૧૫ નમ્ર જવાબ ક્રોધને શાંત કરે છે,+
પણ કઠોર શબ્દો ગુસ્સો ભડકાવે છે.+
૨ બુદ્ધિમાનની જીભ જ્ઞાનનો સારો ઉપયોગ કરે છે,+
પણ મૂર્ખના મોઢે મૂર્ખાઈની વાતો નીકળે છે.
૩ યહોવાની આંખો બધું જુએ છે,
તે સારા અને ખરાબ લોકો પર નજર રાખે છે.+
૪ માયાળુ શબ્દો જીવનનું ઝાડ છે,+
પણ કપટી વાતો લાગણી દુભાવે છે.
૫ મૂર્ખ દીકરો પિતાની શિસ્ત ગણકારતો નથી,+
પણ શાણો માણસ ઠપકો સ્વીકારે છે.+
૬ નેક માણસનું ઘર ધનદોલતથી ભરેલું હોય છે,
પણ દુષ્ટની કમાણી તેને મુશ્કેલીમાં મૂકે છે.+
૭ બુદ્ધિમાનના હોઠ જ્ઞાન ફેલાવે છે,+
પણ મૂર્ખનું હૃદય એવું કરતું નથી.+
૮ દુષ્ટના બલિદાનને યહોવા ધિક્કારે છે,+
પણ સારા માણસની પ્રાર્થનાથી તે ખુશ થાય છે.+
૯ દુષ્ટના માર્ગને યહોવા ધિક્કારે છે,+
પણ સત્યના માર્ગે ચાલનાર પર તે પ્રેમ રાખે છે.+
૧૦ સાચો માર્ગ છોડી દેનાર માણસ શિસ્તને ધિક્કારે છે+
અને ઠપકાને ધિક્કારનાર પોતાનું જીવન ગુમાવે છે.+
૧૧ જો કબર અને વિનાશની જગ્યા પણ યહોવા આગળ ખુલ્લી હોય,+
તો માણસનું દિલ કઈ રીતે છૂપું રહી શકે?+
૧૨ ઘમંડી માણસને ઠપકો આપનાર ગમતો નથી.+
તે બુદ્ધિમાનની સલાહ લેતો નથી.+
૧૩ દિલ ખુશ હોય તો ચહેરો ખીલી ઊઠે છે.
પણ દિલ ગમગીન હોય તો માણસ પડી ભાંગે છે.+
૧૪ સમજુ માણસ આખી વાત જાણવાની કોશિશ કરે છે,+
પણ મૂર્ખ પોતાનું મોં મૂર્ખતાથી ભરે છે.+
૧૫ દુઃખી માણસના બધા દિવસો દુઃખમાં વીતે છે,+
પણ ખુશ મનવાળો રોજ મિજબાની માણે છે.+
૧૬ પુષ્કળ માલ-મિલકત સાથે ઘણી ચિંતા હોય એના કરતાં,+
થોડામાં ગુજરાન ચલાવવું અને યહોવાનો ડર રાખવો વધારે સારું.+
૧૭ નફરત હોય ત્યાં પકવાન ખાવા કરતાં,+
પ્રેમ હોય ત્યાં સાદું ભોજન ખાવું વધારે સારું.+
૧૮ ગરમ મિજાજનો માણસ તકરાર ઊભી કરે છે,+
પણ શાંત સ્વભાવનો માણસ ઝઘડો શાંત પાડે છે.+
૧૯ આળસુનો રસ્તો કાંટાથી ભરેલો હોય છે,+
પણ નેકનો રસ્તો રાજમાર્ગ જેવો છે.+
૨૦ ડાહ્યો દીકરો પોતાના પિતાને ખુશ કરે છે,+
પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.+
૨૧ અક્કલ વગરનો માણસ મૂર્ખાઈથી ખુશ થાય છે,+
પણ સમજુ માણસ સીધા રસ્તે ચાલ્યો જાય છે.+
૨૨ સલાહ લીધા વગરની યોજનાઓ નિષ્ફળ જાય છે,
પણ ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.+
૨૩ યોગ્ય જવાબ આપીને માણસ ખુશ થાય છે+
અને ખરા સમયે કહેલો શબ્દ કેટલો સારો લાગે છે!+
૨૪ સમજુ માણસ જીવન તરફ લઈ જતા રસ્તે ઉપર ચઢે છે,+
તે નીચે કબરમાં લઈ જતો રસ્તો ટાળે છે.+
૨૫ યહોવા ઘમંડી માણસનું ઘર તોડી નાખશે,+
પણ તે વિધવાની જમીનનું રક્ષણ કરશે.+
૨૬ દુષ્ટનાં કાવતરાંને યહોવા ધિક્કારે છે,+
પણ તાજગી આપતા શબ્દો તેમની નજરમાં શુદ્ધ છે.+
૨૭ બેઈમાનીથી કમાણી કરનાર માણસ કુટુંબ પર આફત લાવે છે,+
પણ લાંચને ધિક્કારનાર જીવતો રહે છે.+
૨૮ નેક માણસ વિચાર કરીને જવાબ આપે છે,+
પણ મૂર્ખના મોંમાંથી નકામી વાતો નીકળે છે.
૨૯ યહોવા દુષ્ટ માણસથી દૂર છે,
પણ તે સારા માણસની પ્રાર્થના સાંભળે છે.+
૩૦ આંખોની ચમક જોઈને દિલ ખુશ થાય છે
અને સારા સમાચાર હાડકાંમાં જોમ ભરી દે છે.+
૩૧ જે માણસ જીવન આપતો ઠપકો સાંભળે છે,
તેની ગણતરી બુદ્ધિમાન લોકોમાં થાય છે.+
૩૨ જે માણસ શિસ્તને ગણકારતો નથી, તે જીવનને તુચ્છ ગણે છે,+
પણ જે ઠપકો સ્વીકારે છે, તે સમજણ મેળવે છે.+
૩૩ યહોવાનો ડર બુદ્ધિથી કામ કરવાનું શીખવે છે+
અને નમ્ર બનવાથી માન-સન્માન મળે છે.+