પ્રાર્થના દ્વારા આપણા સ્વભાવ વિષે જાણી શકીએ છીએ
“હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે.”—ગીત. ૬૫:૨.
૧, ૨. આપણી પ્રાર્થના સાંભળવામાં આવશે એવી ખાતરી કેમ રાખી શકીએ?
વિશ્વાસુ ભક્તો પ્રાર્થના કરે છે ત્યારે યહોવાહ કદી પણ મોં ફેરવી લેતા નથી. અરે, લાખો યહોવાહના સાક્ષીઓ એક સાથે પ્રાર્થના કરે તોપણ યહોવાહ બધાની પ્રાર્થના સાંભળે છે. એટલે પૂરી ખાતરી રાખી શકીએ કે તે આપણી પ્રાર્થના સાંભળે છે.
૨ દાઊદને પૂરી ખાતરી હતી કે યહોવાહ તેમની પ્રાર્થના સાંભળશે. એટલે જ તેમણે લખ્યું: “હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે.” (ગીત. ૬૫:૨) દાઊદ પૂરી શ્રદ્ધાથી યહોવાહની ભક્તિ કરતા હોવાથી તેમની પ્રાર્થના સાંભળવામાં આવી. તેથી આપણે વિચારી શકીએ કે ‘શું મારી પ્રાર્થનાથી જોવા મળે છે કે હું યહોવાહમાં પૂરો ભરોસો રાખું છું? તેમની ભક્તિને જીવનમાં પ્રથમ રાખું છું? મારી પ્રાર્થના પરથી મારા સ્વભાવ વિષે શું જોવા મળે છે?’
નમ્ર ભાવે યહોવાહને પ્રાર્થના કરીએ
૩, ૪. (ક) પ્રાર્થના સાંભળવામાં આવે માટે આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ? (ખ) પાપ કરવાને લીધે આપણું દિલ ડંખતું હોય તો શું કરવું જોઈએ?
૩ આપણી પ્રાર્થના સાંભળવામાં આવે માટે નમ્ર સ્વભાવ રાખવો જરૂરી છે. (ગીત. ૧૩૮:૬) દાઊદની જેમ આપણે યહોવાહને પ્રાર્થનામાં આપણું દિલ પારખવા કહેવું જોઈએ: ‘હે ઈશ્વર, મારી પરીક્ષા કર, અને મારૂં હૃદય ઓળખ. મને પારખ, અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે, અને મને સનાતન માર્ગમાં ચલાવજે.’ (ગીત. ૧૩૯:૨૩, ૨૪) આવી પ્રાર્થના કર્યા પછી યહોવાહ જે માર્ગદર્શન આપે છે એને આધીન રહીએ. તેમ જ, બાઇબલમાં આપેલાં સલાહ-સૂચનોને પાળીએ. યહોવાહ આપણને ‘સનાતન માર્ગમાં ચલાવી’ શકે છે. અમર જીવનના માર્ગ પર ચાલવા મદદ આપી શકે છે.
૪ પણ જો આપણે કોઈ પાપ કરી બેઠા હોય અને એના જ “વિચારો” મનમાં ફરતા હોય તો શું? (ગીતશાસ્ત્ર ૩૨:૧-૫ વાંચો.) એનાથી આપણું દિલ ડંખશે. જો એ વિચારોને મનમાં જ રાખીશું તો, જેમ ધગધગતા તાપમાં છોડ મુરઝાય જાય છે તેમ યહોવાહની ભક્તિમાં આપણો ઉત્સાહ મુરઝાઈ શકે. દાઊદે જે પાપ કર્યું એના લીધે તેમનો ઉત્સાહ ઠંડો પડી ગયો અને કદાચ બીમાર પડી ગયા. પણ ઈશ્વર આગળ કબૂલાત કરવાથી દાઊદને મનની શાંતિ મળી. યહોવાહે તેમના ‘પાપ માફ કર્યા’ એનાથી દાઊદને કેટલો આનંદ થયો હશે! યહોવાહ આગળ પાપની કબૂલાત કરવાથી આપણને મનની શાંતિ મળી શકે. તેમ જ, મંડળના વડીલો આપણને યહોવાહ સાથે પાછો ગાઢ સંબંધ કેળવવા મદદ કરશે.—નીતિ. ૨૮:૧૩; યાકૂ. ૫:૧૩-૧૬.
