તમારું બોલવું તે હાનું હા હોય
“તમારું બોલવું તે હાનું હા, ને નાનું ના હોય.”—માથ. ૫:૩૭.
૧. સમ ખાવા વિશે ઈસુએ શું કહ્યું અને કેમ?
સામાન્ય રીતે, સાચા ખ્રિસ્તીઓને સમ ખાવા પડતા નથી. એનું કારણ કે તેઓ ઈસુની આ આજ્ઞા પાળે છે: ‘તમારું બોલવું તે હાનું હા હોય.’ આમ, તે કહેતા હતા કે વ્યક્તિ જેવું કહે, એવું તેણે કરવું જોઈએ. ઈસુએ એ આજ્ઞા આપતા પહેલાં કહ્યું કે “કંઈ જ સમ ન ખાઓ.” ઈસુ અહીં એવા લોકોને દોષિત ઠરાવતા હતા, જેઓ રોજ-બ-રોજની વાતચીતમાં ઘણી વાર સોગંદ ખાતા, પણ એને પાળવાનો કોઈ ઇરાદો ન બતાવતા. જો કોઈ વ્યક્તિ સમ ખાઈને વચન આપે પણ કદી એને પૂરું ન કરે તો શું? એ બતાવે છે કે તે ભરોસાપાત્ર નથી. એવા લોકો ‘તે ભૂંડાની,’ એટલે કે શેતાનની અસર નીચે છે.—માથ્થી ૫:૩૩-૩૭ વાંચો.
૨. સમજાવો કે કેમ સમ ખાવા એ હંમેશાં ખોટું નથી.
૨ શું ઈસુના શબ્દો એવું બતાવે છે કે સમ ખાવા ખોટું છે? ના, એવું નથી. આપણે આગલા લેખમાં શીખી ગયા તેમ, યહોવાએ અને તેમના વિશ્વાસુ ભક્ત ઈબ્રાહીમે ખાસ પ્રસંગોએ સમ ખાધા હતા. વધુમાં, ઈશ્વરના નિયમ પ્રમાણે એ જરૂરી હતું કે કોઈ તકરાર હલ કરવા માટે સમ ખાવા જોઈએ. (નિર્ગ. ૨૨:૧૦, ૧૧; ગણ. ૫:૨૧, ૨૨) એટલે, કદાચ ખ્રિસ્તીઓને અદાલતમાં સાક્ષી આપવા બોલાવવામાં આવે ત્યારે, સત્ય જણાવવા માટે સોગંદ ખાવાની જરૂર પડે. અથવા અમુક કિસ્સાઓમાં, એક ખ્રિસ્તીએ કદાચ પોતાના ઇરાદાઓની ખાતરી અપાવવા અથવા કોઈ બાબત થાળે પાડવા સમ ખાવા પડે. યહુદી ન્યાયસભામાં પ્રમુખ યાજકે ઈસુને સમ ખાવા માટે જણાવ્યું, ત્યારે તેમણે વાંધો ન ઉઠાવ્યો અને સાચે સાચું બોલ્યા. (માથ. ૨૬:૬૩, ૬૪) જોકે, ઈસુને કોઈની આગળ સમ ખાવાની જરૂર ન હતી. તોપણ, પોતાનો સંદેશો સાચો છે, એના પર ભાર આપવા તેમણે અમુક વાર આમ કહ્યું કે “હું તમને ખચીત ખચીત કહું છું.” (યોહા. ૧:૫૧; ૧૩:૧૬, ૨૦, ૨૧, ૩૮) ચાલો જોઈએ કે ઈસુ, પાઊલ અને બીજા ભક્તોએ પોતાના કહ્યા પ્રમાણે કર્યું, એમાંથી આપણે બીજું શું શીખી શકીએ.
ઈસુ—ઉત્તમ ઉદાહરણ
૩. ઈસુએ પ્રાર્થનામાં ઈશ્વરને કેવું વચન આપ્યું અને યહોવાએ એનો કેવો જવાબ આપ્યો?
