બીજો કાળવૃત્તાંત
૩૪ યોશિયા+ રાજા બન્યો ત્યારે આઠ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૩૧ વર્ષ રાજ કર્યું.+ ૨ યોશિયાએ યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કર્યું. તે બધી રીતે પોતાના પૂર્વજ દાઉદના માર્ગે ચાલ્યો. તે એમાંથી ડાબે કે જમણે ફંટાયો નહિ.
૩ તેના શાસનના ૮મા વર્ષે હજી તે છોકરો જ હતો ત્યારે, તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની ભક્તિ કરવાનું શરૂ કર્યું.+ ૧૨મા વર્ષે તેણે યહૂદા અને યરૂશાલેમને શુદ્ધ કરવાનું શરૂ કર્યું.+ તેણે ભક્તિ-સ્થળો,+ ભક્તિ-થાંભલાઓ, કોતરેલી મૂર્તિઓ+ અને ધાતુની મૂર્તિઓ* કાઢી નાખ્યાં. ૪ લોકોએ યોશિયાની હાજરીમાં બઆલ દેવોની વેદીઓ તોડી પાડી. તેણે એના પરની ધૂપદાનીઓ કાપી નાખી. તેણે ભક્તિ-થાંભલાઓ, કોતરેલી મૂર્તિઓ અને ધાતુની મૂર્તિઓનો* ભાંગીને ભૂકો કરી નાખ્યો. જેઓ એ મૂર્તિઓને બલિદાનો ચઢાવતા, તેઓની કબર પર તેણે એ ભૂકો છાંટી દીધો.+ ૫ યાજકો જે વેદીઓ પર બલિદાનો ચઢાવતા હતા, એ જ વેદીઓ પર તેણે તેઓનાં હાડકાં બાળ્યાં.+ આમ તેણે યહૂદા અને યરૂશાલેમ શુદ્ધ કર્યું.
૬ મનાશ્શા, એફ્રાઈમ,+ શિમયોન અને નફતાલીનાં શહેરોમાં ને તેઓની આસપાસના ખંડેર વિસ્તારોમાં પણ તેણે એમ જ કર્યું. ૭ તેણે વેદીઓ તોડી પાડી. ભક્તિ-થાંભલાઓ અને કોતરેલી મૂર્તિઓનો+ ભાંગીને ભૂકો કરી નાખ્યો. તેણે આખા ઇઝરાયેલ દેશમાંથી બધી ધૂપદાનીઓ કાપી નાખી.+ પછી તે યરૂશાલેમ પાછો ફર્યો.
૮ આમ તેણે મંદિર અને દેશ શુદ્ધ કરી નાખ્યાં. તેના શાસનના ૧૮મા વર્ષે તેણે પોતાના ઈશ્વર યહોવાના મંદિરનું સમારકામ કરવા આ માણસો મોકલ્યા: અસાલ્યાનો દીકરો શાફાન,+ શહેરનો મુખી માઅસેયા અને ઇતિહાસકાર યોઆહ જે યોઆહાઝનો દીકરો હતો.+ ૯ તેઓ પ્રમુખ યાજક હિલ્કિયા પાસે આવ્યા અને ઈશ્વરના મંદિર માટે ભેગા કરેલા પૈસા તેને આપ્યા. એ પૈસા લેવી દરવાનોએ મનાશ્શા, એફ્રાઈમ અને બાકીના ઇઝરાયેલમાંથી+ તેમજ યહૂદા, બિન્યામીન અને યરૂશાલેમના લોકો પાસેથી ભેગા કર્યા હતા. ૧૦ યહોવાના મંદિરના કામની દેખરેખ રાખનારાઓને તેઓએ એ પૈસા આપ્યા. યહોવાના મંદિરમાં કામ કરતા માણસોએ એ પૈસાથી મંદિરનું સમારકામ કર્યું. ૧૧ તેઓએ એ પૈસા કારીગરોને અને બાંધકામ કરનારાઓને આપ્યા. યહૂદાના રાજાઓએ જે ઇમારતો ખંડેર પડી રહેવા દીધી હતી, એના માટે એ પૈસાથી તેઓએ ઘડેલા પથ્થરો, ટેકા માટેનાં લાકડાં અને ભારોટિયા ખરીદ્યાં.+
૧૨ એ માણસોએ પૂરી ઈમાનદારીથી કામ કર્યું.+ તેઓની દેખરેખ રાખવા લેવીઓમાંથી આ ઉપરીઓ નીમવામાં આવ્યા: મરારીઓમાંથી+ યાહાથ અને ઓબાદ્યા, કહાથીઓમાંથી+ ઝખાર્યા અને મશુલ્લામ. જે લેવીઓ કુશળ સંગીતકારો હતા,+ ૧૩ તેઓ મજૂરોના* ઉપરીઓ હતા. દરેક પ્રકારની સેવાનું કામ કરનારા બધા લોકોની તેઓ દેખરેખ રાખતા હતા. અમુક લેવીઓ મંત્રીઓ હતા, તો અમુક અધિકારીઓ અને દરવાનો હતા.+
૧૪ તેઓ યહોવાના મંદિરમાં ભેગા કરેલા પૈસા કાઢતા હતા ત્યારે,+ હિલ્કિયા યાજકને યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક+ મળ્યું, જે મૂસા દ્વારા અપાયું હતું.+ ૧૫ હિલ્કિયાએ શાફાન મંત્રીને કહ્યું: “યહોવાના મંદિરમાંથી મને નિયમશાસ્ત્રનું પુસ્તક મળ્યું છે.” પછી હિલ્કિયાએ એ પુસ્તક શાફાનને આપ્યું. ૧૬ શાફાન એ પુસ્તક રાજા પાસે લાવ્યો અને કહ્યું: “તમારા સેવકોને સોંપેલું કામ તેઓ સારી રીતે કરે છે. ૧૭ તેઓએ યહોવાના મંદિરમાં આવેલા પૈસા ભેગા કર્યા છે.* એ પૈસા મંદિરના કામ પર દેખરેખ રાખનારાઓને અને કામ કરનારાઓને આપી દીધા છે.” ૧૮ શાફાન મંત્રીએ રાજાને એમ પણ જણાવ્યું કે, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.”+ પછી રાજા આગળ શાફાન એમાંથી વાંચવા લાગ્યો.+
