લેવીય
૨૫ યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને આગળ કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહે, ‘જે દેશ હું તમને આપું છું, એમાં તમે આવો+ ત્યારે જમીન માટે યહોવાનો સાબ્બાથ પાળો અને એને આરામ આપો.+ ૩ છ વર્ષ તમે જમીનમાં બી વાવો. છ વર્ષ તમારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરો અને જમીનની બધી પેદાશનો સંગ્રહ કરો.+ ૪ પણ સાતમા વર્ષે તમે જમીન માટે સાબ્બાથ પાળો અને એને પૂરો આરામ આપો. એ યહોવાનો સાબ્બાથ છે. એ વર્ષે તમે જમીનમાં બી ન વાવો કે દ્રાક્ષાવાડીમાં કાપકૂપ ન કરો. ૫ છેલ્લી કાપણી વખતે જમીન પર રહી ગયેલાં બીમાંથી જે કંઈ પોતાની જાતે ઊગી નીકળે, એની કાપણી ન કરો. એવી જ રીતે, કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલા પર જે દ્રાક્ષ ઊગે એને વીણી ન લો. એ વર્ષ જમીન માટે પૂરેપૂરા આરામનું વર્ષ છે. ૬ પણ સાબ્બાથના વર્ષ દરમિયાન જમીનમાંથી જે કંઈ પોતાની જાતે ઊગી નીકળે, એને તમે ખાઈ શકો.* તમારી સાથે તમારાં દાસ-દાસીઓ, મજૂરો, તમારી વચ્ચે રહેતા પ્રવાસીઓ, ૭ પાલતુ પ્રાણીઓ અને દેશમાં રહેતાં જંગલી પ્રાણીઓ ખાઈ શકે. જે કંઈ જમીનમાં આપોઆપ ઊગી નીકળે, એ તમે ખાઈ શકો.
૮ “‘દર સાતમું વર્ષ સાબ્બાથનું વર્ષ છે. એ રીતે તમે સાત સાબ્બાથનાં વર્ષો ગણો. એ કુલ ૪૯ વર્ષ થશે. ૯ પછી, સાતમા મહિનાના દસમા દિવસે, એટલે કે પ્રાયશ્ચિત્તના દિવસે+ તમે જોરથી રણશિંગડું વગાડો. આખા દેશમાં એનો અવાજ સંભળાય એ રીતે વગાડો. ૧૦ તમે ૫૦મા વર્ષને પવિત્ર ગણો અને દેશના રહેવાસીઓ માટે છુટકારાની જાહેરાત કરો.+ એ તમારા માટે છુટકારાનું વર્ષ* છે. જે કોઈએ પોતાની માલ-મિલકત વેચી હોય, તેને એ પાછી મળે અને જે કોઈએ પોતાને ચાકર તરીકે વેચ્યો હોય, તે પોતાના કુટુંબમાં પાછો જાય.+ ૧૧ ૫૦મું વર્ષ તમારા માટે છુટકારાનું વર્ષ ગણાય. એ વર્ષે તમે બી ન વાવો; છેલ્લી કાપણી વખતે જમીન પર રહી ગયેલાં બીમાંથી જે કંઈ પોતાની જાતે ઊગી નીકળે એની કાપણી ન કરો; તેમજ કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલા પર ઊગી નીકળેલી દ્રાક્ષ ન વીણો.+ ૧૨ કેમ કે એ છુટકારાનું વર્ષ છે. તમે એને પવિત્ર ગણો. જમીનમાં જે પોતાની જાતે ઊગી નીકળે, એ તમે ખાઈ શકો.*+
૧૩ “‘જે કોઈએ પોતાની માલ-મિલકત વેચી દીધી હોય, એને છુટકારાના વર્ષમાં એ પાછી મળે.+ ૧૪ જો તમે બીજા કોઈને માલ-મિલકત વેચો અથવા તેની પાસેથી માલ-મિલકત ખરીદો, તો બેઈમાનીથી એકબીજાનો ફાયદો ન ઉઠાવો.+ ૧૫ જો તમે બીજા કોઈ પાસેથી જમીન ખરીદો, તો જમીનની કિંમત આંકવા છુટકારાના વર્ષને કેટલાં વર્ષો વીત્યાં છે એ ગણો. એવી જ રીતે, વેચનાર માણસ જુએ કે છુટકારાનું વર્ષ આવવામાં કેટલાં વર્ષો બાકી છે અને એ દરમિયાન થનાર ફસલ ગણીને જમીનની કિંમત નક્કી કરે.