૩ ‘હે ઈશ્વર, જો, તારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.’ (હિબ્રૂ ૧૦:૭) આ શબ્દોથી ઈસુએ પોતાને ઈશ્વર સામે રજૂ કર્યા, જેથી વચનના સંતાન વિશેની ભવિષ્યવાણીઓ પૂરી કરી શકે. એમાં શેતાન તેમની “એડી છૂંદશે” એ ભવિષ્યવાણી પણ હતી. (ઉત. ૩:૧૫) કોઈ પણ વ્યક્તિ આવી મોટી જવાબદારી ઉપાડવા કદી પણ આગળ આવી નથી. યહોવાએ ઈસુની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો અને કહ્યું કે તેમને પોતાના દીકરામાં પૂરો ભરોસો છે. એટલે યહોવા માટે જરૂરી ન હતું કે ઈસુ પોતાનાં વચનો પૂરા કરવા માટે સમ ખાય.—લુક ૩:૨૧, ૨૨.
૪. ઈસુએ કેટલી હદ સુધી પોતાના કહ્યા પ્રમાણે કર્યું?
૪ ઈસુ જે કંઈ કહેતા એવું જ કરતા. ખુશખબર ફેલાવવાનું અને શિષ્યો બનાવવાનું કામ, જે તેમને યહોવાએ સોંપ્યું હતું, એમાંથી તેમણે પોતાને ફંટાવા દીધા નહિ. (યોહા. ૬:૪૪) ઈસુએ પોતાના કહ્યાં પ્રમાણે કર્યું હતું, એની સાબિતી આપતા બાઇબલ જણાવે છે: “ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે, તોપણ તેનામાં હા છે.” એટલે કે ઈસુ ખ્રિસ્તમાં પૂરા થયા છે. (૨ કોરીં. ૧:૨૦) સાચે જ, ઈસુ ઉત્તમ ઉદાહરણ છે, કેમ કે તેમણે યહોવા પિતાને આપેલાં બધાં જ વચનો પાળ્યાં હતાં. ચાલો હવે બીજી એક વ્યક્તિ વિશે જોઈએ, જેમણે ઈસુનું અનુકરણ કરવા બનતું બધું કર્યું.
પાઊલ—વચનો પાળનારાં
૫. પ્રેરિત પાઊલે આપણા માટે કેવું ઉદાહરણ બેસાડ્યું?
૫ “પ્રભુ, હું શું કરું?” (પ્રે.કૃ. ૨૨:૧૦) આ શબ્દો કહીને પાઊલ, જે પહેલાં શાઊલ તરીકે ઓળખાતા હતા, તે પ્રભુ ઈસુનું માર્ગદર્શન સ્વીકારે છે. ઈસુએ તેમને દર્શન આપ્યું હતું, જેથી તે ખ્રિસ્તના શિષ્યોને સતાવવાનું બંધ કરે. આ બનાવને લીધે, શાઊલે પહેલાં કરેલાં કાર્યો માટે પસ્તાવો કર્યો અને બાપ્તિસ્મા લીધું. પછી, ઈસુ વિશે સર્વ લોકોને સાક્ષી આપવાની ખાસ જવાબદારીનો તેમણે સ્વીકાર કર્યો. એ સમયથી, પાઊલે ઈસુને “પ્રભુ” તરીકે સંબોધ્યા અને મરતા દમ સુધી તેમને આધીન રહ્યા. (પ્રે.કૃ. ૨૨:૬-૧૬; ૨ કોરીં. ૪:૫; ૨ તીમો. ૪:૮) પાઊલ એવા લોકો જેવા ન હતા, જેમના વિશે ઈસુએ કહ્યું કે “તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને હું જે કહું છું તે કરતા નથી?” (લુક ૬:૪૬) ઈસુ ચાહે છે કે જે કોઈ તેમને પ્રભુ તરીકે સ્વીકારે, તે પાઊલની જેમ પોતાના શબ્દોને વળગી રહે.
૬, ૭. (ક) પાઊલે કોરીંથની મુલાકાત કરવાના સમયમાં શા માટે ફેરફાર કર્યો? શા માટે પાઊલના વિશ્વાસુપણા પર આંગળી ચીંધનારા ખોટા હતા? (ખ) નીમેલા આગેવાનોને આપણે કેવી રીતે જોવા જોઈએ?
