પિતરનો બીજો પત્ર
૩ વહાલા ભાઈઓ, પહેલા પત્રની જેમ આ બીજા પત્રમાં પણ હું તમને અમુક વાતો યાદ કરાવવા ચાહું છું, જેથી તમે સ્પષ્ટ રીતે વિચારવાની આવડત કેળવી શકો.+ ૨ તેમ જ, પવિત્ર પ્રબોધકોએ* અગાઉ કહેલી વાતો* અને આપણા માલિક તથા ઉદ્ધાર કરનાર ઈસુએ તમારા પ્રેરિતો દ્વારા આપેલી આજ્ઞાઓ તમે યાદ રાખી શકો. ૩ સૌથી પહેલા એ જાણો કે છેલ્લા દિવસોમાં લોકો સારી વાતોની મશ્કરી કરશે અને મનમાની કરીને ખોટાં કામ કરશે.+ ૪ તેઓ કહેશે: “તેમણે વચન આપ્યું હતું કે તે આવશે, એ વચનનું શું થયું?*+ આપણા બાપદાદાઓ મરણ પામ્યા એ સમયથી કંઈ જ બદલાયું નથી. દુનિયાનું સર્જન થયું ત્યારથી બધું એમનું એમ જ ચાલે છે.”+
૫ તેઓ જાણીજોઈને આ હકીકત પર ધ્યાન આપતા નથી કે યુગો પહેલાં આકાશો ઉત્પન્ન થયાં અને ઈશ્વરની આજ્ઞાથી પૃથ્વી અને પાણી છૂટાં પડ્યાં અને પૃથ્વી પાણીની વચ્ચે સ્થિર થઈ.+ ૬ એના દ્વારા એ સમયની દુનિયા પર પૂરનું પાણી ફરી વળ્યું અને એનો નાશ થયો.+ ૭ ઈશ્વરની એ જ આજ્ઞાથી હાલનાં આકાશો અને પૃથ્વીને અગ્નિથી નાશ કરવા રાખી મૂક્યાં છે. ન્યાયના દિવસ સુધી અને અધર્મી માણસોનો નાશ થાય એ દિવસ સુધી તેઓને રાખી મૂકવામાં આવશે.+
૮ પણ વહાલા ભાઈઓ, આ વાત ભૂલશો નહિ કે યહોવાની* નજરમાં એક દિવસ એક હજાર વર્ષ બરાબર છે અને એક હજાર વર્ષ એક દિવસ બરાબર છે.+ ૯ યહોવા* પોતાનું વચન પૂરું કરવામાં મોડું કરતા નથી,+ પછી ભલેને કેટલાક લોકોને એવું લાગે. પણ તે તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.+ ૧૦ યહોવાનો* દિવસ+ ચોરની જેમ આવશે ત્યારે,+ આકાશો ગર્જના* સાથે જતાં રહેશે,+ આકાશોની અને પૃથ્વીની વસ્તુઓ સખત ગરમ થઈને પીગળી જશે તેમજ પૃથ્વી અને એના પર થયેલાં કામો ખુલ્લાં પડશે.+
૧૧ આ સર્વ વસ્તુઓનો એ રીતે નાશ થવાનો છે, તો વિચારો કે તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ. તમારાં વાણી-વર્તન પવિત્ર રાખો અને ઈશ્વરની ભક્તિનાં કામ કરો. ૧૨ યહોવાનો* દિવસ આવે* એની રાહ જુઓ અને એને હંમેશાં મનમાં રાખો.*+ એ દિવસ આવશે ત્યારે, આકાશો અગ્નિની જ્વાળાઓથી નાશ પામશે+ અને બધી વસ્તુઓ સખત ગરમીથી પીગળી જશે! ૧૩ પણ ઈશ્વરે આપેલા વચન પ્રમાણે આપણે નવાં આકાશ અને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ,+ જ્યાં ચારે બાજુ સત્ય* હશે.+
૧૪ તેથી વહાલા ભાઈઓ, તમે આ બધાની રાહ જોઈ રહ્યા છો ત્યારે પૂરો પ્રયત્ન કરો કે તમે ઈશ્વરની નજરમાં નિર્દોષ, કલંક વગરના અને શાંતિમાં રહેનારા લોકો સાબિત થાઓ.+ ૧૫ વધુમાં, આપણા ઈશ્વરની ધીરજને તમે ઉદ્ધાર મેળવવાની તક ગણો. આપણા વહાલા ભાઈ પાઉલે પણ ઈશ્વર પાસેથી મળેલા ડહાપણ પ્રમાણે તમને એ વિશે લખ્યું હતું.+ ૧૬ તેણે એ વિશે પોતાના બધા પત્રોમાં જણાવ્યું છે. પણ એમાંની અમુક વાતો સમજવી અઘરી છે. અજ્ઞાની* અને ઢચુપચુ* લોકો બીજાં શાસ્ત્રવચનોની જેમ એ વાતોનો પણ મારી-મચકોડીને ખોટો અર્થ કાઢે છે. એવું કરીને તેઓ પોતાનો જ નાશ નોતરે છે.
૧૭ એટલે વહાલા ભાઈઓ, તમે આ બધું જાણતા હોવાથી સાવચેત રહો, જેથી દુષ્ટોના જૂઠા શિક્ષણથી છેતરાઈને તમે તેઓની સાથે ખોટા માર્ગે ચઢી ન જાઓ. એના બદલે, તમે સ્થિર ઊભા રહો અને સત્યના માર્ગથી પડી ન જાઓ.+ ૧૮ તમે આપણા માલિક અને તારણહાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં અને અપાર કૃપામાં વધતા જાઓ. હમણાં અને સદાકાળ તેમને મહિમા મળતો રહે. આમેન.*