યહોવાહને વિનંતી કરીએ અને તેમનો આભાર માનીએ
૫. ક્યારે આપણે યહોવાહને વિનંતી કરવી જોઈએ?
૫ કોઈ કારણસર આપણને ઘણી ચિંતા થતી હોય તો પાઊલની આ સલાહ પાળીએ: ‘કશાની ચિંતા ન કરો. પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારપૂર્વક તમારી અરજો ઈશ્વરને જણાવો.’ (ફિલિ. ૪:૬) ખાસ કરીને મુશ્કેલ સંજોગો અને સતાવણીમાં આપણે યહોવાહને મદદ અને માર્ગદર્શન માટે વિનંતી કરવી જોઈએ.
૬, ૭. કઈ બાબતોને લીધે આપણે પ્રાર્થનામાં આભાર માનવો જોઈએ?
૬ આપણને કોઈ બાબતની જરૂર હોય ત્યારે જ પ્રાર્થના કરીએ એ સારું ન કહેવાય. પાઊલે જણાવ્યું કે આપણે વિનંતી કરીએ ત્યારે એની સાથે ઈશ્વરનો ‘આભાર’ પણ માનીએ. આપણી પાસે પણ ઘણાં કારણો છે, જેથી દાઊદની જેમ આમ કહી શકીએ: ‘હે યહોવાહ, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તારાં છે. કેમકે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ તારૂં છે. હે યહોવાહ, રાજ્ય તારૂં છે, ને સર્વોપરી અધિકાર પણ તારો છે. હે અમારા ઈશ્વર, અમે તારો આભાર માનીએ છીએ, ને તારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ.’—૧ કાળ. ૨૯:૧૧-૧૩.
૭ ઈસુએ ખોરાક માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે પ્રભુ ભોજન વખતે રોટલી અને દ્રાક્ષારસ ઉપર આભાર માન્યો હતો. (માથ. ૧૫:૩૬; માર્ક ૧૪:૨૨, ૨૩) આપણે પણ ઈસુની જેમ કરવું જોઈએ. આપણે યહોવાહના ‘અદલ ન્યાયી વચનો’ અને ‘માનવજાત માટે તેમણે કરેલાં અજાયબ કાર્યો માટે આભાર માનવો જોઈએ.’ તેમ જ તેમણે બાઇબલમાં આપેલા સંદેશા માટે ઉપકાર માનવો જોઈએ.—ગીત. ૧૦૭:૧૫, કોમન લેંગ્વેજ; ૧૧૯:૬૨, ૧૦૫.
બીજાઓ માટે પ્રાર્થના કરીએ
૮, ૯. શા માટે આપણે ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવી જોઈએ?
૮ આપણે પોતા માટે તો પ્રાર્થના કરીએ જ છીએ. સાથે સાથે મંડળના અને ઓળખતા નથી એવા ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. પાઊલ કદાચ કોલોસીના બધા ભાઈ-બહેનોને જાણતા ન હતા તોપણ તેમણે લખ્યું: ‘અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિષે, તથા તમારે સારૂ આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું, ત્યારથી તમારે સારૂ હંમેશાં પ્રાર્થના કરીને, ઈશ્વર, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા છે, તેમનો આભાર માનીએ છીએ.’ (કોલો. ૧:૩, ૪) પાઊલે થેસ્સાલોનીકાના ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરી. (૨ થેસ્સા. ૧:૧૧, ૧૨) આપણે ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ છીએ એનાથી આપણને પોતાના સ્વભાવ વિષે જાણવા મળે છે. તેમ જ, તેઓ માટે આપણું વલણ કેવું છે એ ખબર પડે છે.
