ભાવિની આશા પર પૂરી શ્રદ્ધા રાખો
“શ્રદ્ધા એટલે કે આપણે જેની આશા રાખીએ છીએ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી.”—હિબ્રૂ. ૧૧:૧.
૧, ૨. (ક) આપણી આશા કઈ રીતે દુનિયાના લોકોની આશા કરતાં તદ્દન અલગ છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
યહોવાએ આપણને ભાવિ માટે સુંદર આશીર્વાદો આપ્યા છે, જેની આપણે આશા રાખીએ છીએ. તેમણે વચન આપ્યું છે કે તે પોતાનું નામ પવિત્ર મનાવશે તેમજ સ્વર્ગ અને પૃથ્વી પર પોતાની ઇચ્છા પૂરી કરશે. (માથ. ૬:૯, ૧૦) ખરેખર, આપણે એ આશીર્વાદોની આતુરતાથી રાહ જોઈએ છીએ. યહોવા બધાને કાયમી જીવનનું ઇનામ આપશે, અમુકને સ્વર્ગમાં તો બાકીના લોકોને પૃથ્વી પર. કેવો જોરદાર આશીર્વાદ! (યોહા. ૧૦:૧૬; ૨ પીત. ૩:૧૩) આ અંતિમ દિવસો દરમિયાન યહોવા આપણને જે રીતે માર્ગદર્શન અને ટેકો આપે છે અને ભાવિમાં આપતા રહેશે, એ જોવાની પણ આપણે આશા રાખીએ છીએ.
૨ બાઇબલ જણાવે છે કે, શ્રદ્ધા એટલે કે આપણે જેની આશા રાખીએ છીએ એ “ચોક્કસ પૂરું થશે એવી ખાતરી.” (હિબ્રૂ. ૧૧:૧) એનો અર્થ થાય કે જેઓને શ્રદ્ધા હોય છે, તેઓને પૂરેપૂરી ખાતરી હોય છે કે યહોવાએ આપેલાં વચનો ચોક્કસ પૂરાં થશે. બીજી તર્ફે, દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ અનેક વસ્તુઓ માટે ઇચ્છા અને આશા રાખે છે. પરંતુ, ખરેખર એવું બનશે એવી તેઓને કોઈ ખાતરી હોતી નથી. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ લોટરી જીતવાની આશા રાખી શકે છે. પરંતુ, તે જીતશે જ એવી ખાતરી રાખી શકતી નથી. આ લેખમાં આપણે જોઈશું કે, યહોવાનાં વચનો પર આપણી શ્રદ્ધા મજબૂત કરવા આપણે શું કરવું જોઈએ. તેમ જ, એ પણ જોઈશું કે મજબૂત શ્રદ્ધા આપણને આજના સમયમાં કઈ રીતે મદદ કરી શકે.
૩. આપણને શા માટે ભરોસો છે કે ઈશ્વરનું દરેક વચન ચોક્કસ પૂરું થશે?
૩ શ્રદ્ધાનો ગુણ આપણને જન્મજાત મળતો નથી, પણ એ કેળવવો પડે છે. એ માટે જરૂરી છે કે, આપણે ઈશ્વરની પવિત્ર શક્તિથી દોરાઈએ. (ગલા. ૫:૨૨) પવિત્ર શક્તિની મદદથી આપણે યહોવાને સારી રીતે જાણી શકીશું. જેમ કે, યહોવા જ સર્વોપરી ઈશ્વર છે અને ડહાપણથી ભરપૂર છે. એ હકીકત આપણને ખાતરી અપાવે છે કે, પોતાનાં વચનો પૂરાં કરવા તે સક્ષમ છે. યહોવા કોઈ વચન આપે એટલે પૂરું થયું બરાબર છે. એટલે જ તો, વચન આપ્યા પછી તેમણે કહ્યું: “આ શબ્દો પૂરા થઈ ચૂક્યા છે!” (પ્રકટીકરણ ૨૧:૩-૬ વાંચો.) આપણે જાણીએ છીએ કે યહોવા હંમેશાં પોતાનાં વચનો પૂરાં કરે છે. તે “વિશ્વાસુ ઈશ્વર” છે. તેથી જ, ભાવિ વિશે તેમણે જે વચનો આપ્યાં છે, એમાં આપણને પૂરો ભરોસો છે.—પુન. ૭:૯.
