બીજો કાળવૃત્તાંત
૯ શેબાની રાણીએ+ સુલેમાનની કીર્તિ વિશે સાંભળ્યું. એટલે તે અટપટા સવાલોથી* તેની કસોટી કરવા યરૂશાલેમ આવી. તે ઠાઠમાઠથી પોતાના નોકર-ચાકરો સાથે આવી પહોંચી. તેની સાથે ઊંટો પણ હતાં, જેના પર સુગંધી તેલ,* પુષ્કળ સોનું+ અને કીમતી રત્નો લાદેલાં હતાં. તે સુલેમાન પાસે આવી અને પોતાના મનમાં જે કંઈ હતું એ બધું પૂછ્યું.+ ૨ સુલેમાને તેના બધા સવાલોના જવાબ આપ્યા. રાણીનો એક પણ સવાલ એવો ન હતો, જે સુલેમાન સમજાવી ન શકે.
૩ શેબાની રાણીએ જોયું કે સુલેમાન કેટલો બુદ્ધિશાળી છે!+ સુલેમાને બાંધેલો રાજમહેલ,+ ૪ તેની મેજ પરનું ભોજન,+ રાજદરબારીઓ માટે બેસવાની ગોઠવણ, ખોરાક અને દ્રાક્ષદારૂ પીરસતા ચાકરો, તેઓનો પોશાક અને યહોવાના મંદિરમાં તેણે નિયમિત ચઢાવેલાં અગ્નિ-અર્પણો રાણીએ જોયાં.+ એ બધું જોઈને શેબાની રાણી દંગ રહી ગઈ. ૫ તેણે રાજાને કહ્યું: “મેં મારા દેશમાં તમારી સફળતા અને બુદ્ધિ વિશે જે સાંભળ્યું હતું, એ બધું જ સાચું છે. ૬ મેં અહીં આવીને મારી નજરે ન જોયું ત્યાં સુધી હું માનતી ન હતી.+ અરે, મને તો આમાંનું અડધું પણ કહેવામાં આવ્યું ન હતું.+ મેં સાંભળ્યું હતું એના કરતાં તમે તો ઘણા બુદ્ધિશાળી છો.+ ૭ સુખી છે તમારા લોકો અને તમારા ચાકરો, જેઓ સદા તમારી આગળ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે. ૮ તમારા ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ, જેમણે ખુશીથી તમને પોતાની રાજગાદી પર બેસાડ્યા છે અને તમારા ઈશ્વર યહોવા માટે રાજા બનાવ્યા છે. તેમને ઇઝરાયેલ પર ખૂબ પ્રેમ છે+ અને તે ચાહે છે કે ઇઝરાયેલ કાયમ ટકી રહે. એટલે તેમણે તમને રાજા તરીકે પસંદ કર્યા છે, જેથી તમે સાચો ન્યાય આપો અને સચ્ચાઈથી રાજ કરો.”
૯ શેબાની રાણીએ સુલેમાન રાજાને ૧૨૦ તાલંત* સોનું,+ ઘણું બધું સુગંધી તેલ અને કીમતી રત્નો આપ્યાં. તેણે રાજાને જેટલું સુગંધી તેલ આપ્યું, એટલું ફરી કોઈએ આપ્યું નહિ.+
૧૦ હીરામ રાજાના સેવકો અને સુલેમાન રાજાના સેવકો ઓફીરથી* સોનું લાવતા હતા.+ તેઓ સુખડનાં લાકડાં અને કીમતી રત્નો પણ લાવતા હતા.+ ૧૧ સુલેમાન રાજાએ સુખડનાં લાકડાંમાંથી યહોવાના મંદિર+ અને રાજમહેલ+ માટે પગથિયાં બનાવ્યાં. તેણે ગાયકો માટે વીણાઓ અને તારવાળાં વાજિંત્રો પણ બનાવ્યાં.+ યહૂદા દેશમાં આટલાં બધાં સુખડનાં લાકડાં અગાઉ ક્યારેય જોવામાં આવ્યાં ન હતાં.