+ ૧૬ જો છુટકારાનું વર્ષ આવવામાં ઘણાં વર્ષો બાકી હોય, તો વેચનાર જમીનની વેચાણ કિંમત વધારી શકે. પણ જો થોડાં વર્ષો બાકી હોય, તો તે એની કિંમત ઘટાડી શકે, કેમ કે હકીકતમાં તો તે તમને ફસલ વેચી રહ્યો છે, જે એ વર્ષો દરમિયાન ઊગશે. ૧૭ તમે બેઈમાનીથી કોઈનો ફાયદો ન ઉઠાવો.+ તમે તમારા ઈશ્વરનો ડર રાખો,+ કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.+ ૧૮ જો તમે મારા નિયમો પ્રમાણે ચાલશો અને મારા કાયદા-કાનૂન પાળશો, તો તમે દેશમાં સહીસલામત રહેશો.+ ૧૯ જમીન પોતાની ઊપજ આપશે;+ તમે એ ધરાઈને ખાશો અને દેશમાં સહીસલામત રહેશો.+
૨૦ “‘પણ કદાચ કોઈને સવાલ થાય, “જો અમે સાતમા વર્ષે કંઈ વાવીએ નહિ અને સંગ્રહ કરીએ નહિ, તો એ વર્ષે શું ખાઈશું?”+ ૨૧ ચિંતા ન કરો. હું છઠ્ઠા વર્ષે મારો આશીર્વાદ જમીન પર વરસાવીશ અને એ વર્ષે એટલું અનાજ ઊગશે કે એમાંથી તમે ત્રણ વર્ષ સુધી ખાઈ શકશો.+ ૨૨ પછી આઠમા વર્ષે તમે જમીનમાં બી વાવશો અને નવમા વર્ષ સુધી તમે છઠ્ઠા વર્ષની ફસલમાંથી ખાશો. નવમા વર્ષની ફસલ તમે ઘરે લાવશો ત્યાં સુધી તમે એ જૂની ફસલ ખાશો.
૨૩ “‘જમીન સદાને માટે વેચાય નહિ,+ કેમ કે જમીન મારી છે+ અને મારી નજરમાં તમે પરદેશી અને પ્રવાસી છો.+ ૨૪ આખા દેશમાં તમે જમીનના માલિકને એ હક આપો કે, જો તે પોતાની જમીન વેચે, તો એને પાછી ખરીદી શકે.
૨૫ “‘જો તમારો કોઈ ભાઈ* ગરીબ થઈ જાય અને તેણે પોતાની જમીનમાંથી થોડી વેચવી પડે, તો તેનો નજીકનો સગો, એટલે કે તેનો છોડાવનાર* વેચેલી જમીન ખરીદીને તેને પાછી આપે.+ ૨૬ હવે જો કોઈની પાસે એવો છોડાવનાર ન હોય, પણ તે પોતે એટલું કમાયો હોય કે પોતાની જમીન પાછી ખરીદી શકે, ૨૭ તો તે માણસ એ ગણે કે જમીન વેચ્યાને કેટલાં વર્ષો થયાં અને એ વર્ષો દરમિયાન કેટલી કિંમતની ઊપજ થઈ. પછી એ કિંમતને જમીનની મૂળ વેચાણ કિંમતમાંથી બાદ કરીને એ માણસને ચૂકવે, જેણે એને ખરીદી હતી. આમ, તે પોતાની જમીન પાછી મેળવી શકે.+
૨૮ “‘પણ જો તે જમીન ખરીદી ન શકે, તો છુટકારાના વર્ષ સુધી એ જમીન એ જ માણસ પાસે રહે, જેણે એને ખરીદી હતી.+ પછી છુટકારાના વર્ષમાં એ જમીન એના મૂળ માલિકને પાછી મળે.+
૨૯ “‘હવે જો કોઈ માણસ કોટવાળા શહેરમાંનું પોતાનું ઘર વેચે, તો વેચ્યાના એક વર્ષની અંદર તે એને છોડાવી શકે. એક વર્ષ સુધી તેની પાસે એને પાછું ખરીદવાનો હક છે.+ ૩૦ પણ જો એક વર્ષમાં તે એને પાછું ખરીદી ન શકે, તો કોટવાળા શહેરમાંનું એ ઘર હંમેશ માટે એ માણસનું થાય, જેણે એ ખરીદ્યું હતું. એ ઘર પેઢી દર પેઢી તેનો વારસો થાય. છુટકારાના વર્ષમાં પણ એ ઘર એના મૂળ માલિકને પાછું ન મળે. ૩૧ પણ જો કોઈ ઘર કોટ વગરનાં શહેરમાં નહિ, પણ ખુલ્લી જગ્યામાં હોય, તો એ ઘર ખેતરનો ભાગ ગણાય. એવા ઘરને મૂળ માલિક પાછું ખરીદી શકે. પણ જો તે એને ખરીદી ન શકે, તો છુટકારાના વર્ષમાં એ તેને પાછું મળે.