ઈશ્વરમાં અડગ શ્રદ્ધા બતાવનાર પ્રાચીન સમયના ઈશ્વરભક્તો
૪. પ્રાચીન સમયના ઈશ્વરભક્તો શાની આશા રાખતા હતા?
૪ હિબ્રૂઓ ૧૧મા અધ્યાયમાં ૧૬ જેટલાં વિશ્વાસુ સ્ત્રી-પુરુષો વિશે જણાવવામાં આવ્યું છે. એ ભક્તોને યહોવાનાં વચનોમાં પૂરી શ્રદ્ધા હતી. એમાં બીજા અમુક વિશે પણ જણાવવામાં આવ્યું છે, જેઓની “શ્રદ્ધાને લીધે તેઓ વિશે સારી સાક્ષી આપવામાં આવી.” (હિબ્રૂ. ૧૧:૩૯) તેઓમાંના દરેક જણ યહોવાએ આપેલા વચનના “સંતાનની” રાહ જોતા હતા. તેઓ જાણતા હતા કે, આ ‘સંતાન’ ઈશ્વરના દુશ્મનોનો ખાતમો કરશે અને ધરતીને ફરીથી બાગ જેવી સુંદર બનાવશે. (ઉત. ૩:૧૫) તે ભક્તોને એ પણ આશા હતી કે, યહોવા તેઓને ફરી જીવતા કરશે. ખરું કે, તેઓ સ્વર્ગના જીવનની આશા રાખતા ન હતા. કારણ કે, ઈસુએ સ્વર્ગના જીવનનો રસ્તો ખોલ્યો એ પહેલાં તેઓ ગુજરી ગયા હતા. (ગલા. ૩:૧૬) તેઓ તો બાગ જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા હતા.—ગીત. ૩૭:૧૧; યશા. ૨૬:૧૯; હોશી. ૧૩:૧૪.
૫, ૬. ઈબ્રાહીમ અને તેમના કુટુંબે શાની આશા રાખી? તેઓએ કઈ રીતે પોતાની શ્રદ્ધા મજબૂત રાખી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૫ એ વિશ્વાસુ ઈશ્વરભક્તો વિશે હિબ્રૂઓ ૧૧:૧૩ આમ જણાવે છે: “એ બધાએ વચનો પૂરાં થતાં જોયાં નહિ, તોપણ તેઓની શ્રદ્ધા મરણ સુધી અડગ રહી. તેઓએ જે વચનો પૂરાં થવાનાં હતાં, એ અગાઉથી જોઈને એનો આવકાર કર્યો.” એ ઈશ્વરભક્તોએ નવી દુનિયાની આતુરતાથી રાહ જોઈ અને કલ્પના કરી કે તેઓ નવી દુનિયામાં જીવી રહ્યા છે. એ ઈશ્વરભક્તોમાંના એક ઈબ્રાહીમ હતા. ઈસુએ ઈબ્રાહીમ વિશે કહ્યું હતું કે, “મારો સમય જોવા મળશે એ આશાને લીધે તમારા પિતા ઈબ્રાહીમને ઘણો આનંદ થયો હતો અને તેમણે એ સમય જોયો પણ ખરો અને ઘણા ખુશ થયા.” (યોહા. ૮:૫૬) સારાહ, ઇસહાક, યાકૂબ અને બીજા ઘણા ભક્તોએ ઈશ્વરના રાજ્યની રાહ જોઈ, “જેના રચનાર અને બાંધનાર ઈશ્વર છે.”—હિબ્રૂ. ૧૧:૮-૧૧.
