એફેસીઓને પત્ર
૬ બાળકો, ઈશ્વરને પસંદ પડે એ રીતે તમારાં માતા-પિતાનું કહેવું માનો,+ કેમ કે ઈશ્વરની નજરમાં એ યોગ્ય છે. ૨ “તમે તમારાં માતા-પિતાને માન આપો,”+ એ પહેલી આજ્ઞા સાથે આ વચન આપવામાં આવ્યું છે: ૩ “જેથી તમારું ભલું થાય* અને પૃથ્વી પર તમે લાંબું જીવો.” ૪ પિતાઓ, તમારાં બાળકો ચિડાઈ જાય એવું કંઈ ન કરો.*+ પણ યહોવા* ચાહે છે તેમ શિસ્ત*+ અને શિખામણ* આપીને તેઓનો ઉછેર કરો.+
૫ દાસો, જેમ ખ્રિસ્તનું કહેવું માનો છો, તેમ ઊંડો આદર આપીને પૂરા દિલથી તમારા માલિકોનું કહેવું માનો.+ ૬ માણસોને ખુશ કરવા ખાલી દેખાડો ન કરો. તમારા માલિકો જોતા હોય કે ન જોતા હોય, તમે હંમેશાં તેઓનું કહેવું માનો+ અને ખ્રિસ્તના દાસો તરીકે પૂરા દિલથી* ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરો.+ ૭ માણસોની નહિ પણ યહોવાની* સેવા કરતા હો તેમ, રાજીખુશીથી તમારા માલિકોની સેવાચાકરી કરો.+ ૮ કેમ કે તમે જાણો છો કે સારું કામ કરનાર દરેકને યહોવા* બદલો આપશે,+ પછી ભલે તે દાસ હોય કે આઝાદ. ૯ માલિકો, તમે દાસોની સાથે સારી રીતે વર્તો અને તેઓને ધમકાવો નહિ, કેમ કે તમે જાણો છો કે તેઓના અને તમારા માલિક સ્વર્ગમાં છે+ અને તે કોઈ ભેદભાવ રાખતા નથી.
૧૦ છેવટે, ઈશ્વર પાસેથી શક્તિ મેળવીને+ તમે બળવાન થતા જાઓ, કેમ કે તેમની શક્તિ અપાર છે. ૧૧ ઈશ્વરે આપેલાં બધાં હથિયારો પહેરી લો,+ જેથી તમે શેતાનનાં* કાવતરાં* સામે દૃઢ ઊભા રહી શકો. ૧૨ કેમ કે આપણી લડાઈ*+ માણસો* સામે નથી, પણ સરકારો સામે, અધિકારીઓ સામે, આ અંધારી દુનિયાના શાસકો સામે અને સ્વર્ગના દુષ્ટ દૂતોનાં લશ્કરો+ સામે છે. ૧૩ એ કારણે, ઈશ્વરે આપેલાં બધાં હથિયારો પહેરી લો,+ જેથી તમે કપરા સમયનો સામનો કરી શકો અને બધી તૈયારી કરી લીધા પછી તમે દૃઢ ઊભા રહી શકો.
૧૪ દૃઢ ઊભા રહેવા તમારી કમરે સત્યનો પટ્ટો બાંધી લો+ અને નેકીનું* બખ્તર પહેરી લો.+ ૧૫ શાંતિની ખુશખબર જણાવવા તૈયાર હોય, એવા જોડા પહેરી લો.+ ૧૬ શ્રદ્ધાની મોટી ઢાલ હંમેશાં સાથે રાખો,+ જેથી શેતાનનાં* સળગતાં બધાં તીર તમે હોલવી શકો.+ ૧૭ ઉદ્ધારનો ટોપ પહેરી લો+ અને પવિત્ર શક્તિની તલવાર, એટલે કે ઈશ્વરનો શબ્દ તમારા હાથમાં લો.+ ૧૮ બધા સંજોગોમાં દરેક પ્રકારની પ્રાર્થના+ અને કાલાવાલા કરતા રહો. પવિત્ર શક્તિની દોરવણી પ્રમાણે પ્રાર્થના કરતા રહો.+ એમ કરવા માટે હંમેશાં જાગતા રહો અને બધા પવિત્ર જનો માટે કાલાવાલા કરતા રહો. ૧૯ મારા માટે પણ પ્રાર્થના કરો કે હું બોલું ત્યારે મને શબ્દો આપવામાં આવે, જેથી હું હિંમતથી ખુશખબરનું પવિત્ર રહસ્ય જાહેર કરી શકું.+ ૨૦ એ ખુશખબર માટે હું સાંકળોમાં બંધાયેલો ઈશ્વરનો સંદેશવાહક* છું.+ એવી પણ પ્રાર્થના કરો કે ખુશખબર માટે મારે જેમ બોલવું જોઈએ, એમ હું હિંમતથી બોલી શકું.
૨૧ આપણો વહાલો ભાઈ અને માલિક ઈસુનો વિશ્વાસુ સેવક તુખિકસ+ તમને મારા હાલચાલ અને મારા કામકાજ વિશે જણાવશે.+ ૨૨ એટલે જ હું તેને તમારી પાસે મોકલું છું, જેથી તે તમને અમારા વિશે જણાવી શકે અને તમારાં હૃદયોને દિલાસો આપી શકે.
૨૩ ઈશ્વર આપણા પિતા પાસેથી અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી ભાઈઓને શાંતિ અને પ્રેમ સાથે શ્રદ્ધા પણ મળે. ૨૪ જેઓ આપણા માલિક ઈસુ ખ્રિસ્તને સાચો* પ્રેમ કરે છે, તેઓ સર્વ પર અપાર કૃપા રહે.