મદદ માટે પોકાર કરનારાને કોણ છોડાવશે?
‘હે ઈશ્વર, ઈન્સાફ કરવાનો તારો અધિકાર તું રાજાને આપ. કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે.’—ગીત. ૭૨:૧, ૧૨.
૧. દાઊદના કિસ્સામાં આપણને યહોવાહની દયા વિષે શું શીખવા મળે છે?
આ શબ્દો કેટલા દિલાસાભર્યા છે! એવું લાગે છે કે એને પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદે લખ્યા હતા.a આ શબ્દો લખ્યાને વર્ષો પહેલાં તેમણે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો હતો. તેમને એનો ખૂબ જ પસ્તાવો થયો હતો. એ પાપની માફી માટે દાઊદ રાજાએ યહોવાહને કાલાવાલા કર્યા: ‘તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં અપરાધ ભૂંસી નાખ. મારું પાપ હંમેશાં મારી આગળ છે. હું અન્યાયીપણામાં જન્મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો.’ (ગીત. ૫૧:૧-૫) યહોવાહ જાણે છે કે આદમના પાપની અસર આપણા સર્વમાં છે, એટલે તે પુષ્કળ દયા બતાવે છે.
૨. ગીતશાસ્ત્ર ૭૨માંથી આપણને કેવો દિલાસો મળે છે?
૨ યહોવાહ આપણી લાચાર હાલત સમજે છે. એટલે જ તેમણે અગાઉથી જણાવ્યું હતું કે તે એક રાજા પસંદ કરશે. ‘દરિદ્રી પોકાર કરે ત્યારે’ આ રાજા ‘તેને છોડાવશે. દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓનું તારણ કરશે.’ (ગીત. ૭૨:૧૨, ૧૩) ગરીબ અને લાચાર લોકોને કઈ રીતે મદદ પૂરી પાડવામાં આવશે? ગીતશાસ્ત્ર ૭૨ આપણને એનો જવાબ આપે છે. એ ગીત દાઊદના દીકરા સુલેમાનના રાજ વિષે જણાવે છે. એ ગીત આપણને ઝલક આપે છે કે યહોવાહના દીકરા ઈસુ ખ્રિસ્તનું રાજ કઈ રીતે મનુષ્યને દુઃખી હાલતમાંથી ઉગારશે.
ઈસુના રાજ્યની એક ઝલક
૩. સુલેમાને શું માંગ્યું અને યહોવાહે તેમને શું આપ્યું?
૩ વૃદ્ધ થયા પછી દાઊદે સુલેમાનને રાજા બનાવ્યા અને તેમને ખાસ શિખામણ આપી. સુલેમાન એ શિખામણ પ્રમાણે ચાલ્યા. (૧ રાજા. ૧:૩૨-૩૫; ૨:૧-૩) પછી સુલેમાનને સ્વપ્નમાં દર્શન દઈને યહોવાહે કહ્યું: “માગ, હું તને શું આપું?” ત્યારે સુલેમાને ફક્ત એક જ વિનંતી કરી: “તારા લોકનો ન્યાય કરવા સારૂ તારા સેવકને વિવેકી હૃદય આપ, કે જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું.” સુલેમાને નમ્રભાવે આ વિનંતી કરી હોવાથી યહોવાહે એ પૂરી કરી. તેમ જ તેમણે જે માંગ્યું ન હતું એ પણ આપ્યું.—૧ રાજા. ૩:૫, ૯-૧૩.
૪. એક રાણીએ સુલેમાનના રાજ વિષે શું કહ્યું?
