લૂક
૫ ઈસુ એકવાર ગન્નેસરેતના સરોવર* નજીક ઈશ્વરનો સંદેશો જણાવી રહ્યા હતા.+ લોકો તેમને સાંભળતા હતા અને તેમની નજીક જવા પડાપડી કરતા હતા. ૨ ઈસુએ સરોવરના કિનારે બે હોડીઓ જોઈ. માછીમારો એમાંથી ઊતરીને પોતાની જાળ ધોતા હતા.+ ૩ ઈસુ એક હોડીમાં ચઢી ગયા, જે સિમોનની હતી. તેમણે તેને કહ્યું કે હોડીને કિનારેથી થોડે દૂર લઈ લે. પછી તે હોડીમાં બેસીને ટોળાંને શીખવવા લાગ્યા. ૪ પછી તેમણે સિમોનને કહ્યું: “ઊંડા પાણીમાં લઈ જાઓ અને ત્યાં માછલીઓ પકડવા તમારી જાળ નાખો.” ૫ સિમોને કહ્યું: “ઉપદેશક, આખી રાત અમે સખત મહેનત કરી અને કંઈ જ પકડાયું નહિ.+ પણ તમે કહો છો એટલે હું જાળ નાખીશ.” ૬ તેઓએ એમ કર્યું ત્યારે પુષ્કળ માછલીઓ પકડાઈ, એટલી બધી કે તેઓની જાળ ફાટવા લાગી.+ ૭ તેઓએ બીજી હોડીમાંના પોતાના સાથીઓને મદદે આવવા ઇશારો કર્યો. તેઓએ આવીને બંને હોડીઓ એટલી ભરી કે એ ડૂબવા લાગી. ૮ એ જોઈને સિમોન પિતરે ઘૂંટણિયે પડીને ઈસુને કહ્યું: “માલિક મારી પાસેથી ચાલ્યા જાઓ, કેમ કે હું પાપી માણસ છું.” ૯ તેઓએ ઘણી માછલીઓ પકડી હોવાથી, પિતર અને તેની સાથેના બધાને ઘણી નવાઈ લાગી. ૧૦ ઝબદીના દીકરાઓ યાકૂબ અને યોહાન+ પણ દંગ રહી ગયા. તેઓ સિમોનના ભાગીદારો હતા. ઈસુએ સિમોનને કહ્યું: “ગભરાઈશ નહિ. હવેથી તું માણસોને ભેગા કરીશ.”+ ૧૧ તેઓ હોડીઓ કિનારે પાછી લાવ્યા અને બધું છોડીને તેમની પાછળ ગયા.+
૧૨ બીજા કોઈ સમયે તે એક શહેરમાં હતા. ત્યાં એક માણસ હતો, જેના આખા શરીરે રક્તપિત્ત* થયેલો હતો. તેણે ઈસુને જોયા ત્યારે તે જમીન સુધી નમીને આજીજી કરવા લાગ્યો: “માલિક, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”+ ૧૩ ઈસુ હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” તરત જ તેનો રક્તપિત્ત જતો રહ્યો.+ ૧૪ તેમણે આજ્ઞા કરી કે કોઈને કશું કહેતો નહિ. તેમણે જણાવ્યું: “પણ યાજક પાસે જઈને બતાવ. તું શુદ્ધ થયો હોવાથી મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”+ ૧૫ તોપણ તેમના વિશે વાતો ફેલાતી ગઈ. ટોળેટોળાં તેમને સાંભળવા અને પોતાની બીમારીઓથી સાજાં થવા આવ્યાં.+ ૧૬ તે વારંવાર એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરતા.
