ગણના
૧૮ પછી યહોવાએ હારુનને કહ્યું: “પવિત્ર જગ્યા+ વિશેનો કોઈ નિયમ તૂટે તો એ માટે તું, તારા દીકરાઓ અને તારા પિતાનું કુટુંબ જવાબદાર ગણાશો. તમારા યાજકપદ વિશેનો કોઈ નિયમ તૂટે તો એ માટે તું અને તારા દીકરાઓ જવાબદાર ગણાશો.+ ૨ તારા પિતાના કુળના, એટલે કે લેવી કુળના તારા ભાઈઓને તારી નજીક લાવ, જેથી તેઓ તારી સાથે જોડાઈને સાક્ષીકોશના મંડપ આગળ+ તારી અને તારા દીકરાઓની સેવા કરી શકે.+ ૩ તું તેઓને જે કંઈ કામ સોંપશે, એ બધાં કામ તેઓ કરશે. તેમ જ, મંડપને લગતાં બધાં કામ તેઓ કરશે.+ પણ તેઓ પવિત્ર જગ્યાનાં વાસણોની અને વેદીની નજીક ન આવે, નહિતર તું અને તેઓ માર્યા જશો.+ ૪ તેઓ તારી સાથે જોડાશે અને મુલાકાતમંડપ તથા મંડપને લગતી બધી સેવાઓ વિશેની પોતાની જવાબદારીઓ નિભાવશે. યાજક ન હોય એવો કોઈ પણ માણસ* તમારી નજીક ન આવે.+ ૫ તમે પવિત્ર જગ્યા+ અને વેદી+ વિશેની તમારી જવાબદારીઓ નિભાવો, જેથી ઇઝરાયેલીઓ વિરુદ્ધ મારો કોપ ફરી ભડકી ન ઊઠે.+ ૬ ઇઝરાયેલીઓમાંથી હું તમારા ભાઈઓ, એટલે કે લેવીઓ તમને ભેટ તરીકે આપું છું.+ તેઓ યહોવાના છે અને મુલાકાતમંડપ આગળ સેવા કરશે.+ ૭ વેદીને લગતી અને પડદાની અંદરની વસ્તુઓને લગતી યાજકપદની સેવા માટે તું અને તારા દીકરાઓ જવાબદાર છો.+ એ સેવા તમારે કરવી.+ મેં તમને યાજકપદ ભેટ તરીકે આપ્યું છે. જો યાજક ન હોય એવો કોઈ પણ માણસ* નજીક આવે, તો તેને મારી નાખો.”+
૮ વધુમાં, યહોવાએ હારુનને કહ્યું: “જે દાનો મને આપવામાં આવે છે,+ એનો અધિકાર હું તારા હાથમાં સોંપું છું. ઇઝરાયેલીઓ જે પવિત્ર વસ્તુઓ મને દાનમાં આપે છે, એમાંથી અમુક હિસ્સો હું તને અને તારા દીકરાઓને હંમેશ માટે આપું છું.+ ૯ જે અતિ પવિત્ર અર્પણો આગમાં ચઢાવવામાં આવે છે એમાંથી અમુક હિસ્સો તારો થશે. એ અર્પણો આ છે: લોકો મને ચઢાવે છે એ દરેક અર્પણ તેમજ તેઓનાં અનાજ-અર્પણો,+ પાપ-અર્પણો+ અને દોષ-અર્પણો.+ એ હિસ્સો તારા અને તારા દીકરાઓ માટે ખૂબ પવિત્ર છે. ૧૦ તું એને સૌથી પવિત્ર જગ્યાએ ખા.+ દરેક પુરુષ એ ખાઈ શકે. એ તારા માટે પવિત્ર છે.+ ૧૧ ઇઝરાયેલીઓ દાનમાં આપે છે એ ભેટો+ અને તેઓનાં બધાં હલાવવાનાં અર્પણો+ પણ તારાં થશે. એ હિસ્સો હું તને, તારા દીકરાઓને અને તારી દીકરીઓને હંમેશ માટે આપું છું.+ તારા ઘરમાંની દરેક શુદ્ધ વ્યક્તિ એ ખાય.+
૧૨ “ઇઝરાયેલીઓ પ્રથમ ફળ*+ તરીકે જે ઉત્તમ તેલ, ઉત્તમ નવો દ્રાક્ષદારૂ અને અનાજ યહોવાને આપે છે, એ બધું હું તને આપું છું.+ ૧૩ તેઓ પોતાની જમીનની પેદાશનાં જે પ્રથમ ફળ યહોવા આગળ લાવે છે, એ તારાં થશે.+ તારા ઘરમાંની દરેક શુદ્ધ વ્યક્તિ એ ખાય.