૪ યહોવાહના આશીર્વાદથી સુલેમાનનું રાજ પુષ્કળ સુખ-શાંતિ અને આબાદીથી ભરેલું હતું. એવું રાજ અત્યાર સુધી કોઈ સરકાર લાવી શકી નથી. (૧ રાજા. ૪:૨૫) દૂર દૂરથી લોકો જોવા આવતા કે સુલેમાનનું રાજ કેવું છે. એમાંની એક હતી શેબાની રાણી. તે પોતાનો મોટો કાફલો લઈને આવી હતી. તેણે સુલેમાનને કહ્યું: ‘જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે ખરી છે. મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તારું જ્ઞાન તથા તારી સમૃદ્ધિ વિશેષ છે.’ (૧ રાજા. ૧૦:૧, ૬, ૭) પરંતુ સુલેમાનથી પણ વધારે જ્ઞાન અને બુદ્ધિ ઈસુમાં હતા. એટલે તેમણે પોતાના વિષે આમ કહ્યું: “જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.”—માત્થી ૧૨:૪૨.
સુલેમાનથી પણ મહાન રાજા સર્વ દુઃખ દૂર કરશે
૫. ગીતશાસ્ત્ર ૭૨માંથી આપણને શું શીખવા મળે છે અને ઈસુએ શાની ઝલક આપી?
૫ ચાલો હવે આપણે ગીતશાસ્ત્ર ૭૨ જોઈએ. એમાંથી શીખવા મળશે કે સુલેમાનથી પણ મહાન ઈસુ ખ્રિસ્તના રાજમાં સર્વ મનુષ્ય પર કેવા આશીર્વાદો હશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧-૪ વાંચો.) આ ગીત જણાવે છે કે ‘શાંતિના સરદાર’ ઈસુ ખ્રિસ્તના “રાજ્યાધિકાર” વિષે યહોવાહને કેવું લાગે છે. (યશા. ૯:૬, ૭) યહોવાહના માર્ગદર્શન હેઠળ ઈસુ ‘દીનોનો પોકાર સાંભળશે અને દરિદ્રીઓના દીકરાઓને તારશે.’ તેમના રાજમાં ધરતીને ખૂણેખૂણે શાંતિ અને ન્યાય હશે. ધરતી પર હતા ત્યારે ઈસુએ ઝલક આપી હતી કે ભાવિમાં તેમના એક હજાર વર્ષના રાજમાં મનુષ્ય પર કેવા આશીર્વાદો લાવશે.—પ્રકટી. ૨૦:૪.
૬. ઈસુએ તેમના રાજમાં મળનાર કેવા આશીર્વાદોની ઝલક આપી?
૬ ઈસુ ખ્રિસ્તના અમુક કાર્યો પર વિચાર કરો. એ આપણને ઝલક આપે છે કે ગીતશાસ્ત્ર ૭૨ના શબ્દો પૂરા કરવા ઈસુ ભાવિમાં મનુષ્ય માટે શું કરશે. દુઃખોથી પીડાતા લોકોને ઈસુએ જે રીતે દયા બતાવીને સાજા કર્યા એના પર વિચાર કરવાથી આપણા દિલ પર ઊંડી અસર થાય છે. (માથ. ૯:૩૫, ૩૬; ૧૫:૨૯-૩૧) દાખલા તરીકે, એક કોઢિયા માણસે ઈસુ પાસે આવીને વિનંતિ કરી: “જો તારી ઇચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે.” ઈસુએ કહ્યું: “મારી ઇચ્છા છે; તું શુદ્ધ થા.” અને તે તરત જ સાજો થઈ ગયો! (માર્ક ૧:૪૦-૪૨) બીજા એક સમયે ઈસુ એક વિધવાને મળ્યા જેનો એકનોએક દીકરો ગુજરી ગયો હતો. એ વિધવાની હાલત જોઈને ઈસુને “કરુણા આવી.” ગુજરી ગયેલા છોકરાને ઈસુએ કહ્યું: “ઊઠ” અને તે ઊઠ્યો. ગુજરી ગયેલો છોકરો જીવતો થયો!—લુક ૭:૧૧-૧૫.
૭, ૮. ઈસુએ ચમત્કારથી લોકોને સાજા કર્યા હોય એવા અમુક કિસ્સા જણાવો.