૧૯ રાજાએ નિયમશાસ્ત્રના શબ્દો સાંભળ્યા કે તરત પોતાનાં કપડાં ફાડ્યાં.+ ૨૦ રાજાએ હિલ્કિયાને, શાફાનના દીકરા અહીકામને,+ મીખાહના દીકરા આબ્દોનને, શાફાન મંત્રીને અને રાજાના સેવક અસાયાને ફરમાન કર્યું: ૨૧ “જાઓ, મળી આવેલા આ પુસ્તકના શબ્દો વિશે તમે મારા માટે, ઇઝરાયેલ અને યહૂદાના બાકી રહેલા લોકો માટે યહોવાની સલાહ પૂછી આવો. આપણા બાપદાદાઓએ આ પુસ્તકની વાતો પાળી નથી, યહોવાના નિયમો પાળ્યા નથી. એટલે આપણા પર યહોવાનો ભારે કોપ સળગી ઊઠશે.”+
૨૨ એટલે હિલ્કિયા અને રાજાએ મોકલેલા માણસો ભેગા મળીને હુલ્દાહ પ્રબોધિકાને+ મળવા ગયા. તે યરૂશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ શાલ્લૂમ હતો, જે તિકવાહનો દીકરો અને હાર્હાસનો પૌત્ર હતો. શાલ્લૂમ તો પોશાકનો ભંડારી હતો. તેઓએ હુલ્દાહ સાથે વાત કરી.+ ૨૩ હુલ્દાહે તેઓને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને જણાવો: ૨૪ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા પર અને એમાં રહેનારા લોકો પર સંકટ લઈ આવીશ.+ યહૂદાના રાજા આગળ તેઓએ એ પુસ્તકમાંથી જે જે શ્રાપ વિશે વાંચ્યું છે, એ હું તેઓ પર લઈ આવીશ.+ ૨૫ તેઓએ મારો ત્યાગ કર્યો છે.+ તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને મને રોષ ચઢાવ્યો છે.+ પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે. આ જગ્યા પર મારો કોપ ઊતરી આવશે અને એ શાંત પડશે નહિ.’”+ ૨૬ પણ યહૂદાના રાજા જેમણે તમને મારી પાસે યહોવાની સલાહ લેવા મોકલ્યા છે, તેમને તમારે આમ કહેવું: “તમે જે વાતો સાંભળી છે એના વિશે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે:+ ૨૭ ‘મેં આ જગ્યા વિશે અને એમાં રહેનારા વિશે જે કહ્યું હતું, એ સાંભળીને ઈશ્વર આગળ તારું દિલ પીગળી ગયું અને તું નમ્ર બની ગયો. તેં તારાં કપડાં ફાડ્યાં અને તું મારી આગળ રડ્યો. એટલે મેં પણ તારી વિનંતી સાંભળી છે,+ એવું યહોવા કહે છે. ૨૮ તને તારા બાપદાદાઓની જેમ દફનાવવામાં આવશે.* તું શાંતિથી પોતાની કબરમાં દટાશે. હું આ જગ્યા પર અને એના લોકો પર જે બધી આફતો લાવીશ, એ તારે જોવી નહિ પડે.’”’”+
પછી તેઓએ રાજા પાસે આવીને બધી વાત જણાવી. ૨૯ એટલે યોશિયા રાજાએ સંદેશો મોકલીને યહૂદા અને યરૂશાલેમના બધા વડીલોને બોલાવ્યા.+ ૩૦ યોશિયા રાજા પોતાની સાથે યહૂદાના બધા લોકો, યરૂશાલેમના બધા રહેવાસીઓ, યાજકો અને લેવીઓ, નાના-મોટા બધાને લઈને યહોવાના મંદિરમાં ગયો. યહોવાના મંદિરમાંથી મળેલા કરારના પુસ્તકમાંથી તેણે લોકોને બધું વાંચી સંભળાવ્યું.+ ૩૧ પછી રાજા પોતાની જગ્યાએ ઊભો રહ્યો. તેણે યહોવા આગળ કરાર* કર્યો+ કે કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે પોતે કરશે અને યહોવાના માર્ગમાં ચાલશે.+ તેમની આજ્ઞાઓ, તેમનાં સૂચનો અને આદેશો પૂરા દિલથી અને પૂરા જીવથી+ પાળશે. ૩૨ તેણે યરૂશાલેમ અને બિન્યામીનના બધા લોકોને એમ કરવા જણાવ્યું. યરૂશાલેમના લોકોએ પોતાના ઈશ્વરના, એટલે કે પોતાના બાપદાદાઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું.+ ૩૩ યોશિયાએ ઇઝરાયેલીઓના દેશમાંથી ધિક્કાર ઊપજે એવી બધી વસ્તુઓ* કાઢી નાખી.+ તેણે ઇઝરાયેલમાં દરેકને યહોવાની ભક્તિ કરવા મદદ કરી. તે જીવ્યો ત્યાં સુધી લોકો પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાના માર્ગમાંથી ફંટાયા નહિ.