૯ આપણે અભિષિક્તો અને ‘બીજાં ઘેટાંનાં’ ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. આમ કરીને આપણે યહોવાહના સંગઠનની કદર કરીએ છીએ. (યોહા. ૧૦:૧૬) પાઊલે એફેસી મંડળના ભાઈ-બહેનોને કહ્યું કે ‘મારી માટે પ્રાર્થના કરો કે બીજાઓ આગળ પ્રભુનાં વચનો હિંમતપૂર્વક જણાવવા મને યોગ્ય શબ્દો મળે.’ (એફે. ૬:૧૭-૨૦, IBSI) બીજા ભાઈ-બહેનો હિંમતથી સંદેશો ફેલાવી શકે એ માટે શું આપણે પ્રાર્થના કરીએ છીએ?
૧૦. બીજાઓ માટે પ્રાર્થના કરવાથી આપણા પર કેવી અસર પડી શકે?
૧૦ બીજી વ્યક્તિ માટે પ્રાર્થના કરવાથી તેના પ્રત્યે આપણું વલણ બદલાશે. જેમ કે, કોઈ વ્યક્તિ સાથે આપણું બહુ બનતું નથી. તોપણ એ વ્યક્તિ માટે પ્રાર્થના કરવાથી તેના માટે આપણો પ્રેમ વધશે. (૧ યોહા. ૪:૨૦, ૨૧) એવી પ્રાર્થના કરવાથી મંડળમાં એકબીજા વચ્ચે પ્રેમ અને એકતા વધે છે. બીજાઓ માટે પ્રાર્થના કરીને બતાવીએ છીએ કે આપણામાં ઈસુ જેવો પ્રેમ છે. (યોહા. ૧૩:૩૪, ૩૫) ઈશ્વરના ગુણોમાંનો એક પ્રેમ છે. એટલે ઈશ્વરની શક્તિ માટે પ્રાર્થના કરીએ ત્યારે, પ્રેમની સાથે આપણે આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ જેવા ઈશ્વરના બીજા ગુણો પણ કેળવવા અરજ કરીએ છીએ. (લુક ૧૧:૧૩; ગલા. ૫:૨૨, ૨૩) આમ કરીને આપણે પોતાના વાણી-વર્તનથી બતાવીએ છીએ કે આપણે ઈશ્વરની શક્તિ પ્રમાણે જીવીએ છીએ.—ગલાતી ૫:૧૬, ૨૫ વાંચો.
૧૧. શા માટે બીજાઓ આપણા માટે પ્રાર્થના કરે એ યોગ્ય છે?
૧૧ માનો કે તમારાં બાળકો સ્કૂલમાં ભણી રહ્યાં છે. સારા માર્ક લાવવા તેઓ સામે ચોરી કરવાની લાલચ છે. આ વાતની તમને ખબર પડે તો, તમારે તેઓ માટે પ્રાર્થના કરવી જોઈએ. તેઓને બાઇબલમાંથી અમુક સલાહ પણ આપવી જોઈએ, જેથી તેઓ કોઈ ખોટું પગલું ન ભરે. પાઊલે કોંરીથના ભાઈ-બહેનોને કહ્યું: ‘અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, કે તમે કંઈ ભૂંડું કામ ન કરો.’ (૨ કોરીં. ૧૩:૭) બીજાઓ લાલચમાં ન ફસાય એવી પ્રાર્થના કરીને બતાવીએ છીએ કે આપણું દિલ સાફ છે. એનાથી યહોવાહને પણ આનંદ થાય છે. (નીતિવચનો ૧૫:૮ વાંચો.) આપણે ભાઈ-બહેનોને કહી શકીએ કે તેઓ આપણા માટે પ્રાર્થના કરે. પ્રેરિત પાઊલે પણ ભાઈ-બહેનોને કહ્યું હતું: ‘તમે અમારે માટે પ્રાર્થના કરો. કેમકે અમારું અંતઃકરણ શુદ્ધ છે, એવી અમને ખાતરી છે. અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.’—હેબ્રી ૧૩:૧૮.
કેવી બાબતો વિષે પ્રાર્થના કરવી જોઈએ?
૧૨. પ્રાર્થનામાં શાનો ઉલ્લેખ કરવો જોઈએ?