૬ ઈબ્રાહીમ અને તેમના કુટુંબે કઈ રીતે પોતાની શ્રદ્ધા મજબૂત રાખી? તેઓ યહોવા વિશે શીખતા રહ્યા. અમુક વખતે, યહોવાએ દૂતો, દર્શન કે સપનાં દ્વારા તેઓ સાથે વાત કરી. એ સમયના વૃદ્ધજનો પાસેથી અથવા ભરોસાપાત્ર લખાણો વાંચીને પણ તેઓ કદાચ ઘણું શીખ્યા હશે. ઈબ્રાહીમ અને તેમના કુટુંબે ઈશ્વરના વચનને હંમેશાં યાદ રાખ્યું અને એના પર મનન કર્યું. પરિણામે, તેઓને પૂરો ભરોસો હતો કે યહોવા પોતાનું વચન ચોક્કસ પૂરું કરશે. તેથી, તેઓ યહોવાને હર વખત વફાદાર રહ્યા. અરે, અઘરા સંજોગો અને સતાવણીમાં પણ તેઓ યહોવાને વળગી રહ્યા.
૭. આપણી શ્રદ્ધા મજબૂત રાખવા યહોવાએ આપણને શું આપ્યું છે? આપણે શું કરવાની જરૂર છે?
૭ શ્રદ્ધા મજબૂત રાખવા આપણને શું મદદ કરશે? યહોવાએ આપણને બાઇબલ આપ્યું છે. એની મદદથી આપણે ભાવિ વિશેના યહોવાના વચન વિશે શીખી શકીએ છીએ. બાઇબલ દ્વારા તેમણે આપણને બતાવ્યું છે કે, સુખી બનવા શું કરવાની જરૂર છે. એટલે જ, દરરોજ બાઇબલ વાંચવામાં અને એના માર્ગદર્શન પ્રમાણે ચાલવામાં જ આપણી ભલાઈ છે. (ગીત. ૧:૧-૩; પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧ વાંચો.) “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા યહોવા આપણને “યોગ્ય સમયે ખોરાક” આપે છે. (માથ. ૨૪:૪૫) અગાઉના ઈશ્વરભક્તોની જેમ આપણે નિયમિત રીતે ઈશ્વરનાં વચનો વાંચવાની અને એના પર ઊંડું મનન કરવાની જરૂર છે. આમ, આપણે યહોવાને વફાદાર રહી શકીશું અને એ સમયની ધીરજથી રાહ જોઈ શકીશું, જ્યારે યહોવાનું રાજ્ય આખી પૃથ્વી પર રાજ કરશે.
૮. પ્રાર્થના કરવાથી કઈ રીતે આપણી શ્રદ્ધા મજબૂત થઈ શકે?
૮ અગાઉના ઈશ્વરભક્તોને પોતાની શ્રદ્ધા અડગ રાખવા બીજા શામાંથી મદદ મળી? તેઓએ યહોવાને પ્રાર્થના કરી; અને જ્યારે તેઓએ મહેસૂસ કર્યું કે યહોવાએ તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે, ત્યારે તેઓની શ્રદ્ધા વધુ મજબૂત થઈ. (નહે. ૧:૪, ૧૧; ગીત. ૩૪:૪, ૧૫, ૧૭; દાની. ૯:૧૯-૨૧) એવી જ રીતે, જ્યારે આપણે અનુભવ કરીએ છીએ કે, યહોવા આપણી પ્રાર્થના સાંભળે છે અને ખરા સમયે જરૂરી મદદ પૂરી પાડે છે, ત્યારે તેમનામાં આપણી શ્રદ્ધા વધારે મજબૂત થાય છે. (૧ યોહાન ૫:૧૪, ૧૫ વાંચો.) આપણે યહોવા પાસે તેમની પવિત્ર શક્તિ પણ ‘માંગતા રહેવાની’ જરૂર છે, જેથી આપણી શ્રદ્ધા વધતી જાય.—લુક ૧૧:૯, ૧૩.
