ગલાતીઓને પત્ર
૫ એ આઝાદી મેળવવા ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. એટલે તમારી આઝાદી ગુમાવશો નહિ+ અને ફરીથી ગુલામીની ઝૂંસરી* નીચે જોડાશો નહિ.+
૨ હું પાઉલ તમને જણાવું છું કે જો તમે સુન્નત કરાવો, તો ખ્રિસ્તથી તમને કંઈ લાભ થશે નહિ.+ ૩ હું સુન્નત કરાવનાર દરેકને ફરી યાદ અપાવું છું કે તેણે સુન્નતના નિયમની સાથે સાથે નિયમશાસ્ત્રના બીજા બધા નિયમો પણ પાળવા પડશે.+ ૪ જો તમે નિયમશાસ્ત્ર પ્રમાણે નેક ગણાવાનો પ્રયત્ન કરતા હો,+ તો તમે ખ્રિસ્તથી અલગ થયા છો અને તમારા પરથી તેમની અપાર કૃપા જતી રહી છે. ૫ આપણે ઈશ્વરની નજરમાં નેક ગણાવાની રાહ જોઈએ છીએ, જે ફક્ત પવિત્ર શક્તિ અને આપણી શ્રદ્ધાથી શક્ય છે. ૬ કેમ કે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં રહેવા કોઈ માણસે સુન્નત કરાવી હોય કે ન હોય, એનું કોઈ મહત્ત્વ રહેતું નથી,+ પણ પ્રેમને લીધે બતાવેલી શ્રદ્ધા મહત્ત્વની છે.
૭ તમે સારી રીતે દોડતા હતા.+ તો પછી સત્યના માર્ગે આગળ વધવાથી તમને કોણે રોક્યા? ૮ એવા વિચારો તમારા મનમાં કોણે નાખ્યા? એ વિચારો તમને બોલાવનાર ઈશ્વર પાસેથી નથી. ૯ થોડું ખમીર* બાંધેલા આખા લોટને ફુલાવે છે.+ ૧૦ તમે જેઓ માલિક ઈસુ સાથે એકતામાં છો,+ તમારા વિશે મને ખાતરી છે કે તમે મારી સાથે સહમત થશો. પણ જે કોઈ તમારા માટે મુસીબતો ઊભી કરે છે,+ પછી ભલે એ ગમે તે હોય, તેને જરૂર સજા થશે. ૧૧ ભાઈઓ, જો હજી હું સુન્નત વિશે પ્રચાર કરતો હોઉં, તો કેમ મારી સતાવણી થાય છે? જો હું એવો પ્રચાર કરતો હોઉં, તો લોકો પાસે વધસ્તંભથી ઠોકર ખાવાનું કોઈ કારણ રહેતું નથી.+ ૧૨ હું ચાહું છું કે જે માણસો તમને ભમાવે છે, તેઓ પોતાનું જ અંગ કાપી નાખે.*
૧૩ ભાઈઓ, તમને આઝાદ થવા બોલાવ્યા હતા. શરીરની પાપી ઇચ્છાઓ સંતોષવા આ આઝાદીનો ઉપયોગ ન કરો,+ પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.+ ૧૪ કેમ કે આખું નિયમશાસ્ત્ર આ એક આજ્ઞામાં પૂરું થાય છે,* જે કહે છે: “તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખો.”+ ૧૫ પણ જો તમે જાનવરની જેમ એકબીજાને કરડવાનું અને ફાડી ખાવાનું બંધ નહિ કરો,+ તો તમે જ એકબીજાનો નાશ કરી બેસશો.+
૧૬ પણ હું કહું છું, પવિત્ર શક્તિના* માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહો.+ એમ કરશો તો તમે શરીરની પાપી ઇચ્છા પ્રમાણે નહિ ચાલો.+ ૧૭ કેમ કે શરીરની ઇચ્છાઓ પવિત્ર શક્તિ વિરુદ્ધ છે અને પવિત્ર શક્તિ શરીરની ઇચ્છાઓ વિરુદ્ધ છે. એ બંને એકબીજાની વિરુદ્ધ છે, એટલે તમે જે કરવા ચાહો છો એ કરતા નથી.+ ૧૮ જો તમે પવિત્ર શક્તિથી* ચાલતા હો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.
૧૯ હવે શરીરનાં કામો તો સાફ દેખાઈ આવે છે, એ કામો છે: વ્યભિચાર,*+ અશુદ્ધતા, બેશરમ કામો,*+ ૨૦ મૂર્તિપૂજા, મેલીવિદ્યા,*+ વેરભાવ, ઝઘડા, ઈર્ષા, અતિશય ગુસ્સો, મતભેદ, ભાગલા પાડવા, પક્ષ પાડવા, ૨૧ અદેખાઈ, દારૂડિયાપણું,+ બેફામ મિજબાનીઓ* અને એનાં જેવાં કામો.+ અગાઉની જેમ હું તમને ફરીથી ચેતવું છું કે જેઓ એવાં કામો કરે છે, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.+
૨૨ બીજી બાજુ, પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ* આ છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ,* કૃપા, ભલાઈ,+ શ્રદ્ધા, ૨૩ કોમળતા અને સંયમ.+ એવા ગુણો વિરુદ્ધ કોઈ નિયમ નથી. ૨૪ વધુમાં, જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો છે, તેઓએ પોતાના શરીરને એની લાલસા અને ઇચ્છાઓ સાથે વધસ્તંભે જડી દીધું છે.+
૨૫ જો આપણે પવિત્ર શક્તિ પ્રમાણે જીવતા હોઈએ, તો પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા પણ રહીએ.+ ૨૬ આપણે ઘમંડી બનીએ નહિ,+ હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ+ અને એકબીજાની અદેખાઈ કરીએ નહિ.