૧૨ શું આપણી પ્રાર્થના બતાવે છે કે આપણે ખુશી ખુશી અને પૂરા ઉત્સાહથી યહોવાહની ભક્તિ કરીએ છીએ? શું આપણે પ્રાર્થના કરતી વખતે આ બાબતોનો ઉલ્લેખ કરીએ છીએ? જેમ કે, ઈશ્વરની ઇચ્છા પૂરી થાય. રાજ્યનો સંદેશો જાહેર થાય. યહોવાહ જ વિશ્વના માલિક છે એવી બધા લોકોને જાણ થાય. ઈશ્વરના નામ પર શેતાને લગાવેલા આરોપ દૂર થાય. ઈસુએ પ્રાર્થના કરવાનું શીખવ્યું એમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો: “ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માથ. ૬:૯, ૧૦.
૧૩, ૧૪. આપણી પ્રાર્થના શું બતાવે છે?
૧૩ યહોવાહ જાણે છે કે આપણા ઇરાદા કેવા છે, આપણી ઇચ્છા શું છે અને આપણને શેમાં રસ છે. નીતિવચનો ૧૭:૩ કહે છે: ‘રૂપાને ગાળવા માટે કુલડી હોય છે, અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ હૃદયને પારખનાર યહોવાહ છે.’ આ બતાવે છે કે યહોવાહ આપણા દિલની વાત જાણે છે. (૧ શમૂ. ૧૬:૭) તેમને ખબર છે કે આપણને મિટિંગ અને પ્રચારમાં જવા વિષે કેવું લાગે છે. આપણે ભાઈ-બહેનો માટે કેવું વિચારીએ છીએ. તેમ જ, ઈસુના “ભાઈઓ” એટલે કે અભિષિક્તો માટે આપણું વલણ કેવું છે. (માથ. ૨૫:૪૦) તે જોઈ શકે છે કે આપણી પ્રાર્થના દિલથી છે કે ગોખેલી. ઈસુએ કહ્યું: “તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમકે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારૂં સાંભળવામાં આવશે.”—માથ. ૬:૭.
૧૪ આપણી પ્રાર્થના બતાવે છે કે આપણને યહોવાહ પર કેટલો ભરોસો છે. દાઊદે કહ્યું: ‘ઈશ્વર મારો આશ્રય છે, મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છે. હું સદાકાળ તારા મંડપમાં રહીશ. તારી પાંખોની છાયામાં હું રહીશ.’ (ગીત. ૬૧:૩, ૪) દાઊદની જેમ આપણા પર પણ યહોવાહનો મંડપ છે. એટલે કે યહોવાહ આપણું રક્ષણ કરે છે. આપણને સાથ આપે છે. (પ્રકટી. ૭:૧૫) ગમે એવા મુશ્કેલ સંજોગોમાં ઈશ્વર આપણા ‘પક્ષમાં’ છે એવી ખાતરી રાખીને પ્રાર્થના કરવાથી ઘણો દિલાસો મળે છે.—ગીતશાસ્ત્ર ૧૧૮:૫-૯ વાંચો.
૧૫, ૧૬. સાચા દિલથી કરેલી પ્રાર્થના શું પારખવા મદદ કરે છે?
૧૫ સાચા દિલથી કરેલી પ્રાર્થના બતાવશે કે આપણા ઇરાદા કેવા છે. દાખલા તરીકે, આપણે મંડળમાં વધારે જવાબદારી મળે એવી પ્રાર્થના કરીએ છીએ. એ પ્રાર્થનાથી પારખી શકીશું કે આપણે મંડળમાં અને સેવાકાર્યમાં ભાઈ-બહેનોને મદદ કરવા માગીએ છીએ કે પછી મંડળમાં ‘મુખ્ય થવા’ કે બીજાઓ પર ‘ધણીપણું કરવા’ ચાહીએ છીએ. યહોવાહના લોકો બીજાઓ પર અધિકાર ચલાવવાની ઇચ્છા રાખતા નથી. (૩ યોહાન ૯, ૧૦; લુક ૨૨:૨૪-૨૭ વાંચો.) એટલે સાચા દિલથી પ્રાર્થના કરવાથી આપણે ખોટી ઇચ્છા પારખી શકીશું અને એને દિલમાંથી કાઢવા મદદ મળશે.
