ગલાતીઓને પત્ર
૩ ઓ અણસમજુ ગલાતીઓ, કોણે તમને ભમાવ્યા?+ તમને તો સાફ સાફ જણાવવામાં આવ્યું હતું કે ઈસુ ખ્રિસ્તને કેમ વધસ્તંભે જડવામાં આવ્યા હતા.+ ૨ મારે તમને એક વાત પૂછવી છે. શું તમને નિયમશાસ્ત્રનાં કામોને લીધે પવિત્ર શક્તિ* મળી હતી કે ખુશખબરમાં શ્રદ્ધા મૂકવાને લીધે?+ ૩ શું તમારામાં જરાય બુદ્ધિ નથી? તમે પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવાનું શરૂ કર્યું હતું. હવે શું તમે માણસોના વિચારો પ્રમાણે ચાલવા માંગો છો?*+ ૪ શું તમે આટલી બધી તકલીફો કારણ વગર સહન કરી? હું નથી માનતો કે કોઈ કારણ વગર સહન કરી હોય. ૫ જરા વિચારો, તમને કેમ પવિત્ર શક્તિ આપવામાં આવી અને કેમ તમારી વચ્ચે શક્તિશાળી કામો કરવામાં આવ્યાં.+ શું તમે નિયમશાસ્ત્ર પ્રમાણે કામ કર્યાં હતાં એટલે, કે પછી તમે ખુશખબરમાં શ્રદ્ધા મૂકી હતી એટલે? ૬ શું એ ખરું નથી કે ઇબ્રાહિમે “યહોવામાં* શ્રદ્ધા મૂકી અને તે નેક ગણાયો”?+
૭ તમે જાણો છો કે જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ ઇબ્રાહિમનાં બાળકો છે.+ ૮ ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું હતું કે તે શ્રદ્ધાના આધારે બીજી પ્રજાના લોકોને નેક ગણશે. એટલે ઈશ્વરે અગાઉથી ઇબ્રાહિમને ખુશખબર જાહેર કરી: “તારાથી સર્વ પ્રજાઓ આશીર્વાદ મેળવશે.”+ ૯ તેથી જેઓ શ્રદ્ધા રાખે છે, તેઓ શ્રદ્ધા રાખનાર ઇબ્રાહિમની જેમ આશીર્વાદ મેળવે છે.+
૧૦ નિયમશાસ્ત્રનાં કામો પર આધાર રાખનારા બધા લોકો શ્રાપ નીચે છે, કેમ કે લખેલું છે: “જે માણસ નિયમશાસ્ત્રના વીંટામાં* લખેલી બધી વાતો પાળતો નથી, તેના પર શ્રાપ આવે છે.”+ ૧૧ દેખીતું છે કે ઈશ્વર આગળ નિયમશાસ્ત્ર દ્વારા કોઈ માણસ નેક ઠરતો નથી,+ કેમ કે લખેલું છે: “ન્યાયી માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે.”+ ૧૨ નિયમશાસ્ત્ર પાળવા શ્રદ્ધાની જરૂર નથી. એને બદલે, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ નિયમશાસ્ત્ર પાળશે, એ જીવતો રહેશે.”+ ૧૩ ખ્રિસ્તે આપણને ખરીદ્યા+ અને નિયમશાસ્ત્રના શ્રાપમાંથી મુક્ત કરવા+ આપણા બદલે તે પોતે શ્રાપિત થયા, કેમ કે લખેલું છે: “થાંભલા* પર લટકાવેલા દરેક માણસ પર ઈશ્વરનો શ્રાપ છે.”+ ૧૪ એવું એટલા માટે થયું, જેથી ઇબ્રાહિમને મળનારા આશીર્વાદો ખ્રિસ્ત ઈસુ દ્વારા બીજી પ્રજાઓને પણ મળે+ અને શ્રદ્ધા દ્વારા આપણને વચન પ્રમાણે પવિત્ર શક્તિ મળે.+