૭ ઈસુને ચમત્કારો કરવા યહોવાહે શક્તિ આપી હતી. એ આપણને ‘બાર વર્ષથી લોહીવાથી પીડાતી સ્ત્રીʼના દાખલામાં જોવા મળે છે. તેણે ‘ઘણા વૈદો પાસે ઇલાજ કરાવીને ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું.’ પણ સાજી થવાને બદલે તે ‘વધારે માંદી થઈ હતી.’ એ સ્ત્રી લોકોના ટોળામાં જઈને ઈસુને અડકી. પરંતુ એ તો ઈશ્વરના નિયમનો ભંગ હતો. નિયમ પ્રમાણે કોઈ “સ્ત્રીને સ્રાવ હોય” તો બીજાને અડકી ન શકે. (લેવી. ૧૫:૧૯, ૨૫) ઈસુને તરત ખબર પડી કે તેમનામાંથી શક્તિ નીકળી છે. એટલે તેમણે પૂછ્યું કે ‘મને કોણ અડક્યું?’ એ સ્ત્રીએ ‘બીકથી ધ્રૂજતી ધ્રૂજતી ઈસુની આગળ પડીને બધું સાચેસાચું કહી દીધું.’ ઈસુ જોઈ શક્યા કે યહોવાહે તેને સાજી કરી છે. એટલે હમદર્દી બતાવતા ઈસુએ તેને કહ્યું, કે ‘દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે. શાંતિએ જા, ને તારું દરદ’ તારાથી દૂર રહો.—માર્ક ૫:૨૫-૨૭, ૩૦, ૩૩, ૩૪.
૮ યહોવાહની શક્તિથી ઈસુએ અનેક બીમાર લોકોને સાજા કર્યા. એ ચમત્કારો જોનારાઓ પર ઊંડી અસર પડી હશે. દાખલા તરીકે, પહાડ પરનો પ્રખ્યાત ઉપદેશ આપતા પહેલાં ઈસુએ લોકોને સાજા કર્યા ત્યારે એ જોઈને ઘણાને નવાઈ થઈ હતી. (લુક ૬:૧૭-૧૯) ઈસુ જ મસીહ છે એની ખાતરી કરવા યોહાન બાપ્તિસ્મકે પોતાના બે શિષ્યોને તેમની પાસે મોકલ્યા. તેઓ ત્યાં ગયા ત્યારે જોયું કે ‘અનેક પ્રકારના રોગથી તથા દુષ્ટ દૂતોથી પીડાતા ઘણા લોકોને ઈસુ સાજા કરતા હતા અને ઘણા આંધળાને દેખતા કરતા હતા.’ ઈસુએ પછી એ બે શિષ્યોને કહ્યું: “તમે જે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે આંધળા દેખતા થાય છે, લૂલા ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મૂએલાઓને ઉઠાડવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.” (લુક ૭:૧૯-૨૨) એ સાંભળીને યોહાનને કેટલું ઉત્તેજન મળ્યું હશે એનો વિચાર કરો!
૯. ઈસુના ચમત્કારો શાની ઝલક આપતા હતા?
૯ ખરું કે ઈસુએ પોતાના સેવાકાર્યમાં જેઓને સાજા કે સજીવન કર્યા તેઓ અમુક સમય પછી મરણ પામ્યા. તોપણ ઈસુના ચમત્કારો ઝલક આપતા હતા કે મસીહી રાજ્યમાં મનુષ્યને કાયમ માટે સર્વ દુઃખમાંથી છુટકારો મળશે.
આખી પૃથ્વી સુંદર બનશે!
૧૦, ૧૧. (ક) ઈસુના રાજ્યમાં મળનારા આશીર્વાદો ક્યાં સુધી ટકશે? તેમનું રાજ્ય શાના જેવું હશે? (ખ) ઈસુ સાથે સુંદર ધરતી પર કોણ હશે? તે કઈ રીતે કાયમ માટે સુખ-ચેનમાં જીવી શકશે?