૯. આપણે બીજી કઈ બાબતો વિશે પ્રાર્થના કરવી જોઈએ?
૯ આપણે યહોવાને પ્રાર્થના કરીએ ત્યારે ફક્ત આપણી જરૂરિયાતો વિશે જ માંગતા રહેવું ન જોઈએ. એને બદલે, આપણે પ્રાર્થનામાં દરરોજ તેમનો આભાર માનવો જોઈએ અને તેમની સ્તુતિ કરવી જોઈએ. જરા વિચારો, ગણી ન શકાય એટલા બધા આશીર્વાદો યહોવાએ આપણને આપ્યા છે. (ગીત. ૪૦:૫) દુનિયાભરમાં રહેતા ભાઈ-બહેનો માટે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. દાખલા તરીકે, જે ભાઈ-બહેનો ‘કેદમાં છે તેઓને યાદ રાખવા’ જોઈએ. “આગેવાની લેતા ભાઈઓને” પણ પ્રાર્થનામાં યાદ કરવા જોઈએ. યહોવા જે રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે, એ જોઈને આપણી શ્રદ્ધા મક્કમ બને છે અને તેમની સાથેનો આપણો સંબંધ ગાઢ બને છે.—હિબ્રૂ. ૧૩:૩, ૭.
તેઓ વફાદાર રહ્યા
૧૦. યહોવાને વફાદાર રહેવા અને હિંમત બતાવવા બીજા ઈશ્વરભક્તોને ક્યાંથી મદદ મળી?
૧૦ હિબ્રૂઓ અધ્યાય ૧૧માં, પ્રેરિત પાઊલે એવી કસોટીઓ વિશે જણાવ્યું હતું જે અમુક ઈશ્વરભક્તોએ સહી હતી. એ ઈશ્વરભક્તો શા માટે કસોટી સહી શક્યા? કારણ કે, તેઓને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો. દાખલા તરીકે, પાઊલે એવી અમુક સ્ત્રીઓ વિશે જણાવ્યું હતું, જેઓના દીકરા મરણ પામ્યા હતા અને પછીથી તેઓને જીવતા કરવામાં આવ્યા હતા. પછી, પાઊલે બીજા અમુકનો ઉલ્લેખ કર્યો જેઓ “છુટકારા માટે ઈશ્વરને બેવફા બન્યા નહિ, જેથી તેઓને વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવે.” (હિબ્રૂ. ૧૧:૩૫) આપણે જાણતા નથી કે પાઊલે કયા ઈશ્વરભક્તોને ધ્યાનમાં રાખીને એ વાત લખી હતી. કદાચ તેમના મનમાં નાબોથ અને ઝખાર્યા જેવા ભક્તો હશે. ઈશ્વરને વફાદાર રહેવાને લીધે દુશ્મનોએ તેઓને પથ્થરે મારી નાખ્યા. (૧ રાજા. ૨૧:૩, ૧૫; ૨ કાળ. ૨૪:૨૦, ૨૧) દાનીયેલ અને તેમના સાથીઓ પોતાના “છુટકારા માટે” યહોવાને બેવફા બની શક્યા હોત. પરંતુ, તેઓને પૂરો ભરોસો હતો કે, કસોટીઓ સહન કરવા યહોવા તેઓને પવિત્ર શક્તિની મદદ આપશે. અરે, તેઓની શ્રદ્ધાએ “સિંહોના મોં બંધ કર્યા” અને “આગની જ્વાળાઓ હોલવી નાખી”!—હિબ્રૂ. ૧૧:૩૩, ૩૪; દાની. ૩:૧૬-૧૮, ૨૦, ૨૮; ૬:૧૩, ૧૬, ૨૧-૨૩.
