પહેલો રાજાઓ
૧૯ એલિયાએ જે કર્યું હતું અને જે રીતે બઆલના બધા પ્રબોધકોને તલવારથી મોતને ઘાટ ઉતાર્યા હતા,+ એ બધું આહાબે+ ઇઝેબેલને+ જણાવ્યું. ૨ ઇઝેબેલે એલિયાને સંદેશો મોકલ્યો: “કાલે આ સમય સુધીમાં હું તારા એવા હાલ કરીશ, જેવા તેં એ પ્રબોધકોના કર્યા છે. જો હું એમ ન કરું, તો મારા દેવતાઓ મને આકરી સજા કરો!” ૩ એ સાંભળીને એલિયા ગભરાઈ ગયો. તે જીવ બચાવવા નાસી છૂટ્યો.+ તે યહૂદાના+ બેર-શેબામાં+ આવ્યો અને પોતાના સેવકને ત્યાં રહેવા દીધો. ૪ પણ તેણે વેરાન પ્રદેશમાં એક દિવસની મુસાફરી જેટલું અંતર કાપ્યું. તે એક ઝાડવા* નીચે આવીને બેસી ગયો. તેણે મોત માંગ્યું અને કહ્યું: “હવે બસ થયું! હે યહોવા, મારો જીવ લઈ લો!+ હું મારા બાપદાદાઓ કરતાં જરાય સારો નથી.”
૫ એ ઝાડવા નીચે એલિયા આડો પડ્યો અને ઊંઘી ગયો. અચાનક એક દૂતે તેને અડકીને જગાડ્યો+ અને કહ્યું: “ઊઠ અને જમી લે.”+ ૬ તેણે જોયું તો તપાવેલા પથ્થરો પર રોટલી હતી અને પાસે પાણીનો કુંજો હતો. એ બધું તેના માથા પાસે હતું. તે ખાઈ-પીને પાછો સૂઈ ગયો. ૭ યહોવાનો દૂત બીજી વાર આવ્યો. દૂતે તેને અડકીને જગાડ્યો અને કહ્યું: “ઊઠ અને જમી લે, કેમ કે તારે લાંબી મુસાફરી કરવાની છે.” ૮ એલિયાએ ઊઠીને ખાધું-પીધું. એનાથી મળેલી શક્તિને લીધે તેણે ૪૦ રાત-દિવસ મુસાફરી કરી. તે હોરેબ આવી પહોંચ્યો, જે સાચા ઈશ્વરનો પર્વત હતો.+
૯ એલિયા ત્યાં આવેલી ગુફામાં ગયો+ અને રાત વિતાવી. યહોવાએ તેને પૂછ્યું: “એલિયા, તું અહીં શું કરે છે?” ૧૦ તેણે કહ્યું: “હે સૈન્યોના ઈશ્વર યહોવા, મેં પૂરા દિલથી તમારી ભક્તિ કરી છે.+ પણ ઇઝરાયેલીઓ તમારો કરાર ભૂલી ગયા છે.+ તેઓએ તમારી વેદીઓ તોડી પાડી છે. અરે, તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે.+ બસ, હું જ બચી ગયો છું. હવે તેઓ મારો પણ જીવ લેવા માંગે છે.”+ ૧૧ ઈશ્વરે કહ્યું: “બહાર આવીને મારી આગળ પર્વત પર ઊભો રહે. હું યહોવા છું.” જુઓ, યહોવા ત્યાંથી પસાર થયા!+ ભારે અને જોરદાર પવન ફૂંકાયો, પવને યહોવા આગળ પર્વતો ચીરી નાખ્યા અને ભેખડો તોડી નાખી.+ પણ યહોવા પવનમાં ન હતા. પવન ફૂંકાયા પછી ધરતીકંપ થયો.+ યહોવા ધરતીકંપમાં પણ ન હતા. ૧૨ ધરતીકંપ પછી અગ્નિ ભડકી ઊઠ્યો,+ પણ યહોવા અગ્નિમાં ન હતા. અગ્નિ ભડકી ઊઠ્યા પછી, ધીમો કોમળ સાદ સંભળાયો.+ ૧૩ એ સાંભળીને એલિયાએ તરત પોતાનું મોં ઝભ્ભાથી ઢાંકી દીધું.+ તે બહાર ગયો અને ગુફાના મુખ પાસે ઊભો રહ્યો. એ અવાજે તેને પૂછ્યું: “એલિયા, તું અહીં શું કરે છે?” ૧૪ તેણે કહ્યું: “હે સૈન્યોના ઈશ્વર યહોવા, મેં પૂરા દિલથી તમારી ભક્તિ કરી છે. પણ ઇઝરાયેલીઓ તમારો કરાર ભૂલી ગયા છે.+ તેઓએ તમારી વેદીઓ તોડી પાડી છે. અરે, તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. બસ, હું જ બચી ગયો છું. હવે તેઓ મારો પણ જીવ લેવા માંગે છે.”+
૧૫ યહોવાએ તેને કહ્યું: “દમસ્કના વેરાન પ્રદેશમાં પાછો જા. ત્યાં પહોંચીને સિરિયાના રાજા તરીકે હઝાએલનો+ અભિષેક કર. ૧૬ ઇઝરાયેલના રાજા તરીકે નિમ્શીના પૌત્ર યેહૂનો અભિષેક કર.+ તારી જગ્યાએ પ્રબોધક તરીકે શાફાટના દીકરા એલિશાનો* અભિષેક કર,+ જે આબેલ-મહોલાહનો વતની છે. ૧૭ હઝાએલની તલવારથી જે કોઈ બચી જશે+ તેને યેહૂ મારી નાખશે.+ યેહૂની તલવારથી જે કોઈ બચી જશે તેને એલિશા મારી નાખશે.+ ૧૮ હજુ પણ ઇઝરાયેલમાં ૭,૦૦૦ એવા લોકો છે,+ જેઓ બઆલ આગળ ઘૂંટણિયે પડ્યા નથી+ કે ભક્તિ કરવા તેને ચુંબન કર્યું નથી.”+
૧૯ એલિયા ત્યાંથી નીકળ્યો અને તેણે શાફાટના દીકરા એલિશાને ખેતર ખેડતો જોયો. ખેતરમાં ૧૨ જોડ આખલાથી ખેતી થતી હતી. એલિશા સૌથી છેલ્લે ૧૨મી જોડ સાથે હતો. એલિયા તેની પાસે ગયો અને પોતાનો ઝભ્ભો+ એલિશા પર નાખ્યો. ૨૦ એલિશા આખલાઓને પડતા મૂકીને એલિયા પાછળ દોડ્યો અને કહ્યું: “મને મારાં માતા-પિતાને ચુંબન કરી આવવા દો. પછી હું તમારી સાથે આવીશ.” એલિયાએ જવાબ આપ્યો: “જા, મેં તને ક્યાં રોક્યો છે.” ૨૧ એલિશા પાછો ગયો અને આખલાઓની એક જોડ લઈને બલિદાન ચઢાવ્યું. તેણે હળ બાળીને આખલાઓનું માંસ બાફ્યું. તેણે લોકોને એ આપ્યું ને તેઓએ ખાધું. પછી એલિશા એલિયાની સાથે ચાલી નીકળ્યો અને તેની સેવા કરવા લાગ્યો.+