નિર્ગમન
૨૮ “તું તારા ભાઈ હારુનને+ અને તેના દીકરાઓ+ નાદાબ, અબીહૂ,+ એલઆઝાર અને ઇથામારને+ ઇઝરાયેલીઓમાંથી અલગ કર. તેઓ મારા માટે યાજકો તરીકે સેવા આપશે.+ ૨ તારા ભાઈ હારુન માટે એવાં પવિત્ર વસ્ત્રો બનાવ, જે તેને ગૌરવ આપે અને તેની શોભા વધારે.+ ૩ જે કારીગરોને મેં ડહાપણથી ભરપૂર કર્યા છે,+ તેઓને તું હારુનનાં વસ્ત્રો બનાવવાનું કહે. એ વસ્ત્રોથી જાહેર થશે કે હારુનને યાજક તરીકે સેવા આપવા પવિત્ર કરવામાં આવ્યો છે.
૪ “તેઓ આ વસ્ત્રો બનાવે: છાતીએ પહેરવાનું ઉરપત્ર,+ એફોદ,+ બાંય વગરનો ઝભ્ભો,+ ચોકડીવાળો ઝભ્ભો, પાઘડી+ અને કમરપટ્ટો.+ તેઓ એ પવિત્ર વસ્ત્રો તારા ભાઈ હારુન અને તેના દીકરાઓ માટે બનાવે, જેથી તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકે. ૫ એ કારીગરો સોના, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક શણથી એ વસ્ત્રો બનાવે.
૬ “તેઓ સોના, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી એફોદ બનાવે અને એના પર ભરતકામ કરે.+ ૭ એફોદ બે ભાગમાં બનેલો હોય. આગળનો ભાગ અને પાછળનો ભાગ ખભાએ ઉપર જોડી દેવો. ૮ એફોદને બાંધવા ગૂંથેલો કમરપટ્ટો+ બનાવ, જે એફોદ સાથે જોડાયેલો હોય. એ કમરપટ્ટો પણ સોના, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી બનેલો હોય.
૯ “તું ગોમેદના બે કીમતી પથ્થર+ લે અને એના પર ઇઝરાયેલના દીકરાઓનાં નામ કોતર.+ ૧૦ દીકરાઓની ઉંમર પ્રમાણે તેઓનાં નામ કોતર. એક પથ્થર પર છ અને બીજા પથ્થર પર છ. ૧૧ જેમ મહોર* પર કોતરણી કરવામાં આવે છે, તેમ કોતરણી કરનાર કારીગર એ પથ્થર પર ઇઝરાયેલના દીકરાઓનાં નામ કોતરે.+ પછી, એ બે પથ્થરને તું સોનાનાં ચોકઠાંમાં બેસાડ. ૧૨ તું એ બંને પથ્થરને એફોદના ખભા પરના બંને ભાગ પર લગાવ, જેથી ઇઝરાયેલના દીકરાઓ માટે એ યાદગીરીના પથ્થર બને.+ હારુન પોતાના ખભા પર એ નામ રાખીને યહોવા આગળ યાદગીરી તરીકે લઈ જાય. ૧૩ તું સોનાનાં ચોકઠાં બનાવ ૧૪ અને દોરીની જેમ વણેલી ચોખ્ખા સોનાની બે સાંકળીઓ બનાવ+ અને એને ચોકઠાં સાથે જોડી દે.+
૧૫ “તું ભરતકામ કરનારને ન્યાયનું ઉરપત્ર બનાવવાનું કહે.+ એ એફોદની જેમ સોના, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણનું બનેલું હોય.+ ૧૬ એ ઉરપત્ર એવું હોય કે વચ્ચેથી વાળવાથી એ ચોરસ બની જાય, એક વેંત* લાંબું અને એક વેંત પહોળું હોય. ૧૭ એના પર ચાર હરોળમાં કીમતી પથ્થર જડ. પહેલી હરોળમાં માણેક, પોખરાજ અને લીલમ હોય. ૧૮ બીજી હરોળમાં પીરોજ, નીલમ અને યાસપિસ હોય. ૧૯ ત્રીજી હરોળમાં લેશેમ,* અકીક અને યાકૂત હોય. ૨૦ ચોથી હરોળમાં તૃણમણિ, ગોમેદ અને મરકત હોય. એ બધા પથ્થરને સોનાનાં ચોકઠાંમાં જડ. ૨૧ મહોરની જેમ એ ૧૨ પથ્થર પર ઇઝરાયેલના ૧૨ દીકરાઓનાં નામ કોતર, એટલે કે એક પથ્થર પર એક નામ. એ ૧૨ નામ ૧૨ કુળોને રજૂ કરે છે.