૬ પાઊલે એશિયા માઈનોર અને યુરોપના દેશોમાં ઉત્સાહથી ખુશખબર ફેલાવી. તેમ જ, નવાં મંડળો સ્થાપ્યા અને તેઓની મુલાકાત લીધી. અમુક વખતે, પોતાનાં લખાણોને સાચાં સાબિત કરવા તેમને સમ ખાવા જરૂરી લાગ્યું. (ગલા. ૧:૨૦) કોરીંથ મંડળમાં અમુકે જ્યારે પાઊલના વિશ્વાસુપણા પર આંગળી ચીંધી, ત્યારે પોતાના બચાવમાં તેમણે લખ્યું: “ઈશ્વરના વિશ્વાસુપણાની પ્રતિજ્ઞા લઈને હું કહું છું કે તમારી પ્રત્યે અમારું બોલવું હાની હા ને નાની ના એવું નહોતું.” (૨ કોરીં. ૧:૧૮) આ લખ્યું ત્યારે પાઊલે એફેસસ છોડ્યું હતું અને મકદોનિયા થઈને કોરીંથ જઈ રહ્યા હતા. આમ તો તેમણે મકદોનિયા જતા પહેલાં, કોરીંથની મુલાકાત લેવાનું વિચાર્યું હતું. (૨ કોરીં. ૧:૧૫, ૧૬) આજે પણ અમુક વાર પ્રવાસી નિરીક્ષકો કોઈ મંડળની મુલાકાતની તારીખોમાં ફેરબદલ કરે છે. તેઓ પોતાના ફાયદા કે નજીવા કારણને લીધે નહિ, પણ અચાનક ઊભા થયેલા સંજોગોને લીધે એમ કરે છે. એવી જ રીતે, પાઊલે જે કારણથી કોરીંથ મંડળની મુલાકાત કરવાના સમયમાં ફેરફાર કર્યો, એ મંડળના જ ભલા માટે હતું. કેવી રીતે?
૭ પાઊલે મુલાકાત કરવાનું નક્કી કર્યું, એના થોડા સમય પછી, કોરીંથ મંડળ વિશે દુઃખદ સંદેશો મળ્યો કે ત્યાં મતભેદ અને અનૈતિક કામો ચલાવી લેવામાં આવતાં હતાં. (૧ કોરીં. ૧:૧૧; ૫:૧) પરિસ્થિતિ સુધારવા તેમણે કોરીંથને કડક સલાહ આપતો પહેલો પત્ર લખ્યો. પછી, પાઊલ એફેસસથી સીધા કોરીંથ ગયા નહિ. પરંતુ, એમ નક્કી કર્યું કે મંડળના સભ્યોને એ સલાહ પાળવા માટે થોડો સમય આપશે, જેથી તે મંડળની મુલાકાત લે ત્યારે, બધાને ઉત્તેજન મળે. મુલાકાતના સમયમાં ફેરબદલ કરવા પાછળનું કારણ કેટલું સાચું છે, એની ખાતરી અપાવતા પાઊલે બીજા પત્રમાં લખ્યું: “મારા જીવના સમ ખાઇને હું ઈશ્વરને સાક્ષી રાખું છું, કે તમારા પર દયા કરીને હું હજી સુધી કોરીંથ આવ્યો નથી.” (૨ કોરીં. ૧:૨૩) પાઊલના ટીકા કરનારાઓ જેવા આપણે ન થઈએ. પણ જેઓને મંડળમાં આગેવાની લેવા નીમવામાં આવ્યા છે, તેઓને પૂરો આદર બતાવીએ. પાઊલે જેવું કહ્યું હતું, એવું જ કર્યું. આપણે તેમના ઉદાહરણને અનુસરીએ, જેવી રીતે તે ઈસુને અનુસર્યાં હતા.—૧ કોરીં. ૧૧:૧; હિબ્રૂ ૧૩:૭.
બીજાં સારાં ઉદાહરણો
૮. રિબકાહે આપણા માટે કેવું ઉદાહરણ બેસાડ્યું?
૮ “હું જઈશ.” (ઉત. ૨૪:૫૮) આ સાદા શબ્દોથી રિબકાહે પોતાની માતા અને ભાઈને જવાબ આપ્યો. તેણે એ જ દિવસે પોતાનું ઘર છોડવા અને ઈબ્રાહીમના દીકરા ઈસ્હાકની પત્ની બનવા, એક અજાણી વ્યક્તિ સાથે ૮૦૦ કિલોમીટર મુસાફરી કરવાની તૈયારી બતાવી. (ઉત. ૨૪:૫૦-૫૮) રિબકાહે જેવું કહ્યું હતું એવું જ કર્યું અને ઈસ્હાકની વિશ્વાસુ અને ઈશ્વરનો ડર રાખનારી પત્ની બની. બાકીનું આખું જીવન તે વચનના દેશમાં પરદેશી બનીને તંબુઓમાં રહી. તેને પોતાની વફાદારીનો બદલો મળ્યો. તે વચનના સંતાન એટલે, ઈસુની એક પૂર્વજ બની.—હિબ્રૂ ૧૧:૯, ૧૩.