૧૪ “ઇઝરાયેલીઓની દરેક સમર્પિત વસ્તુ* તારી થશે.+
૧૫ “ઇઝરાયેલીઓ જેને યહોવા આગળ રજૂ કરે છે, એ દરેક પ્રથમ જન્મેલો+ તારો થશે, પછી ભલે એ માણસ હોય કે પ્રાણી. પણ તું દરેક પ્રથમ જન્મેલા દીકરાને+ અને દરેક પ્રથમ જન્મેલા અશુદ્ધ પ્રાણીને* જરૂર છોડાવ.+ ૧૬ પ્રથમ જન્મેલો દીકરો એક મહિનાનો કે એનાથી મોટો થાય ત્યારે, તું છુટકારાની કિંમતથી એને છોડાવ. એ માટે તું ઠરાવેલી કિંમત પ્રમાણે પાંચ શેકેલ* ચાંદી લે,+ જે પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હોય. એક શેકેલ એટલે ૨૦ ગેરાહ* થાય. ૧૭ તું ફક્ત પ્રથમ જન્મેલા આખલાને કે ઘેટાના પ્રથમ જન્મેલા નર બચ્ચાને કે પ્રથમ જન્મેલા બકરાને ન છોડાવ.+ તેઓ પવિત્ર છે. તું તેઓનું લોહી વેદી પર છાંટ+ અને તેઓની ચરબી આગમાં ચઢાવવાના અર્પણ તરીકે ચઢાવ, જેથી એની સુવાસથી યહોવા ખુશ* થાય.+ ૧૮ તેઓનું માંસ તને મળશે. હલાવવાના અર્પણના પ્રાણીના છાતીના ભાગની જેમ અને જમણા પગની જેમ એ માંસ તને મળશે.+ ૧૯ ઇઝરાયેલીઓ યહોવાને જે દાન આપે છે, એ બધાં પવિત્ર દાનો+ હું તને, તારા દીકરાઓને અને તારી દીકરીઓને હંમેશ માટે આપું છું.+ એ મીઠાનો કરાર* છે, જે યહોવાએ તારી સાથે અને તારા વંશજ સાથે કાયમ માટે કર્યો છે.”
૨૦ પછી યહોવાએ હારુનને કહ્યું: “ઇઝરાયેલીઓના દેશમાં તને કોઈ વારસો નહિ મળે. તેઓ વચ્ચે તને જમીનનો કોઈ હિસ્સો નહિ મળે.+ ઇઝરાયેલીઓ મધ્યે હું તારો હિસ્સો અને તારો વારસો છું.+
૨૧ “લેવીના દીકરાઓ મુલાકાતમંડપમાં જે સેવા કરે છે, એના બદલામાં મેં તેઓને ઇઝરાયેલની દરેક વસ્તુનો દસમો ભાગ+ વારસા તરીકે આપ્યો છે. ૨૨ હવેથી ઇઝરાયેલીઓએ મુલાકાતમંડપની નજીક આવવું નહિ, નહિતર તેઓને માથે પાપનો દોષ આવશે અને તેઓ માર્યા જશે. ૨૩ લેવીઓ મુલાકાતમંડપમાં સેવા કરશે અને ઇઝરાયેલીઓના અપરાધ માટે લેવીઓએ જવાબ આપવો પડશે.+ ઇઝરાયેલીઓ મધ્યે લેવીઓ વારસો ન મેળવે,+ એ નિયમ તમારી પેઢી દર પેઢી હંમેશ માટે છે. ૨૪ કેમ કે ઇઝરાયેલીઓ દાનમાં જે દસમો ભાગ* યહોવાને આપે છે, એ મેં લેવીઓને વારસા તરીકે આપ્યો છે. એટલે જ મેં તેઓને કહ્યું છે, ‘ઇઝરાયેલીઓ મધ્યે તેઓ કોઈ વારસો ન મેળવે.’”+
૨૫ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૬ “તું લેવીઓને કહે, ‘ઇઝરાયેલીઓ જે દસમો ભાગ આપે છે, એ મેં તમને વારસા તરીકે આપ્યો છે.+ એ દસમા ભાગનો દસમો ભાગ તમે યહોવાને દાન તરીકે આપો.+ ૨૭ એ દાન તમારા તરફથી ગણાશે, જાણે તમે પોતે તમારી ખળીના અનાજનું અર્પણ કર્યું હોય+ અથવા પુષ્કળ પ્રમાણમાં પાકેલી ઊપજમાંથી દ્રાક્ષદારૂ કે તેલનું અર્પણ કર્યું હોય એવું ગણાશે. ૨૮ આ રીતે, તમે પણ ઇઝરાયેલીઓ પાસેથી મળતા દસમા ભાગમાંથી યહોવાને દાન આપશો. યહોવાનો એ હિસ્સો તમે હારુન યાજકને આપો. ૨૯ તમને જે ભેટો મળી છે+ એમાંથી સૌથી ઉત્તમ તમે યહોવાને દાન તરીકે આપો, જે પવિત્ર ગણાશે.’
૩૦ “તું લેવીઓને આ પણ કહે, ‘તમને મળેલી વસ્તુઓમાંથી જ્યારે તમે સૌથી ઉત્તમ વસ્તુઓ દાનમાં આપશો, ત્યારે બાકીની વસ્તુઓ તમારી લેવીઓની ગણાશે. એ જાણે તમારી પોતાની ખળીનું અનાજ હોય અથવા તમારી જ પેદાશનો દ્રાક્ષદારૂ કે તેલ હોય એમ ગણાશે. ૩૧ તમારો એ હિસ્સો તમે અને તમારા કુટુંબીજનો ગમે એ જગ્યાએ ખાઈ શકો, કેમ કે મુલાકાતમંડપમાં તમે જે સેવા કરો છો એનું એ વેતન છે.+ ૩૨ જ્યાં સુધી તમને મળેલી વસ્તુઓમાંથી ઉત્તમ વસ્તુઓ તમે દાનમાં આપતા રહેશો, ત્યાં સુધી તમારા માથે પાપનો દોષ નહિ આવે. ઇઝરાયેલીઓની પવિત્ર વસ્તુઓને તમે ભ્રષ્ટ ન કરો, નહિતર તમે માર્યા જશો.’”+