પિતરનો પહેલો પત્ર
૧ હું પિતર, ઈસુ ખ્રિસ્તનો* પ્રેરિત*+ આ પત્ર લખું છું. ઈશ્વરથી પસંદ થયેલા લોકો, જેઓ પોન્તસ, ગલાતિયા, કપ્પદોકિયા,+ આસિયા અને બિથુનિયામાં વિખેરાયેલા છે અને પરદેશી તરીકે રહે છે, તેઓને આ પત્ર લખું છું. ૨ ઈશ્વર આપણા પિતાએ ભવિષ્ય જાણવાની શક્તિને આધારે તમને પસંદ કર્યા છે.+ તેમણે તમને પવિત્ર શક્તિથી* પવિત્ર કર્યા છે,+ જેથી તમે તેમની આજ્ઞા માનો અને ઈસુ ખ્રિસ્તના લોહીથી તે તમને શુદ્ધ કરે.+
તમને ઈશ્વરની અપાર કૃપા* અને પુષ્કળ શાંતિ મળે.
૩ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે અપાર દયા બતાવીને આપણને નવો જન્મ આપ્યો છે,+ જેથી આપણને કાયમી આશા મળે.+ ઈસુ ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરવામાં* આવ્યા હોવાથી આપણને આ આશા મળી છે.+ ૪ ઈશ્વર તમને એવો વારસો આપે છે, જેનો કદી નાશ થઈ શકતો નથી કે જે નષ્ટ થતો નથી.+ એ વારસો તેમણે તમારા માટે સ્વર્ગમાં સાચવી રાખ્યો છે.+ ૫ તમારી શ્રદ્ધાને લીધે ઈશ્વર પોતાની શક્તિથી તમને ઉદ્ધાર માટે સલામત રાખે છે. એ ઉદ્ધાર અંતના સમયમાં પ્રગટ કરવામાં આવશે. ૬ આ બધું જાણીને તમે ઘણો આનંદ કરો છો, પછી ભલે હમણાં થોડા સમય માટે સતાવણીઓને લીધે તમારે દુઃખો વેઠવાં પડે.+ ૭ એ સતાવણીઓ તો એટલા માટે આવે છે, જેથી ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય+ ત્યારે તમારી પરખાયેલી શ્રદ્ધાને લીધે+ તમને સ્તુતિ, માન અને મહિમા મળે. સોનું અગ્નિથી પરખાયેલું* હોવા છતાં નાશ પામે છે. તમારી શ્રદ્ધા એ સોના કરતાં પણ વધારે મૂલ્યવાન છે. ૮ તમે ખ્રિસ્તને કદી જોયા નથી, છતાં તેમને પ્રેમ કરો છો. તમે તેમને હમણાં જોતા નથી, છતાં તેમનામાં શ્રદ્ધા મૂકો છો અને શબ્દોમાં જણાવી ન શકાય એવી ખુશી મનાવો છો અને ખૂબ જ આનંદ કરો છો, ૯ કેમ કે તમને ખાતરી છે કે તમારી શ્રદ્ધાને લીધે તમારો ઉદ્ધાર થશે.+
૧૦ તમને મળનાર અપાર કૃપા વિશે જે પ્રબોધકોએ* ભવિષ્યવાણી કરી હતી, તેઓએ એ ઉદ્ધાર વિશે ખંતથી તપાસ કરી હતી અને ધ્યાનથી શોધ કરી હતી.+ ૧૧ અગાઉથી ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ દ્વારા તેઓને જણાવ્યું હતું કે ખ્રિસ્ત દુઃખો સહન કરશે+ અને પછીથી તેમને મહિમા મળશે. એટલે તેઓ તપાસ કરતા રહ્યા કે ખ્રિસ્ત સાથે શું થવાનું છે અને એ ક્યારે થશે.+ ૧૨ ઈશ્વરે એ પ્રબોધકોને જણાવ્યું કે તેઓએ કરેલી ભવિષ્યવાણી તેઓના પોતાના માટે નહિ, પણ તમારા માટે હતી. હવે સ્વર્ગમાંથી મળેલી પવિત્ર શક્તિએ ખુશખબરના પ્રચારકોને મદદ કરી અને તેઓએ એ સંદેશો તમને આપ્યો.+ દૂતો* પણ એ સંદેશો સમજવા ઘણા આતુર છે.
૧૩ તેથી સખત મહેનત કરવા તમારાં મન તૈયાર કરો.+ પૂરી સમજદારીથી વર્તો.+ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે, તમારા પર જે અપાર કૃપા બતાવવામાં આવશે, એના પર તમારી આશા રાખો. ૧૪ તમે આજ્ઞા પાળનારાં બાળકો છો, એટલે અગાઉની ઇચ્છાઓ પ્રમાણે ચાલવાનું બંધ કરો.* એ સમયે તમારી પાસે ઈશ્વરનું જ્ઞાન ન હતું. ૧૫ પણ જે પવિત્ર ઈશ્વરે તમને બોલાવ્યા છે, તેમની જેમ તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ,+ ૧૬ જેમ લખેલું છે: “તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.”+
૧૭ ઈશ્વર આપણા પિતા જરાય પક્ષપાત વગર દરેકનો તેના કામ પ્રમાણે ન્યાય કરે છે.+ જો તમે એ પિતાને પોકાર કરતા હો, તો તમે આ દુનિયામાં પરદેશી તરીકે જીવો ત્યાં સુધી તેમનો ડર રાખીને જીવો.+ ૧૮ તમારા બાપદાદાઓ પાસેથી મળેલા રીતરિવાજોને લીધે તમારું જીવન સાવ નકામું હતું. પણ તમે જાણો છો કે તમને એમાંથી આઝાદ કરવામાં આવ્યા છે.*+ એ આઝાદી સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ, ૧૯ પણ કલંક વગરના અને નિર્દોષ ઘેટા+ જેવા ખ્રિસ્તના+ મૂલ્યવાન લોહીથી+ મળી છે. ૨૦ દુનિયાનો પાયો નંખાયો* એ પહેલાં ઈશ્વરે ખ્રિસ્તને પસંદ કર્યા હતા,+ પણ તમારા માટે તેમને અંતના સમયે જાહેર કરવામાં આવ્યા છે.+ ૨૧ તેમના દ્વારા તમે ઈશ્વરમાં શ્રદ્ધા મૂકો છો.+ ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા+ અને તેમને મહિમા આપ્યો,+ જેથી તમે ઈશ્વર પર શ્રદ્ધા અને આશા રાખી શકો.
૨૨ તમે ખરા શિક્ષણને આધીન રહીને પોતાને શુદ્ધ કર્યા હોવાથી ભાઈઓ પર ઢોંગ વગરનો પ્રેમ રાખો છો.+ એટલે હવે પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરો.+ ૨૩ તમને નવો જન્મ આપવામાં આવ્યો છે,+ જે વિનાશી નહિ પણ અવિનાશી બીજથી*+ તથા જીવંત અને સદાકાળ રહેનાર ઈશ્વરના વચનથી આપવામાં આવ્યો છે.+ ૨૪ કેમ કે “બધા લોકો ઘાસ જેવા છે. તેઓનો મહિમા મેદાનનાં ફૂલો જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે, ૨૫ પણ યહોવાના* શબ્દો હંમેશાં ટકી રહે છે.”+ એ “શબ્દો” તો તમને જણાવેલી ખુશખબર છે.+