૧૭ એક દિવસ તે શીખવતા હતા ત્યારે, ફરોશીઓ* અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. તેઓ ગાલીલના અને યહૂદિયાના દરેક ગામમાંથી ને યરૂશાલેમમાંથી આવ્યા હતા. લોકોને સાજા કરવા માટે યહોવાની* શક્તિ ઈસુ પર હતી.+ ૧૮ જુઓ! લકવો થયેલા એક માણસને લોકો પથારીમાં લઈને આવ્યા. તેઓ તેને ઈસુ પાસે અંદર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.+ ૧૯ પણ ટોળાને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હતી. એટલે તેઓ છાપરા પર ચઢ્યા અને નળિયાં ખસેડીને એ માણસને પથારી સાથે ઈસુ આગળ નીચે ઉતાર્યો. ૨૦ ઈસુએ તેઓની શ્રદ્ધા જોઈને લકવો થયેલા માણસને કહ્યું: “તારાં પાપ માફ થયાં છે.”+ ૨૧ એટલે શાસ્ત્રીઓ* અને ફરોશીઓ વિચારવા લાગ્યા. તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા: “આ તે કોણ છે, જે ઈશ્વરની નિંદા કરે છે? ઈશ્વર સિવાય બીજું કોણ પાપોની માફી આપી શકે?”+ ૨૨ ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું: “તમે તમારાં દિલમાં કેમ આવું વિચારો છો? ૨૩ શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે’ કે પછી ‘ઊભો થા અને ચાલ’? ૨૪ પણ હું તમને બતાવું કે માણસના દીકરાને* પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે.” તેમણે લકવો થયેલા માણસને કહ્યું: “હું તને કહું છું કે ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.”+ ૨૫ એટલે તે તેઓની આગળ ઊભો થયો. તેણે પોતાની પથારી ઉઠાવી અને ઈશ્વરને મહિમા આપતો પોતાના ઘરે ગયો. ૨૬ બધા દંગ રહી ગયા અને ઈશ્વરને મહિમા આપવા લાગ્યા. તેઓ પર ડર છવાઈ ગયો અને તેઓએ કહ્યું: “આજે અમે અદ્ભુત બનાવ જોયો છે!”
૨૭ એ બધું બન્યા પછી ઈસુ ત્યાંથી નીકળ્યા. તેમણે કર ઉઘરાવનાર લેવીને કર ભરવાની કચેરીમાં બેઠેલો જોયો. તેમણે તેને કહ્યું: “મારો શિષ્ય થા.”+ ૨૮ તે ઊભો થયો અને બધું છોડીને તેમની પાછળ ગયો. ૨૯ પછી લેવીએ ઈસુ માટે પોતાના ઘરમાં મોટી મિજબાની રાખી. ત્યાં ઘણા કર ઉઘરાવનારા અને બીજાઓ તેમની સાથે જમવા બેઠા હતા.+ ૩૦ એ જોઈને ફરોશીઓએ અને શાસ્ત્રીઓએ કચકચ કરી. તેઓ શિષ્યોને પૂછવા લાગ્યા: “તમે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાઓ-પીઓ છો?”+ ૩૧ ઈસુએ તેઓને કહ્યું: “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.+ ૩૨ હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું કે તેઓ પસ્તાવો કરે.”+
૩૩ અમુક લોકોએ આવીને તેમને પૂછ્યું: “યોહાનના શિષ્યો વારંવાર ઉપવાસ અને વિનંતીઓ કરે છે. ફરોશીઓના શિષ્યો પણ એમ કરે છે. પરંતુ તમારા શિષ્યો તો ખાતાં-પીતાં રહે છે.”+ ૩૪ ઈસુએ કહ્યું: “જ્યાં સુધી વરરાજા સાથે હોય છે, ત્યાં સુધી શું તમે તેના મિત્રોને ઉપવાસ કરાવી શકો? ૩૫ પણ એવા દિવસો આવશે જ્યારે વરરાજાને+ તેઓ પાસેથી લઈ લેવામાં આવશે અને એ દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.”+
૩૬ તેમણે તેઓને એક ઉદાહરણ પણ જણાવ્યું: “નવા કપડામાંથી ટુકડો કાપીને કોઈ જૂના કપડા પર થીંગડું મારતું નથી. જો તે એમ કરે, તો નવા કપડાનો ટુકડો ફાટી જશે અને જૂના કપડા સાથે મેળ નહિ ખાય.+ ૩૭ કોઈ જૂની મશકોમાં* નવો દ્રાક્ષદારૂ ભરતું નથી. જો તે એમ કરે, તો નવો દ્રાક્ષદારૂ મશકોને ફાડી નાખશે અને એ દ્રાક્ષદારૂ ઢોળાઈ જશે અને મશકો નકામી થઈ જશે. ૩૮ પણ નવો દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરવામાં આવે છે. ૩૯ જૂનો દ્રાક્ષદારૂ પીધા પછી કોઈ નવો માંગશે નહિ, કેમ કે તે કહે છે: ‘જૂનો સારો છે.’”