૧૦ કલ્પના કરો કે આખી ધરતી સુંદર બની જશે ત્યારે બધાનું જીવન કેવું હશે. (ગીતશાસ્ત્ર ૭૨:૫-૯ વાંચો.) એ સમયે ખરા ઈશ્વરને ભજનારા સુંદર ધરતી પર જીવનનો આનંદ માણશે. સૂરજ અને ચંદ્ર રહે ત્યાં સુધી, હા, કાયમ માટે તેઓ આનંદ માણશે! ‘જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારાં ઝાપટાં થાય છે,’ તેમ ઈસુનું રાજ સર્વ લોકો માટે તાજગી આપનારું સાબિત થશે.
૧૧ ગીતશાસ્ત્ર ૭૨ના શબ્દો કઈ રીતે પૂરા થશે એની કલ્પના કરો તેમ, શું તમને સુંદર ધરતી પર કાયમ માટે જીવવાની તમન્ના જાગતી નથી? વધસ્તંભે જડેલા ગુનેગારને જ્યારે ઈસુએ કહ્યું કે “તું મારી સાથે પારાદૈસમાં હોઈશ,” ત્યારે એ સાંભળીને તે ચોક્કસ હરખાઈ ઊઠ્યો હશે. (લુક ૨૩:૪૩) ઈસુના એક હજાર વર્ષના રાજમાં એ ગુનેગારને ધરતી પર સજીવન કરવામાં આવશે. પછી ઈસુની સત્તાને તે આધીન રહેશે તો, કાયમ માટે સુખ-ચેનમાં જીવી શકશે.
૧૨. ઈસુના હજાર વર્ષના રાજ્યમાં સજીવન કરાયેલા અન્યાયી લોકોને કેવો મોકો મળશે?
૧૨ સુલેમાનથી મહાન ઈસુ ખ્રિસ્તના રાજમાં “ન્યાયીઓ ખીલશે.” એટલે કે તેઓ આબાદ થશે. (ગીત. ૭૨:૭) ઈસુ ધરતી પર હતા ત્યારે બધાની સાથે પ્રેમ અને કોમળતાથી વર્ત્યા હતા. તે પોતાના રાજમાં પણ એવો જ ભરપૂર પ્રેમ બતાવશે. ગુજરી ગયેલા ‘અન્યાયી’ લોકોને પણ ઈશ્વરની નવી દુનિયામાં સજીવન કરવામાં આવશે. તેઓને યહોવાહને ઓળખવા અને તેમના ધોરણો પ્રમાણે જીવવાનો મોકો મળશે. (પ્રે.કૃ. ૨૪:૧૫) જેઓ યહોવાહના ધોરણો પ્રમાણે રહેવાનું પસંદ નહિ કરે તેઓનું જીવન ટૂંકાવી દેવામાં આવશે, જેથી નવી દુનિયામાં સુખ-શાંતિ જળવાઈ રહે.
૧૩. ઈસુનું રાજ્ય કઈ હદ સુધી ફેલાશે અને શા માટે એ રાજમાં કાયમ શાંતિ જળવાઈ રહેશે?
૧૩ ઈસુનું રાજ્ય ધરતી પર કઈ હદ સુધી ફેલાશે એ આપણને આ શબ્દોમાં જોવા મળે છે: “તે સમુદ્રથી સમુદ્ર સુધી, અને [યુફ્રેટિસ] નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે. અરણ્યવાસીઓ તેની આગળ નમશે; અને તેના શત્રુઓ ધૂળ ચાટશે.” (ગીત. ૭૨:૮, ૯) હા, ઈસુ આખી પૃથ્વી પર રાજ કરશે! (ઝખા. ૯:૯, ૧૦) જેઓ તેમનું રાજ્ય અને એના આશીર્વાદોની કદર કરશે તેઓ રાજીખુશીથી તેમને “નમશે,” એટલે કે તેમને આધીન રહેશે. પણ જે લોકો પસ્તાવો કર્યા વગર પાપ કરતા રહેશે તેઓને મોતની સજા થશે, પછી ભલેને તેઓ ‘સોથી વધારે વરસના’ હોય. (યશા. ૬૫:૨૦) તેઓ એ અર્થમાં “ધૂળ ચાટશે.”