૩૨ “‘પણ લેવીઓ પોતાનાં શહેરોમાંનાં+ ઘરો ગમે ત્યારે પાછાં ખરીદી શકે છે. એ હક તેઓ પાસે કાયમ છે. ૩૩ જો કોઈ લેવી* પોતાના શહેરમાંનું પોતાનું ઘર વેચે અને એને પાછું ખરીદી ન શકે, તો છુટકારાના વર્ષમાં તેને એ પાછું મળે.+ કેમ કે ઇઝરાયેલીઓ વચ્ચે લેવીઓનાં શહેરોમાં જેટલાં પણ ઘરો છે, એ લેવીઓનો પોતાનો વારસો છે.+ ૩૪ પણ લેવીઓએ પોતાનાં શહેરોની આસપાસનાં ગૌચરો*+ વેચવાં નહિ, કેમ કે એ તેઓનો કાયમી વારસો છે.
૩૫ “‘જો તમારી આસપાસ રહેતો કોઈ ઇઝરાયેલી ભાઈ ગરીબીમાં આવી પડે અને પોતાનું ગુજરાન ચલાવી ન શકે, તો તમે તેને મદદ કરો.+ જેમ તમે તમારી વચ્ચે રહેતા પરદેશીને અને પ્રવાસીને+ મદદ કરો છો, તેમ પોતાના ભાઈને પણ મદદ કરો, જેથી તે તમારી મધ્યે રહીને પોતાનું ગુજરાન ચલાવી શકે. ૩૬ તમે તેની પાસેથી કોઈ વ્યાજ કે નફો ન લો.+ તમે તમારા ઈશ્વરનો ડર રાખો,+ જેથી તમારો ભાઈ પોતાનું ગુજરાન ચલાવી શકે. ૩૭ જો તમે તેને પૈસા ઉધાર આપો, તો તેની પાસેથી કોઈ વ્યાજ ન લો.+ જો તમે તેને ખાવાનું વેચો, તો તેની પાસેથી કોઈ નફો ન લો. ૩૮ હું તમારો ઈશ્વર યહોવા છું. હું તમને ઇજિપ્ત દેશમાંથી બહાર લાવ્યો છું,+ જેથી તમને કનાન દેશ આપી શકું અને સાબિત કરું કે હું તમારો ઈશ્વર છું.+
૩૯ “‘જો તમારી આસપાસ રહેતો કોઈ ઇઝરાયેલી ભાઈ ગરીબ થઈ જાય અને તેણે પોતાને વેચવો પડે,+ તો તમે તેની પાસે ગુલામો જેવું કામ ન કરાવો.+ ૪૦ તમારે તેની સાથે મજૂરીએ રાખેલા માણસની જેમ અને પ્રવાસીની જેમ વર્તવું.+ છુટકારાના વર્ષ સુધી તે તમારી ચાકરી કરે. ૪૧ ત્યાર બાદ, તે તમને છોડીને પોતાનાં બાળકો* સાથે પોતાના કુટુંબમાં પાછો જાય અને પોતાના બાપદાદાની મિલકતનો વારસો પાછો લે.+ ૪૨ કેમ કે ઇઝરાયેલીઓ મારા ચાકરો છે, જેઓને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છું.+ તેઓ પોતાને ગુલામ તરીકે ન વેચે. ૪૩ તમે એ ઇઝરાયેલી સાથે ક્રૂર રીતે ન વર્તો.+ તમે તમારા ઈશ્વરનો ડર રાખો.