૪ મારા દીકરાઓ, તમારા પિતાની શિખામણ સાંભળો,+
એના પર ધ્યાન આપો, જેથી તમને સમજણ મળે.
૨ હું તમને સારી સલાહ આપીશ,
મારી શીખવેલી વાતોનો ત્યાગ કરશો નહિ.+
૩ હું મારા પિતાનો ડાહ્યો દીકરો હતો,+
હું મારી માનો લાડકો દીકરો હતો.+
૪ મારા પિતાએ મને શીખવ્યું અને કહ્યું:
“બેટા, મારી વાતો તારા દિલ પર છાપી લે.+
મારી આજ્ઞાઓ પાળ અને જીવતો રહે.+
૫ બુદ્ધિ મેળવ, સમજણ મેળવ,+
મારી વાતો ભૂલીશ નહિ, એનાથી મોં ફેરવીશ નહિ.
૬ બુદ્ધિને ત્યજીશ નહિ, એ તારું રક્ષણ કરશે.
એને પ્રેમ કરજે, એ તારી સંભાળ રાખશે.
૭ બુદ્ધિ સૌથી મહત્ત્વની છે,+ એટલે એ પ્રાપ્ત કર,
ભલે તું ગમે એ મેળવે, પણ સમજણ મેળવવાનું ચૂકતો નહિ.+
૮ બુદ્ધિને ખૂબ અનમોલ ગણજે, એ તને મહાન બનાવશે.+
તું એને વળગી રહેજે, એ તારું ગૌરવ વધારશે.+
૯ એ તારા માથા પર ફૂલોનો તાજ મૂકશે
અને સુંદર મુગટથી તારી શોભા વધારશે.”
૧૦ બેટા, મારી વાતો સાંભળ અને એ પ્રમાણે કર,
તો તારું આયુષ્ય ઘણું લાંબું થશે.+
૧૧ હું તને બુદ્ધિના માર્ગે ચાલવાનું શીખવીશ,+
હું તને સાચા માર્ગે દોરી જઈશ.+
૧૨ તું ચાલીશ ત્યારે કોઈ નડતર તને રોકશે નહિ,
તું દોડીશ ત્યારે તને ઠોકર વાગશે નહિ.
૧૩ શિસ્તનો સ્વીકાર કરજે, એને છોડતો નહિ,+
તું જે શીખ્યો છે એને યાદ રાખજે, કેમ કે એ તારું જીવન છે.+
૧૪ દુષ્ટોના માર્ગમાં પગ મૂકતો નહિ,
ખરાબ લોકોના રસ્તે ચાલતો નહિ.+
૧૫ એ રસ્તાથી દૂર રહેજે, ત્યાં ફરકતો પણ નહિ,+
એ રસ્તે જતો નહિ અને તારા માર્ગે ચાલ્યો જા.+
૧૬ કેમ કે દુષ્ટતા કર્યા વગર દુષ્ટોને ઊંઘ આવતી નથી.
કોઈનું નુકસાન કર્યા વગર તેઓની ઊંઘ ઊડી જાય છે.
૧૭ તેઓ દુષ્ટતાની રોટલીથી પોતાનું પેટ ભરે છે
અને હિંસાનો દ્રાક્ષદારૂ પીએ છે.
૧૮ નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે,
જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.+
૧૯ દુષ્ટોનો માર્ગ ઘોર અંધકાર જેવો છે,
તેઓ શાનાથી ઠેસ ખાય છે, એ પણ તેઓ જાણતા નથી.
૨૦ બેટા, મારા શબ્દો પર ધ્યાન આપ,
મારી વાતો કાને ધર.
૨૧ એને તારી નજર આગળથી દૂર થવા ન દે,
એને તારા દિલમાં સંઘરી રાખ.+
૨૨ એનો સ્વીકાર કરનાર માણસ જીવશે,+
તેનું આખું શરીર તંદુરસ્ત રહેશે.
૨૩ સૌથી વધારે તું તારા દિલની સંભાળ રાખ,+
કેમ કે એમાંથી જીવનનો ઝરો વહે છે.
૨૪ તારા મોંમાંથી ખરાબ શબ્દો ન નીકળે,+
તારા હોઠોમાંથી છળ-કપટની વાતો ન નીકળે.
૨૫ તારી નજર તારા માર્ગ પર રાખ,
તારી આંખો રસ્તા પરથી ફંટાવા ન દે.+
૨૬ તારા માર્ગમાંથી નડતરો દૂર કર,+
એટલે તારા બધા માર્ગો સલામત થશે.
૨૭ ડાબે કે જમણે વળતો નહિ,+
બૂરાઈના માર્ગમાં પગ મૂકતો નહિ.