પહેલો શમુએલ
૧૮ દાઉદ અને શાઉલની વાતચીત પૂરી થઈ. પછી એમ બન્યું કે યોનાથાન+ અને દાઉદ જિગરી દોસ્ત બની ગયા.* યોનાથાન પોતાના જીવની જેમ દાઉદને પ્રેમ કરવા લાગ્યો.+ ૨ શાઉલે એ દિવસથી દાઉદને પોતાની પાસે રાખ્યો અને તેને તેના પિતાના ઘરે જવા દીધો નહિ.+ ૩ યોનાથાન અને દાઉદે કરાર કર્યો,+ કેમ કે યોનાથાન પોતાના જીવની જેમ તેને ચાહતો હતો.+ ૪ યોનાથાને પોતે પહેરેલો ઝભ્ભો* દાઉદને આપ્યો. એની સાથે તેણે પોતાનાં બખ્તર, તલવાર, ધનુષ્ય અને કમરપટ્ટો તેને આપ્યાં. ૫ શાઉલ દાઉદને લડાઈ કરવા અને બીજું જે કંઈ કરવા મોકલતો, એમાં તે સફળ થતો.*+ એટલે શાઉલે તેને સૈનિકોનો આગેવાન બનાવી દીધો.+ એનાથી બધા ઇઝરાયેલીઓને અને શાઉલના સેવકોને ઘણી ખુશી થઈ.
૬ જ્યારે જ્યારે દાઉદ અને બીજા સૈનિકો પલિસ્તીઓને હરાવીને પાછા ફરતા, ત્યારે ત્યારે ઇઝરાયેલનાં બધાં શહેરોમાંથી સ્ત્રીઓ શાઉલ રાજાને મળવા નીકળી આવતી. તેઓ નાચતી-ગાતી,+ ખંજરી+ અને સિતાર વગાડતી, ખુશી મનાવતી સામે મળવા આવતી. ૭ સ્ત્રીઓ આનંદમાં આવીને ગાતી:
“શાઉલે માર્યા હજારને
અને દાઉદે માર્યા દસ હજારને.”+
૮ શાઉલને એ ગીત જરાય ગમતું નહિ. આખરે શાઉલ ગુસ્સાથી લાલપીળો થઈ ગયો+ અને બોલી ઊઠ્યો: “તેઓએ દાઉદને દસ હજારને મારવાનું માન આપ્યું, પણ મને ફક્ત હજારનું? હવે બાકી શું છે, ફક્ત તેને રાજા બનાવવાનું?”+ ૯ શાઉલ એ દિવસથી દાઉદને શંકાની નજરે જોવા લાગ્યો.
૧૦ બીજા દિવસે ઈશ્વરે શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દીધો.+ શાઉલ પોતાના ઘરમાં અજીબ રીતે વર્તવા લાગ્યો.* દાઉદ એ સમયે અગાઉની જેમ વીણા વગાડતો હતો.+ શાઉલના હાથમાં ભાલો હતો.+ ૧૧ શાઉલે મનમાં આમ કહેતા ભાલો ફેંક્યો:+ “હું દાઉદને દીવાલ પર જડી દઈશ!” બે વાર એવું બન્યું અને બંને વખત દાઉદ બચી ગયો. ૧૨ દાઉદથી શાઉલ બીતો હતો, કારણ કે યહોવા દાઉદ સાથે હતા,+ પણ તેમણે શાઉલને છોડી દીધો હતો.+ ૧૩ એટલે શાઉલે તેને પોતાની નજર આગળથી દૂર કર્યો અને હજાર સૈનિકોની ટુકડીનો મુખી બનાવ્યો. દાઉદ લડાઈમાં લશ્કરની આગેવાની લેતો.+ ૧૪ દાઉદ જે કંઈ કરતો એમાં સફળ થતો*+ અને યહોવા તેની સાથે હતા.+ ૧૫ જ્યારે શાઉલે જોયું કે દાઉદ એક પછી એક સફળતા મેળવે છે, ત્યારે તે દાઉદથી ડરવા લાગ્યો. ૧૬ પણ દાઉદ ઇઝરાયેલના અને યહૂદાના બધા લોકોનો માનીતો હતો, કારણ કે તે લડાઈમાં તેઓની આગેવાની લેતો હતો.