૯. રૂથ કઈ રીતે પોતાના શબ્દોને વળગી રહી?
૯ “એમ નહિ બને, અમે તો તારી સાથે તારા લોકો મધ્યે પાછી આવીશું.” (રૂથ ૧:૧૦) મોઆબી વિધવાઓ રૂથ અને ઓર્પાહએ આ શબ્દો તેમની વિધવા સાસુને કહ્યા, જે મોઆબથી બેથલેહેમ જઈ રહી હતી. છેવટે, નાઓમીની આજીજીને કારણે ઓર્પાહ પોતાના વતનના દેશમાં જતી રહી. પણ રૂથની ‘ના’ એ ના જ રહી. (રૂથ ૧:૧૬, ૧૭, વાંચો.) તે વફાદારીથી નાઓમીને વળગી રહી, તેણે પોતાના કુટુંબ અને મોઆબના જૂઠા ધર્મને છોડી દીધાં. યહોવાની એક વિશ્વાસુ ભક્ત તરીકે તે ટકી રહી. માથ્થીએ નોંધેલી ઈસુની વંશાવળીમાં ફક્ત પાંચ સ્ત્રીઓ છે. એમાંની એક રૂથ છે. કેટલો સરસ લહાવો!—માથ. ૧:૧, ૩, ૫, ૬, ૧૬.
૧૦. યશાયા આપણા માટે કેમ સારું ઉદાહરણ છે?
૧૦ ‘હું આ રહ્યો; મને મોકલો.’ (યશા. ૬:૮) આ કહ્યા પહેલાં યશાયાએ એક દર્શનમાં યહોવાને રાજગાદી પર બેઠેલા જોયા. આ ભવ્ય સંદર્શન જોતી વખતે તેમણે યહોવાને એમ કહેતા સાંભળ્યા કે “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” વંઠી ગયેલા ઈસ્રાએલીઓને યહોવા વતી સંદેશો આપનારા બનવા માટેનું આ એક આમંત્રણ હતું. યશાયા પોતાના શબ્દોને વળગી રહ્યા. ૪૬ કરતાં વધુ વર્ષો સુધી તે એક વફાદાર પ્રબોધક રહ્યા. તેમણે કડક ઠપકો આપતો સંદેશો જણાવ્યો, તેમ જ સાચી ભક્તિની ફરીથી સ્થાપના કરવાનું સુંદર વચન જણાવ્યું.
૧૧. (ક) જે કહ્યું હોય એને પાળવું કેમ મહત્ત્વનું છે? (ખ) જેઓએ પોતાના કહ્યા પ્રમાણે ન કર્યું હોય, એવા કયા ચેતવણીરૂપ ઉદાહરણો છે?
૧૧ યહોવાએ કેમ આપણા માટે આ ઉદાહરણો લખાવ્યા છે? આપણા કહ્યાને વળગી રહેવું એ કેટલું મહત્ત્વનું છે? બાઇબલ સ્પષ્ટ ચેતવણી આપે છે કે જે વ્યક્તિ “વિશ્વાસઘાતી” છે, તે “મરણને યોગ્ય” છે. (રોમ. ૧:૩૧, ૩૨) મિસરના રાજા ફારુન, યહુદાના સિદકીયા, અનાન્યા અને સાફીરાના ઉદાહરણ બાઇબલમાં નોંધેલા છે. તેઓએ પોતાના કહ્યા પ્રમાણે કર્યું નહિ, એનાથી તેઓ પર ખરાબ પરિણામો આવ્યા. તેઓના ઉદાહરણ આપણા માટે ચેતવણીરૂપ છે.—નિર્ગ. ૯:૨૭, ૨૮, ૩૪, ૩૫; હઝકી. ૧૭:૧૩-૧૫, ૧૯, ૨૦; પ્રે.કૃ. ૫:૧-૧૦.