૧૬ અમુક પત્નીઓ ચાહે છે કે તેમના પતિ સેવકાઈ ચાકર બને અને પછી વડીલ બને. એ માટે તેઓએ પ્રાર્થના કરવાની સાથે સારાં વાણી-વર્તન રાખવાં જોઈએ. તેઓએ મંડળમાં સારો દાખલો બેસાડવો જોઈએ. તેઓના બાળકોએ પણ મંડળમાં સારો દાખલો બેસાડવો જોઈએ. આ ખૂબ જરૂરી છે. કેમ કે વ્યક્તિની મંડળમાં સારી છાપ ઊભી કરવા તેનું કુટુંબ મુખ્ય ભાગ ભજવે છે.
જાહેરમાં પ્રાર્થના કરીએ
૧૭. શા માટે એકાંતમાં પ્રાર્થના કરવી જોઈએ?
૧૭ ઈસુએ ઘણી વખતે લોકોથી દૂર જઈને એકાંતમાં પ્રાર્થના કરી. (માથ. ૧૪:૧૩; લુક ૫:૧૬; ૬:૧૨) આપણે પણ એકાંતમાં પ્રાર્થના કરવી જોઈએ. એકાંતમાં પ્રાર્થના કરવાથી આપણે યહોવાહના સિદ્ધાંતો પ્રમાણે નિર્ણય લઈ શકીશું. તેમની ભક્તિમાં મક્કમ થઈશું. ઈસુએ જાહેરમાં પણ બીજાઓ માટે પ્રાર્થના કરી હતી. આપણે જાહેરમાં બીજાઓ માટે પ્રાર્થના કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૮. મંડળમાં કે ગ્રુપમાં પ્રાર્થના કરાવતી વખતે ભાઈઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૮ માની લો કે મિટિંગમાં એક ભાઈ આખા મંડળ માટે પ્રાર્થના કરાવે છે. (૧ તીમો. ૨:૮) પ્રાર્થના એવી હોવી જોઈએ જેથી ભાઈ-બહેનો ‘આમેન’ કહેતા અચકાય નહિ. આમેનનો અર્થ થાય કે ‘એ પ્રમાણે થાઓ.’ ઈસુએ પ્રાર્થના કરવાનું શીખવ્યું એમાં તે સમજી વિચારીને બોલ્યા અને બધાનું માન રાખ્યું. (લુક ૧૧:૨-૪) ઈસુએ જાહેરમાં પ્રાર્થના કરતી વખતે ત્યાં હાજર દરેકની જરૂરિયાતો કે મુશ્કેલીઓ વિષે વાત કરી ન હતી. એવી જ રીતે આપણે પણ બીજાઓની જરૂરિયાતોને જાહેરમાં નહિ, પણ વ્યક્તિગત પ્રાર્થનામાં જણાવવી જોઈએ. આપણે મંડળમાં કે ગ્રુપમાં પ્રાર્થના કરાવતી વખતે ખાનગી બાબતો ન જણાવવી જોઈએ.
૧૯. પ્રાર્થનામાં આપણું વર્તન કેવું હોવું જોઈએ?