૨૨ “તું ઉરપત્ર માટે દોરીની જેમ વણેલી ચોખ્ખા સોનાની સાંકળીઓ બનાવ.+ ૨૩ તું ઉરપત્ર માટે સોનાની બે કડીઓ બનાવ. એ બે કડીઓને ઉરપત્રના ઉપરના બે ખૂણા પર લગાવ. ૨૪ ઉરપત્રના ખૂણા પર લગાડેલી બે કડીઓમાં તું સોનાની બે સાંકળીઓ પરોવ. ૨૫ સોનાની એ સાંકળીઓના બે છેડા એફોદના ખભા પર લાગેલાં ચોકઠાં સાથે જોડી દે. આમ ઉરપત્ર એફોદના આગળના ભાગમાં લટકશે. ૨૬ તું સોનાની બીજી બે કડીઓ બનાવ અને એને ઉરપત્રની અંદરની બાજુએ નીચેના બંને છેડે લગાવ. એટલે કે એફોદ તરફના નીચલા ખૂણે લગાવ.+ ૨૭ તું સોનાની બીજી બે કડીઓ બનાવ અને એફોદના ખભાના બે ભાગ જોડાય એ સાંધાની નીચે લગાવ. એટલે કે એફોદની આગળની બાજુએ એ સાંધાની નજીક, ગૂંથેલા કમરપટ્ટાની ઉપરની બાજુએ લગાવ.+ ૨૮ ઉરપત્રની કડીઓને એફોદની કડીઓ સાથે ભૂરી દોરીથી બાંધ. આમ, ઉરપત્ર ગૂંથેલા કમરપટ્ટા ઉપર રહેશે અને એફોદથી છૂટું પડશે નહિ.
૨૯ “હારુન પવિત્ર જગ્યામાં* આવે ત્યારે, પોતાની છાતી પર ન્યાયનું ઉરપત્ર પહેરે. ઇઝરાયેલના દીકરાઓનાં નામ લખેલું એ ઉરપત્ર યહોવા આગળ હંમેશાં યાદગીરી માટે થશે. ૩૦ તું ન્યાયના ઉરપત્રમાં ઉરીમ અને તુમ્મીમ*+ મૂક. હારુન જ્યારે પણ યહોવા આગળ આવે, ત્યારે તે ઉરપત્ર પોતાની છાતી પર રાખે. યહોવા આગળ આવે ત્યારે હારુન એ વસ્તુઓ હંમેશાં પોતાની છાતી પર રાખે, જે ઇઝરાયેલીઓનો ન્યાય કરવા વપરાશે.
૩૧ “તું એફોદ નીચે પહેરવા બાંય વગરનો ઝભ્ભો બનાવ, જે પૂરેપૂરો ભૂરી દોરીથી બનેલો હોય.+ ૩૨ તું ઝભ્ભામાં ગળું બનાવ અને એની કિનારી ગૂંથી લે. જેમ બખ્તરના ગળાની કિનારી મજબૂત હોય છે, તેમ એની કિનારી મજબૂત રાખ, જેથી ઝભ્ભો ફાટી ન જાય. ૩૩ તું ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન અને લાલ દોરીથી દાડમ બનાવ અને એને ઝભ્ભાની નીચેની કોરે લટકાવ. બે દાડમની વચ્ચે સોનાની એક ઘંટડી મૂક. ૩૪ એક સોનાની ઘંટડી પછી એક દાડમ, બીજી સોનાની ઘંટડી પછી બીજું દાડમ. એ રીતે તું બાંય વગરના ઝભ્ભાની નીચેની કોર ભરી દે. ૩૫ સેવા કરતી વખતે હારુન એ ઝભ્ભો પહેરે. જ્યારે તે યહોવા આગળ પવિત્ર જગ્યામાં* અંદર જાય અને બહાર આવે, ત્યારે એ ઘંટડીઓનો અવાજ સંભળાશે અને તે માર્યો નહિ જાય.+
૩૬ “તું ચોખ્ખા સોનાની ચળકતી પટ્ટી બનાવ અને એના પર મહોરની જેમ આ કોતરણી કર: ‘યહોવા પવિત્ર છે.’+ ૩૭ એ પટ્ટીને ભૂરી દોરીથી પાઘડીના+ આગળના ભાગમાં બાંધ. ૩૮ એ પટ્ટી હારુનના કપાળ પર રહે. જો કોઈ વ્યક્તિ પવિત્ર વસ્તુઓ વિરુદ્ધ પાપ કરે, તો એનો દોષ હારુનને માથે રહે,+ કેમ કે એ વસ્તુઓને ઇઝરાયેલીઓ પવિત્ર ભેટ તરીકે અર્પણ કરે છે. પટ્ટી હંમેશાં હારુનના કપાળ પર રહે, જેથી ઇઝરાયેલીઓ યહોવાની નજરમાં કૃપા પામે.
૩૯ “તું બારીક શણનો ચોકડીવાળો ઝભ્ભો વણીને બનાવ. તેમ જ, બારીક શણની પાઘડી અને ગૂંથેલો કમરપટ્ટો બનાવ.+
૪૦ “હારુનના દીકરાઓને+ ગૌરવ આપે અને તેઓની શોભા વધારે માટે તું ઝભ્ભા, કમરપટ્ટા અને સાફા બનાવ.+ ૪૧ તું એ વસ્ત્રો હારુન અને તેના દીકરાઓને પહેરાવ અને તેઓને અભિષિક્ત કર.+ તેઓને યાજકો તરીકે નિયુક્ત કર*+ અને પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે. ૪૨ વધુમાં, તેઓની નગ્નતા ઢાંકવા તું શણના જાંઘિયા બનાવ,+ જે કમરથી જાંઘ સુધી લાંબા હોય. ૪૩ હારુન અને તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં આવે અથવા પવિત્ર જગ્યામાં* વેદી પાસે સેવા કરવા આવે, ત્યારે તેઓ એ જાંઘિયા પહેરીને આવે. આમ, તેઓ પર દોષ નહિ લાગે અને તેઓ માર્યા નહિ જાય. હારુન અને તેના પછી આવનાર તેના વંશજો માટે એ આજ્ઞા હંમેશ માટે છે.