૧૧. શ્રદ્ધાને લીધે અમુક પ્રબોધકોએ કેવી કસોટીઓનો સામનો કરવો પડ્યો?
૧૧ મીખાયા અને યિર્મેયા જેવા ઘણા પ્રબોધકોની મશ્કરી કરવામાં આવી અથવા તેઓને જેલમાં પૂરવામાં આવ્યા. એલિયા જેવા ભક્તોએ “રણોમાં, પર્વતોમાં, ગુફાઓમાં અને જમીનની બખોલોમાં આશરો” લેવો પડ્યો. તેમ છતાં, એ ઈશ્વરભક્તોને પૂરી ખાતરી હતી કે, તેઓ ‘જેની આશા રાખે છે એ ચોક્કસ પૂરું થશે.’ એ દૃઢ આશાને લીધે તેઓએ બધું સહન કર્યું અને યહોવાને વફાદાર રહ્યા.—હિબ્રૂ. ૧૧:૧, ૩૬-૩૮; ૧ રાજા. ૧૮:૧૩; ૨૨:૨૪-૨૭; યિર્મે. ૨૦:૧, ૨; ૨૮:૧૦, ૧૧; ૩૨:૨.
૧૨. અનુકરણ કરવા માટે સૌથી સારો દાખલો કોણે બેસાડ્યો છે? કસોટી સહન કરવા તેમને ક્યાંથી મદદ મળી?
૧૨ યહોવાને વફાદાર રહેવાને લીધે ઈસુએ સૌથી આકરી કસોટી સહન કરી. એ સહન કરવા તેમને ક્યાંથી મદદ મળી? પાઊલે કહ્યું: “તેમની આગળ રાખેલા આનંદને લીધે તેમણે વધસ્તંભનું દુઃખ અને અપમાન સહન કર્યાં. તે ઈશ્વરના રાજ્યાસનની જમણી બાજુ બેઠા છે.” (હિબ્રૂઓ ૧૨:૨) એ જણાવ્યા પછી પાઊલે બધા ઈશ્વરભક્તોને ઈસુના દાખલા પર “પૂરું ધ્યાન” આપવા ઉત્તેજન આપ્યું. (હિબ્રૂઓ ૧૨:૩ વાંચો.) ઈસુની જેમ પ્રથમ સદીના બીજા ઘણા ઈશ્વરભક્તો વફાદારી જાળવવાને લીધે મરણને ભેટ્યા હતા. તેઓમાંના એક અંતિપાસ હતા. (પ્રકટી. ૨:૧૩) પ્રાચીન સમયના ઈશ્વરભક્તો પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા હતા; જ્યારે કે, પહેલી સદીના વફાદાર સેવકો તો સ્વર્ગના જીવનનું ઇનામ મેળવી ચૂક્યા છે. (હિબ્રૂ. ૧૧:૩૫) ૧૯૧૪માં ઈસુ રાજા બન્યા એના થોડા સમય પછી અભિષિક્ત ખ્રિસ્તીઓને સ્વર્ગના જીવન માટે ઉઠાડવામાં આવ્યા; અને તેઓ આખી માણસજાત પર ઈસુ સાથે રાજ કરશે.—પ્રકટી. ૨૦:૪.
ઈશ્વરમાં અડગ શ્રદ્ધા બતાવનાર આજના ઈશ્વરભક્તો
૧૩, ૧૪. ભાઈ રૂડોલ્ફે કેવી કસોટીઓનો સામનો કર્યો અને વફાદાર રહેવા તેમને ક્યાંથી મદદ મળી?