૧૨. પોતાના કહ્યા પ્રમાણે કરવા આપણને શું મદદ કરશે?
૧૨ આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. આપણી આસપાસ “વિશ્વાસઘાતી” અને “ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા” લોકો છે. (૨ તીમો. ૩:૧-૫) જેટલું બની શકે એટલું આપણે એવા લોકોની સંગત ટાળીએ. એને બદલે, જેઓ હંમેશાં પોતાના કહ્યા પ્રમાણે કરવાનો પ્રયત્ન કરે છે, તેઓની સંગત રાખીએ.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.
તમે આપેલું સૌથી મહત્ત્વનું વચન
૧૩. ઈસુને પગલે ચાલનાર શિષ્યોએ સૌથી મહત્ત્વનું કયું વચન આપ્યું છે?
૧૩ ઈશ્વરને કરેલું સમર્પણ, એ વ્યક્તિએ આપેલું સૌથી મહત્ત્વનું વચન છે. ઈસુના શિષ્ય બનવા માંગતી વ્યક્તિને, જુદા જુદા ત્રણ પ્રસંગોએ પૂછવામાં આવે છે કે તેમની પાસેથી જે આશા રાખવામાં આવે છે, એ પ્રમાણે કરવા તે રાજી છે કે કેમ? (માથ. ૧૬:૨૪) જેમ કે, વ્યક્તિ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા ચાહતી હોય તો, બે વડીલો તેમને પૂછશે કે ‘શું તમે ખરેખર યહોવાના સાક્ષી બનવા માંગો છો?’ પછીથી, જ્યારે વ્યક્તિ ઈશ્વરભક્તિમાં પ્રગતિ કરીને બાપ્તિસ્મા લેવાની ઇચ્છા વ્યક્ત કરે, ત્યારે વડીલો તેમને પૂછશે: ‘શું તમે પ્રાર્થનામાં યહોવાને સમર્પણ કર્યું છે?’ છેવટે, બાપ્તિસ્માના દિવસે વ્યક્તિને પૂછવામાં આવે છે કે ‘ઈસુના બલિદાનમાં વિશ્વાસ રાખીને, શું તમે પાપોનો પસ્તાવો કર્યો છે અને યહોવાની સેવા કરવા માટે તમારું જીવન સમર્પણ કર્યું છે?’ આમ, બાપ્તિસ્મા લેનારા વ્યક્તિઓ બધા સાક્ષીઓની સામે હા કહીને યહોવાને ભજવાનું વચન આપે છે.
૧૪. આપણે પોતાને કયા પ્રશ્નો અવારનવાર પૂછવા જોઈએ?
૧૪ ભલે તમે હમણાં જ સત્યમાં આવ્યા હો કે પછી વર્ષોથી યહોવાની સેવા કરતા હો, દરેકે પોતાને અવારનવાર પૂછવું જોઈએ કે ‘ઈસુને અનુસરવા મેં સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો હતો, એ પ્રમાણે શું હું જીવું છું? પ્રચાર કરવાની અને શિષ્યો બનાવવાની ઈસુની આજ્ઞાને, શું હું મારા જીવનમાં પ્રથમ રાખું છું?’—૨ કોરીંથી ૧૩:૫ વાંચો.
૧૫. જીવનનાં કયાં પાસાંમાં આપેલાં વચન પાળવાં મહત્ત્વનાં છે?
૧૫ સમર્પણમાં આપેલા વચન પ્રમાણે જીવવાનો મતલબ થાય કે બીજી મહત્ત્વની બાબતોમાં પણ વિશ્વાસુ રહીએ. દાખલા તરીકે: શું તમે પરિણીત છો? એમ હોય તો, લગ્ન વખતે આપેલા વચન પ્રમાણે લગ્નસાથીને પ્રેમ અને કદર બતાવતા રહો. શું તમે વેપાર-ધંધા માટે કોઈ કોન્ટ્રાક્ટ પર સહી કરી છે? અથવા યહોવાની સેવામાં વધારે ભાગ લેવા માટે કોઈ ફોર્મ ભર્યું છે? એમ કર્યું હોય તો, આપેલાં વચન પ્રમાણે કરતા રહો. શું કોઈ ગરીબ વ્યક્તિએ આપેલું જમવાનું આમંત્રણ તમે સ્વીકાર્યું છે? જો એમ હોય તો, કોઈ વધારે સારું આમંત્રણ મળે ત્યારે, ગરીબ વ્યક્તિના આમંત્રણનો નકાર કરશો નહિ. શું પ્રચારમાં કોઈને બાઇબલમાંથી વધારે જણાવવા ફરીથી મળવાનો વાયદો કર્યો છે? એમ હોય તો, તમારું વચન ચોક્કસ પાળજો. આમ, પ્રચારમાં તમારા પ્રયત્નોને યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.—લુક ૧૬:૧૦ વાંચો.