ઈસુને આપણા માટે હમદર્દી છે
૧૪, ૧૫. આપણે કેવી રીતે કહી શકીએ કે મનુષ્યની લાગણીઓને ઈસુ સારી રીતે સમજે છે અને ‘દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે’?
૧૪ સર્વ મનુષ્યમાં આદમના પાપની અસર હોવાથી તેઓની હાલત એકદમ લાચાર છે. એમાંથી છૂટવા મદદની ખૂબ જ જરૂર છે. જોકે આપણી પાસે સુંદર આશા રહેલી છે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪ વાંચો.) ઈસુ આપણી પાપી હાલત સારી રીતે સમજતા હોવાથી તેમને આપણા માટે ખૂબ હમદર્દી છે. તેમણે પોતે ઈશ્વરના ન્યાયીપણા માટે સખત દુઃખ સહ્યું હતું. યહોવાહે પણ તેમને અનેક દુઃખ-તકલીફો સહેવા દીધી. ઈસુએ એટલી હદે માનસિક તાણ અનુભવી કે તેમનો “પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.” (લુક ૨૨:૪૪) પછી વધસ્તંભ પર તે ઈશ્વરને પોકારી ઊઠ્યા: ‘ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તેં મને કેમ મૂકી દીધો છે?’ (માથ. ૨૭:૪૫, ૪૬) તેમણે કેટલું બધું દુઃખ સહ્યું! તે યહોવાહને ભજવાનું છોડી દે એ માટે શેતાને પણ બનતો બધો જ પ્રયત્ન કર્યો. તોપણ ઈસુ યહોવાહને વળગી રહ્યા.
૧૫ આપણને પૂરી ખાતરી છે કે ઈસુ આપણાં દુઃખ જુએ છે. “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે.” ઈસુ તેમના પિતા યહોવાહની જેમ મનુષ્યની બહુ ચિંતા કરે છે. તે ‘દરિદ્રીઓનો પોકાર સાંભળશે’ અને ‘હૃદયભંગ થએલાંને સાજાં કરીને તેઓના ઘાને રુઝાવશે.’ (ગીત. ૬૯:૩૩; ૧૪૭:૩) ઈસુ ‘સર્વ વાતે આપણી જેમ પરીક્ષણ પામેલા’ હોવાથી તે “આપણી નબળાઈઓ” પ્રત્યે ખૂબ દયા બતાવે છે. (હેબ્રી ૪:૧૫) એ જાણીને આપણને કેટલો આનંદ થાય છે કે ઈસુ હવે સ્વર્ગમાં રાજા છે અને મનુષ્યને સર્વ દુઃખમાંથી છોડાવવા તે ખૂબ આતુર છે!
૧૬. સુલેમાનને કેમ પોતાની પ્રજા પ્રત્યે ખૂબ દયા હતી?