૧૩ આજે યહોવાના લાખો ભક્તો ઈસુના પગલે ચાલી રહ્યા છે. યહોવાએ આપેલાં વચનો પર તેઓ મનન કરે છે અને કસોટીઓમાં યહોવાને વફાદાર રહે છે. ચાલો, ભાઈ રૂડોલ્ફ ગ્રેકીનનો અનુભવ જોઈએ. તેમનો જન્મ ૧૯૨૫માં જર્મનીમાં થયો હતો. તે નાના હતા ત્યારે, તેમના માતા-પિતાએ બાઇબલ અહેવાલો રજૂ કરતા ચિત્રો ઘરની દીવાલો પર ટીંગાળ્યાં હતાં. ભાઈએ લખ્યું હતું: ‘એક ચિત્ર બતાવતું હતું કે, વરુ અને ઘેટું, બાળક અને ચિત્તો, વાછરડું અને સિંહ બધા શાંતિમાં રહેતાં હતાં અને એક નાનું છોકરું તેઓને દોરતું હતું.’ (યશાયા ૧૧:૬-૯) એનાથી રૂડોલ્ફને નવી દુનિયાને મનમાં રાખવા અને શ્રદ્ધા મક્કમ બનાવવા મદદ મળી. પરિણામે, વર્ષો સુધી આકરી સતાવણી સહીને પણ તે યહોવાને વફાદાર રહ્યા. જેમ કે, નાઝી ગેસ્ટેપો (છૂપી પોલીસ) અને પછી પૂર્વ જર્મનીની સામ્યવાદી સત્તા સ્ટાસી તરફથી થયેલી સતાવણીમાં તે અડગ રહ્યા.
૧૪ ભાઈ રૂડોલ્ફે ઘણી કસોટીઓનો સામનો કર્યો. તેમનાં માતાને રેવેન્સબ્રકમાં જુલમી છાવણીમાં કેદ કરવામાં આવ્યાં હતાં. એ છાવણીમાં તે ટાઇફસ નામના તાવના કારણે મૃત્યુ પામ્યાં. તેમના પિતાએ એક લખાણ પર સહી કરી આપી, જેમાં લખેલું હતું કે હવેથી તે યહોવાના સાક્ષી નહિ રહે. એવા સંજોગોમાં પણ તે હિંમત ન હાર્યા. જેલમાંથી છૂટ્યા પછી તેમણે સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી. તેમને ગિલયડ શાળામાં જવાનું આમંત્રણ મળ્યું. શાળા પછી તેમને ચિલી દેશમાં સોંપણી મળી, જ્યાં તેમણે ફરીથી સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી. તેમણે પેટ્સી નામના એક મિશનરી બહેન જોડે લગ્ન કર્યું. લગ્નના એક જ વર્ષમાં તેમની વહાલી દીકરી મરણ પામી. થોડાં જ વર્ષોમાં તેમણે પોતાની પત્નીને પણ મરણમાં ગુમાવી. એ વખતે પેટ્સીની ઉંમર ફક્ત ૪૩ વર્ષ હતી. એ કસોટીઓ છતાં રૂડોલ્ફ યહોવાની સેવામાં લાગુ રહ્યા. વધતી ઉંમર અને નાદુરસ્ત તબિયત છતાં, તે નિયમિત પાયોનિયર અને વડીલ તરીકે સેવા આપતા હતા. તેમનો જીવન અનુભવ વાંચવા ઑગસ્ટ ૧, ૧૯૯૭ ચોકીબુરજ પાન ૨૦-૨૫ ઉપર આપેલો લેખ જુઓ.[1]
૧૫. સતાવણીઓ છતાં ખુશીથી યહોવાની સેવા કરતા હોય એવાં ભાઈ-બહેનોના દાખલા આપો.