પ્રમુખયાજક તેમ જ રાજા પાસેથી લાભ મેળવીએ
૧૬. જો વચન પાળવામાં નિષ્ફળ જઈએ, તો શું કરીશું?
૧૬ બાઇબલ જણાવે છે કે અપૂર્ણ મનુષ્યો હોવાને લીધે, “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ,” ખાસ કરીને બોલવામાં. (યાકૂ. ૩:૨) જો આપણને ખબર પડે કે કોઈને આપેલું વચન પાળવામાં નિષ્ફળ ગયા છીએ, તો શું કરીશું? ઈસ્રાએલીઓના સમયમાં, જેઓએ “પોતાના હોઠોથી વગર વિચારે” વચન આપવાનો ગુનો કર્યો હોય, એવા લોકો માટે ઈશ્વરના નિયમમાં પ્રેમાળ જોગવાઈ હતી. (લેવી. ૫:૪-૭, ૧૧) આજે પણ જેઓથી એવી ભૂલ થઈ જાય, તેઓ માટે પ્રેમાળ જોગવાઈ છે. જો આપણે યહોવા આગળ પાપની કબૂલાત કરીશું, તો તે પ્રમુખયાજક ઈસુ દ્વારા આપણા પાપ પ્રેમથી માફ કરશે. (૧ યોહા. ૨:૧, ૨) ઈશ્વરની કૃપા આપણા પર રહે એ માટે, પોતાનાં કાર્યોથી બતાવીએ કે આપણને ખરો પસ્તાવો છે અને એ જ ભૂલો ફરીથી કરવાનું ટાળીએ. વચન તોડવાને લીધે જે કંઈ મુશ્કેલી ઊભી થાય એને હલ કરવા બનતું બધું કરીએ. (નીતિ. ૬:૨, ૩) એટલે, કોઈ પણ વચન આપતા પહેલાં વિચારીએ કે એ પૂરું કરી શકીશું કે નહિ.—સભાશિક્ષક ૫:૨ વાંચો.
૧૭, ૧૮. જેઓ પોતાનું વચન પાળે છે, તેઓ માટે કેવું ભાવિ રહેલું છે?
૧૭ પોતાનું વચન પાળવા અથાક પ્રયત્નો કરનારા યહોવાના ભક્તો માટે કેટલું સુંદર ભાવિ રહેલું છે! ૧,૪૪,૦૦૦ અભિષિક્તોને સ્વર્ગમાં અમર જીવન મળશે, જ્યાં તેઓ ઈસુ સાથે “હજાર વર્ષ રાજ કરશે.” (પ્રકટી. ૨૦:૬) બીજા લાખો લોકોને ખ્રિસ્તના રાજ્ય દરમિયાન સુંદર પૃથ્વી પર જીવવાનો લહાવો મળશે. ત્યાં તેઓને તન-મનથી સંપૂર્ણ થવા મદદ મળશે.—પ્રકટી. ૨૧:૩-૫.
૧૮ ઈસુના હજાર વર્ષના રાજ્યના અંતમાં આખરી કસોટી થશે. એ કસોટીમાં વિશ્વાસુ રહેનારા ભક્તોને જ સુંદર ધરતી પર હંમેશાં જીવવાની તક મળશે. ત્યાં તેઓ એકબીજાની વાત પર પૂરો ભરોસો મૂકી શકશે. (પ્રકટી. ૨૦:૭-૧૦) તેઓની દરેક હા તે હા હશે અને ના તે ના. ત્યાં રહેનારા બધા ભક્તો “સત્યના ઈશ્વર” યહોવા પિતાને અનુસરતા હશે.—ગીત. ૩૧:૫. (w12-E 10/15)