+ પછી હું ઊઠ્યો અને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો.+ પણ મેં જોયેલા દર્શનને લીધે હું સ્તબ્ધ થઈ ગયો અને એ દર્શન કોઈ સમજી શક્યું નહિ.+