+ ૪૪ તમારાં દાસ-દાસીઓ આસપાસનાં દેશનાં હોવાં જોઈએ. તમે એ દેશોમાંથી પોતાના માટે દાસ-દાસીઓ ખરીદી શકો. ૪૫ તેમ જ, તમે તમારી વચ્ચે રહેતા પ્રવાસીઓ અને તેઓનાં બાળકોમાંથી+ પોતાના માટે દાસ-દાસીઓ ખરીદી શકો. તેઓ તમારી મિલકત બનશે. ૪૬ એ દાસ-દાસીઓ તમે તમારા દીકરાઓને વારસામાં આપી શકો, જેથી તેઓ તમારા દીકરાઓનો હંમેશ માટેનો વારસો થાય. તમે તેઓનો દાસ-દાસીઓ તરીકે ઉપયોગ કરી શકો. પણ તમે તમારા ઇઝરાયેલી ભાઈઓ સાથે ક્રૂર રીતે ન વર્તો.+
૪૭ “‘ધારો કે, તમારી મધ્યે રહેતો કોઈ પરદેશી કે પ્રવાસી ધનવાન બને છે અને કોઈ ઇઝરાયેલી ગરીબ થઈ જાય છે. ગરીબીને લીધે ઇઝરાયેલીએ તે પરદેશી કે પ્રવાસી કે પરદેશીના કુટુંબના કોઈ સભ્યને ત્યાં પોતાને ગુલામ તરીકે વેચવો પડે છે. ૪૮ એવા સંજોગોમાં, પોતાને વેચી દીધા પછી પોતાને છોડાવવાનો હક તેની પાસે રહે છે. તેનો કોઈ ભાઈ તેને પાછો ખરીદીને છોડાવી શકે છે.+ ૪૯ તેના કાકા કે તેના કાકાનો દીકરો કે તેનો નજીકનો સગો કે તેના કુટુંબમાંનું કોઈ પણ તેને પાછો ખરીદી શકે છે.
“‘અથવા જો તે પોતે પૈસાદાર બને, તો તે પોતાને છોડાવી શકે છે.+ ૫૦ ઇઝરાયેલી પોતાના ખરીદનાર સાથે બેસીને ગણે કે, પોતે વેચાયો ત્યારથી લઈને છુટકારાના વર્ષ સુધી કેટલાં વર્ષો થાય છે.+ એ વર્ષો દરમિયાન તેને જે કુલ મજૂરી મળે, એ તેની વેચાણ કિંમત છે.+ એક મજૂરને જેટલી મજૂરી મળે છે, એ હિસાબે તેની મજૂરી ગણવી.+ ૫૧ જો છુટકારાના વર્ષને હજી ઘણાં વર્ષો બાકી હોય, તો તે એ વર્ષોની મજૂરી ગણીને ચૂકવે અને પોતાને છોડાવે. ૫૨ એવી જ રીતે, જો છુટકારાના વર્ષને થોડાં જ વર્ષો બાકી હોય, તો તે એ વર્ષો પ્રમાણે કિંમત ચૂકવે અને પોતાને છોડાવે. ૫૩ તે જેટલાં વર્ષો ચાકરી કરે, એટલાં વર્ષો તેનો માલિક તેને મજૂરીએ રાખેલા માણસ જેવો ગણે અને તેની સાથે ક્રૂર રીતે ન વર્તે.+ ૫૪ પણ જો એ શરતો પ્રમાણે તે પોતાને છોડાવી ન શકે, તો છુટકારાના વર્ષમાં+ તે અને તેની સાથે તેનાં બાળકો* પણ આઝાદ થાય.
૫૫ “‘ઇઝરાયેલીઓ મારા ચાકરો છે. હા, તેઓ મારા ચાકરો છે, જેઓને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છું.+ હું યહોવા તમારો ઈશ્વર છું.