૧૬ સુલેમાન રાજામાં ઘણું ડહાપણ અને સમજણ હોવાથી તેમને ‘અબળ તથા દરિદ્રી લોકોની ખૂબ દયા’ આવતી હતી. એ ઉપરાંત, તેમનું પોતાનું જીવન અનેક દુઃખદ અને કરૂણ બનાવોથી ભરેલું હતું. તેમના ભાઈ આમ્નોને પોતાની બહેન તામાર પર બળાત્કાર કર્યો હતો. તેથી સુલેમાનના ભાઈ આબ્શાલોમે આમ્નોનનું ખૂન કર્યું. (૨ શમૂ. ૧૩:૧, ૧૪, ૨૮, ૨૯) આબ્શાલોમે દાઊદની રાજગાદી પચાવી પાડવા પ્રયત્ન કર્યો. પણ તે નિષ્ફળ ગયો અને યોઆબને હાથે માર્યો ગયો. (૨ શમૂ. ૧૫:૧૦, ૧૪; ૧૮:૯, ૧૪) પછી સુલેમાનના ભાઈ અદોનીયાહે રાજા બની બેસવા પ્રયાસ કર્યો. તે એમાં સફળ થયો હોત તો ચોક્કસ સુલેમાન માર્યા ગયા હોત. (૧ રાજા. ૧:૫) યહોવાહના મંદિરના ઉદ્ઘાટન વખતે સુલેમાન રાજાએ પ્રાર્થનામાં જે કહ્યું એના પરથી પણ જોવા મળે છે કે તે મનુષ્યનું દુઃખ સમજી શકતા હતા. તેમણે પોતાની પ્રજા વિષે યહોવાહને પ્રાર્થના કરી કે તેઓ ‘પોતપોતાની પીડા ને પોતપોતાનું દુઃખ જાણે છે. હે યહોવાહ, તેઓને ક્ષમા કરજે અને તેઓની સર્વ કરણી પ્રમાણે ફળ આપજે.’—૨ કાળ. ૬:૨૯, ૩૦.
૧૭, ૧૮. યહોવાહના અમુક ભક્તો કેવું દુઃખ સહે છે અને એ સહેવા તેઓને ક્યાંથી મદદ મળી છે?
૧૭ જીવનમાં થયેલા અમુક અનુભવોને લીધે પણ આપણે દુઃખ અનુભવતા હોઈ શકીએ. યહોવાહને ભજતી ત્રીસેક વર્ષની મેરીb કહે છે: ‘આજે હું મારા જીવનથી ખુશ છું અને દુઃખી થવાનું કોઈ કારણ નથી. તોપણ કોઈ કોઈ વાર મને મારો ભૂતકાળ યાદ આવી જાય છે. મેં કરેલા અમુક કામોને લીધે ખૂબ શરમ અનુભવું છું, પોતાના માટે નફરત થાય છે. એનાથી મને ખૂબ જ દુઃખ થાય છે અને હું રડી પડું છું. એવું લાગે છે કે જાણે એ બધું ગઈ કાલે જ બન્યું છે. એ કડવી યાદોના ભારથી હું ભાંગી પડું છું. મને એવું જ થયા કરે કે હું નકામી છું.’
૧૮ યહોવાહના ઘણા ભક્તો એવી લાગણી અનુભવે છે. પણ એ સહેવા તેઓને કોણ હિંમત અને શક્તિ આપી શકે? મેરી કહે છે: ‘ખરા મિત્રો અને મંડળના ભાઈ-બહેનોએ મને ખુશ રહેવા મદદ કરી છે. તેમ જ યહોવાહે સુંદર ભાવિના જે વચનો આપ્યાં છે એને નજર સામે રાખવા હું પ્રયત્ન કરું છું. મને પૂરી ખાતરી છે કે મારાં દુઃખનાં આંસુ હર્ષના આંસુ બની જશે.’ (ગીત. ૧૨૬:૫) યહોવાહે પોતાના દીકરા ઈસુને રાજા બનાવ્યા છે. એ ગોઠવણમાં આપણે પૂરો ભરોસો મૂકવો જોઈએ. એ રાજા વિષે સદીઓ પહેલા આમ કહેવામાં આવ્યું હતું: ‘તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે. તે દરિદ્રીઓનું તારણ કરશે. જુલમ તથા હિંસામાંથી તે તેઓને છોડાવશે. તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.’ (ગીત. ૭૨:૧૩, ૧૪) આ શબ્દોથી આપણને કેવી ખાતરી મળે છે!
