ફિલિપીઓને પત્ર
૨ ખ્રિસ્તમાં બીજાઓને ઉત્તેજન આપવા, પ્રેમથી દિલાસો આપવા, એકબીજા માટે લાગણી બતાવવા* તેમજ કરુણા અને દયા બતાવવા બનતું બધું કરો. ૨ જો એમ કરશો તો મને ખૂબ ખુશી થશે. એકમનના થાઓ, એકબીજાને પ્રેમ બતાવો તેમજ કાર્યો અને વિચારોમાં પૂરી રીતે એકતામાં રહો.*+ ૩ અદેખાઈને લીધે*+ કે અભિમાનને લીધે કંઈ ન કરો,+ પણ નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.*+ ૪ તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો,+ પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.+
૫ તમે ખ્રિસ્ત ઈસુ જેવો સ્વભાવ રાખો.+ ૬ તે ઈશ્વર જેવા હતા,+ છતાં તેમણે ઈશ્વર સમાન થવાનો વિચાર સુદ્ધાં ન કર્યો.+ ૭ પણ તેમણે પોતાની પાસે જે કંઈ હતું, એનો ત્યાગ કર્યો* અને દાસ જેવા થયા+ અને મનુષ્ય બન્યા.+ ૮ એટલું જ નહિ, તે મનુષ્ય તરીકે આવ્યા ત્યારે, તેમણે પોતાને નમ્ર કર્યા અને છેક મરણ સુધી, હા, વધસ્તંભ* પરના મરણ સુધી વફાદાર રહ્યા.*+ ૯ એટલે ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી+ અને દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.+ ૧૦ ઈશ્વરે એવું કર્યું, જેથી સ્વર્ગના, પૃથ્વી પરના અને જમીન નીચેના* બધા જ ઈસુના નામને મહિમા આપે.*+ ૧૧ બધા લોકો* જાહેરમાં કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત આપણા માલિક છે,+ જેથી ઈશ્વર આપણા પિતાને મહિમા મળે.
૧૨ મારા વહાલા ભાઈઓ, તમે હંમેશાં આધીન રહ્યા છો. તમે મારી હાજરીમાં જ નહિ, મારી ગેરહાજરીમાં પણ આધીન રહ્યા છો. એટલે હું તમને અરજ કરું છું કે તમારા ઉદ્ધાર માટે ડર અને આદર* સાથે મહેનત કરતા રહો. ૧૩ ઈશ્વર તમને બળ આપે છે, જેથી તમે તેમને ખુશ કરી શકો. એવું કરવા તે તમને ઇચ્છા* અને બળ આપે છે. ૧૪ તમે કચકચ+ અને દલીલ કર્યા વગર બધાં કામ કરો,+ ૧૫ જેથી તમે ઈશ્વરનાં શુદ્ધ અને નિર્દોષ બાળકો થાઓ.+ તમે દુષ્ટ અને આડી પેઢી વચ્ચે રહો છો,+ છતાં કલંક વગરના રહીને ઝળહળતા પ્રકાશ જેવા છો.+ ૧૬ જીવન આપતા સંદેશા પર મજબૂત પકડ રાખો.+ એમ કરશો તો, મને ખ્રિસ્તના દિવસે આનંદ કરવાનું કારણ મળશે કે, મારી સખત મહેનત અને મારા પ્રયત્નો નકામાં ગયાં નથી. ૧૭ જો તમારાં બલિદાનો પર+ અને વફાદારીથી કરેલી તમારી સેવા પર મારે દ્રાક્ષદારૂ-અર્પણની* જેમ પૂરેપૂરા રેડાઈ જવું પડે,+ તોપણ હું ખુશ છું અને તમારા બધા સાથે આનંદ કરું છું. ૧૮ તમે પણ મારી સાથે ખુશ થાઓ એવી હું અરજ કરું છું.
૧૯ હું આશા રાખું છું કે માલિક ઈસુની ઇચ્છા હશે તો, હું જલદી જ તિમોથીને તમારી પાસે મોકલીશ,+ જેથી તમારા ખબરઅંતર જાણીને મને ઉત્તેજન મળે. ૨૦ કેમ કે તિમોથી જેવું* મારી પાસે બીજું કોઈ નથી, જે દિલથી તમારી સંભાળ રાખે. ૨૧ બીજા બધા તો પોતાનો જ ફાયદો જુએ છે. તેઓને ઈસુ ખ્રિસ્તની કંઈ પડી નથી. ૨૨ પણ તમે જાણો છો કે જેમ દીકરો પિતાની સાથે મળીને મહેનત કરે, તેમ તિમોથીએ મારી સાથે મળીને ખુશખબર ફેલાવવા મહેનત કરી છે અને પોતાને લાયક સાબિત કર્યો છે.+ ૨૩ મારું શું થશે એની ખબર પડતાં જ હું તેને તમારી પાસે મોકલવાની આશા રાખું છું. ૨૪ મને પૂરો ભરોસો છે કે માલિક ઈસુ મને પણ જલદી જ તમારી પાસે આવવા દેશે.+
૨૫ પણ હમણાં તો મને જરૂરી લાગે છે કે હું એપાફ્રદિતસને તમારી પાસે મોકલું. તે મારો ભાઈ, સાથી કામદાર અને સાથી સૈનિક છે. તે તમે મોકલેલો સંદેશવાહક છે અને સેવક તરીકે તેણે મને મદદ કરી છે.+ ૨૬ તે તમને બધાને જોવા ઘણો આતુર છે. તે બીમાર હતો એ વિશે તમે સાંભળ્યું છે, એટલે તે દુઃખી દુઃખી થઈ ગયો છે. ૨૭ તે મરણતોલ બીમાર પડ્યો હતો. પણ ઈશ્વરે તેને દયા બતાવી, મને પણ દયા બતાવી, જેથી મારા દુઃખમાં વધારો ન થાય. ૨૮ હું તેને જલદી જ તમારી પાસે મોકલું છું, જેથી તેને જોઈને તમે ફરીથી આનંદ કરો. પછી મને પણ તમારી બહુ ચિંતા નહિ થાય. ૨૯ માલિક ઈસુના શિષ્યોનો આવકાર કરો છો તેમ તેનો ખુશીથી આવકાર કરજો. તમે બતાવી આપજો કે તેના જેવા ભાઈઓ તમને વહાલા છે.+ ૩૦ કેમ કે ખ્રિસ્તની સેવા માટે તે લગભગ મરવાની અણી પર હતો. તમે મારી મદદે* અહીં આવી ન શક્યા ત્યારે તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.+