૧૫ આજે, આકરી સતાવણી છતાં આપણાં ઘણાં ભાઈ-બહેનો ખુશી-ખુશી યહોવાની સેવા કરે છે. હથિયાર ન ઉઠાવવાને લીધે તેઓમાંનાં સેંકડો ભાઈ-બહેનો એરિટ્રિયા, સિંગાપુર અને દક્ષિણ કોરિયાની જેલોમાં બંધ છે. (માથ. ૨૬:૫૨) દાખલા તરીકે, આપણા ત્રણ ભાઈઓ ઈસાક, નેગેડે અને પાઊલોસનો વિચાર કરો. તેઓ ૨૦થી વધુ વર્ષોથી એરિટ્રિયાની જેલમાં છે! ત્યાં તેઓ જોડે ક્રૂરતાથી વર્તવામાં આવે છે. આ વર્ષો દરમિયાન તેઓને લગ્ન કરવાની કે પોતાનાં માતા-પિતાની કાળજી લેવાની છૂટ આપવામાં આવી નથી. છતાં, તેઓ યહોવાને વફાદાર છે અને તેઓની શ્રદ્ધા મક્કમ છે. હવે, તેઓની જેલના ચોકીદારો તેઓને માન આપતા થયા છે. એ ભાઈઓનો ફોટો આપણી jw.org વેબસાઇટ પર આપેલો છે. તમે જોઈ શકશો કે, સતાવણીઓ છતાં તેઓના ચહેરા પર સ્મિત છલકાઈ રહ્યું છે.
૧૬. અડગ શ્રદ્ધા તમને શું કરવા મદદ કરશે?
૧૬ મોટા ભાગના યહોવાના ભક્તોને જેલમાં જવું પડ્યું નથી અથવા આગળ જણાવેલા ઈશ્વરભક્તો જેવી આકરી કસોટીઓ સહેવી પડી નથી. પરંતુ, ઘણા ભક્તોએ ગરીબી, કુદરતી આફતો કે યુદ્ધોને લીધે ઘણું સહ્યું છે. અમુક ભાઈ-બહેનોએ ઈબ્રાહીમ, ઇસહાક, યાકૂબ અને મુસાના દાખલાને પોતાના જીવનમાં લાગુ કર્યા છે. એ ઈશ્વરભક્તોની જેમ આપણાં ભાઈ-બહેનોએ આ દુનિયામાં પૈસા અને નામ કમાવવાને બદલે યહોવાની સેવા કરવામાં પોતાનું મન લગાવ્યું છે. ખુશી ખુશી યહોવાની સેવા કરવા એ ભાઈ-બહેનોને ક્યાંથી મદદ મળે છે? યહોવા પ્રત્યેના પ્રેમ અને તેમનાં વચનોમાં અડગ શ્રદ્ધાને લીધે આપણાં ભાઈ-બહેનો મક્કમ રહે છે. તેઓ જાણે છે કે, યહોવા પોતાના વફાદાર ભક્તોને નવી દુનિયામાં હંમેશ માટેના જીવનનું ઇનામ આપશે, જ્યાં કોઈ પ્રકારનો અન્યાય નહિ હોય.—ગીતશાસ્ત્ર ૩૭:૫, ૭, ૯, ૨૯ વાંચો.
૧૭. તમે કઈ રીતે તમારી શ્રદ્ધા મક્કમ રાખી શકો? આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૭ આ લેખમાં આપણે જોયું કે, શ્રદ્ધા કઈ રીતે “આપણે જેની આશા રાખીએ છીએ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી” છે. મક્કમ શ્રદ્ધા રાખવા આપણે યહોવાને પ્રાર્થના કરતા રહેવાની અને તેમનાં વચનો પર મનન કરતા રહેવાની જરૂર છે. એમ કરીશું તો, સતાવણીઓ આવશે ત્યારે એનો સામનો કરી શકીશું. શ્રદ્ધા રાખવામાં બીજા શાનો સમાવેશ થાય છે, એ વિશે હવે પછીના લેખમાં વધારે જોઈશું.
^ [૧] (ફકરો ૧૪) સ્લોવાકિયાના ઍન્ડ્રેજ હનાકનો જીવન અનુભવ પણ વાંચો, જે એપ્રિલ ૨૨, ૨૦૦૨ અવેક! પાન ૧૯-૨૪ ઉપર આપેલો છે.