૧૫ ભાઈઓ, હું તમને રોજિંદા જીવનનો એક દાખલો આપું: એક વાર કોઈ કરાર* પાકો થાય પછી એને કોઈ રદ કરી શકતું નથી કે એમાં ઉમેરો કરી શકતું નથી, પછી ભલે એ કરાર કોઈ માણસે કર્યો હોય. ૧૬ હવે ઇબ્રાહિમ અને તેમના વંશજને વચનો આપવામાં આવ્યાં હતાં.+ શાસ્ત્ર એવું નથી કહેતું, “અને તારા વંશજોને,” જાણે ઘણા વંશજો હોય, પણ શાસ્ત્ર કહે છે: “અને તારા વંશજને,” એટલે કે એકને, જે ખ્રિસ્ત છે.+ ૧૭ હું એ પણ કહું છું: ઈશ્વરે એ કરાર કર્યો એના ૪૩૦ વર્ષ+ પછી નિયમશાસ્ત્ર આપ્યું. પણ એ નિયમશાસ્ત્ર ઈશ્વરે કરેલા અગાઉના કરારને અને વચનને રદ કરતું નથી. ૧૮ કેમ કે જો વારસો નિયમશાસ્ત્રને આધારે હોય, તો એ વચનને આધારે નથી. પણ ઈશ્વરે ઇબ્રાહિમને કૃપા બતાવી અને વચન દ્વારા તેમને વારસો આપ્યો.+
૧૯ તો નિયમશાસ્ત્ર કેમ આપવામાં આવ્યું હતું? જે વંશજને વચન આપવામાં આવ્યું હતું, એ આવે ત્યાં સુધી+ લોકોનાં પાપ જાહેર કરવા માટે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું.+ ઈશ્વરે એ નિયમશાસ્ત્ર દૂતોને આપ્યું+ અને તેઓએ મૂસાને મધ્યસ્થ* રાખીને એ જાહેર કર્યું.+ ૨૦ પણ જ્યાં એક જ પક્ષ હોય ત્યાં મધ્યસ્થની જરૂર નથી. વચન આપતી વખતે એક જ પક્ષ હતો, એટલે કે ઈશ્વર પોતે. ૨૧ તો શું નિયમશાસ્ત્ર ઈશ્વરનાં વચનોની વિરુદ્ધ છે? ના, જરાય નહિ! કેમ કે જો લોકોને એવું નિયમશાસ્ત્ર મળ્યું હોત જે જીવન આપી શકે, તો તેઓ નિયમશાસ્ત્ર પાળીને નેક* ગણાયા હોત. ૨૨ પણ શાસ્ત્રએ લોકોને પાપના બંધનમાં સોંપી દીધા, જેથી ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખનારાઓને ઈશ્વરના વચન પ્રમાણે આશીર્વાદો મળે.
૨૩ પણ શ્રદ્ધા આવી એ પહેલાં, આપણને નિયમશાસ્ત્રથી રક્ષણ મળતું હતું, આપણે એના બંધનમાં હતા અને એ શ્રદ્ધાની રાહ જોતા હતા, જે જલદી જ પ્રગટ થવાની હતી.+ ૨૪ આમ નિયમશાસ્ત્ર* આપણો રખેવાળ* બનીને ખ્રિસ્ત પાસે દોરી લાવ્યું,+ જેથી આપણે શ્રદ્ધાથી નેક* ગણાઈએ.+ ૨૫ પણ હવે શ્રદ્ધા આવી ગઈ હોવાથી+ આપણે રખેવાળના* હાથ નીચે નથી.+
૨૬ હકીકતમાં, તમે બધા ખ્રિસ્ત ઈસુમાં મૂકેલી તમારી શ્રદ્ધાને લીધે+ ઈશ્વરના દીકરાઓ છો.+ ૨૭ કેમ કે તમે ખ્રિસ્તમાં બાપ્તિસ્મા* લીધું હોવાથી ખ્રિસ્તના પગલે ચાલો છો.*+ ૨૮ હવે તમે યહૂદી હો કે ગ્રીક,+ ગુલામ હો કે આઝાદ,+ પુરુષ હો કે સ્ત્રી, કોઈ ફરક પડતો નથી.+ કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુના શિષ્યો તરીકે એકતામાં છો.+ ૨૯ જો તમે ખ્રિસ્તના હો, તો વચન પ્રમાણે+ તમે ખરેખર ઇબ્રાહિમના વંશજ+ અને વારસદાર+ છો.