યોહાન
૧૬ “મેં તમને એ બધું જણાવ્યું છે, જેથી તમે ઠોકર ન ખાઓ. ૨ લોકો તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે.+ અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનારા લોકોને+ લાગશે કે પોતે ઈશ્વરની પવિત્ર સેવા કરે છે. ૩ તેઓ એવું કરશે, કારણ કે તેઓ પિતાને કે મને ઓળખતા નથી.+ ૪ મેં તમને આ વાતો જણાવી, જેથી એ બધું થવાનો સમય આવે ત્યારે તમને યાદ હોય કે મેં એ વિશે જણાવ્યું હતું.+
“મેં તમને આ વાતો અગાઉ જણાવી ન હતી, કારણ કે હું તમારી સાથે હતો. ૫ હવે હું મને મોકલનારની પાસે જાઉં છું.+ તોપણ તમારામાંથી કોઈ મને પૂછતું નથી કે ‘તમે ક્યાં જાઓ છો?’ ૬ મેં તમને એ વાતો જણાવી હોવાથી, તમારાં દિલ શોકમાં ડૂબી ગયાં છે.+ ૭ હું તમને સાચું કહું છું કે હું તમારા ભલા માટે જાઉં છું. હું ન જાઉં તો સહાયક તમારી પાસે આવશે નહિ. જો હું જાઉં તો સહાયકને+ તમારી પાસે મોકલીશ. ૮ જ્યારે સહાયક આવશે ત્યારે દુનિયાને પાપ વિશે, ઈશ્વરનાં ખરાં ધોરણો વિશે અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવતા આ પુરાવા આપશે: ૯ પહેલા તો પાપ વિશે,+ કેમ કે દુનિયા મારા પર શ્રદ્ધા રાખતી નથી.+ ૧૦ પછી ઈશ્વરનાં ખરાં ધોરણો વિશે, કેમ કે હું પિતા પાસે જાઉં છું અને હવેથી તમે મને જોશો નહિ. ૧૧ એ પછી ન્યાયચુકાદા વિશે, કેમ કે આ દુનિયાના શાસકનો ન્યાય કરવામાં આવ્યો છે.+
૧૨ “મારે તમને હજુ ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે એ સમજી શકો એમ નથી. ૧૩ જ્યારે સહાયક એટલે કે સત્યની પવિત્ર શક્તિ+ તમારા પર આવશે, ત્યારે તે તમને સત્ય પૂરેપૂરું સમજવા મદદ કરશે. તે પોતાના વિચારો નહિ જણાવે, પણ તે જે સાંભળે છે એ કહેશે. તે ભવિષ્યમાં થનાર વાતો તમારી આગળ જાહેર કરશે.+ ૧૪ તે મને મહિમા આપશે,+ કેમ કે તે મારી પાસેથી સાંભળેલી વાતો તમારી આગળ જાહેર કરશે.+ ૧૫ પિતા પાસે જે બધું છે એ મારું છે.+ એટલે મેં કહ્યું કે એ સહાયક મારી પાસેથી સાંભળેલી વાતો તમારી આગળ જાહેર કરશે. ૧૬ થોડા સમય પછી તમે મને જોશો નહિ+ અને થોડા સમય પછી તમે મને ફરીથી જોશો.”
૧૭ એ સાંભળીને તેમના અમુક શિષ્યો એકબીજાને કહેવા લાગ્યા: “તે કહે છે કે ‘થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે મને ફરીથી જોશો.’ તે એવું પણ કહે છે કે ‘હું પિતા પાસે જાઉં છું.’ તે કેમ એવું કહે છે?” ૧૮ તેઓ કહેવા લાગ્યા: “તે ‘થોડા સમય પછી’ કહે છે એનો શું અર્થ થાય? તે શાની વાત કરે છે એ સમજાતું નથી.” ૧૯ ઈસુ સમજી ગયા કે તેઓ તેમને સવાલ પૂછવા માંગે છે. તેમણે શિષ્યોને કહ્યું: “મેં તમને જણાવ્યું કે ‘થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે મને ફરીથી જોશો.’ શું તમે એ વિશે જાણવા એકબીજાને પૂછો છો? ૨૦ હું તમને સાચે જ કહું છું કે તમે રડશો અને વિલાપ કરશો, પણ દુનિયા આનંદ કરશે. તમે શોક કરશો, પણ તમારો શોક ખુશીમાં બદલાઈ જશે.+ ૨૧ પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે, કેમ કે બાળકને જન્મ આપવાનો સમય આવ્યો છે. પણ બાળકને જન્મ આપ્યા પછી તે વેદના ભૂલી જાય છે. દુનિયામાં બાળક આવ્યું એની તેને ઘણી ખુશી થાય છે. ૨૨ એ જ પ્રમાણે તમે પણ હમણાં શોકમાં છો. પણ હું તમને ફરીથી મળીશ ત્યારે તમારાં દિલ ખુશ થશે.+ કોઈ તમારી ખુશી છીનવી લેશે નહિ. ૨૩ એ દિવસે તમે મને એક પણ સવાલ પૂછશો નહિ. હું તમને સાચે જ કહું છું કે જો તમે પિતા પાસે કંઈ માંગશો,+ તો તે તમને મારા નામમાં એ આપશે.+ ૨૪ હમણાં સુધી તમે મારા નામમાં એક પણ વસ્તુ માંગી નથી. માંગો અને તમને મળશે, જેથી તમારી ખુશીનો પાર ન રહે.
૨૫ “આ વાતો મેં તમને ઉદાહરણોમાં કહી છે. એવી ઘડી આવી રહી છે, જ્યારે હું તમને ઉદાહરણોમાં કહીશ નહિ, પણ હું પિતા વિશે તમને સાફ સાફ જણાવીશ. ૨૬ એ દિવસે તમે મારા નામમાં પિતાને વિનંતી કરશો. મારા કહેવાનો અર્થ એવો નથી કે હું તમારા માટે વિનંતી કરીશ. ૨૭ પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે+ અને ભરોસો કર્યો છે કે ઈશ્વરે મને મોકલ્યો છે.+ ૨૮ હું પિતા પાસેથી દુનિયામાં આવ્યો છું. હવે હું આ દુનિયા છોડીને પિતા પાસે જાઉં છું.”+
૨૯ શિષ્યોએ કહ્યું: “જુઓ! હવે તમે ઉદાહરણોમાં નહિ, પણ સાફ સાફ કહો છો. ૩૦ હવે અમને ખબર પડી કે અમારે સવાલ પૂછવાની જરૂર નથી, કેમ કે તમે બધું જ જાણો છો. અમે માનીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.” ૩૧ ઈસુએ તેઓને કહ્યું: “હવે તો માનો છો ને? ૩૨ જુઓ! એવી ઘડી આવી રહી છે અને હવે આવી પહોંચી છે, જ્યારે તમે બધા વિખેરાઈને પોતપોતાનાં ઘરે ચાલ્યા જશો. તમે મને એકલો છોડી દેશો.+ પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.+ ૩૩ મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારામાં તમને શાંતિ મળે.+ દુનિયામાં તમારા પર તકલીફો આવશે. પણ હિંમત રાખજો, મેં દુનિયા પર જીત મેળવી છે!”+