૧૨ શેબાની રાણીને જે કંઈ ગમ્યું અને તેણે જે કંઈ માંગ્યું, એ બધું રાજાએ તેને આપ્યું. અરે, તે સુલેમાન માટે જેટલી ભેટ-સોગાદો લાવી હતી, એના કરતાં પણ* વધારે સુલેમાને તેને આપ્યું. પછી રાણી નોકર-ચાકરો સાથે પોતાના દેશમાં પાછી ગઈ.+
૧૩ દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું, એનું વજન ૬૬૬ તાલંત હતું.+ ૧૪ એ સિવાય તેને વેપારીઓ, સોદાગરો, બધા અરબી રાજાઓ અને દેશના રાજ્યપાલો પાસેથી પણ સોનું મળતું હતું, કેમ કે તેઓ સોનું-ચાંદી લાવીને તેને આપતા હતા.+
૧૫ રાજા સુલેમાને સોનામાં બીજી ધાતુઓ ભેળવીને ૨૦૦ મોટી ઢાલ બનાવી+ (દરેક ઢાલમાં ૬૦૦ શેકેલ* સોનું વપરાયું હતું).+ ૧૬ તેણે સોનામાં બીજી ધાતુઓ ભેળવીને ૩૦૦ નાની ઢાલ* બનાવી (દરેક નાની ઢાલમાં ત્રણ મીના* સોનું વપરાયું હતું). રાજાએ એ ઢાલો ‘લબાનોન વન’ નામની ઇમારતમાં મૂકી.+
૧૭ રાજાએ હાથીદાંતનું મોટું રાજ્યાસન બનાવ્યું અને એને ચોખ્ખા સોનાથી મઢ્યું.+ ૧૮ રાજ્યાસનને છ પગથિયાં હતાં અને પગ મૂકવાનું સોનાનું આસન હતું. બેઠકની બંને બાજુ હાથા હતા અને હાથાને અડીને એક એક સિંહ+ ઊભો હતો. ૧૯ રાજ્યાસનનાં દરેક પગથિયાની બંને બાજુએ એક એક સિંહ હતો, કુલ છ પગથિયાં પર ૧૨ સિંહ+ હતા. કોઈ પણ રાજ્યમાં આવું રાજ્યાસન બનાવવામાં આવ્યું ન હતું. ૨૦ રાજા સુલેમાનના બધા જ પ્યાલા સોનાના હતા. ‘લબાનોન વન’ નામની ઇમારતનાં બધાં વાસણો પણ ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીથી કંઈ પણ બનાવવામાં આવ્યું ન હતું, કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કોઈ જ કિંમત ન હતી.+ ૨૧ હીરામના સેવકો+ સુલેમાનનાં વહાણો સાથે તાર્શીશ+ જતાં. દર ત્રણ વર્ષે તાર્શીશનાં વહાણો પુષ્કળ સોનું-ચાંદી, હાથીદાંત,+ વાંદરાં અને મોર લઈ આવતાં.
૨૨ આમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતાં વધારે ધનવાન અને બુદ્ધિશાળી હતો.+ ૨૩ સાચા ઈશ્વરે સુલેમાનને બુદ્ધિશાળી હૃદય આપ્યું હતું. એટલે તેની વાતો સાંભળવા આખી પૃથ્વીના રાજાઓ તેની પાસે આવતા હતા.+ ૨૪ જે કોઈ રાજા પાસે આવતું, તે ભેટમાં સોના-ચાંદીની ચીજવસ્તુઓ, કપડાં,+ હથિયારો, સુગંધી તેલ, ઘોડાઓ અને ખચ્ચરો લઈ આવતું. આવું વરસોવરસ ચાલ્યા કરતું. ૨૫ સુલેમાન પાસે રથો અને ૧૨,૦૦૦ ઘોડાઓ*+ માટે ૪,૦૦૦ તબેલા હતા. તેણે એ બધું રથોનાં શહેરોમાં અને યરૂશાલેમમાં પોતાની પાસે રાખ્યું હતું.+ ૨૬ યુફ્રેટિસ નદીથી લઈને પલિસ્તીઓના દેશ સુધીના અને ઇજિપ્તની સરહદ સુધીના બધા રાજાઓ પર સુલેમાન રાજ કરતો હતો.+ ૨૭ રાજાએ યરૂશાલેમમાં એટલી ચાંદી ભેગી કરી કે એ પથ્થર જેટલી સામાન્ય થઈ ગઈ. દેવદારનાં એટલાં લાકડાં ભેગાં કર્યાં કે એ શેફેલાહનાં અંજીરનાં ઝાડ* જેટલાં સામાન્ય થઈ ગયાં.+ ૨૮ સુલેમાન માટે ઇજિપ્ત અને બીજા બધા દેશોથી ઘોડાઓ લાવવામાં આવતા હતા.+
૨૯ સુલેમાનની શરૂઆતથી લઈને અંત સુધીનો બાકીનો ઇતિહાસ+ નાથાન+ પ્રબોધકનાં* લખાણોમાં અને શીલોહના અહિયાની+ ભવિષ્યવાણીમાં લખવામાં આવ્યો છે. દર્શન જોનાર ઈદ્દોને+ નબાટના દીકરા યરોબઆમ+ વિશે જે દર્શનો થયાં હતાં, એના અહેવાલોમાં પણ સુલેમાન વિશે લખાયું છે. ૩૦ સુલેમાને યરૂશાલેમમાંથી આખા ઇઝરાયેલ પર ૪૦ વર્ષ રાજ કર્યું. ૩૧ સુલેમાન મરણ પામ્યો* અને તેને પોતાના પિતાના દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+ તેનો દીકરો રહાબઆમ તેની જગ્યાએ રાજા બન્યો.+