૧૯ મિટિંગ કે એવા કોઈ પ્રસંગે ભાઈ પ્રાર્થના કરાવતા હોય ત્યારે આપણે ‘ઈશ્વરનો ભય રાખવો’ જોઈએ. તેમને માન બતાવવું જોઈએ. (૧ પીત. ૨:૧૭) એટલે અમુક બાબતો મિટિંગમાં કરવી અયોગ્ય છે. (સભા. ૩:૧) માની લો કે મિટિંગમાં પ્રાર્થના વખતે ગ્રુપમાં બધાએ એકબીજાનો હાથ પકડ્યો હોય. એ જોઈને કદાચ અમુક ભાઈ-બહેનોને ન ગમે. અરે, જે લોકો પહેલી વાર મિટિંગમાં આવ્યા હોય તેઓને પણ ઠોકર લાગી શકે. અમુક દેશોમાં રિવાજ પ્રમાણે પતિ-પત્ની પ્રાર્થનામાં એકબીજાનો હાથ પકડી શકે છે. પણ તેઓ એકબીજાને બાઝીને ઊભા રહેશે તો કદાચ જેઓની નજર પડશે તેઓને ઠોકર લાગી શકે. તેઓને લાગી શકે કે આ યુગલ યહોવાહની ભક્તિના સમયે એકબીજાને પ્રેમ જતાવે છે. આપણે બધી બાબતો ‘ઈશ્વરના મહિમાને અર્થે કરીએ.’ કોઈને ઠોકર લાગે કે ધ્યાન ખેંચાય કે મનદુઃખ થાય એવું કંઈ ન કરીએ.—૧ કોરીં. ૧૦:૩૧, ૩૨; ૨ કોરીં. ૬:૩.
શાના વિષે પ્રાર્થના કરવી?
૨૦. રૂમી ૮:૨૬, ૨૭ સમજાવો.
૨૦ અમુક વખતે આપણને વ્યક્તિગત પ્રાર્થનામાં શું કહેવું એ ખબર નથી પડતી. પ્રેરિત પાઊલે લખ્યું: ‘પ્રાર્થનામાં શું બોલવું તેની આપણને ખબર નથી. તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણા માટે એની વિનવણી કરે છે. અને એ ઉદ્ગારોને શબ્દોમાં મૂકી શકાય નહિ. દિલ પારખનાર ઈશ્વર આપણા વિચારો જાણે છે.’ (રોમનો ૮:૨૬, ૨૭, કોમન લેંગ્વેજ) યહોવાહે તેમની શક્તિ દ્વારા ઘણી પ્રાર્થનાઓ બાઇબલમાં લખાવી છે. તે આપણને પણ સારી રીતે જાણે છે. એટલે યહોવાહ આપણું દિલ પારખીને બાઇબલમાંથી આપણને લગતી પ્રાર્થના પસંદ કરી લે છે. અને એ પ્રમાણે આપણને જોઈતી મદદ કરે છે. તેથી, પવિત્ર શક્તિ આપણા વતી “વિનવણી” કે આજીજી કરે ત્યારે યહોવાહ એનો જવાબ આપે છે. સમય જતા, આપણે બાઇબલથી વધારે જાણીતા થઈશું તેમ પ્રાર્થનામાં યહોવાહ સાથે દિલ ખોલીને વાત કરી શકીશું.
૨૧. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૧ આપણને શીખવા મળ્યું કે પ્રાર્થના આપણા વિષે ઘણું જણાવે છે. પ્રાર્થનાથી જાણી શકીએ કે આપણે યહોવાહને કેટલી સારી રીતે ઓળખીએ છીએ. તેમ જ, તેમના વચન બાઇબલથી કેટલા જાણીતા છીએ. (યાકૂ. ૪:૮) હવે પછીના લેખમાં આપણે બાઇબલમાં લખાયેલી અમુક પ્રાર્થના પર ચર્ચા કરીશું. અમુક ઈશ્વરભક્તોની પ્રાર્થનાના મુખ્ય વિચારોને પણ જોઈશું. એની ચર્ચા કરવાથી આપણે વધારે સારી રીતે પ્રાર્થના કરી શકીશું. (w09 11/15)
તમે કેવો જવાબ આપશો?
• પ્રાર્થના સાંભળવામાં આવે માટે આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ?
• શા માટે આપણે ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવી જોઈએ?
• આપણી પ્રાર્થના શું બતાવે છે?
• પ્રાર્થનામાં આપણું વર્તન કેવું હોવું જોઈએ?
[પાન ૯ પર ચિત્રનું મથાળું]
શું તમે દરરોજ યહોવાહનો આભાર માનો છો?
[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]
પ્રાર્થના વખતે આપણું વર્તન યહોવાહને માન મળે એવું હોવું જોઈએ