૧૭ પછી શાઉલે દાઉદને કહ્યું: “જો, આ મારી મોટી દીકરી મેરાબ+ છે. હું તેને તારી સાથે પરણાવીશ.+ પણ તારે મારા માટે બહાદુરી બતાવવી પડશે અને યહોવાની લડાઈઓ લડવી પડશે.”+ શાઉલ વિચારતો હતો કે ‘મારે તેને મારવો નહિ પડે, ભલે તે પલિસ્તીઓના હાથે માર્યો જાય.’+ ૧૮ દાઉદે શાઉલને કહ્યું: “હું કોણ અને ઇઝરાયેલમાં મારા પિતાનું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ બનું?”+ ૧૯ જ્યારે શાઉલની દીકરી મેરાબને દાઉદ સાથે પરણાવવાનો સમય આવ્યો, ત્યારે ખબર પડી કે મેરાબના લગ્ન મહોલાહના આદ્રીએલ+ સાથે થઈ ચૂક્યા હતા.
૨૦ શાઉલની દીકરી મીખાલ+ દાઉદના પ્રેમમાં પડી હતી. શાઉલને એની જાણ કરવામાં આવી ત્યારે, તે બહુ રાજી થયો. ૨૧ શાઉલે કહ્યું: “હું મારી દીકરીને દાઉદ સાથે પરણાવીશ, જેથી તે તેને ફસાવે. પછી ભલેને દાઉદ પલિસ્તીઓના હાથમાં પડે.”+ શાઉલે બીજી વાર દાઉદને કહ્યું: “આજે તું મારો જમાઈ બનીશ.”* ૨૨ શાઉલે પોતાના સેવકોને કહ્યું: “તમે જઈને ખાનગીમાં દાઉદને કહો કે ‘જો, રાજા તારા પર મહેરબાન છે અને તેમના બધા સેવકોનો તું માનીતો છે. એટલે હવે રાજાનો જમાઈ બની જા.’”* ૨૩ શાઉલના સેવકોએ દાઉદને એ વિશે જણાવ્યું ત્યારે, દાઉદે કહ્યું: “રાજાના જમાઈ બનવું,* એ શું તમને નાનીસૂની વાત લાગે છે? હું તો સાવ ગરીબ અને મામૂલી માણસ છું.”+ ૨૪ પછી સેવકોએ શાઉલને ખબર આપી: “દાઉદ આમ આમ કહે છે.”
૨૫ એ સાંભળીને શાઉલે કહ્યું: “તમારે દાઉદને કહેવું, ‘રાજાને દહેજમાં કંઈ જોઈતું નથી.+ પણ તેમને પોતાના દુશ્મનો પર વેર વાળવું છે. એટલે તું ૧૦૦ પલિસ્તીઓને મારી નાખીને રાજા પાસે એની સાબિતી* લઈ આવ.’”+ શાઉલનો ઇરાદો એવો હતો કે દાઉદ પલિસ્તીઓના હાથે માર્યો જાય. ૨૬ સેવકોએ દાઉદને એ વાત કહી. દાઉદ એ સાંભળીને રાજાનો જમાઈ બનવા* ખુશીથી તૈયાર થઈ ગયો.+ નક્કી કરેલા સમય પહેલાં, ૨૭ દાઉદે પોતાના માણસો સાથે જઈને ૨૦૦ પલિસ્તી માણસો મારી નાખ્યા. તેઓ માર્યા ગયા છે એની સાબિતી તેણે રાજાને આપી, જેથી પોતે રાજાનો જમાઈ બની શકે.* એટલે શાઉલે પોતાની દીકરી મીખાલ તેની સાથે પરણાવી.+ ૨૮ શાઉલે જોયું કે યહોવા દાઉદની સાથે છે+ અને તેની દીકરી મીખાલ દાઉદના પ્રેમમાં છે.+ ૨૯ એના લીધે શાઉલ દાઉદથી વધારે ને વધારે ડરવા લાગ્યો. શાઉલ આખી જિંદગી દાઉદનો દુશ્મન બની રહ્યો.+
૩૦ જ્યારે જ્યારે પલિસ્તી આગેવાનો લડાઈ કરવા ચઢી આવતા, ત્યારે ત્યારે શાઉલના બધા માણસો કરતાં દાઉદ વધારે સફળતા મેળવતો.*+ તેથી દાઉદની નામના વધતી ગઈ.+