નવી દુનિયામાં તમારા માટે ઘણા આશીર્વાદો રહેલા છે
૧૯, ૨૦. (ક) ગીતશાસ્ત્ર ૭૨ પ્રમાણે ઈસુના રાજમાં કઈ તકલીફો દૂર કરવામાં આવશે? (ખ) ઈસુના રાજમાં મળનાર આશીર્વાદો માટે પહેલા કોને જશ મળશે? એ રાજ્ય જે સિદ્ધ કરશે એના વિષે તમને કેવું લાગે છે?
૧૯ ફરીથી કલ્પના કરો કે યહોવાહની નવી દુનિયામાં મહાન સુલેમાન, ઈસુ ખ્રિસ્તના રાજમાં સારા લોકો જીવનનો કેવો આનંદ માણતા હશે. યહોવાહનું વચન છે: ધરતીને ખૂણે ખૂણે, હા, “પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.” (ગીત. ૭૨:૧૬) આ શબ્દો ભાર આપે છે કે ધરતી ખૂબ જ ફળદ્રુપ હશે. જેમ સુલેમાનના રાજમાં ‘લબાનોન વિસ્તારમાં અઢળક અનાજ’ પાકતું, તેમ આખી ધરતી પર મબલખ પાક ઊતરશે. જરા વિચાર કરો, પછી અનાજની કોઈ અછત નહિ હોય, અપૂરતા પોષણથી કોઈ ટળવળશે નહિ, ભૂખ્યા પેટે કોઈ સૂઈ નહિ જાય! ત્યારે બધા જ લોકો સ્વાદિષ્ટ અને ઉત્તમ ભોજનનો આનંદ માણશે.—યશા. ૨૫:૬-૮; ૩૫:૧, ૨.
૨૦ આ બધા આશીર્વાદો માટે કોને જશ મળશે? સૌથી પહેલાં તો વિશ્વના સનાતન રાજા યહોવાહને અને પછી ઈસુને. ઈશ્વરની નવી દુનિયામાં આપણે સર્વ પછી એક રાગે આ સુંદર ગીત ગાવા જોડાઈશું: ‘રાજા ઈસુ ખ્રિસ્તનું નામ સર્વદા રહેશે. સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે અને તેમનાથી લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશજાતિઓ તેમને ધન્યવાદ આપશે. યહોવાહ ઈશ્વરને, ઈસ્રાએલના ઈશ્વરને ધન્ય હોજો. એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે. સર્વકાળ સુધી તેમના ગૌરવી નામને ધન્ય હોજો. આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમેન તથા આમેન.’—ગીત. ૭૨:૧૭-૧૯. (w10-E 08/15)
[ફુટનોટ્સ]
a ખરું કે ગુજરાતી બાઇબલમાં ગીતશાસ્ત્ર ૭૨ના મથાળામાં આમ લખ્યું છે: “સુલેમાનનું ગીત.” પરંતુ છેલ્લી કલમ બતાવે છે તેમ, આ ગીત દાઊદે રચ્યું હતું.
b નામ બદલવામાં આવ્યું છે.
તમે કેવો જવાબ આપશો?
• ગીતશાસ્ત્ર ૭૨ કોના રાજ વિષે પહેલેથી ઝલક આપે છે?
• સુલેમાનથી પણ મહાન કોણ છે અને તેમનું રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હશે?
• ગીતશાસ્ત્ર ૭૨માં જણાવેલા આવનાર આશીર્વાદોમાંથી તમને કયા વધારે ગમે છે?
[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]
સુલેમાનના રાજમાં જોવા મળતી સમૃદ્ધિ
ભાવિમાં શાને બતાવતી હતી?
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
મહાન સુલેમાન, ઈસુના રાજમાં સોનેરી યુગ હશે. એમાં જીવવાનો આશીર્વાદ પામવા આપણે બનતું બધું જ કરીએ