માર્ક
૮ એ દિવસોમાં ફરી એક વાર મોટું ટોળું ભેગું થયું અને તેઓ પાસે ખાવાને કંઈ ન હતું. ઈસુએ શિષ્યોને બોલાવીને કહ્યું: ૨ “મને ટોળાની દયા આવે છે,+ કેમ કે તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેઓ પાસે કંઈ ખાવાનું નથી.+ ૩ જો હું તેઓને ભૂખ્યા જ ઘરે મોકલી દઉં, તો તેઓ રસ્તામાં બેભાન થઈ જશે. અમુક તો ઘણે દૂરથી આવ્યા છે.” ૪ પણ શિષ્યોએ કહ્યું: “આ લોકો પેટ ભરીને ખાઈ શકે એટલી રોટલી આ ઉજ્જડ જગ્યામાં ક્યાંથી લાવવી?” ૫ એ સાંભળીને તેમણે તેઓને પૂછ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું: “સાત.”+ ૬ તેમણે ટોળાને જમીન પર બેસવા કહ્યું. તેમણે સાત રોટલીઓ લઈને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે એ તોડીને શિષ્યોને આપી અને તેઓએ ટોળાને વહેંચી આપી.+ ૭ તેઓની પાસે અમુક નાની માછલીઓ પણ હતી. તેમણે એના પર પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો અને તેઓને એ વહેંચી આપવા કહ્યું. ૮ લોકોએ ધરાઈને ખાધું અને શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને સાત ટોપલા ભર્યા.+ ૯ ત્યાં આશરે ૪,૦૦૦ પુરુષો હતા. પછી તેમણે લોકોને વિદાય કર્યા.
૧૦ ઈસુ તરત પોતાના શિષ્યો સાથે હોડીમાં ચઢ્યા અને દલમાનુથા પ્રદેશમાં આવ્યા.+ ૧૧ ત્યાં ફરોશીઓ આવ્યા ને તેમની સાથે દલીલ કરવા લાગ્યા. તેઓ તેમની કસોટી કરવા તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા.+ ૧૨ તેમણે ઊંડો નિસાસો નાખીને કહ્યું: “આ પેઢી કેમ નિશાની શોધે છે?+ હું સાચે જ કહું છું: આ પેઢીને કોઈ નિશાની આપવામાં આવશે નહિ.”+ ૧૩ પછી તે તેઓને ત્યાં મૂકીને પાછા હોડીમાં બેઠા અને સામે પાર ગયા.
૧૪ શિષ્યો પોતાની સાથે રોટલી લેવાનું ભૂલી ગયા. હોડીમાં એક રોટલી સિવાય તેઓ પાસે બીજું કંઈ ન હતું.+ ૧૫ ઈસુએ તેઓને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી: “તમારી આંખો ખુલ્લી રાખો, ફરોશીઓ અને હેરોદના ખમીરથી* સાવચેત રહો.”+ ૧૬ તેઓ અંદરોઅંદર એ વાત પર દલીલ કરવા લાગ્યા કે તેઓમાંથી કેમ કોઈ રોટલી લાવ્યું નહિ. ૧૭ એ જાણીને ઈસુએ કહ્યું: “રોટલી ન લાવવા વિશે તમે કેમ દલીલ કરો છો? શું તમને હજુ ખબર પડી નથી અને એનો અર્થ સમજતા નથી? શું તમને હજુ સમજણ પડતી નથી? ૧૮ ‘શું તમે આંખ હોવા છતાં જોતા નથી અને કાન હોવા છતાં સાંભળતા નથી?’ શું તમને યાદ નથી? ૧૯ જ્યારે મેં ૫,૦૦૦ પુરુષો માટે પાંચ રોટલી+ તોડી, ત્યારે વધેલા ટુકડા ભરેલી કેટલી ટોપલીઓ તમે ભેગી કરી હતી?” તેઓએ કહ્યું: “બાર.”+ ૨૦ પછી તેમણે પૂછ્યું: “જ્યારે મેં ૪,૦૦૦ પુરુષો માટે સાત રોટલી તોડી, ત્યારે વધેલા ટુકડા ભરેલા કેટલા ટોપલા તમે ભેગા કર્યા હતા?” તેઓએ કહ્યું: “સાત.”+ ૨૧ તેમણે કહ્યું: “શું તમે હજુ પણ સમજતા નથી?”
૨૨ તેઓ બેથસૈદામાં આવ્યા. અહીં લોકો ઈસુ પાસે એક આંધળા માણસને લાવ્યા. તેઓ વિનંતી કરવા લાગ્યા કે તે તેને અડકીને સાજો કરે.+ ૨૩ તેમણે આંધળા માણસનો હાથ પકડ્યો અને ગામ બહાર લઈ ગયા. તેની આંખો પર થૂંક્યા પછી+ તેમણે તેના પર હાથ મૂકીને પૂછ્યું: “તને કંઈ દેખાય છે?” ૨૪ માણસે નજર ઉઠાવીને કહ્યું: “મને માણસો દેખાય છે, પણ તેઓ હાલતાં-ચાલતાં વૃક્ષો જેવા દેખાય છે.” ૨૫ તેમણે ફરીથી એ માણસની આંખો પર પોતાના હાથ મૂક્યા અને તે માણસ સ્પષ્ટ જોવા લાગ્યો. તેની આંખોની રોશની પાછી આવી અને તે બધું સાફ સાફ જોઈ શકતો હતો. ૨૬ તેમણે તેને ઘરે મોકલીને કહ્યું: “આ ગામમાં જઈશ નહિ.”
૨૭ ઈસુ અને તેમના શિષ્યો હવે કાઈસારીઆ ફિલિપીનાં ગામોમાં જવા નીકળ્યા. તેમણે પોતાના શિષ્યોને રસ્તામાં સવાલ પૂછ્યો: “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?”+ ૨૮ તેઓએ કહ્યું: “કોઈ કહે છે બાપ્તિસ્મા આપનાર યોહાન,+ કોઈ કહે છે એલિયા,+ કોઈ કહે છે પ્રબોધક.” ૨૯ તેમણે તેઓને સવાલ પૂછ્યો: “હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો: “તમે ખ્રિસ્ત છો!”+ ૩૦ તેમણે તેઓને આજ્ઞા કરી કે તેમના વિશે કોઈને કહેવું નહિ.+ ૩૧ તે તેઓને શીખવવા લાગ્યા કે માણસના દીકરાએ ઘણી સતાવણી સહેવી પડશે. વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેમને ધિક્કારશે. તેમને મારી નાખવામાં આવશે+ અને ત્રણ દિવસ પછી જીવતા કરાશે.+ ૩૨ તે હિંમતથી આ વાત કહેતા હતા. પણ પિતરે તેમને એક બાજુએ લઈ જઈને ઠપકો આપ્યો.+ ૩૩ તેમણે ફરીને શિષ્યો તરફ જોયું અને પિતરને ઠપકો આપ્યો: “મારી પાછળ જા, શેતાન! તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.”+
૩૪ તેમણે પોતાના શિષ્યો સાથે ટોળાને બોલાવ્યું અને તેઓને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.+ ૩૫ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે અને ખુશખબરને લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને બચાવશે.+ ૩૬ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે અને પોતાનું જીવન* ગુમાવે તો એનાથી શો લાભ?+ ૩૭ માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે?+ ૩૮ જો આ પાપી અને વ્યભિચારી* પેઢીમાં કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પવિત્ર દૂતો સાથે આવશે,+ ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.”+