પ્રેરિતોનાં કાર્યો
૧૪ હવે ઇકોનિયામાં પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓના સભાસ્થાનમાં ગયા અને એટલી જોરદાર રીતે વાત કરી કે મોટી સંખ્યામાં યહૂદી અને ગ્રીક લોકોએ શ્રદ્ધા મૂકી. ૨ જે યહૂદીઓએ શ્રદ્ધા ન મૂકી, તેઓએ બીજી પ્રજાના લોકોને ભાઈઓ વિરુદ્ધ ઉશ્કેર્યા અને તેઓનાં મનમાં ઝેર ભર્યું.+ ૩ પણ યહોવા* પાસેથી મળેલા અધિકારથી પાઉલ અને બાર્નાબાસે લાંબા સમય સુધી હિંમતથી વાત કરી. ઈશ્વરે તેઓ દ્વારા ચમત્કારો અને અદ્ભુત કામો કરીને પોતાની અપાર કૃપાના સંદેશાની સાક્ષી આપી.+ ૪ જોકે, શહેરના લોકોમાં ભાગલા પડ્યા. અમુક લોકોએ યહૂદીઓનો પક્ષ લીધો, તો બીજાઓએ પ્રેરિતોનો પક્ષ લીધો. ૫ બીજી પ્રજાના લોકોએ અને યહૂદીઓએ અધિકારીઓ સાથે મળીને પ્રેરિતોનું ભારે અપમાન કરવાનું અને પથ્થરે મારવાનું કાવતરું ઘડ્યું.+ ૬ પાઉલ અને બાર્નાબાસને એની જાણ કરવામાં આવી ત્યારે, તેઓ લુકોનિયાનાં લુસ્ત્રા અને દર્બે શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં નાસી ગયા.+ ૭ તેઓએ ત્યાં ખુશખબર જણાવવાનું ચાલુ રાખ્યું.
૮ હવે લુસ્ત્રામાં એક માણસ બેઠો હતો. તે જન્મથી અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો. ૯ એ માણસ પાઉલની વાતો સાંભળતો હતો. પાઉલે તેની સામે ધારીને જોયું. પાઉલને ખ્યાલ આવ્યો કે તેને શ્રદ્ધા અને ભરોસો છે કે તે સાજો થઈ શકે છે.+ ૧૦ એટલે પાઉલે ઊંચા અવાજે કહ્યું: “તારા પગ પર ઊભો થા.” એ માણસ કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.+ ૧૧ પાઉલનું અદ્ભુત કામ જોઈને લુકોનિયાની ભાષામાં લોકો પોકારી ઊઠ્યા: “દેવતાઓ માણસોનું રૂપ લઈને આપણી પાસે ઊતરી આવ્યા છે!”+ ૧૨ તેઓએ બાર્નાબાસને ઝિયૂસ કહ્યો, પણ પાઉલને હર્મેસ કહ્યો, કેમ કે તે બોલવામાં આગેવાની લેતો હતો. ૧૩ શહેરના પ્રવેશદ્વારે આવેલા ઝિયૂસના મંદિરનો પૂજારી આખલા અને ફૂલોના હાર* લઈને દરવાજે આવ્યો. ટોળાં સાથે મળીને તે બલિદાનો ચઢાવવા ઇચ્છતો હતો.
૧૪ પ્રેરિત બાર્નાબાસ અને પ્રેરિત પાઉલે એ સાંભળ્યું ત્યારે, તેઓએ પોતાનાં કપડાં ફાડ્યાં અને ટોળાંમાં ધસી જઈને પોકારી ઊઠ્યા: ૧૫ “તમે લોકો કેમ આવું કરો છો? અમે પણ તમારી જેમ માટીના માણસો છીએ.+ અમે તમને ખુશખબર જણાવીએ છીએ, જેથી તમે આ નકામી વાતો છોડી દઈને જીવતા ઈશ્વર તરફ ફરો. એ ઈશ્વરે સ્વર્ગ, પૃથ્વી, સમુદ્ર અને એમાંની બધી વસ્તુઓ બનાવી છે.+ ૧૬ અગાઉની પેઢીઓમાં તેમણે સર્વ પ્રજાઓને પોતપોતાના રસ્તે જવા દીધી હતી.+ ૧૭ છતાં, તેમણે ભલાઈ બતાવીને સાબિત કર્યું કે તે કેવા ઈશ્વર છે.+ તેમણે તમારા માટે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, ફળદાયી ઋતુઓ આપી,+ ખોરાકથી તમને સંતોષ આપ્યો અને આનંદથી તમારું હૃદય ભરી દીધું.”+ ૧૮ આ બધું કહેવા છતાં, પાઉલ અને બાર્નાબાસે માંડ માંડ ટોળાંને બલિદાનો ચઢાવતા અટકાવ્યાં.
૧૯ એવામાં અંત્યોખ અને ઇકોનિયાથી યહૂદીઓ ત્યાં આવી પહોંચ્યા અને લોકોને પોતાની તરફ કરી લીધા.+ તેઓએ પાઉલને પથ્થરે માર્યો. તે મરી ગયો છે એમ માનીને તેઓ તેને શહેરની બહાર ઘસડીને લઈ ગયા.+ ૨૦ જોકે, શિષ્યો તેની આસપાસ ભેગા થયા ત્યારે, તે ઊભો થયો અને શહેરમાં ગયો. બીજા દિવસે તે બાર્નાબાસ સાથે દર્બે જવા નીકળી ગયો.+ ૨૧ એ શહેરમાં ખુશખબર જણાવીને અને ઘણા શિષ્યો બનાવીને તેઓ લુસ્ત્રા પાછા ગયા. ત્યાંથી તેઓ ઇકોનિયા ગયા અને પછી અંત્યોખ ગયા. ૨૨ એ શહેરોમાં તેઓએ શિષ્યોની હિંમત વધારી,+ શ્રદ્ધામાં મક્કમ રહેવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું: “ઘણી મુસીબતો સહીને આપણે ઈશ્વરના રાજ્યમાં* પ્રવેશવાનું છે.”+ ૨૩ તેઓએ દરેક મંડળમાં વડીલો નીમ્યા.+ તેઓએ પ્રાર્થના અને ઉપવાસ કરીને+ એ વડીલો યહોવાને* સોંપ્યા, કેમ કે એ વડીલોએ શ્રદ્ધા મૂકી હતી.
૨૪ પછી પાઉલ અને બાર્નાબાસ પિસીદિયા થઈને પમ્ફૂલિયા ગયા.+ ૨૫ પેર્ગામાં સંદેશો જણાવ્યા પછી, તેઓ અત્તાલિયા ગયા. ૨૬ ત્યાંથી તેઓએ અંત્યોખ જવા વહાણમાં મુસાફરી કરી. અંત્યોખ એ જ જગ્યા છે, જ્યાં ભાઈઓએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તે પાઉલ અને બાર્નાબાસને અપાર કૃપા બતાવે, જેથી તેઓ સોંપેલું કામ પૂરું કરી શકે. હવે તેઓએ એ કામ પૂરું કર્યું છે.+
૨૭ તેઓ અંત્યોખ પહોંચ્યા અને મંડળને ભેગું કર્યું. તેઓએ જણાવ્યું કે ઈશ્વરે તેઓ પાસે કેવાં કામો કરાવ્યાં અને બીજી પ્રજાના લોકો માટે કઈ રીતે શ્રદ્ધાનો માર્ગ ખોલ્યો.+ ૨૮ તેઓએ શિષ્યો સાથે ઘણો સમય પસાર કર્યો.